ટલીડો (toledo) (2) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના વાયવ્ય ખૂણે મિશિગન સીમાની પાસે આવેલું ઔદ્યોગિક અને વ્યાપારી શહેર. ભૌગોલિક સ્થાન : 41o 39’ ઉ. અ. અને 83o 33’ પ. રે.. તે લુકાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. તે ઇરી સરોવરના પશ્ચિમ ખૂણા પર, ડેટ્રૉઇટ નગરની દક્ષિણે આશરે 89 કિમી. અંતરે વસેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 210 ચોકિમી. છે. નગરની વસ્તી 2,87,208 (2010) અને મહાનગરની વસ્તી 6,51,409 (2010) છે.

તેની ગણના દેશના આગળ પડતાં ઔદ્યોગિક અને વાહન-વ્યવહારનાં કેન્દ્રોમાં થાય છે. ઇરી સરોવરના કિનારે આવેલ હોવાથી તે મહત્વનું સરોવરબંદર પણ છે. કોલસા, અનાજ તથા લોખંડ અને પોલાદ જેવી વસ્તુઓની હેરફેર આ બંદર પરથી થાય છે; તેમાં કોલસો તથા ઇમારતી લાકડા ઉપરાંત ઓહાયોના ફળદ્રૂપ વિસ્તારમાં પેદા થયેલ મકાઈ, ઘઉં અને અન્ય અનાજનો સમાવેશ થાય છે. તેલશુદ્ધીકરણનું તે મહત્ત્વનું કેન્દ્ર છે. તે નૈર્ઋત્યનાં ખનિજતેલ-કેન્દ્રો સાથે તેલનું વહન કરતી પાઇપલાઇનથી જોડાયેલું છે.

વર્ષો સુધી કાચની બનાવટો માટે મહત્વના કેન્દ્ર તરીકે તે જાણીતું હતું; પરંતુ હવે એનું સ્થાન અન્ય આર્થિક પ્રવૃત્તિઓએ લીધું છે. આજે અહીં ખનિજતેલનું શુદ્ધીકરણ કરવાના, ખાદ્યપદાર્થો પર પ્રક્રમણ કરવાના તેમજ વાહનો બનાવવાના ઉદ્યોગ વિકસ્યા છે. યુ.એસ.માં મોટર-ગાડીઓના ભાગો બનાવનાર આ સૌથી આગળ પડતું કેન્દ્ર હોઈ તેને ‘હાઉસ ઑવ્ જીપ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વાહનવ્યવહારનો વિકાસ ઘણો થયેલો છે. વિમાની કંપનીઓ તથા રેલ અને બસની વિસ્તૃત સેવાઓને પરિણામે આ નગર દેશનાં અન્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્રો સાથે સંકળાયેલું છે.

નગરમાં ટલીડો કલા-સંગ્રહાલય, ટલીડો પ્રાણી-સંગ્રહાલય, વિશાળ ઉદ્યાનો, મેડિકલ કૉલેજ તથા યુનિવર્સિટી ઑવ્ ટલીડો (સ્થાપના 1872) આવેલાં છે. 1817માં આ સ્થળે પૉર્ટ લૉરેન્સના વસવાટ સ્થળની સ્થાપના કરવામાં આવી. આ વિસ્તારને ઓહાયોના નહેરમાળખામાં સમાવવાના પ્રશ્ને ઓહાયો રાજ્ય તથા મિશિગન પ્રદેશ(territory) વચ્ચે 1835માં સંઘર્ષ થયેલો જે ‘ટલીડો યુદ્ધ’ના નામે ઓળખાય છે. અમેરિકાના તે સમયના પ્રમુખે ઓહાયોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, જેના બદલામાં મિશિગન પ્રદેશને રાજ્યનો દરજ્જો બક્ષવામાં આવ્યો હતો.

નિયતિ મિસ્ત્રી