ઝામર (glaucoma) : આંખમાંના પ્રવાહીના દબાણમાં વધારો થવાથી થતો વિકાર. આંખમાંના પ્રવાહીના દબાણને અંતર્નેત્રીય દાબ (intraocular pressure – IOP) કહે છે. તેને કારણે ર્દષ્ટિપટલ(retina)ને નુકસાન થાય ત્યારે ર્દષ્ટિની તીવ્રતા ઘટે છે અને ક્યારેક અંધાપો આવે છે. ઝામરના વિવિધ પ્રકારોને સારણી 1માં દર્શાવ્યા છે. 40 વર્ષથી વધુ ઉંમરની 1 % વ્યક્તિઓમાં ઝામર થાય છે.

સારણી 1 : ઝામરના પ્રકારો

1. પ્રાથમિક (primary) ઝામર

બંધકોણીય (closed angle) : ઉગ્ર, ઉપ-ઉગ્ર અથવા દીર્ઘકાલી

મુક્તકોણીય (open angle) અથવા દીર્ઘકાલી સામાન્ય ઝામર

2. આનુષંગિક (secondary) ઝામર
3. જન્મજાત (congenital) ઝામર
4. અલ્પતાણ (low tension) ઝામર
5. નેત્રીય અતિદાબ (ocular hypertension)

પ્રાથમિક ઝામરમાં IOPના વધારાનું કારણ સ્પષ્ટ હોતું નથી, જ્યારે આનુષંગિક ઝામર કોઈક સ્થાનિક વિકાર હોય છે; દા.ત., કનીનિકાપટલશોથ (iritis), આંખને ઈજા, મધ્ય ર્દષ્ટિપટલીય શિરામાં અટકાવ અથવા આંખમાં દવા રૂપે વપરાતાં સ્ટીરૉઇડ જૂથનાં ટીપાંનો ઉપયોગ. આંખની કીકીમાંનાં છિદ્રોની આસપાસની પડદા જેવી સંરચનાને કનીનિકાપટલ અથવા કૃષ્ણમંડળ (iris) કહે છે. તેમાં ચેપ કે અન્ય કારણે સોજો આવે તો તેને કનીનિકાપટલશોથ કહે છે. ર્દષ્ટિપટલમાં આવેલી વચલી શિરાને મધ્ય-ર્દષ્ટિપટલીય શિરા કહે છે. પ્રાથમિક ઝામરના બંને ઉપપ્રકારો  બંધકોણીય અને મુક્ત-કોણીય માં અનેક પ્રકારની અસમાનતાઓ છે. મુક્તકોણીય ઝામર અથવા દીર્ઘકાલી સામાન્ય ઝામરનું પ્રમાણ સવિશેષ છે અને તે બંધકોણીય ઝામર કરતાં દસગણું છે. જીવનનાં પ્રથમ 3 વર્ષમાં થતા ઝામરને જન્મજાત ઝામર કહે છે. અલ્પતાણ ઝામરમાં IOP સામાન્ય હોય છે. પરંતુ તેમાં ઝામરના દર્દીમાં હોય એવું નેત્રચકતી(optic disc)માં કટોરીગુહા(cupping)નું પોલાણ ઉદભવેલું હોય છે અને વ્યક્તિ અંધ બને છે. તેનાથી વિપરીત, નેત્રીય અતિદાબમાં અંતર્નેત્રીય દાબ 21 mmHgથી વધુ હોવા છતાં ઝામરનાં કોઈ લક્ષણો વિકસેલાં હોતાં નથી. આ વિકારના કેટલાક દર્દીઓ ખરેખર તો દીર્ઘકાલી સામાન્ય ઝામરની શરૂઆતવાળા દર્દીઓ હોય છે.

અંતર્નેત્રીય દાબ (આકૃતિ 1) : આંખમાં નેત્રમણિની આગળ આવેલા કનીનિકાપટલની પણ આગળ એક પોલાણ આવેલું હોય છે જેને અગ્રખંડિકા (anterior chamber) કહે છે. તેમાં જલાભ પ્રવાહી (aqueous humor) નામનું પાણી જેવું પ્રવાહી હોય છે. તેના ઉત્પાદન અને નિર્ગમન(drainage)ની સમતુલા આંખની અગ્રખંડિકા તેમજ આખી આંખના દબાણનું નિયમન કરે છે. આ પ્રવાહીના દબાણને જ અંતર્નેત્રીય દાબ કહે છે. નેત્રમણિની આસપાસ પરિનેત્રમણિકાય (ciliary body) આવેલી હોય છે. તેમાંથી કનીનિકાપટલની પાછળ આવેલી પશ્ચખંડિકા(posterior chamber)માં જલાભપ્રવાહી ઝરે છે. કનીનિકા(pupil)ના છિદ્રમાં થઈને તે આગળના ભાગમાં આવે છે. કનીનિકાપટલ અને સ્વચ્છા (cornea) જે સ્થળે જોડાય છે ત્યાં ખૂણો બને છે. તેને અગ્રખંડિકા-કોણ (angle of anterior chamber) કહે છે. જો તે સાંકડો હોય તો તેને બંધકોણીય ઝામર કહે છે અને જો તે ખુલ્લો હોય તો તેને મુક્તકોણીય ઝામર કહે છે. અગ્રખંડિકા કોણમાં એક વર્તુળાકાર શ્લેષ્મની નળી આવેલી છે. અગ્રખંડિકામાં આવેલું પ્રવાહી શ્લેષ્મની વાહિની દ્વારા આંખની શિરાઓમાં પ્રવેશે છે. સામાન્ય રીતે એક આંખમાં 125 માઇક્રોલિટર જલાભ પ્રવાહી હોય છે અને તે 2.75 માઇક્રોલિટર/મિનિટના દરે લોહીમાં પાછું પ્રવેશે છે. અંતર્નેત્રીય દાબને નેત્રીય તાણ (ocular tension) પણ કહે છે અને તે તાણમાપક (tonometer) વડે મપાય છે.

આકૃતિ 1 : આંખની રચના તથા જલાભ પ્રવાહી(aqueous humor)નું ઉત્પાદન અને વહન. (નોંધ : તીરની દિશા જલાભ પ્રવાહીનું વહન દર્શાવે છે.) (અ) અને (આ) આંખનો ઊભો છેદ, (ઈ) અગ્રખંડિકા કોણ દર્શાવતું વિપુલીકરણ (magnification), (ઉ) જલાભ પ્રવાહીનું ઉત્પાદન અને વહનમાર્ગ : (1) સ્વચ્છા (cornea), (2) શ્વેતપટલ (sclera), (3) સ્વચ્છા-શ્વેતપટલ જોડાણ, (4) વાહિનીપટલ (choroid), (5) ર્દષ્ટિપટલ (retina), (6) પરિનેત્રમણિકાય (ciliary body), (7) કનીનિકાપટલ (iris), (8) અગ્રખંડિકા (anterior chamber), (9) કનીનિકા છિદ્ર (pupil), (10) પશ્ચખંડિકા (posterior chamber), (11) નેત્રમણિ, (12) કાચરસ (vitreous jelly), (13) ર્દષ્ટિબિંદુ (macula), (14) ર્દષ્ટિચકતી (optic disc), (15) ર્દષ્ટિચેતા (optic nerve), (16) નેત્રકલા (conjunctiva), (17) સ્નાયુ, (18) શ્લેષ્મની વાહિની, (19) કટોરીગુહા, (20) અવનેત્રકલા-શિરા (subconjunctival vein).

અગ્રખંડિકામાંના પ્રવાહીના દબાણને કારણે સ્વચ્છા ઊપસેલી રહે છે. તેના પર બહારથી દબાણ આપીને તેને દબાવી શકાય તો તેવો ‘ખાડો’ (indentation) કરવા માટે જરૂરી દબાણનું માપ મેળવી શકાય.

શિઓટ્ઝનાં દાબશીલ તાણમાપકો (indentation tonometers) : આ પદ્ધતિ દ્વારા આંખમાંના દબાણ વિશે માહિતી મેળવી શકાય છે. આ પ્રકારે અંતર્નેત્રીય દાબ માપવાની પદ્ધતિને તાણમાપન (tonometry) કહે છે. સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરની બધી જ વ્યક્તિઓની શારીરિક તપાસમાં તેનો સમાવેશ કરવાનું સૂચવાય છે. જેવી રીતે સ્વચ્છામાં ‘ખાડો’ કરવાની પદ્ધતિ છે તેવી રીતે ઊપસેલી સ્વચ્છાને સપાટ કરવાની (applanation) પદ્ધતિ પણ વિકસેલી છે. ફાટ-દીપ સૂક્ષ્મદર્શક (slit-lamp microscope) સામે ગોલ્ડમનના આવા સપાટકારી તાણમાપકો જોડીને પણ અંતર્નેત્રીય દાબની ગણતરી કરી શકાય છે. સપાટકારી તાણમાપન વધુ ચોક્કસ પણ ખર્ચાળ છે.

આકૃતિ 2 : શિઓટ્ઝનું દાબશીલ તાણમાપક (tonometer)
(1) પાદચકતી (footplate), (2) દાબક (plunger), (3) પાદચકતીનો નળાકાર, (4) ઉચ્ચાલન, (5)  દબાણદર્શક  (pointer), (6) દબાણનો અંક દર્શાવતી માપપટ્ટી.

શિઓટ્ઝના દાબશીલ તાણમાપકમાં એક અંતર્ગોળ પાદ  ચકતી(concave foot plate)વાળો નળાકાર હોય છે. તેમાં એક દાબક (plunger) હોય છે. ઉપલા છેડે એક ઉચ્ચાલન અને દબાણદર્શક (pointer) હોય છે. સામાન્ય રીતે સ્વચ્છાની વક્રસપાટીની ત્રિજ્યા 8 મિમી. હોય છે, જ્યારે પાદચકતીની વક્રસપાટીની ત્રિજ્યા 15 મિમી. હોય છે. એટલે કે પાદચકતી સ્વચ્છા કરતાં વધુ ચપટી હોય છે. પાદચકતી સ્વચ્છાને 0.05 મિમી. જેટલી દબાવે તે પછી જ તેમાં ખાડો કરી શકે છે માટે પાદચકતી અને દાબક વચ્ચે પણ 0.05 મિમી.નું અંતર હોય છે. દાબકનું વજન 5.5 ગ્રામ હોય છે અને તે વજન વધારીને 7.5 ગ્રામથી 15 ગ્રામ કરી શકાય છે. તાણમાપન માટે સ્વચ્છા તથા નેત્રકલા(conjunctiva)ને બહેરી કરીને તેના પર તાણમાપકની પાદચકતી હળવેથી ગોઠવીને સહેજ દબાવવામાં આવે છે, જેથી સ્વચ્છા પર ‘ખાડો’ પડે. તે વખતે ગણતરી કરેલી વાંકી અંકિત માપપટ્ટી પર ખસીને દર્શકકંટક દબાણ દર્શાવે છે. અંતર્નેત્રીય દાબ માપતી વખતે દર્દીને બંને આંખો ખુલ્લી રાખવાનું કહેવામાં આવે છે. દાબશીલ તાણમાપકો વડે સામાન્ય રીતે કરી શકાતું માપન 3 મિમી. પારદ(mm of Hg)ના ગાળામાં વધતું-ઓછું આવી શકે છે. સામાન્ય અંતર્નેત્રીય દાબનું માપ 15 ± 3 મિમી. પારદ હોય છે.

તાણ-આલેખન (tonography) નામની કસોટી વડે આંખમાંના પ્રવાહીના લોહીમાં પાછા ભળવાની પ્રક્રિયા સામેનો અવરોધ આડકતરી રીતે માપી શકાય છે.

15 ± 3 મિમી. પારદના દબાણને સામાન્ય દબાણ કહે છે, 22થી 24 મિમી.પારદના દબાણને શંકાસ્પદ અને 24થી વધુ દબાણને ઝામરનું નિદાનસૂચક ગણાય છે. સામાન્ય રીતે દિવસ-રાતમાં 5 મિમી. પારદ જેટલો અને ડાબી-જમણી આંખમાં 17 મિમી. પારદ જેટલો અંતર્નેત્રીય દાબમાં તફાવત પડે છે. ઝામર થાય ત્યારે આ પ્રકારનો તફાવત વધે છે. લોહીના દબાણની માફક અંતર્નેત્રીય દાબના કોઈ ચોક્કસ અંકને સામાન્ય કે વિષમ ગણવું મુશ્કેલ છે. જુદી જુદી વ્યક્તિની આંખોમાં જુદા જુદા દ્બાણે નુકસાન થાય છે. કેટલીક વ્યક્તિમાં 30 મિમી. પારદના દબાણ સાથે પણ અનેક વર્ષો સુધી આંખમાં નુકસાન થયેલું હોતું નથી. છતાં સામાન્ય રીતે અંતર્નેત્રીય દાબ વધુ હોય તો ર્દષ્ટિક્ષમતા ઘટે છે અને મોટી ઉંમરે તો ખાસ તેવું થવાની સંભાવના રહેલી છે.

અંતર્નેત્રીય દાબ વધવાની 3 મુખ્ય રોગકારી રીતો છે : (1) જલાભ પ્રવાહીનું વધુ ઉત્પાદન, (2) જલાભ પ્રવાહીના બંધારણમાં ફેરફાર તથા (3) જલાભ પ્રવાહીના નિર્ગમન(out flow)માં અટકાવ. જોકે પ્રથમ બે રીતો સામાન્ય રીતે ઝામર કરતી નથી. જલાભ પ્રવાહીના વહેણમાં અટકાવ ત્રણ રીતે થાય છે : (1) કનીનિકાના છિદ્રમાં અટકાવ, (2) અગ્રખંડિકાના કોણમાં અટકાવ અને (3) આંખના ગોળામાં આવેલી નળીઓમાં અટકાવ. (1) કનીનિકાપટલની કિનારી જો નેત્રમણિ સાથે ચોંટેલી હોય તો પશ્ચખંડિકામાંનું પ્રવાહી કનીનિકામાંથી અગ્રખંડિકામાં આવી શકતું નથી. આવા સમયે કનીનિકાપટલ ફુગ્ગાની માફક ઊપસી આવે છે. તેને (1) ફૂલણશીલ કનીનિકાપટલ વિકાર (iris bombe) કહે છે. (2) કનીનિકાપટલ અને સ્વચ્છા વચ્ચેનો અગ્રખંડિકામાંનો ખૂણો સાંકડો હોય તો તેને બંધકોણતા (angle closure) કહે છે. આ એક વારસાગત ઉદભવતી દેહરચનાની વિકૃતિ છે. આવા સમયે અગ્રખંડિકા છીછરી હોય છે. ક્યારેક કનીનિકાપટલની બહારની કિનારીની નજીકનો ભાગ સ્વચ્છાની અંદરની સપાટી સાથે ચોંટેલો હોય તોપણ આ પ્રકારનો વિકાર થાય છે. ઈજા કે ચેપને કારણે કનીનિકાપટલમાં વિકાર ઉદભવે તો એમ થાય છે. (3) શ્લેમની વાહિની કે તેની આસપાસના છિદ્રાળુ વિસ્તાર(trabecular meshwork)માં વિકાર ઉદભવે ત્યારે અગ્રખંડિકાનો ખૂણો સાંકડો થયેલો હોતો નથી છતાંયે પ્રવાહીના નિર્ગમનમાં અટકાવ ઉદભવે છે. આ પ્રકારના વિકારને મુક્તકોણીય ઝામર કહે છે. અગ્રખંડિકાના ખૂણાને દર્શાવવાની પદ્ધતિને કોણનિરીક્ષા (gonioscopy) કહે છે. તેના વડે બંધકોણીય કે મુક્તકોણીય ઝામરનું નિદાન થાય છે.

બંધકોણીય ઝામર : આ પ્રકારના વિકારમાં આંખની અગ્રખંડિકા છીછરી હોય છે અને તેમનો અગ્રખંડિકા કોણ અથવા અગ્રખંડિકાનો ખૂણો સાંકડો હોય છે. અગ્રખંડિકા કોણ સામાન્ય માપનો જ હોય છે પરંતુ તે વારંવાર સાંકડો થાય છે. અગ્રખંડિકા કોણ સાંકડો કરે તેવો નાનો વિકાર થઈ આવે ત્યારે અંતર્નેત્રીય દાબ એકદમ ખૂબ વધે છે, ર્દષ્ટિ ઝાંખી થાય છે, આંખમાં દુખાવો થાય છે તથા દીવાઓની આસપાસ મેઘધનુષ જેવાં રંગનાં કૂંડાળાં દેખાય છે. ક્યારેક ઊબકાઊલટી થાય છે, આંખ લાલ થઈ જાય છે તથા સ્વચ્છામાં સોજો આવવાથી તેની ચમક ઘટે છે. આ વિકારનું આંખ આવવી, કનીનિકાપટલશોથ, સ્વચ્છાશોથ (keratitis) તથા શ્વેતપટલશોથ-(scleritis)થી અલગ તારવીને નિદાન કરાય છે. આવા નાના વિકાર આપોઆપ શમતા નથી ત્યારે ઉગ્ર રુધિર-ભારિત (congestive) ઝામરનો વિકાર થઈ આવે છે. જ્યારે કનીનિકા પહોળી થાય ત્યારે કનીનિકાપટલ અગ્રખંડિકાકોણને ભરી દે છે. અંધારી જગ્યા(દા.ત., નાટ્યગૃહ, સિનેમાગૃહ)માં અથવા કનીનિકા પહોળી કરતી દવાના ઉપયોગ પછી આ પરિસ્થિતિ ઉદભવે છે અને ઝામરનો હુમલો થઈ આવે છે. ક્યારેક નિદાન માટે કનીનિકા પહોળી કરવાની દવાનો કસોટીરૂપ ઉપયોગ પણ કરાય છે. જો કનીનિકાના છિદ્રમાંથી  પૂરતા પ્રમાણમાં પ્રવાહી વહી ન શકે તોપણ પશ્ચખંડિકામાં પ્રવાહીનો ભરાવો થાય છે. કનીનિકાપટલ અગ્રખંડિકામાં ફુગ્ગાની માફક ઊપસી આવે છે અને ત્યારે પણ અગ્રખંડિકાનો ખૂણો સાંકડો બને છે. સ્વચ્છાની સપાટી પરના સ્તરમાં સોજો આવે ત્યારે તથા અગ્રખંડિકાનો ખૂણો અર્ધા પ્રમાણમાં સાંકડો થયો હોય ત્યારે અલ્પ ઉગ્ર પ્રકારનો બંધકોણીય ઝામર થાય છે. બંધકોણીય ઝામરના હુમલા થતા અટકાવવા કનીનિકાને સાંકડી રાખતી દવાઓનાં ટીપાં કે પરિઘીય કનીનિકાપટલ છિદ્રણ (peripheral iridectomy) નામની શસ્ત્રક્રિયા કરી શકાય છે. કનીનિકાપટલના પરિઘ પાસેના ભાગમાં નાનું કાણું પાડવાની આ શસ્ત્રક્રિયા આ વિકારને મટાડે છે (આકૃતિ 4). આ પ્રકારના ઝામરમાં 12 કલાકમાં કાયમી અંધાપો આવવાની સંભાવના હોવાથી તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાય છે. કનીનિકા સાંકડી કરવા માટે પાયલોકાર્પિન ફાયઝોસ્ટિગ્મિનનાં ટીપાં વપરાય છે. એસેટાઝોલેમાઇડ નામની દવા વડે જલાભ પ્રવાહીનું ઉત્પાદન ઘટાડાય છે. મોં વાટે ગ્લિસરીન આપીને પણ અંતર્નેત્રીય દાબ ઘટાડી શકાય છે. બીટાબ્લૉકરટિમોલોલ, બીટાક્સોલોલ વગેરે દવાઓથી જલાભ પ્રવાહીનું ઉત્પાદન ઘટાડી શકાય છે. નસ વાટે મેનિટોલ ઇંજેક્શન દ્વારા પણ અંતર્નેત્રીય દાબ ઘટાડી શકાય છે.

મુક્તકોણીય ઝામર : સામાન્ય રીતે તે બંને આંખમાં ધીમે ધીમે અને કોઈ વિશેષ લક્ષણો વગર થઈ આવે છે અને તેથી સારા એવા પ્રમાણમાં ર્દષ્ટિની ખામી ઉદભવે ત્યારે જ તેની જાણકારી થાય છે. 50 વર્ષથી મોટી દરેક વ્યક્તિની શારીરિક તપાસમાં અંતર્નેત્રીય દાબ માપવાનું રાખવામાં આવે તો આ વિકારને થતો અટકાવી શકાય છે. તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ તે જલાભ પ્રવાહીના નિર્ગમનના માર્ગમાં ઉદભવતા વિકારો હોઈ શકે એમ મનાય છે; દા.ત., છિદ્રાળુ વિસ્તાર, શ્લેષ્મની વાહિની કે આંખની શિરાઓનો વિકાર. લગભગ 10 વર્ષે આ પ્રકારનો વિકાર ર્દષ્ટિની ખામી સર્જે છે. ર્દષ્ટિચેતાની લોહીની નસોમાં વિકાર હોય તો ર્દષ્ટિની ખામી વધુ તીવ્ર બને છે. કદાચ આ જ પ્રક્રિયા દ્વારા અલ્પતાણ ઝામર થાય છે એવું મનાય છે. જનીની ઘટકો પણ કારણભૂત છે એવું શોધી કઢાયેલું છે.

મુક્તકોણીય ઝામરના દર્દીને શરૂઆતમાં કોઈ લક્ષણો હોતાં નથી. સમય જતાં ર્દષ્ટિની તીવ્રતા ઘટે છે અને છેવટે અંધાપો આવે છે. નેત્રગુહાદર્શક (ophthalmoscope) વડે આંખની અંદર જોઈએ તો નેત્રચકતીમાં કટોરીગુહા જેવું પોલાણ ઉદભવેલું જોવા મળે છે. કટોરીગુહા ઊંડી અને પહોળી હોય છે અને તેની કિનારી ક્ષીણ થયેલી (atrophic) હોય છે. કયારેક તેને સામાન્ય કટોરીગુહા (physiological cupping)થી અલગ પાડવી અઘરી પડે છે. અલ્પતાણ ઝામર સિવાયના દર્દીઓમાં અંતર્નેત્રીય દાબ વધેલો હોય છે. તે પારાના 30 મિમી.થી ઓછો હોય છે અને તેથી આંખનો સ્પર્શ કરીને નિદાન કરી શકાતું નથી. ક્યારેક અંતર્નેત્રીય દાબ સામાન્ય પણ હોય છે તેથી એક વખત જો અંતર્નેત્રીય દાબનું સામાન્ય જણાય તો તેથી આ પ્રકારનો ઝામર નથી થયો એવું કહી શકાતું નથી. તેથી વારંવાર અને જુદા જુદા સમયે અંતર્નેત્રીય દાબનું માપન કરવાનું સૂચવાય છે. ર્દષ્ટિક્ષેત્ર (field of vision) સાંકડું થયું છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે. શરૂઆતમાં મધ્યવિસ્તારની ર્દષ્ટિ સામાન્ય હોય છે. કોણનિરીક્ષામાં સામાન્ય માપનો ખૂણો જોવા મળે છે. સારવારનું મુખ્ય ધ્યેય અંતર્નેત્રીય દાબ સામાન્ય સ્તરે રહે તે જોવાનું હોય છે. સારવારમાં દવાઓ તથા શસ્ત્રક્રિયા ઉપયોગી છે. કનીનિકાને સાંકડી કરતી દવાઓનો સતત અને નિયમિત ઉપયોગ જરૂરી ગણાય છે. તેની ક્રિયાપ્રવિધિ (mechanism of action) સ્પષ્ટ નથી; પરંતુ તે કદાચ શ્લેમની વાહિનીની આસપાસના છિદ્રાળુ વિસ્તાર અને આંખની નસોને ખુલ્લી કરે છે, પાયલોકાર્પિન, ફાયઝોસ્ટિગ્મિન તથા ઇકોથાયોફેટ(ફૉસ્ફોલિન)નાં ટીપાં વપરાય છે. એસેટાઝોલેમાઇડ વડે જલાભ પ્રવાહીનું ઉત્પાદન ઘટાડી શકાય છે. ટિમોલોલ પણ પ્રવાહીનું ઉત્પાદન ઘટાડે છે પરંતુ તે કનીનિકા કે અગ્રખંડીય કોણમાં કોઈ ફેરફાર નથી માટે તેનાં ટીપાં ઉપયોગી સારવાર પદ્ધતિ રૂપે વપરાય છે. તે દમના દર્દીમાં વાપરી શકાતાં નથી. દવાઓ વડે સારવાર થતી હોય ત્યારે આંખની નિયમિત તપાસ કરાવવી પડે છે. દવાઓ નિષ્ફળ જાય તો શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. આવા સમયે સ્વચ્છા-શ્વેતપટલના જોડાણ પાસે છિદ્ર પાડીને અગ્રખંડિકામાંનું પ્રવાહી નેત્રકલાની નીચે વહી જાય તેવો માર્ગ કરાય છે. અતિસૂક્ષ્મ નળી મૂકવાની શસ્ત્રક્રિયા કરીને પણ આંખમાંનું પ્રવાહી બહાર કાઢી શકાય છે. પરિનેત્રમણિકાય (ciliary body) નામના આંખના વિસ્તારમાં શસ્ત્રક્રિયા કરીને જલાભ પ્રવાહીનું ઉત્પાદન ઘટાડી શકાય છે. આમ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ ઉપલબ્ધ હોય છે.

આકૃતિ 3 : ઝામરનો વિકાર : (અ) ફૂલણશીલ કનીનિકાપટલ વિકાર (iris bombe), (આ) અગ્રખંડિકા કોણની વિવિધ રચનાઓ, (ઇથી ઐ) નેત્રગુહાદર્શન (fundoscopy) તથા તેના દેખાવને સમજાવતું ચિત્રાંકન, (ઓ થી અં) ર્દષ્ટિક્ષેત્રમાં ઉદભવતી વિષમતાઓ : (1) સ્વચ્છા, (2) શ્વેતપટલ, (3) નેત્રમણિ, (4) પરિનેત્રમણિકાય,
(5) પશ્ચખંડિકા, (6) સામાન્ય કનીનિકાપટલ, (6a) ફૂલણશીલ કનીનિકાપટલ, (7) અગ્રખંડિકા, (8) કનીનિકા, (9) શ્લેષ્મની વાહિની, (10) મુક્ત અગ્રખંડિકાકોણ, (10a) બંધકોણ, (10b) સાંકડો કોણ, (10c) ચેપને કારણે કનીનિકાપટલ ચોંટવાથી થતો બંધકોણ, (11) નેત્રગુહાદર્શનમાં કટોરીગુહાના પોલાણનું દર્શન, (12) સામાન્ય નેત્રગુહાદર્શન, (12a) સામાન્ય ર્દષ્ટિચકતી, (12b) સહેજ પોલાણવાળી સામાન્ય ર્દષ્ટિચકતી, (13) ર્દષ્ટિચેતા, (14) ર્દષ્ટિપટલ, (15a) ર્દષ્ટિચકતીમાં સામાન્ય નાની ખાંચ, (15b) ર્દષ્ટિચકતીમાં મોટું પરંતુ સામાન્ય પોલાણ, (16) સામાન્ય ર્દષ્ટિક્ષેત્ર દર્શાવતી ર્દષ્ટિક્ષેત્ર-પરિમિતિ (perimetry), (17) વક્રાકાર (arcuate) પ્રકારની ર્દષ્ટિક્ષેત્રની ક્ષતિ – શરૂઆતનો વિકાર, (18) પૂર્ણવિકસિત ર્દષ્ટિક્ષેત્રની ખામીનો ઉદભવતો વિકાર.

આકૃતિ 4 : ઝામરની સારવાર માટે કરાતી શસ્ત્રક્રિયાઓ : (અ) પરિઘવર્તી કનીનિકાપટલ-છિદ્રણ (peripheral iridectomy), (અ–ક) બાજુ પરથી દેખાવ, (અ–ખ) કીકીનો આગળથી દેખાવ, (આ) ગાળણ (filtering) શસ્ત્રક્રિયા. નોંધ : (1) સ્વચ્છા (cornea), (2) નેત્રમણિ, (3) કનીનિકાપટલ (iris), (4) કનીનિકાછિદ્ર, (5) અગ્રખંડિકા, (6) પશ્ચખંડિકા, (7) કનીનિકાપટલમાં શસ્ત્રક્રિયા વડે કરાયેલું છિદ્ર, (8) સ્વચ્છા-શ્વેતપટલ (corneo-scleral) જોડાણ પાસે શસ્ત્રક્રિયા વડે કરાયેલું છિદ્ર, (9) નેત્રકલા (conjunctiva), (10) શ્વેતપટલ (sclera)

જન્મજાત ઝામર : જન્મજાત ઝામરમાં આંખ મોટી થાય છે અને તેથી તેને વૃષભનેત્રતા (ox-eye, buphthalmos) પણ કહે છે. તેમાં અગ્રખંડિકાનો ખૂણો વિષમ સ્વરૂપે વિકસ્યો હોય છે. તે ક્યારેક જ બને છે. વહેલું નિદાન થાય તો ષ્ટિ બચાવી શકાય છે. બાળક પ્રકાશમાં અંજાઈ જાય છે (photophobia). નાનું શિશુ દિવસ દરમિયાન આંખો બંધ રાખે છે અને તેથી તેના કપાળમાં કરચલીઓ પડે છે. જાણે ‘ચિંતાગ્રસ્ત’ હોય તેવો મોંનો દેખાવ થાય છે. અંતર્નેત્રીય દાબ વધુ હોય છે તેથી આંખનું કદ વધે છે. સ્વચ્છાનો વ્યાસ 11 મિમી.થી વધુ હોય છે. સ્વચ્છાની ચમક ઓછી હોય છે અને અગ્રખંડિકા ઊંડી હોય છે. મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે, જે 60 %થી 80 % દર્દીમાં સફળ થાય છે.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ