જોડકણાં : ગુજરાતના કંઠસ્થ લોકસાહિત્યનો નાનકડો પણ લોકપ્રિય પદ્ય-પ્રકાર, જે ઘણુંખરું તત્કાળ જોડી કાઢેલ હોય છે.

જૂના વખતમાં ગામડાંઓમાં આજના જેવી શિક્ષણવ્યવસ્થા નહોતી ત્યારે લોકવાર્તા, ઓઠાં, લોકગીતો, ટુચકા, ઉખાણાં અને જોડકણાં જેવા કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકસમાજમાં શિક્ષણનું અને સમાજઘડતરનું કામ થતું. ગેય પ્રાસવાળી રચના હોવાથી બાળકોને અને સાંભળનારને તે જલદી યાદ રહી જાય છે. જોડકણાંને કવિકર્મ માટેની પાઠશાળા પણ ગણી શકાય. શીઘ્રકાવ્યરચનાની તાલીમ જોડકણાં બોલવા, સાંભળવા અને રચવામાંથી મળે છે. જોડકણાં બાળકોની બુદ્ધિ અને ચાતુર્યને ખીલવે છે, બાળકને અલંકારના રૂપમાં બોલતાં શીખવે છે, સાંકેતિક શબ્દો અને બોલીની સમજ આપે છે, યાદશક્તિ ખીલવે છે, શબ્દરચનાની સમજ આપે છે તથા જ્ઞાન અને ગમ્મત સાથે નિર્દોષ આનંદ પણ આપે છે.

લોકસાહિત્યમાં ઉખાણાં, સમસ્યાઓ, બાળકોનાં રમતગીતો, રાંદલ-ગીતોમાં આવતાં વિનોદગીતો, લગ્નપ્રસંગે ગવાતાં ફટાણાં, બાળક્ધો સુવરાવવા માટે ગવાતાં હાલરડાં, કુંવારી કન્યાઓનાં વ્રતગીતોથી લઈને ભવાઈવેશોમાં આવતાં પાંચકડાં સુધી જોડકણાં પાઘડીપને પથરાયેલાં જોવા મળે છે.

ગામડામાં રાતવરતનાં વાળુપાણી (સાંજનું ભોજન) પતી જાય એટલે છોકરાંઓ ટોળે મળીને દાદીમાને વાર્તા કહેવાનું કહે ત્યાં દાદીમા જોડકણાંથી વાતને રમતી મૂકતાં :

વારતા રે વારતા,

ભાભા ઢોર ચારતા,

છોકરાં સમજાવતાં,

એક છોકરું રિસાણું,

કોઠી પાછળ સંતાણું,

કોઠી પડી આડી

છોકરાએ ચીસ પાડી

અરરર…. માડી.

બહેની પોતાના વીરાને જોડકણાં દ્વારા વાર્તા સંભળાવતી :

ચાંદો સૂરજ રમતા’તા

રમતાં રમતાં લડી પડ્યા

લડતાં લડતાં કોડી જડી

કોડી લઈને ગાયને બાંધી

ગાયે મને દૂધ આપ્યું

દૂધ લઈને મોરને પાયું

મોરે મને પીંછી આપી

પીંછી મેં ટીંબે ખોસી

ટીંબે મને માટી આપી

માટી લઈ કુંભારને આપી

કુંભારે મને ઘડૂલો આપ્યો

ઘડૂલો લઈ માળીને આપ્યો

માળીએ મને ફૂલ આપ્યાં

ફૂલ લઈ મહાદેવને ચડાવ્યાં

મહાદેવે મને ભાઈ આપ્યો

ભાઈ લઈ ભોજાઈને આપ્યો

ભોજાઈએ મને ચણા આપ્યા

ચણા ચણા ખાઈ ગયો

ફોતરાં લઈ ઘાંચીને આપ્યાં

ઘાંચીએ મને તેલ આપ્યું

તેલ લઈ માથામાં નાખ્યું

માથાએ મને જૂ આપી,

જૂ લઈ તળાવમાં નાખી

તળાવે મને પાણી આપ્યું

પાણી લઈ આંબે રેડ્યું

આંબે મને કેરી આપી

કેરી કેરી ખાઈ ગયો

ગોટલા ગોટલા વાવી દીધા.

ગામડાગામની છોકરીઓ રમત રમે ત્યારે પણ રમતનાં જોડકણાં ગાય છે. વલોણું તાણવાનો અભિનય કરતી ગાય :

ઘમ વલોણા ઘમ

છાશ બોલે છમ

છાશ ખાય છોકરાં

દહીં ખાય ડોશી

છોડિયાં જેવાં છોકરાં

દડઘા જેવી ડોશી.

*

ફૂલ ફૂલ ઘોડો

કેડે કંદેરો

કંદોરામાં ચિઠ્ઠી

મારી ભાભી મિઠ્ઠી

મીઠવાડે જતી’તી

ખાજાં લાડુ ખાતી’તી

ભાભી, મને ખાજું

હૈયામાં લાજું.

અદભુત રસનાં જોડકણાં પણ અભણ ગ્રામીણ પ્રજાની જ રચનાઓ છે; ઉ. ત.,

સોયની અણી પર વસે ત્રણ ગામ

બે ખાલી એક વસે નઈં

તેમાં વસે ત્રણ કુંભાર

બે અણઘડ એક ઘડે નઈં

તેણે ઘડી ત્રણ તોલડી

બે ફૂટેલ એક સાજી નઈં

તેમાં ઓર્યા ત્રણ મગ

બે કાચા એક ચડે નઈં

તેમાં જમાડ્યા ત્રણ બ્રાહ્મણ

બે ભૂખ્યા એક ધરાય નઈં

તેને આપી ત્રણ ગાય

બે વરોળ (વાંઝણી) એક વિયાય નઈં

તેને વેચી ત્રણ ત્રાંબિયે

બે ખોટા એક ચાલે નઈં

તે દેખાડ્યા ત્રણ પારેખને

બે આંધળા એક દેખે નઈં

તેને મારી ત્રણ ધોલ

બે ભૂલ્યા એક વાગે નઈં

ગામડાંમાં ભવાઈ કરતા ભવાયા પણ ભવાઈના વેશમાં પાંચકડાં બોલે છે. આ પાંચકડાં એ શીઘ્ર જોડી કાઢેલ જોડકણાં જ હોય છે. તેમાં જે તે ગામની વિશેષતાઓ વર્ણવાય છે. તે પ્રાકૃત રુચિ પોષે તેવું બને છે; ઉ. ત.,

આકરૂની ઓરણી ને

ભલગામડાના ઢાંઢા (બળદ)

છકમપરની છોડિયું

ને ઝમરાળાના વાંઢા

હરિ તારા પાંચકડાં ગાઈં

પ્રભુજીના ટાંટિયે વળગ્યા જાઈં

*

ચૂલે મૂકી તપેલી ને

હેઠે કર્યો તાપ;

ફરતાં ફરતાં છોકરાં

ને વચમાં એનો બાપ… હરિo

ચારણ કવિઓ અને ભાંડભવાયા ગામડે જતા ત્યારે એમને જેવો આવઆદર મળતો એવાં જોડકણાં રચતા અને બીજા ગામે જઈને બોલતા; ઉ. ત.,

અમરેલીના ઊંચા ઓરા

માથે મોટી ધજા;

ખાવાપીવાનું કોઈ નૉ પૂછે

જેસી કૃષ્ણની મજા.

આજે જોડકણાં, ઉખાણાં અને લોકરમતો ભુલાતાં જાય છે. શહેરનાં બાળકોને તો વાર્તા અને જોડકણાં ભાગ્યે જ આવડે છે. મનોરંજનનાં માધ્યમોની ભરમારને કારણે બુદ્ધિ-ચતુરાઈ ખીલવતા આવા લોકસાહિત્યનું માધ્યમ લોપાતું જાય છે. એને ગ્રંથસ્થ કરીને સાચવવાનું કામ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ ગંભીરતાપૂર્વક કરે છે.

જોરાવરસિંહ જાદવ