ટંકણખાર (borax) (ભૂસ્તર)

January, 2014

ટંકણખાર (borax) (ભૂસ્તર) : રાસા. બં. : Na2B4O7·10H2O અથવા Na2O2B2O3·10H2O. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ.સ્વ. : ટૂંકા પ્રિઝમ સ્વરૂપોમાં; (100) ફલકોવાળા મેજઆકાર સ્વરૂપોમાં; દળદાર હોય ત્યારે ઘનિષ્ઠ; સ્ફટિકોની યુગ્મતા (100) ફલક પર, પરંતુ વિરલ. સ્ફટિકો પારદર્શકથી અપારદર્શક. ક. : 2 થી 2·5; વિ.ઘ. : 1·70થી 1·715 ± 0·005. ચ. : કાચમય, કેટલાકમાં મૃણ્મય. સં. : (100) પૂર્ણ; (110) થોડીક અપૂર્ણ; (010) અંશત:. ભં. સ. : વલયાકાર, ખૂબ જ બરડ. રં.: રંગવિહીન, સફેદથી રાખોડી સફેદ, લીલાશ પડતો સફેદ કે ભૂરાશ પડતો સફેદ. ચૂ. રંગ : સફેદ. પ્ર. અચ. : α = 1·4466, β = 1·4687, γ = 1·4717. પ્ર. સંજ્ઞા : –ve; 2V = 39° 58´, અન્ય ગુણધર્મ : જળદ્રાવ્ય અને સ્વાદ ખારાશ પડતો.

પ્રાપ્તિસ્થિતિ : ક્ષારીય સરોવરોમાંથી બાષ્પીભવનની પેદાશ તરીકે; ગરમ પાણીના ઝરામાંથી ઊપજતા નિક્ષેપ તરીકે; શુષ્ક વિસ્તારોમાં જમીન પર નીકળી આવતી પોપડી સ્વરૂપે મળે છે. હવાના સંપર્કમાં ખુલ્લા રહેવાથી સફેદ બની રહે છે.

ટંકણખારના સ્ફટિકો
સ્ફટિકો ખડી જેવા શ્વેત ટિન-કેલ્કોનાઇટમાં પરિવર્તિત થયેલા છે.
(સ્થાન : કૅલિફૉર્નિયા)

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ. અને ઇટાલી ટંકણખારની સંપત્તિના સંદર્ભમાં દુનિયાભરમાં મોખરાનાં સ્થાન ભોગવે છે. આ ઉપરાંત ચિલી, આર્જેન્ટિના, બોલિવિયા, ઈરાન, રશિયા, તિબેટ, તુર્કસ્તાન, જર્મની અને કાશ્મીરમાં તે મળી આવે છે.

તિબેટમાં તે ઘણાં ક્ષારસરોવરોની પેદાશો – સૂકા થાળામાં બનતા નિક્ષેપો – પૈકીનો એક ઘટક છે જે બાષ્પીભવન દ્વારા તૈયાર થાય છે અને સરોવરોના કિનારા-પટ નીચે ખોદવાથી મળે છે. અહીંના ટંકણખારનો મૂળ ઉદભવ ગરમ પાણીના ઝરાઓ દ્વારા થયો હોવાનું કહેવાય છે. ભારતમાં તે 4500 મી.ની ઊંચાઈએ લડાખની પુગા ખીણના 76,200 ચોમી.ના વિસ્તારમાં 3 મિમી.થી 6.4 સેમી. જાડાઈ ધરાવતી સફેદ પોપડી રૂપે મળી આવે છે. તે ગંધક નિક્ષેપો સાથે સંકળાયેલી સ્થિતિમાં, ગરમ પાણીના ઝરાઓમાંથી બનેલા અવક્ષેપ સ્વરૂપે મળતો હોઈ તેમાં ગંધક ઉપરાંત અન્ય ક્ષારો પણ હોય છે. પુગા ખીણના નિક્ષેપો હાલ કાર્યરત ન હોવાથી ભારતે તેની જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરવી પડે છે. આ ઉપરાંત, રૂલાંગ ચુ નદીકિનારે આશરે 3.2 કિમી. લંબાઈમાં પણ તે મળી રહે છે, જેમાં B2O3નું પ્રમાણ 1.48 %થી 3.31 % જેટલું છે. ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ(GSI)ના જણાવ્યા મુજબ આ જથ્થો 54,000 ટન જેટલો હોવાનું અંદાજાયું છે, જે પૈકી 5423 ટન જેટલો જથ્થો 4.49 % B2O3ના પ્રમાણવાળો છે. હુન્ડ્સ વિસ્તારમાં પણ શુષ્ક બની ગયેલાં સરોવરજન્ય સ્તરપડોમાંથી કેટલોક ટંકણખાર મેળવી શકાય તેમ છે. રાજસ્થાનના સાંભર સરોવરમાંથી પ્રાપ્ત ક્ષારોમાં ½ ટકો ટંકણખારની માત્રા હોવાનું કહેવાય છે. ગુજરાતમાં લીંબડીની આસપાસની જમીનોને ખોતરવાથી નજીવા પ્રમાણમાં તે મળી રહે છે.

ઉપયોગ : ટંકણખારના વિવિધ ઉપયોગો છે. તે ઉત્કૃષ્ટ કક્ષાના કાચની બનાવટમાં; કૃત્રિમ રત્નો, સાબુ, વાર્નિશ, રેણ કરવાના તેમજ  ઓપ આપવાના ઉપયોગમાં લેવાય છે. રાસાયણિક અને ધાતુશોધન પ્રક્રિયાઓમાં તે પ્રદ્રાવક (flux) તરીકે વપરાય છે. ઔષધોમાં તે દંતમંજનમાં, સૌંદર્યપ્રસાધનોમાં, મેડિકેટેડ લિન્ટ, ગૉઝ અને લોશનમાં તે વપરાય છે; કારણ કે તે સારામાં સારો જંતુનાશક ગણાય છે. આ ઉપરાંત તે બેકિંગ પાઉડરની બનાવટમાં, ખાદ્યચીજોની જાળવણીમાં, સફાઈ-ધોલાઈ માટે બનાવાતા ઘટકોમાં, ચામડું કમાવવા માટે ઉપયોગમાં લેવાતાં દ્રવ્યોમાં, કાપડ-ઉદ્યોગમાં રંગસ્થાપક (mordant) તરીકે, માટી-ઉદ્યોગમાં વાસણોને ચમક–ઓપ આપવા માટે વપરાય છે. બોરૅક્સમાંથી મેળવાતા તત્વ બોરૉનમાંથી બોરૉન કાર્બાઇડ (કાર્બોરંડમ કરતાં પણ કઠણ હોવાથી) અપઘર્ષક તરીકે વપરાય છે. ફેરો–બોરૉન પોલાદમાં ઉમેરવાથી સખત પોલાદ તૈયાર થાય છે. કૃત્રિમ ખાતરોમાં પણ તે તદ્દન ઓછા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે.

યુ.એસ.માં કૅલ્શિયમ બોરેટના વિશાળ જથ્થા મળી આવેલા હોવાથી તેમાંથી આ સંયોજન કૃત્રિમ રીતે બનાવાય છે. તેથી સૂરોખાર, ફટકડી, વગેરેની જેમ જ ટંકણખારનો વેપાર પણ જે અગાઉ મોટા પાયા પર અને સારા પ્રમાણમાં આર્થિક લાભ કરાવતો તે હવે ઘણો ઘટી ગયો છે.

ગિરીશભાઈ પંડ્યા