જોગીંદરસિંઘ : ગોળાફેંકના ભારતીય ખેલાડી. રમતપ્રેમી પરિવારમાં જન્મ. ગોળાફેંકમાં ભારતમાં જ નહિ; પરંતુ સમગ્ર એશિયા ખંડમાં નામના મેળવી. 1957માં લશ્કરમાં જોડાયા. શરૂઆતમાં બૉક્સર થવા માટેના પ્રયાસો કર્યા; પરંતુ લશ્કરના એક અફસરની પ્રેરણાથી ગોળાફેંકનો અભ્યાસ શરૂ કર્યો. તેમની 193 સેમી. ઊંચાઈ અને સશક્ત શરીરને કારણે ખૂબ ઓછા સમયમાં ગોળાફેંકમાં નામના મેળવી અને 1961માં જાલંધરની રાષ્ટ્રીય ખેલકૂદ-સ્પર્ધામાં ગોળાફેંકમાં ત્રીજું સ્થાન મેળવ્યું. 1962થી 1971 સુધી ગોળાફેંકમાં રાષ્ટ્રીય વિજેતા રહ્યા અને 1960થી 1971 સુધી સેનામાં ગોળાફેંકમાં વિજેતા રહ્યા. ગોળાફેંકમાં શ્રેષ્ઠ દેખાવને આધારે 3 એશિયાઈ રમતોત્સવ(1962માં જકાર્તામાં અને 1966 તથા 1970માં બૅંગકોક)માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોળાફેંકમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો. 1962માં કાંસ્યચંદ્રક, 1966માં સુવર્ણચંદ્રક અને 1970માં નવા એશિયાઈ રેકર્ડ સાથે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. એ ઉપરાંત 1970ના એશિયાઈ રમતોત્સવમાં ભારતની ખેલકૂદ-ટુકડીનું નેતૃત્વ કર્યું. સતત 3 એશિયાઈ રમતોત્સવોમાં ભાગ લઈ ગોળાફેંકમાં ચંદ્રકો મેળવવા એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. ચક્રફેંકના પણ તેઓ સારા ખેલાડી રહ્યા. 1981માં મોટી ઉંમરના ખેલાડીઓ માટે ન્યૂઝીલૅન્ડમાં આયોજિત વેટરન ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોળાફેંકમાં રજત અને ચક્રફેંકમાં કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો.

ખેલાડી તરીકે નિવૃત્ત થયા પછી ‘રાષ્ટ્રીય ખેલ સંસ્થા’ (National Institute of Sports) પતિયાળા ખાતેથી ખેલકૂદનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો અને યોગ્યતાપ્રાપ્ત રાહબર (coach) બન્યા. 1982માં દિલ્હીના નવમા એશિયાઈ રમતોત્સવ માટે ભારતના ગોળાફેંક અને ચક્રફેંકના ખેલાડીઓને તાલીમ આપી. 1968માં ભારત સરકારનો રમતગમતના ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘અર્જુન ઍવૉર્ડ’ અને 1971માં ‘જસવંતસિંઘ ટ્રૉફી’નું બહુમાન પ્રાપ્ત કર્યાં.

પ્રભુદયાલ શર્મા