ઝામ્બિયા (Zambia) : પૂર્વ મધ્ય આફ્રિકાનું સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 14° 30´ દ. અ. અને 27° 30´ પૂ. રે.. અગાઉ તે ઉત્તર રોડેશિયા તરીકે ઓળખાતું હતું. ટાંગાનિકા સરોવરથી નામિબિયાની કેપ્રીવી પટ્ટી સુધી વિસ્તરેલા આ દેશના અગ્નિખૂણે ટાન્ઝાનિયા, પશ્ચિમ અને ઉત્તરે કૉંગો પ્રજાસત્તાક, પશ્ચિમે ઍંગોલા, નૈર્ઋત્ય ખૂણે કેપ્રીવી પટ્ટી અને બૉટ્સવાનાનો ભાગ, દક્ષિણે ઝિમ્બાબ્વે, અગ્નિખૂણે મોઝામ્બિક અને પૂર્વ દિશાએ માલાવી આવેલા છે. વિક્ટોરિયા ધોધ તેની દક્ષિણ સરહદે આવેલો છે. વિસ્તાર : 7,52,620 ચોકિમી.. લુસાકા તેનું પાટનગર છે.
આ રાજ્યનો મોટો ભાગ ઉચ્ચપ્રદેશ છે. તેની સરાસરી ઊંચાઈ 900થી 1500 મી. છે. મધ્યમાં આવેલ 1350 મી. ઊંચા, કરોડરજ્જુ સમાન પ્રદેશથી દેશના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે. ટાન્ઝાનિયાની સરહદે આવેલ મૂચિંગા પર્વતમાળા 320 કિમી. લાંબી અને 1840 મી. ઊંચી છે. મૂચિંગા પર્વતમાળા અને મવેરુ સરોવર વચ્ચેનો કૉંગો પ્રજાસત્તાકની સરહદનો ઉચ્ચપ્રદેશ સપાટ છે.
ઝામ્બેઝી નદીના ખીણપ્રદેશમાં 250 મિમી.થી પણ ઓછો વરસાદ પડે છે, જ્યારે મોટા ભાગના ઉચ્ચપ્રદેશમાં 750થી 1000 મિમી. વરસાદ પડે છે. સૌથી વધુ વરસાદ જાન્યુઆરીમાં પડે છે. મેથી ઑગસ્ટની ઠંડી ઋતુમાં તાપમાન 16oથી 27oસે. અને ઑગસ્ટથી નવેમ્બર સુધી ઉનાળામાં તાપમાન 28o સે.થી 32o સે. રહે છે. ઉચ્ચપ્રદેશની આબોહવા સવાના કે સુદાન પ્રકારની છે.
ઉચ્ચપ્રદેશમાં મુખ્યત્વે ઊંચું ઘાસ અને છૂટાંછવાયાં કાંટાળાં વૃક્ષો જોવા મળે છે. નદીની ખીણોમાં મોટેભાગે મોપની વૃક્ષો હોય છે. વધુ વરસાદવાળા ભાગમાંનાં જંગલોનું પ્રમાણ 30 % છે. 40,000 હેક્ટર જમીનમાં પાઇન અને યુકેલિપ્ટસનું વાવેતર છે. ઇમારતી લાકડું આયાત કરાય છે.
ઘેટાં-બકરાં અને ડુક્કર મુખ્ય પશુ છે. ત્સેત્સે નામની માખી ઢોરોમાં રોગ ફેલાવે છે, તેથી પશુપાલન વિકસેલ નથી. યુરોપિયન વસાહતીઓ દ્વારા બીફ, ડુક્કરનું માંસ અને મરઘાં પૂરાં પડાય છે. નદી, સરોવરો અને કળણવાળો 1,52,000 હેક્ટર વિસ્તાર મચ્છીમારી માટે ઉપયોગી છે.
ઊંચા ઘાસવાળા ભાગમાં ઝીબ્રા, હરણાં, વાંદરાં, ગેંડા, હિપોપૉટેમસ, હાથી, સિંહ વગેરે પ્રાણીઓ અને નદીઓમાં મગર જોવા મળે છે. લુઆંગ ખીણમાં શિકાર માટેનાં અરણ્યો છે.
ઝાઇરની સરહદે આવેલી તાંબાની ખાણમાં 1984માં 6.33 લાખ ટન ઉત્પાદન હતું. દુનિયાના તાંબાના ઉત્પાદનમાં તેનો 7% હિસ્સો હતો. કોબાલ્ટનું 4000 ટન ઉત્પાદન હતું. કુલ નિકાસમાં આ બંને ધાતુનો 90 %થી 92 % જેટલો હિસ્સો છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. તમાકુ, મકાઈ, બાજરી, જુવાર, ડાંગર, શેરડી, કપાસ, કસાવા કંદ, સોયાબીન અને સૂર્યમુખીનું વાવેતર થાય છે. અનાજ પૂરતું પાકતું નથી તેથી તે આયાત થાય છે. યુરોપિયન વસાહતીઓનાં મોટાં ખેતરોમાં વધુ પાક થાય છે.
અહીં લોખંડ ને પોલાદનાં નાનાં કારખાનાં અને ખાતરનાં કારખાનાં ઉપરાંત પીણાં, પ્રક્રિયા કરેલ ખોરાક, સિગારેટ, કાપડ, તૈયાર કપડાં, રસાયણો, પ્લાસ્ટિક, કાગળ વગેરેનાં કારખાનાં છે. યંત્રો, વાહનવ્યવહારનાં સાધનો, અનાજ, રસાયણો, પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા પાકો માલ આયાત થાય છે. આયાતનું પ્રમાણ વધારે હોવાથી બજેટમાં મોટાભાગે ખાધ રહે છે. તેનો ગ્રેટ બ્રિટન, ચીન, જાપાન, દક્ષિણ આફ્રિકા વગેરે સાથે વેપાર છે. તાંબાની ખાણવાળા પ્રદેશને ટાન્ઝાનિયા સાથે જોડતો રેલમાર્ગ ચીને બાંધી આપ્યો છે તેથી તે દ્વારા તેઓ સમુદ્ર સુધી પહોંચી શક્યા છે.
2022માં ઝામ્બિયાની વસ્તી 1.96 કરોડ જેટલી છે. મોટાભાગના લોકો પરંપરાગત ધર્મ પાળે છે. કેટલાક ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ પંથના છે, જ્યારે થોડાક ઇસ્લામ અને હિંદુ ધર્મ પાળે છે. 75,000 જેટલા બિનઆફ્રિકનોમાં યુરોપિયનો તથા હિંદીઓ મુખ્ય છે. કિમી. દીઠ વસ્તીનું પ્રમાણ 8 છે.
1966માં લુસાકા ખાતે યુનિવર્સિટી ઑવ્ ઝૅમ્બિયાની સ્થાપના થઈ હતી. 2/3 પ્રૌઢ લોકો અભણ હતા. ગ્રામવિસ્તારમાં 1/3 બાળકો અને કન્યાઓ અભણ હતાં. વાર્ષિક બજેટના 10% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ થતો હતો.
આ દેશ 1964માં આઝાદ થયો. ડિસેમ્બર, 1972થી અહીં યુનાઇટેડ નૅશનલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીનું શાસન છે. આ દેશની 1851માં ડેવિડ લિવિંગ્સ્ટને શોધ કરી હતી. અહીં તે 20 વરસ રહ્યો હતો. બ્રિટિશ સાઉથ આફ્રિકન કંપનીના વડા સેસિલ રોડે સ્થાનિક મુખીઓ સાથે કરાર કર્યા હતા. 1920માં તાંબું મળી આવતાં યુરોપિયનો આવ્યા. 1952 –63 સુધી ઉત્તર રોડેશિયા, દક્ષિણ રોડેશિયા અને ન્યાસાલૅન્ડનું સમવાયી તંત્ર હતું. 1962 પછી ન્યાસાલૅન્ડ આ સંઘમાંથી છૂટું પડ્યું હતું. ત્યાર બાદ ઉત્તર રોડેશિયા અલગ થયું હતું. આ દેશ ઑર્ગેનિઝેશન ઑવ્ આફ્રિકન યુનિટી (OAU)માં અને યુનોમાં જોડાયેલ છે.
શિવપ્રસાદ રાજગોર