જોટે, રત્નમણિરાવ ભીમરાવ (જ. 19 ઑક્ટોબર 1895, ભુજ (કચ્છ); અ. 24 સપ્ટેમ્બર 1955) : ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસક્ષેત્રના અન્વેષક, સંશોધક અને લેખક. સ્વજનો અને મિત્રોમાં ‘ભાણાભાઈ’ના હુલામણા નામથી ઓળખાતા રત્નમણિરાવ જ્ઞાતિએ સાઠોદરા નાગર અને મૂળ અમદાવાદના વતની હતા. તેમણે પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. 1914માં મૅટ્રિક અને 1919માં સંસ્કૃત સાહિત્ય તથા અંગ્રેજી સાથે બી.એ. ઑનર્સ કર્યું. નાનપણથી કાવ્યો રચતા. સંસ્કૃત સુભાષિતોના એ બહુ જ રસિક જ્ઞાતા હતા. ર.ભી.ની સહીથી ‘કુમાર’માં પ્રસિદ્ધ થતાં સુભાષિતો એમના સંસ્કૃત સાહિત્યના અભ્યાસ ને આસ્વાદ સાથે એના સમશ્લોકી અનુવાદમાં રહેલી એમની કાવ્યરચનાની સિદ્ધહસ્તતાની પ્રતીતિ કરાવતાં હતાં.
‘ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન’ (1924–25)માં એમનો તલસ્પર્શી અભ્યાસ, સારગ્રાહી તુલનાત્મક અભિગમ, તાટસ્થ્ય અને વિષયની પકડ દેખાય છે.
‘વસંત’ માસિકના રજતમહોત્સવ પ્રસંગે પ્રગટ થયેલું ‘ગુજરાતનું વહાણવટું’(1927)માં ગુજરાતના વાણિજ્યિક ઇતિહાસમાં પ્રાચીન કાળથી ગુજરાતની વેપારની પ્રધાન પ્રવૃત્તિ, વહાણવટાની પ્રવૃત્તિનો વિકાસ, દરિયાઈ વીમાપદ્ધતિ અને હૂંડીનું ચલણ, તે વખતનાં બંદરો, વહાણો, વહાણના વિવિધ ભાગોનાં પ્રચલિત નામો વગેરે બાબતોની ખૂબ અભ્યાસપૂર્ણ, રસિક અને પ્રમાણભૂત માહિતી છે.
પર્યટનોનાં સ્થળોની ઐતિહાસિક માહિતીના ફલસ્વરૂપ ‘શાહે આલમ’ (1927), ‘જેતલપુર’, ‘શાહીબાગ’ (1927) વગેરે એમની પુસ્તિકાઓ છપાયેલી છે. એમનું પુસ્તક ‘અમદાવાદનું સ્થાપત્ય’ 1929માં પ્રકાશિત થયું. ‘શાહીબાગ’માં એમણે અમદાવાદના બગીચાઓનો પરિચય આપ્યો છે. જહાંગીરના સમયમાં શાહજહાંની અમદાવાદની સૂબાગીરી દરમિયાન શાહીબાગ બન્યાનું વર્ષ (હિજરી સન 1032 = ઈ. સ. 1621–22) આપ્યું છે.
‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ (1929) પુસ્તક એમનું અનોખું પ્રદાન છે. એમાં એમણે અમદાવાદનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ યથાતથ રજૂ કર્યો છે. છેક ભૂમિની પ્રાચીનતાથી માંડી સાબરમતી નદી અને આદિસ્થાન આશાવલ તથા કર્ણાવતીની વિગતો, ગુજરાતના બાદશાહ અને મુઘલો વચ્ચેના સંબંધો તથા ગુજરાતની એકતા જાળવવા તેમણે કરેલા પ્રયાસોની કથા આલેખી છે. ઉપરાંત વિદેશી મુસાફરોનાં વર્ણન, મુઘલ બાદશાહોની અમદાવાદની મુલાકાતો, અમદાવાદના કોટની પ્રાચીનતા, સાબરમતીનું વિવિધ રીતે પલટાતું વહેણ, શહેરનાં પરાં, મહાજનો, વેપારઉદ્યોગ, વીમાપદ્ધતિ વગેરેની તવારીખ, મરાઠા-સમય, અંગ્રેજી રાજ્ય, ટંકશાળો, ઉદ્યાનો અને નગરરચના, અમદાવાદનું લાક્ષણિક સ્થાપત્ય અને તેની વિશેષતા, શહેરના સંતો અને સુલતાનો, અમીરો અને ઐતિહાસિક પુરુષો, મુખ્ય વેપારીઓ અને નામાંકિત પુરુષો, લેખકો, કવિઓ આદિ વિશે પ્રમાણભૂત અને રસપ્રદ માહિતી આપી છે. આમ 51 પ્રકરણોમાં વિભાજિત, સંખ્યાબંધ સુરેખ ચિત્રો તથા નકશાસૂચિથી મંડિત આ મહાગ્રંથે પ્રકાશિત થતાં જ ગુજરાત અને અમદાવાદને તેની મહત્તા તેમજ અસ્મિતાનું ભાન કરાવ્યું છે. 1933માં આ મહાગ્રંથ માટે રત્નમણિરાવને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. ‘ખંભાતનો ઇતિહાસ’ (1935) ગ્રંથમાં તેમણે ખંભાતનું અભિધાન, પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ખંભાત બંદરનો વિકાસ, વેપાર-વહાણવટું, સ્થાપત્ય, કેળવણી વગેરે વિષયોની સૂક્ષ્મ અને વિશદ છણાવટ કરી છે. 1949માં એમનો લઘુગ્રંથ ‘સોમનાથ’ અને 1954થી 1959 દરમિયાન ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’ ઇસ્લામ યુગ (ખંડ 1 થી 4) પ્રકાશિત થયા.
તે મર્માળા હાસ્યકાર પણ હતા. સર જેમ્સ બેરીના નાટક ‘‘The Admirable Crichton’ પરથી ‘સંભાવિત સુંદરલાલ’ નામનું માર્મિક હાસ્યથી ભરપૂર રસમય રૂપાંતર એમણે ગુજરાતી સાહિત્યને આપ્યું. ગુજરાતી રંગભૂમિ પર પણ તેના અવારનવાર પ્રયોગો થયેલા.
સને 1943માં બૅંગાલુરુમાં એમને ‘ટાઇફસ’ રોગ થયો. એ રોગ એમના હૃદયને હંમેશ માટે અપંગ બનાવતો ગયો, ત્યારથી હેડકીનો રોગ એમને વળગેલો, જે સતત બાર વર્ષ સુધી ચાલ્યો.
ભારતી શેલત