ગિયરિંગ (gearing) : બે અથવા વધુ દંતચક્ર(gear)નો એકબીજા સાથેનો સંપર્ક. આ સંપર્કની મદદથી એક શાફ્ટમાંથી બીજા શાફ્ટ ઉપર ગતિ (motion) અથવા બળધૂર્ણ(torque)નું સંચારણ થાય છે. આને દંતચક્ર સંચાલન (gear drive) કહેવાય છે. જ્યારે ગિયરમાળા અથવા દંતચક્રમાળા (gear train) એ બે અથવા બેથી વધુ દંતચક્રનો સમૂહ છે કે જેની મદદથી બે ગતિ કરતા શાફ્ટ અથવા ગતિ કરતા શાફ્ટ અને સરકણ (slide) વચ્ચે ગતિનું સંચારણ થઈ શકે છે. આ દંતચક્ર સંચાલન(gear drive)ના અન્ય સંચારણ(પટ્ટો અથવા ચેઈન)ની સરખામણીએ ફાયદાઓ નીચે મુજબ છે :

(1) તે એક ધન (positive) સંચાલન છે.

(2) તે સંચાલનમાં વેગ-ગુણોત્તર (velocity ratio) અચળ રહે છે.

(3) બે શાફ્ટ વચ્ચેનું અંતર આ પ્રકારના સંચાલનમાં, સાપેક્ષમાં ઓછું હોય છે. આથી ઓછી જગ્યા રોકનારી (compact) રચના શક્ય છે.

(4) તેની મદદથી ઘણી જ ઓછી ગતિથી સંચારણ કરવું શક્ય છે. આવું પટ્ટા કે ચેઇનની મદદથી શક્ય નથી.

(5) તેની મદદથી ઘણી જ વધુ (large) શક્તિ(power)નું સંચારણ થઈ શકે છે, જે પટ્ટા અથવા ચેઇનની મદદથી શક્ય નથી.

(6) સ્પરગિયર(spuar gear)ના કિસ્સામાં આ સંચારણની કાર્યદક્ષતા (efficiency) 99 % સુધીની હોઈ શકે છે.

(7) દંતચક્રો ટી(gear box)માં વપરાતાં આ સંચારણમાં દંતચક્ર-સ્થળાંતરની મદદથી વેગગુણોત્તર ઘણી વિસ્તૃત મર્યાદા(range)માં બદલી શકાય છે.

પણ આ પ્રકારનું સંચારણ મોંઘું હોય છે અને તેના નિભાવનો ખર્ચ પણ વધુ આવે છે. દંતચક્રની બનાવટ પણ જટિલ (complicated) હોય છે. તેની બનાવટ માટે ખાસ પ્રકારનાં યંત્રોની જરૂર પડે છે. આ સંચારણ માટે કાળજીપૂર્વકનું ધ્યાન તેના ઊંજણ (lubrication) અને સ્વચ્છતા માટે રાખવું પડે છે. આ જાતના સંચારણમાં બે શાફ્ટ વચ્ચેનું સંરેખણ (alignment) ઘણું જ ચોક્કસ હોવું જરૂરી છે.

આ સંચારણના કેટલાંક ખૂબ પ્રચલિત ઉપયોગોમાં ઘડિયાળ, સ્કૂટર અને મોટરકારની દંતચક્રપેટી, યાંત્રિક ઓજાર (machine tool), સ્ટીમરમાં, કેટલાંક ગૃહઉપયોગી સાધનો વગેરે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ