ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી)

January, 2010

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી) : મુખ્યત્વે બાળકોને અનુલક્ષીને રચાયેલું સંગ્રહાલય. 1934માં સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં, તેના પુરાતત્વીય સંગ્રહનાં પગરણ થયાં પછી આ મ્યુઝિયમની સ્થાપના 1955માં થઈ. પુરાતત્વ અને મ્યુઝિયમમાં રસ ધરાવનાર પ્રતાપરાય ગિરધરભાઈ મહેતાએ સૌપ્રથમ 1921માં અમરેલીની આ પ્રકારની અગત્ય તરફ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે પુરાતત્વીય ઉત્ખનનમાંથી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન ચીજવસ્તુઓ મળી આવેલ તેનો સંગ્રહ પુસ્તકાલયના એક ખંડમાં રાખવામાં આવ્યો હતો. તેમણે મ્યુઝિયમની સ્થાપનામાં ઘણો ઊંડો રસ લઈ, હાલના સંગ્રહનો મોટો ભાગ પોતે આપ્યો અને બીજો કેટલોક ભાગ એકત્ર પણ કરી આપ્યો હતો. પરિણામે તેમના પિતાના નામ ઉપરથી મ્યુઝિયમનું નામકરણ થયું. તત્કાલીન સરકાર તેમજ સ્થાનિક મ્યુનિસિપાલિટીએ પણ સક્રિય રસ લઈ આ મ્યુઝિયમની સ્થાપના કરી. આ રીતે ગુજરાતમાં જ નહિ, બલ્કે ભારતમાં મ્યુઝિયમની પ્રાથમિક પ્રવૃત્તિ શરૂ કરવાનો જશ અમરેલીને જાય છે. આ મ્યુઝિયમમાં નીચે પ્રમાણેના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પુરાતત્વ વિભાગમાં સ્થાનિક પ્રાચીન સ્થળો જેવાં કે ઠેબી નદી ઉપરના વેણીવદરના અવશેષો, ધ્રુવસેન બીજાનાં તામ્રપત્રો, માટીના પાત્રખંડો, મૂર્તિઓ, રમકડાં, અન્ય તામ્રપત્રો, ક્ષત્રપ અને ગુપ્ત સમયના સિક્કા, માટીના રોમન પાત્રખંડો તેમજ મોગલ સમયના નમૂનાનો પણ સમાવેશ થાય છે.

શિલ્પ-સ્થાપત્યમાં 4000 વર્ષ જૂના મોહેં-જો-દડોના ‘પ્લાસ્ટર કાસ્ટ’ના નમૂના, વિષ્ણુ, ગરુડેશ્વર, બ્રહ્મા, નવદુર્ગા તેમજ વસઈ, દ્વારકામાંથી મળી આવેલાં શિલ્પ પણ સુંદર છે.

કલા વિભાગમાં સૌરાષ્ટ્રની લોકકલાના નમૂના હીરભરત, ગૂંથણકલા, ચંદરવા, તોરણ, પછીતપાટી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત પાટણનું પટોળું, સૂરતનું જરીકામ તેમજ રાજસ્થાની અને મોગલ કલા-કારીગરીના નમૂના પણ છે. નૃવંશવિદ્યામાં ભરવાડ, કાઠી, વાઘરી, પસાયતા જેવી સૌરાષ્ટ્રની આદિવાસી જાતિનાં આબેહૂબ પૂર્ણ કદનાં અનેક ઘરો ગોઠવાયેલાં છે. કાઠીના ઘરનો નમૂનો તો અનોખું આકર્ષણ છે. રામાયણ તેમજ મહાત્મા ગાંધીજીના વિભાગ પણ ખાસ ગોઠવવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય વિભાગ : દેશપરદેશની માહિતી, દેશેદેશના જુદા નકશા, વાવટા, રાષ્ટ્રગીતો, બંધારણ, ટપાલટિકિટ, નાની ઢીંગલીઓ વગેરેથી આકર્ષક અને બેનમૂન બન્યો છે. દેશદેશના સમય પણ એકસાથે જુદાં જુદાં ઘડિયાળો મેળવીને બતાવવામાં આવ્યા છે; આ ઉપરાંત વાર્તા, ચિત્ર અને વિજ્ઞાન-ગૅલરી, આકાશદર્શન, કૃત્રિમ નભોમંડળ (planetarium) પણ સુંદર છે. છત્રી જાતે ઉઘાડીને નભોમંડળ નિહાળવું વગેરે બાળકો તેમજ વડીલોને માટે પણ રોમાંચક અનુભવ છે. આ ઉપરાંત બાળકો માટેનું પ્રાણીસંગ્રહાલય, પ્રાકૃતિક ઇતિહાસ તેમજ પક્ષીવિભાગ અલગ રીતે ગોઠવાયેલાં છે. જીવઉત્ક્રાંતિ દર્શાવતો વિભાગ પણ છે. આ મ્યુઝિયમમાં લગભગ 500 નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મુલાકાતીઓની સંખ્યા વાર્ષિક લગભગ 81,000ની છે. બાળકોને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. ફિલ્મ સાથે પિક્ચર પોસ્ટકાર્ડ, માર્ગદર્શિકા વગેરે કિંમત ચૂકવવાથી આપવામાં આવે છે. વધુમાં બાળકોને નમૂનાને સ્પર્શીને જોવાની નવી રીત બહુ જ ઉપયોગી થઈ છે અને બાળકો આ પદ્ધતિનો પૂરો લાભ લે છે.

જ. મૂ. નાણાવટી