જોર્વે : મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં સંગમનેરથી 8 કિમી. દૂર પ્રવરા નદીના કાંઠે આવેલું તામ્રપાષાણ-યુગના અવશેષોવાળું સ્થળ. તે અનુહડપ્પીય સંસ્કૃતિના અંકોડા મેળવવા માટે ઉપયોગી છે. અગિયારમી સદીના કેટલાક શિલાલેખોમાં તેનું ‘જઉર’ ગામ એવું નામ મળે છે. 1950-51માં ખોદકામ કરતાં તાંબાના કાટખૂણાઓ, ચોરસ ચપટી કુહાડી, ગોળ પથ્થરોને ફોડીને બનાવેલાં નાનાં સેંકડો હથિયારો, રાખોડી રંગનાં માટલાંમાં રખાયેલાં શબો કે હાડપિંજરો, બહારથી લાલ અને અંદરના ભાગમાં કાળાં, નકશીકામ કરેલાં અને રણકાર કરતાં માટીનાં પાકાં વાસણો, હાથે અને ચાકડા ઉપર ઘડેલાં ટોટીવાળાં માટીવાસણો મળ્યાં છે. માટીનાં વાસણો પૈકી ટોટી વિનાના વાટકાઓ, કળશાઓ વગેરે અન્ય પ્રકાર છે. આ અવશેષોનો કાળ કારબન 14 પદ્ધતિથી તપાસતાં ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1000 આસપાસનો જણાય છે.
આ સંસ્કૃતિના પુરાવા પ્રથમ જોર્વેમાંથી મળ્યા તેથી આ માટીનાં વાસણો ‘જોર્વે સંસ્કૃતિ’ના નામથી ઓળખાય છે. છેલ્લાં પચીસ વરસમાં કરાયેલા ઉત્ખનન પ્રમાણે આ સંસ્કૃતિના અવશેષો મહારાષ્ટ્રમાં તાપી, ગોદાવરી, પ્રવરા, ઘોડ, ભીમા, કૃષ્ણા, ગિરણા, મૂળા વગેરે નદીઓની ખીણોમાંથી તથા મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળે છે. તેમનાં ઘરો ગોળ આકારનાં હોય છે. ઘઉં, જવને સાચવવા માટી અને નેતરની કોઠીઓ હોય છે. કુંભ માંહેનાં બાળકોનાં બે હાડપિંજરો તથા પ્રૌઢોનાં આડાં પડેલાં હાડપિંજરો મળ્યાં છે. સિંચાઈ માટેના બંધો, નદીમાંના વહાણને સહાયભૂત થાય તેવાં ઉપકરણો વગેરે જોર્વે સંસ્કૃતિનાં મુખ્ય લક્ષણો છે.
આ સંસ્કૃતિના ચાંદોલ, સોનગામ, ઇનામગામ વગેરે સ્થળોએ ખોદકામ કરતાં મળેલા અવશેષો ઈ. સ. પૂ. ચૌદમા શતકથી નવમા શતકના છે.
પ્રવીણચંદ્ર પરીખ