ટંકણખાર : બોરૅક્સ નામે જાણીતું બોરૉનનું સંયોજન. તેનું રાસાયણિક નામ ડાઇસોડિયમ ટેટ્રાબોરેટ ડેકાહાઇડ્રેટ તથા તેનું સૂત્ર Na2B4O7·10H2O છે. ટંકણખાર નરમ, સફેદ, સ્ફટિકમય સંયોજન છે. તે પાણીમાં દ્રાવ્ય છે તથા ભેજયુક્ત હવામાં તેના ગાંગડા બની જાય છે.
દુનિયાનો ટંકણખારનો મુખ્ય સ્રોત દક્ષિણ કૅલિફૉર્નિયાની ડેથ વૅલી છે. જમીનમાં સ્ફોટક પદાર્થના ધડાકા કરીને તેના ગઠ્ઠાઓ કાઢવામાં આવે છે. તેના નાના ટુકડા કરી ઓગાળી, એ દ્રાવણનું શુદ્ધીકરણ કરી બાષ્પીભવન કરવાથી ટંકણખાર શુદ્ધ સ્ફટિક રૂપે મળે છે. કડવા અથવા શુષ્ક સરોવરોમાંથી પણ ટંકણખાર મેળવવામાં આવે છે. આ ઉપરાંત ટંકણખારનો બીજો મુખ્ય સ્રોત કર્નાઇટ ખનિજ (Na2B4O7·4H2O) છે. તેમાં 75 % જેટલું ટંકણખારનું પ્રમાણ હોય છે. કર્નાઇટને પાણીમાં ઓગાળી, અશુદ્ધિઓ ગાળી લઈ તેનું ધીમું સ્ફટિકીકરણ કરવામાં આવે છે. તિબેટમાં પણ ટંકણખાર મોટા પ્રમાણમાં મળે છે. હાલમાં તેનો સૌથી મોટો ઉત્પાદક દેશ અમેરિકા છે. કોલેમ્નાઇટ નામના ખનિજમાંથી પણ ટંકણખાર મેળવાય છે. કોલેમ્નાઇટનો ભૂકો સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે ગરમ કરતાં કૅલ્શિયમ કાર્બોનેટ અવક્ષેપ પામે છે; તેને ગાળી લેતાં દ્રાવણમાં ટંકણખાર તથા સોડિયમ મેટાબૉરેટનું મિશ્રણ મળે છે :
Ca2B6O11 + 2 Na2CO3 → 2CaCO3 ↓ + Na2B4O7 + 2NaBO2
દ્રાવણ ઠંડું પાડતાં ટંકણખાર સ્ફટિક રૂપે અલગ પડે છે. માતૃદ્રવમાં CO2 વાયુ પસાર કરતાં મેટાબોરેટનું વિઘટન થવાથી વધુ ટંકણખાર મળે છે :
4NaBO2 + CO2 → Na2CO3 + Na2B4O7
પ્રયોગશાળામાં બોરિક ઍસિડના ઊકળતા દ્રાવણમાં નિર્જળ સોડા ઍશ નાખી દ્રાવણ ઠંડું પાડતાં ટંકણખારના સ્ફટિક મળે છે :
4H3BO3 + Na2CO3 → Na2B4O7 + 6H2O + CO2
ટંકણખારના અનેક ઔદ્યોગિક ઉપયોગો છે. વૉશિંગ પાઉડર, પાણીનાં મૃદુકારકો તથા સાબુ બનાવવામાં ટંકણખાર વપરાય છે. તેને ચિનાઈ માટી તથા અન્ય પદાર્થો સાથે મેળવીને પૉર્સૅલિનના ઇનૅમલ બનાવાય છે; જે સિંક, સ્ટવ, રેફ્રિજરેટર તથા ધાતુનાં ટાઇલ્સ બનાવવામાં વપરાય છે. કુંભાર માટીનાં વાસણો પર ચળકાટ લાવવા માટે ટંકણખાર વાપરે છે. કાચના ઉત્પાદકો રેતી સાથે તેને ભેળવે છે, જેથી તેનું ગલનબિંદુ નીચે આવે છે અને તે સહેલાઈથી પીગળે છે; પરિણામે કાચ મજબૂત અને ચળકતો બને છે. કાચનાં રાંધવાનાં વાસણો, થરમૉમીટર માટે કાચ વગેરે બનાવવામાં ટંકણખાર વપરાય છે. આ ઉપરાંત તે ટૅક્સ્ટાઇલ ઉદ્યોગમાં, ચામડું કમાવવામાં તથા કાગળના ઉત્પાદનમાં વપરાય છે. પ્રયોગશાળામાં તે ગુણાત્મક (ગણક) કસોટી માટે વપરાય છે.
જ. પો. ત્રિવેદી