ગિયાકૉની, રિકાર્ડો (Giacconi Ricardo) (જ. 6 ઑક્ટોબર 1931, જેનોઆ, ઇટાલી; અ. 9 ડિસેમ્બર 2018, સાનડિયેગો, કેલિફોર્નિયા, યુ.એસ) : X-કિરણોની બ્રહ્માંડીય (વૈશ્વિક સ્રોતની બીજરૂપી) (seminal) શોધો કરવા બદલ 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની.
તેમના સહવિજેતા હતા અમેરિકાના રેમન્ડ ડેવિસ અને જાપાનના માસાતોસી કોશિબા.
1955માં ગિયાકૉનીએ મિલાન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1959માં તે અમેરિકન સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગની સંશોધન-શાખામાં જોડાયા. 1973માં તેઓ હાર્વર્ડ સ્મિથ્સોનિયન (Smithsonian) સેન્ટર ફૉર ઍસ્ટ્રોફિઝિક્સમાં જોડાયા. 1981થી 1993ના સમયગાળામાં તેમણે સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને નિર્દેશન પૂરું પાડ્યું. તે પછીનાં 6 વર્ષ માટે તેમણે યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરીઝને માર્ગદર્શન પૂરું પાડ્યું. 1999માં તેઓ (નૅશનલ રેડિયો એસ્ટ્રૉનૉમી ઑબ્ઝર્વેટરીનું સંચાલન કરતી) ઍસોસિયેટેડ યુનિવર્સિટીઝ ઇન્કના અધ્યક્ષ બન્યા.
તેમણે X-કિરણ ખગોળવિદ્યામાં નોબેલ પુરસ્કારને પાત્ર સંશોધનકાર્ય 1959માં શરૂ કર્યું. તેમની આ કાર્યની શરૂઆત બાદ દસ વર્ષ પછી ખગોળવિદોએ સૂર્યમાંથી આવતાં X-કિરણોનું પ્રથમ વાર સંસૂચન કર્યું. વૈશ્વિક પદાર્થોમાંથી આવતાં X-કિરણોનું પૃથ્વીના વાતાવરણમાં શોષણ થઈ જતું હોઈ તેમનું સંસૂચન મુશ્કેલ છે. સાઉન્ડિંગ રૉકેટની રચના બાદ આવાં X-કિરણોનું સંસૂચન શક્ય બન્યું, કારણ કે આવાં રૉકેટ X-કિરણોને ડિટેક્ટરને વાતાવરણની બહાર અલ્પ સમય માટે લઈ જઈ શકે છે. ગિયાકૉનીએ આવાં રૉકેટો વડે સંખ્યાબંધ અવલોકનો લીધાં. તેમની મદદથી સૌરમંડળની બહારના સ્રોતમાંથી આવતાં તીવ્ર X-કિરણોનું સંસૂચન કર્યું. સૌર-મંડળની બહારના સ્રોતમાં સ્કૉર્પિયસ X-1 અને ક્રૅબ નેબ્યૂલા અધિનવ-તારા(super nova)ના અવશેષોનો સમાવેશ થાય છે.
ગિયાકૉનીની સિદ્ધિઓથી તે વખતે X-કિરણ ખગોળવિદ્યાના અપરિપક્વ ક્ષેત્રમાં વિજ્ઞાનીઓને સુપેરે કાર્ય કરવાનો ચટકો લાગ્યો. આવાં રૉકેટો દ્વારા અવલોકન માટે અતિ અલ્પ સમય મળતો હોઈ તેમના સંશોધનકાર્યમાં ભારે રુકાવટો આવતી રહી. આકાશના સર્વ-દિશીય નિરીક્ષણ માટે ગિયાકૉનીએ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા X-કિરણ ઉપગ્રહની રચના માટે વિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કર્યા. 1970માં છોડેલા ઉહરુ(Uharu)એ સેંકડો X-કિરણ સ્રોતની ભાળ આપી.
અગાઉ ગિયાકૉનીએ X-કિરણોને કેન્દ્રિત કરી પ્રતિબિંબ મળી શકે તેવા ટેલિસ્કોપ માટે કાર્યકારી સિદ્ધાંત તૈયાર કર્યો. 1970માં તેમણે પ્રથમ સ્પષ્ટ રૂપરેખાવાળો (high defination) X-કિરણ ટેલિસ્કોપ તૈયાર કર્યો. તેને આઇન્સ્ટાઇન ઑબ્ઝર્વેટરી નામ આપવામાં આવ્યું અને તેનું 1978માં પ્રમોચન કરવામાં આવ્યું. તેના વડે તારાકીય (steller) વાતાવરણ અને અધિનવ-તારા-અવશેષોનું પરીક્ષણ કર્યું. તે દરમિયાન ઘણા X-કિરણ ડબલ-તારકોની ઓળખ મળી. (કેટલાક X-કિરણ ડબલ-તારકો બ્લૅક હોલ હોવાની શંકા ધરાવે છે.) વળી બીજી ગૅલક્સીઓમાંથી પણ X-કિરણે સ્રોત શોધી કાઢ્યા છે. 1976માં ગિયાકૉનીએ હજુ વધુ શક્તિશાળી ઉપકરણની દરખાસ્ત કરી. તેને તૈયાર કરીને 1999માં તેનું પ્રમોચન કરવામાં આવ્યું. આ ઉપકરણે ભારતીય ખગોળવિજ્ઞાની એસ. ચંદ્રશેખરના નામ સાથે જોડીને ચંદ્ર X-રે ઑબ્ઝર્વેટરી નામ આપવામાં આવ્યું છે.
પ્રહલાદ છ. પટેલ