જૉલિયો-ક્યૂરી આઇરીન

January, 2014

જૉલિયો-ક્યૂરી આઇરીન (જ. 12 સપ્ટેમ્બર 1887, પૅરિસ; અ. 17 માર્ચ 1956, પૅરિસ) : ફ્રેંચ ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી તથા કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે પોતાના પતિ ફ્રેડરિક જૉલિયોની સાથે સંયુક્તપણે 1935ના ભૌતિકશાસ્ત્રનાં નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમનાં માતાપિતા પણ નોબેલ પુરસ્કારવિજેતા હતાં. ઔપચારિક શાળાકીય શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં લીધું; પરંતુ ઘેર બેઠાં મેળવેલું અવિધિસરનું શિક્ષણ અત્યંત મહત્ત્વનું નીવડ્યું.

ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ માતા પાસે, ગણિતશાસ્ત્રનો અભ્યાસ પૉલ લૅન્ગેવિન પાસે અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ જીન બૅપ્ટિસ્ટ પૅરિન પાસે કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધ મોરચે રેડિયોલૉજિસ્ટ તરીકે સેવા આપી. તે પછી તેઓ પૅરિસની સોર્બોન યુનિવર્સિટીમાં હાજરી આપતાં હતાં. 1912થી 1914 સુધી એવિગ્ને કૉલેજમાં રહીને યુનિવર્સિટીની પ્રથમ સ્નાતક પદવીની તૈયારીઓ કરી. 1921માં માતા મૅરી ક્યૂરી સ્થાપિત પૅરિસ વિશ્વવિદ્યાલયની રેડિયમ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ય શરૂ કર્યું અને તે ઇન્સ્ટિટ્યૂટની સાથે જ જીવનભર સંકળાયેલાં રહ્યાં. અહીંથી તેમણે પોલોનિયમમાંથી ઉત્પન્ન થતાં આલ્ફા-કિરણો વિશે મહાનિબંધ રજૂ કરીને 1925માં ડૉક્ટરેટ (Ph.D.) મેળવી. 1926માં તેમણે ફ્રેડરિક જૉલિયો સાથે લગ્ન કર્યું અને જૉલિયો-ક્યૂરી અટક ધારણ કરી. આઇરીન અને ફ્રેડરિકે દર્શાવ્યું કે બૅરિલિયમમાંથી ઉત્સર્જિત થતા ભેદક વિકિરણ વડે પૅરેફિન વૅક્સ અને હાઇડ્રોજન ધરાવતા અન્ય પદાર્થમાંથી પ્રોટૉનનું ઉત્સર્જન થઈ શકે છે. બોરોન, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ ઉપર આલ્ફા-કણના પ્રતાડન (bombardment) દ્વારા તેમણે તેમાંથી રેડિયો-સમસ્થાનિકો (radio isotopes) મેળવ્યા જે નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને ઍલ્યુમિનિયમના સમસ્થાનિકો હતા. આલ્ફાકણનું પ્રતાડન સ્થગિત કરી દેવામાં આવે તે પછી પણ ઍલ્યુમિનિયમ ધાતુમાંથી પૉઝિટ્રોન (+ve ઇલેક્ટ્રૉન)નું ઉત્સર્જન ચાલુ રહેતું હતું. આથી તેમણે અનુમાન કર્યું કે પ્રયોગશાળામાં એક નવા સમસ્થાનિકનો ઉદભવ થયો છે. ઍલ્યુમિનિયમનું ફૉસ્ફરસમાં રૂપાંતર થયું હતું અને ફૉસ્ફરસનો રેડિયોઍક્ટિવ સમસ્થાનિક પ્રાપ્ત થયો હતો. આવા પ્રયોગોને આધારે કૃત્રિમ તત્ત્વો ઉત્પન્ન કરવાની શક્યતા વધી ગઈ; જેને કારણે કૃત્રિમ તત્ત્વો વડે રાસાયણિક ફેરફાર અને શરીરક્રિયાલક્ષી (physiological) પ્રક્રિયાઓ શક્ય બની. પાછળથી તેનાં સુંદર પરિણામો પણ મળ્યાં. ગલગ્રંથિ (thyroid gland) વડે રેડિયોઍક્ટિવ આયોડિનનું શોષણ પ્રાયોગિક રીતે જાણી શકાયું. સજીવના ચયાપચય(metabolism)ની પ્રક્રિયામાં રેડિયો-ફૉસ્ફરસનો અનુરેખક (tracer) તરીકે ઉપયોગ થયો. કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વો બનાવવાના પ્રયોગમાં ક્યૂરી અને જૉલિયોએ ન્યૂટ્રૉન તથા ધન ઇલેક્ટ્રૉન – પૉઝિટ્રોન ઉત્પન્ન થતાં જોયાં. પરમાણુમાંથી મુક્ત થતી ઊર્જાના પ્રશ્નનો ઉકેલ તેમની કૃત્રિમ રેડિયોઍક્ટિવિટીની શોધથી મળ્યો. એનરિકો ફર્મીએ યુરેનિયમના વિખંડન (fission) માટે આલ્ફાકણને બદલે ક્યૂરી જૉલિયોની પદ્ધતિ વડે મળતા ન્યૂટ્રૉનનો ઉપયોગ કર્યો.

1934માં આઇરીન અને ફ્રેડરિકે ઐતિહાસિક શોધ રૂપે અકસ્માતે જ પ્રથમ માનવસર્જિત રેડિયોઍક્ટિવ તત્વનું નિર્માણ કર્યું. રસાયણ વિજ્ઞાનમાં નવાં રેડિયોઍક્ટિવ તત્વોના સંશ્લેષણ (synthesis) માટે 1935માં આઇરીનને, ફ્રેડરિક જૉલિયોની સાથે, સંયુક્ત રીતે, નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

પતિ-પત્ની માનવીય અને સામાજિક જવાબદારીઓ પરત્વે ઉચ્ચ આદર્શ ધરાવતાં હતાં. 1934માં બંને સમાજવાદી પક્ષમાં અને 1936માં રિપબ્લિકન સ્પેન પક્ષમાં જોડાયાં. 1936માં ક્યૂરીની નિમણૂક ‘સ્ટેટ ફૉર સાયન્ટિફિક રિસર્ચ’ના અન્ડરસેક્રેટરી તરીકે થઈ. અહીં તેમણે વિજ્ઞાની જીન પૅરિન સાથે રહીને વૈજ્ઞાનિક સંશોધન માટે રાષ્ટ્રીય કેન્દ્રની રચના કરી. 1937માં સોર્બોન યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યાં. આઇરીને મંદ (slow) ન્યૂટ્રોન દ્વારા યુરેનિયમના ન્યૂક્લિયર પ્રતાડન વિશે સંશોધન કર્યું અને 1938માં પી. સેવિચ સાથે આવા પ્રતાડન દ્વારા થતી નીપજનું વિશ્લેષણ કરીને દર્શાવ્યું કે લૅન્થેનિયમ સાથે તે સામ્ય ધરાવે છે. તે પછી તેમણે ન્યૂક્લિયર વિખંડન વિશે અનુમાન કર્યું; પરંતુ તે સમયના મોટા ભાગના ભૌતિકશાસ્ત્રીઓની જેમ તેમને પણ યુરેનિયમના ક્ષય (decay) દ્વારા ઉદભવતાં હળવાં તત્વોમાં યુરેનિયમ જેવાં ભારે તત્ત્વોના ધડાકાથી વિસ્ફોટ થઈ શકે, એ સરળ પૂર્વધારણા સ્વીકારવાનું મુશ્કેલ લાગ્યું હતું. આ કાર્ય વૈજ્ઞાનિક ઑટો હાન અને એફ. સ્ટ્રાસમાનને, તેમની ન્યૂક્લિયર વિખંડનની શોધના આરંભે મદદરૂપ નીવડ્યું.

ક્યૂરી અને જૉલિયો તેમના સંશોધનને પ્રસિદ્ધ કરવા ઇચ્છતાં હતાં; પરંતુ તેમને એ ડર હતો કે નાઝીઓ તેમના સંશોધનનો અનુચિત ઉપયોગ કરી બેસશે. તેથી 30 ઑક્ટોબર, 1939ના રોજ, અણુભઠ્ઠી(reactor)નો સિદ્ધાંત તૈયાર કરીને, એક પરબીડિયા ઉપર ‘ગોપનીય’ (secret) લખી, સીલ મારીને, ‘એકૅડમી-દ-સાયન્સીઝ’ની કચેરીમાં પરબીડિયું સુપરત કર્યું હતું; જે 1939 સુધી ગુપ્ત રહ્યું હતું. 1939 પછી આ દંપતીએ જીવવિજ્ઞાનક્ષેત્રે સંશોધનકાર્ય કર્યું.

1946માં આઇરીન ‘રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ’નાં નિર્દેશક બન્યાં અને 1946થી 1951 દરમિયાન ફ્રેંચ પારમાણ્વીય ઊર્જા પ્રોજેક્ટના ચાર પૈકીના એક કમિશનર તરીકે રહ્યાં. આમ તેમણે પોતાનાં માતાપિતાની વૈજ્ઞાનિક ર્દષ્ટિ તથા તેમની નિપુણતાનો વારસો જાળવી રાખ્યો અને તેને દીપાવ્યો. માતાની જેમ તેમણે વૈજ્ઞાનિકોની એક નવી પેઢી પણ ઊભી કરી. તેમની પુત્રી હેલનનાં લગ્ન માતા મેરી ક્યૂરીના જૂના સાથીદાર પૉલ લૅન્ગેવિનના પુત્ર સાથે થયાં હતાં. આઇરીનનાં બંને બાળકો પુત્ર પૉલ તથા પુત્રી હેલન પણ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી હતાં.

લાંબા સમયના સતત વિકિરણના સહવાસને કારણે માતાની જેમ જ આઇરીન પણ રક્ત-કૅન્સર(leucamia)નો ભોગ બન્યાં હતાં. 1950માં કેટલીક શસ્ત્રક્રિયા બાદ તેમની તબિયત ઝડપથી બગડી. હવાફેર માટે તેમને ગિરિમથક ઉપર લઈ જવામાં આવ્યાં; પરંતુ તબિયતમાં કોઈ સુધારો થયો નહિ. છેવટે 1956માં 69 વર્ષની વયે તેમનું હૉસ્પિટલમાં જ અવસાન થયું.

રાજેશ શર્મા