ગિયાના (Guyana) : દક્ષિણ અમેરિકાના ઈશાન ખૂણા પરનો પ્રજાસત્તાક દેશ. તે 5° ઉ. અ. અને 60° પ. રે. પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં આટલાન્ટિક મહાસાગર, અગ્નિ દિશામાં સુરિનામ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં બ્રાઝિલ અને વાયવ્ય સરહદે વેનેઝુએલા આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 2,14,999 ચોકિમી. છે. પ્રાકૃતિક રીતે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ હોવા છતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ સાથે સંકળાયેલો છે. 150 વર્ષના બ્રિટિશ શાસન બાદ 1966માં તે સ્વતંત્ર થયો અને આજે તે નવ રાજકીય એકમોમાં વહેંચાયેલો છે. દક્ષિણ અમેરિકા ખંડમાં તે એકમાત્ર અંગ્રેજીભાષી દેશ છે.

આટલાન્ટિક કિનારાને સમાંતર 430 કિમી. લાંબો અને 16થી 65 કિમી. પહોળો કિનારાનો મેદાન પ્રદેશ છે. તેની જમીન ‘કુલે’ અને ‘પિટ’ પ્રકારની છે, જ્યારે કિનારાથી અંદર આવતાં શુદ્ધ સફેદ ક્વાર્ટ્ઝાઇટ 130થી 160 કિમી. પહોળા વિસ્તારમાં પથરાયેલો છે. અહીં બૉક્સાઇટનાં ક્ષેત્રો છે. એનાથી અંદરના ભાગમાં ગાઢ જંગલોથી છવાયેલો ઊંચો પ્રદેશ છે. પશ્ચિમનો પહાડી પ્રદેશ દુર્ગમ જંગલોથી છવાયેલો છે. દેશનું ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ રોરાઇમા, પટારો નદી અને કાઇટુર ધોધ આ વિસ્તારમાં છે.

ગિયાનાનો નકશો

ગિયાનાની મુખ્ય નદીઓ એસક્વીબો, ડેમરાર, બરબીસ અને કોરન્ટાઇન છે. નદીનાળાંની વિપુલતાએ જ તેને ‘જળની ભૂમિ’ (ગિયાના) નામ આપ્યું છે.

સમગ્ર દેશમાં ઉષ્ણકટિબંધની આબોહવા છે. વ્યાપારી પવનોની અસર આબોહવાને વિશિષ્ટ રૂપ આપે છે. કિનારાના પ્રદેશમાં વરસાદ અને ભેજનું પ્રમાણ વધુ અને તાપમાનના ગાળામાં તફાવત ઓછો જોવા મળે છે. એપ્રિલના મધ્યથી ઑગસ્ટના મધ્યભાગ સુધી અને નવેમ્બરના મધ્યથી જાન્યુઆરીના અંત સુધી એમ વરસાદની બે ઋતુઓ છે. દરિયાકિનારાના પ્રદેશથી અંદરના ભાગ તરફ આવતાં તાપમાનના ગાળામાં તફાવત વધતો જાય છે.

સમગ્ર અર્થતંત્ર બૉક્સાઇટ, ખાંડ અને ડાંગર પર આધારિત છે. ખેતીપેદાશો, જંગલપેદાશો અને મત્સ્યસંપત્તિ તેને 60% વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે.

દેશનો 1%થી ઓછો ભૌગોલિક વિસ્તાર ખેતી હેઠળ છે. ખેતી કિનારાના પ્રદેશ પૂરતી મર્યાદિત છે. શેરડીની ખેતી બાગાયતી પદ્ધતિથી કરવામાં આવે છે. તેમાંથી ખાંડ, મોલેસીસ અને રમ બનાવાય છે. બીજો મહત્વનો પાક ડાંગર છે. નારિયેળ, તમાકુ, કૉફી, કોકો પણ થાય છે. સવાના પ્રદેશમાં પશુપાલનનો વિકાસ થયો છે. સમુદ્રમાં બાંધકામ માટે ઉપયોગી લાકડું મહત્વની જંગલ-પેદાશ છે.

વિશ્વમાં બૉક્સાઇટના ઉત્પાદનમાં ગિયાના પાંચમા સ્થાને આવે છે. જ્યૉર્જટાઉનની દક્ષિણે મેકેન્ઝી પાસે તેની મોટી ખાણો છે.

ગિયાનાને ‘છ લોકોની ભૂમિ’ (land of six peoples) કહે છે. ચાઇનીઝ, પોર્ટુગીઝ, આફ્રિકન, ભારતીયો, મિશ્ર જાતિજૂથ અને ત્યાંના મૂળ વતનીઓ એમ છ જાતિજૂથોના મિશ્રણથી વૈવિધ્યપૂર્ણ વસ્તીનું માળખું રચાયું છે. મુખ્ય ભાષા અંગ્રેજી છે. રોજબરોજનાં આદાનપ્રદાન માટે ફ્રેન્ચની એક બોલી ક્રીઓલનો વ્યાપક ઉપયોગ થાય છે.

વસ્તી : યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર 7,94,759 (2022) વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર હજારે 4% છે. વસ્તીની ગીચતા ચોકિમી. દીઠ 4ની છે. 35% વસ્તી શહેરી અને 65% ગ્રામીણ છે. રાજધાની : જ્યૉર્જટાઉન, વસ્તી : 2,00,500 (2022).

ડેમરાર બારાનો પુલ, દુનિયાનો ચોથા ક્રમે ગણાતો લાંબો પુલ

જ્યૉર્જટાઉન તેની રાજધાની છે જે સફેદ રંગેલા લાકડાની જાહેર ઇમારતો અને વિશ્વમાં ઊંચા દેવળ (39.6 મી.) માટે જાણીતું છે. તે ઉપરાંત ન્યૂ ઍમસ્ટરડૅમ અને લિન્ડેન તેનાં મુખ્ય શહેરો છે.

દેશની મુખ્ય નિકાસ ખાંડ, ચોખા, બૉક્સાઇટ અને ઍલ્યુમિના છે, જ્યારે આયાત પેટ્રોલિયમ પેદાશોની છે.

અન્ય વિકાસશીલ દેશોની જેમ ગિયાનાને પણ બેકારીની સમસ્યા મૂંઝવે છે. આજે બેકારીનો દર અહીં 40% જેટલો ઊંચો છે.

સત્તરમી સદીથી શરૂ કરીને લગભગ 200 વર્ષો સુધી આ પ્રદેશ ડચ લોકોના કાબૂમાં હતો. ત્યારપછી 1796થી તેની ઉપર બ્રિટિશ અંકુશ આવ્યો. 1815માં વિયેના સંધિ દ્વારા તેની ઉપર વિધિસર બ્રિટિશ શાસન શરૂ થયું.

સ્થાનિક સ્વશાસન શરૂ થતાં જે ચૂંટણીઓ યોજાઈ તેમાં ચેદી જગન(મૂળ ભારતીય)ના નેતૃત્વ નીચે પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટી (P.P.P.) સત્તા ઉપર આવી; પરંતુ જગનની સરકારને સામ્યવાદીતરફી ગણીને બ્રિટને તેમને સત્તાભ્રષ્ટ કરી. ચાર વર્ષ પછી ફરી ચૂંટણી યોજાતાં જગન સામેના વિરોધપક્ષે – પીપલ્સ નૅશનલ કૉંગ્રેસે – મિશ્ર સરકારની રચના કરી જેના વડાપ્રધાન તરીકે ફૉર્બસ બર્નહામ સત્તા ઉપર આવ્યા.

1961માં બ્રિટને તેને આંતરિક સ્વાતંત્ર્ય આપ્યું. 1966માં તે સ્વતંત્ર દેશ બન્યો અને તે જ વર્ષે બ્રિટિશ કૉમનવેલ્થનો સભ્ય દેશ બન્યો. આ જ વર્ષે બર્નહામ તેના પ્રથમ વડાપ્રધાન બન્યા. 1970માં તે પ્રજાસત્તાક રાજ્ય જાહેર થયું. 1980માં આર્થિક તંગદિલીની સ્થિતિ સર્જાતાં, અન્ય દેશોની આર્થિક મદદ અનિવાર્ય બની. મુક્ત ચૂંટણીઓ યોજવાની શરતે તેને આર્થિક મદદ પ્રાપ્ત થઈ. 1992માં ફરી વાર ડૉ. જગન સત્તા પર આવ્યા. માર્ચ 1997માં તેમનું અવસાન થતાં તેમનાં પત્ની જેનેટ જગન ગિયાનાના પ્રમુખ બન્યાં.

1980ના આર્થિક તંગદિલીના ગાળા દરમિયાન નવું બંધારણ ઑક્ટોબરમાં ઘોષિત થયું. તે મુજબ કારોબારીની સત્તા વહીવટી પ્રમુખશાહી (એક્ઝિક્યુટિવ પ્રેસિડન્સી) પાસે અને ધારાકીય સત્તા ધારાસભા, નૅશનલ ઍસેમ્બલીને સુપરત કરવામાં આવી. આ દેશે એકગૃહી ધારાસભાની પદ્ધતિ પસંદ કરી છે. પ્રમુખ ચૂંટાયેલા સભ્યોની સાદી બહુમતીથી ચૂંટાય છે. નૅશનલ ઍસેમ્બલીમાં 65 ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ માટે પ્રતિનિધિ તરીકે કામ કરે છે. વધુમાં 4 સભ્યો અને 2 સંસદીય સચિવોની નિમણૂક પ્રમુખ કરે છે. જોકે નિમાયેલા આ કુલ છ સભ્યો ગૃહની કાર્યવાહી અંગેના મતદાનમાં ભાગ લઈ શકતા નથી.

ભરત જગદેવ ઑગસ્ટ, 1999માં પ્રમુખ ચૂંટાયા બાદ માર્ચ, 2001માં અને ઑગસ્ટ, 2006માં – એમ ત્રીજી વાર ગિયાનાના પ્રમુખ ચૂંટાયા છે. સેમ્યુઅલ હિન્દઝ વડાપ્રધાન છે. તેઓ 1992માં વડાપ્રધાન બન્યા પછી અત્યારે ત્રીજી મુદત માટે વડાપ્રધાન તરીકે હોદ્દા પર છે. આમ ગિયાના વહીવટી પ્રમુખશાહી પદ્ધતિથી રાજકીય વ્યવસ્થાનું સંચાલન કરે છે.

નિયતિ મિસ્ત્રી

રક્ષા મ. વ્યાસ