ગિરનાર : ગુજરાતનો એક ઊંચામાં ઊંચો અને પવિત્ર ગણાતો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે.. તે જૂનાગઢની પૂર્વમાં 3.62 કિમી. દૂર આવેલો છે. ગિરનાર વાસ્તવિક રીતે ગિરિમાળાનો એક સમૂહ છે, જેમાં અનેક ડુંગર-ડુંગરીઓ છે. તેમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા એ પાંચ શિખરો મુખ્ય છે.
ગિરનારની ઊંચાઈ સમુદ્રની સપાટીથી સરેરાશ 914 મીટર છે. સહુથી ઊંચું શિખર ગોરખનાથનું 1116.9 મી. છે. ગિરનારનું ક્ષેત્રફળ 112.63 ચોકિમી. છે.
ભૂસ્તરીય માહિતી : ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ ગિરનાર પર્વતનો આખોય ખડકજથ્થો લૅકોલિથ પ્રકારનું સંવાદી અંતર્ભેદન ગણાય છે. આ અંતર્ભેદન તેની આજુબાજુ જોવા મળતા ડેક્કન ટ્રૅપ રચનાના લાવા થરોમાં થયેલું હોવાથી વયમાં તેના પછીના સમયનું છે. ગિરનાર પર્વતમાં જોવા મળતો ખડકસમૂહ ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં નોંધપાત્ર બની રહે છે. ટ્રૅપ ખડકોથી બનેલાં સૌરાષ્ટ્રનાં મેદાનોમાંથી એકાએક ઊપસી આવતો અને ભૂમિર્દશ્યમાં જુદો તરી આવતો આ પર્વત મુખ્યત્વે ગ્રૅબ્રો પ્રકારના બેઝિક અંતર્ભેદિત ખડકોનું સંકુલ રચે છે, જેમાં ગૅબ્રો, લેમ્પ્રોફાયર, લિમ્બરગાઇટ, ડાયોરાઇટ અને સાયનાઇટથી માંડીને ગ્રેનોફાયર જેવા ખડકોનો સમાવેશ થાય છે. આ વિવિધ ખડકપ્રકારોનો એકબીજા સાથેનો સંબંધ તેમજ આજુબાજુના ડેક્કન ટ્રૅપ રચનાના પ્રવાહોથી બનેલા પ્રાદેશિક ખડકો સાથેના સંબંધો જોતાં ટ્રૅપ ખડકરચના પછીથી થયેલા અંતર્ભેદકો કે અંતર્ભેદકોની શ્રેણીનો નિર્દેશ કરે છે, જે બેસાલ્ટના જેવા જ બંધારણવાળા ભૂરસ (magma) સંચયમાંથી ઉદભવેલા છે. અંતર્ભેદન થયા બાદ આ ભૂરસના ઘનીભવન દરમિયાન ક્રમશ: સ્વભેદનની ક્રિયા થયેલી છે, જેને પરિણામે ઉપર દર્શાવેલા ખડક પ્રકારો તૈયાર થયા છે. આ ખડકો ગિરનાર પર્વતમાં, તેમજ જૂનાગઢ શહેરની પાસે આવેલી ટેકરીઓમાં સારી રીતે વિવૃત થયેલા જોવા મળે છે.
ગિરનારની તળેટીમાં તેમજ શિખરો ઉપર અનેક ધર્મસ્થાનો છે. તેમાં જૈનોનાં દેરાસરો – નેમિનાથ, અમીઝરા પાર્શ્વનાથ, અદબદજી મોકળશીની ટૂક, જગમાલ ગોરધનનું દેરું, વસ્તુપાળ-તેજપાળનાં મંદિરો, સગરામ સોનીની ટૂક, કુમારપાળની ટૂક વગેરે છે. આ બધા કોટમાં છે તે પ્રમાણે કોટની બહાર પણ રાજુલ ગુફા, દિગંબરી મંદિરો વગેરે છે. જૂનાગઢની પૂર્વમાં ગિરનારના પહાડ ઉપર લગભગ 1000 મી.ની ઊંચાઈએ જૈનોનાં મંદિરોનો સમૂહ બંધાયેલ છે જેમાં જુદાં જુદાં લગભગ 16 મંદિરો આવેલાં છે. આમાંનું સૌથી વિશાળ અને જૂનું નેમિનાથનું મંદિર કોટ વિસ્તારમાં દાખલ થતાં જ આવેલું છે. આ મંદિર એક વિશાળ પ્રાંગણમાં બંધાયેલું છે. તે લગભગ 59.41 મીટર લાંબો અને 39.609 મીટર પહોળો વિસ્તાર ધરાવે છે. આ મંદિરમાં મળતી એક તખ્તીને આધારે તે 1278માં સમારાયેલું જણાય છે. પ્રાંગણને ફરતી લગભગ 70 દેરીઓ છે જેમાં જુદા જુદા જૈન મુનિઓની પ્રતિમા સ્થપાયેલી છે. નેમિનાથના મંદિરની સામેના ભાગમાં વસ્તુપાલ અને તેજપાલ ભાઈઓએ લગભગ ઈ. સ. 1230માં બંધાવેલ મંદિર છે. આ મંદિર ત્રણ ભાગમાં બંધાયેલ છે જે એક મધ્યમંડપ સાથે સંકળાયેલ છે. આમાંના મધ્યભાગમાં મલ્લીનાથ તીર્થંકરની મૂર્તિ છે અને બંને બાજુના ભાગમાં ઉત્તર તરફનામાં મેરુની પ્રતિકૃતિ છે અને દક્ષિણના ભાગમાં સમેતશિખરની પ્રતિકૃતિ રખાયેલ છે. ગિરનારનાં અમુક દેરાં ઐતિહાસિક ર્દષ્ટિએ નોંધપાત્ર છે. તે દેરાંનો સમૂહ આબુ અને શત્રુંજયની જેમ સમગ્ર પર્વતને તીર્થનું રૂપ આપે છે. જૈનોને તેમની ધાર્મિક પ્રણાલીઓને અનુરૂપ કુદરત સાથે રહેવા પ્રેરે છે.
આગળ ચાલતાં ભીમકુંડ, સાતપુડા, ગૌમુખી-ગંગા, પથ્થરચટ્ટી, સેવાદાસજીની જગ્યા, ભૈરવજપ, શેષાવન, ભરતવન, હનુમાનધારા, અંબાજી, ગોરખધૂન, કમંડળકુંડ, દત્તાત્રેયનાં પગલાં વગેરે હિંદુ ધર્મસ્થાનો છે. ગિરનારની તળેટીમાં બોરદેવી, ઇંટવા, જટાશંકર, ઝીણા બાવાની મઢી, લાલ ઢેરા વગેરે પુરાણાં સ્થાનો છે.
ગિરનાર ઉપર જવા માટે સોપાન માર્ગ છે. વર્તમાન માર્ગ પાછળથી બંધાયો છે. જૂનો માર્ગ તો જટાશંકર પાસેથી હનુમાનદ્વાર થઈને જાય છે. ઈ. સ. 1161ના એક શિલાલેખમાં જણાવ્યું છે કે શ્રીમાળી રાણીકના પુત્ર આંબાડે પગથિયાં બંધાવ્યાં છે. તે પછી તે તૂટતાં હશે અને નવાં બંધાતાં હશે પણ ઈ. સ.1880માં લગભગ આ પગથિયાં તદ્દન નકામાં થઈ જતાં ઈ. સ. 1889માં જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસના પ્રમુખપણા નીચે રચાયેલી સમિતિએ લૉટરી કાઢી અને તા. 8–8–1889ના રોજ પ્રથમ ડ્રૉ થયો અને જે નફો આવ્યો તેમાંથી પગથિયાં બંધાયાં. તળેટીથી દત્તાત્રેય સુધી બાર હજાર પગથિયાં છે. પ્રવાસીઓ તથા વૃદ્ધયાત્રીઓ માટેની સગવડતાઓ ઊભી કરવામાં આવી છે. અહીં 2022થી ‘રોપ વે’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગિરનારમાં સામાન્ય ઊગતાં વૃક્ષો ઉપરાંત 40થી વધુ જાતનાં વિશિષ્ટ પ્રકારનાં વૃક્ષો થાય છે અને અસંખ્ય જાતના ઔષધ માટે ઉપયોગી થાય એવા છોડવા તથા વેલા પણ થાય છે.
ગિરનારમાં પાલતુ પશુઓ ઉપરાંત દીપડા, રોઝ, ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘોરખોદિયાં, શાહુડી વગેરે રાની પશુઓ પણ દેખાય છે.
શંભુપ્રસાદ દેસાઈ
રવીન્દ્ર વસાવડા
ગિરીશભાઈ પંડ્યા