ગાંધી, મોહનદાસ કરમચંદ
(જ. 2 ઑક્ટોબર 1869, પોરબંદર; અ. 30 જાન્યુઆરી 1948, દિલ્હી)
‘મુર્દામાં પ્રાણ ફૂટ્યા : મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી !’
— ઝવેરચંદ મેઘાણી
ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વવિખ્યાત સંત. પિતા કરમચંદ ઉત્તમચંદ પોરબંદરના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા કરમચંદનાં ચોથી વારનાં પત્ની. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો. તેમની દાઈ રંભાએ તેમને એ ભયના ઔષધરૂપે ‘રામનામ’ લેવાનું શીખવ્યું. ગાંધીજી સાત વર્ષના થયા ત્યારે 1876ના નવેમ્બરમાં પિતા રાજકોટ રાજ્યના દીવાન બન્યા. રાજકોટમાં ગાંધીજીનો ગામઠી શાળામાં પ્રાથમિક અભ્યાસ ચાલુ રહ્યો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી 1887ના ડિસેમ્બરમાં મૅટ્રિકની પરીક્ષામાં પાસ થયા.
માતા તરફથી સંયમી જીવનનો અને પિતા તરફથી સત્યનિષ્ઠાનો પાઠ ગાંધીજીને મળ્યો જ હતો. શ્રવણ અને હરિશ્ર્ચંદ્રની કથાએ તે સંસ્કાર ર્દઢ કર્યા.
ગાંધીજી 15 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના વડીલ ભાઈએ બીડીઓ પીવા માટે પચીસેક રૂપિયાનું દેવું કર્યું હતું. તે ભરવા ભાઈએ પોતાના હાથે નક્કર સોનાનું કડું હતું તેમાંથી એક તોલો કાપ્યું અને ગાંધીજીએ એમને તેમ કરવામાં મદદ કરી; પણ પછી પોતે કરેલો દોષ સહન ન થયો એટલે તેમણે પિતાને એક ચિઠ્ઠી લખી તેમાં પોતાનો દોષ કબૂલ કર્યો. ચિઠ્ઠી વાંચતાં પિતાની આંખમાં દુ:ખનાં આંસુ આવ્યાં અને તેમણે આંખો બંધ કરી ચિઠ્ઠી ફાડી નાખી. આ પ્રસંગમાં ગાંધીજીએ શુદ્ધ અહિંસાનો પાઠ જોયો.
શેખ મહેતાબ નામના તેમના મુસલમાન મિત્રે ગાંધીજીને માંસ ખાવા લલચાવ્યા. આમ એકાદ વર્ષ ગાંધીજીએ એ મિત્ર સાથે માંસ ખાધું, પણ પછી જે દિવસે પોતે માંસ ખાધું હોય તે દિવસે ઘેર નહિ ખાવાનું માતાને જૂઠું કારણ આપવું પડતું એ એમની માતૃભક્તિ અને સત્યનિષ્ઠા બેયને ખૂંચ્યું. એટલે મોટા થઈ જાહેરમાં માંસાહાર કરીશું એવો વિચાર કરી તેમણે તત્કાળ પૂરતો માંસાહારનો ત્યાગ કર્યો. એ જ મિત્રે તેમને એક દિવસ કોઈ વેશ્યાને ઘેર જવા લલચાવ્યા પણ ત્યાં તો તેમની ભીરુતાએ તેમને બચાવી લીધા. 13 વર્ષના હતા ત્યારે, 1882માં, તેટલી જ ઉંમરનાં કસ્તૂરબાઈ સાથે તેમનાં લગ્ન થયાં. એટલી અપક્વ ઉંમરે જાતીયવૃત્તિને સંતોષવાની લાલસા એવી પ્રબળ હતી કે તે બીમાર પિતાના પગ ચાંપતા હોય ત્યારે પણ મન વિષયવૃત્તિમાં મગ્ન રહેતું. પિતાના અવસાનના સમાચાર પણ તેમને શયનખંડમાં મળ્યા હતા. ગાંધીજીને તેનો એવો ઊંડો આઘાત લાગ્યો કે તે ક્યારેય એ આઘાતને ભૂલી શક્યા નહોતા.
1888માં તેમને બૅરિસ્ટર થવા માટે વિલાયત મોકલવાનું નક્કી થયું. પૂતળીબાની ચિંતા દૂર કરવા એક જૈન મુનિએ ગાંધીજી પાસે તેમની સમક્ષ માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞાઓ લેવડાવી.
એમ બૅરિસ્ટર થવાની મહત્વાકાંક્ષા, દેશમાં મોટા સુધારા કરવાની ધગશ અને ઇંગ્લૅન્ડ જોવાની ઉત્કંઠા સાથે ગાંધીજી 1888ના ઑગસ્ટની 10મીએ રાજકોટથી મુંબઈ જવા નીકળ્યા, ત્યાં એ જ મહિના દરમિયાન વિલાયત જવાનું ‘પાપ’ કરવાનો નિર્ણય કરવા માટે મોઢ વણિક જ્ઞાતિએ તેમને ન્યાતબહાર મૂક્યા. તેથી ગાંધીજીના વડીલ ભાઈ લક્ષ્મીદાસે જે મિત્રને આગબોટના ભાડા માટે જરૂરી રકમ આપી હતી તેમણે તે ગાંધીજીને આપવાની ના પાડી, પણ કુટુંબના મિત્ર રણછોડદાસ પટવારીએ તે આપી અને સપ્ટેમ્બરની 4થીએ મુંબઈથી આગબોટમાં નીકળ્યા.
આગબોટ 29મી સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડના દક્ષિણ કિનારે આવેલા સાઉધૅમ્પ્ટન બંદરે પહોંચી અને ત્યાંથી તે જ દિવસે ટ્રેનમાં બેસી ગાંધીજી લંડન પહોંચ્યા અને ત્યાં તેમને પહેલા જ દિવસે, પાછળથી એમના જીવનભરના મિત્ર બની રહેનાર ડૉ. પ્રાણજીવનદાસ મહેતાનો પરિચય થયો.
ગાંધીજીએ માતા સમક્ષ લીધેલી ત્રણેય પ્રતિજ્ઞાઓ પાળી, પણ અંગ્રેજોની સભ્ય મનાતી રહેણીકરણીનું અનુકરણ કરવાનું મન તે રોકી શક્યા નહિ. વળી 1890ના ફેબ્રુઆરીમાં ગાંધીજીને ઇંગ્લૅન્ડના દક્ષિણ કિનારે બ્રાઇટન નામના બંદરે એક અંગ્રેજ વિધવા સાથે પરિચય થયો હતો. એ વિધવા ગાંધીજી પોતાની પુત્રીને પરણે એ ઇચ્છાથી દરેક રવિવારે તેમને ભોજન સારુ આમંત્રે અને પુત્રી સાથે તેમનો પરિચય વધે એવો પ્રયત્ન કરે. ગાંધીજી પરણેલા હતા અને તેમને એક પુત્ર પણ હતો છતાં એ પુત્રી સાથે પરિચય વધે એ ઇચ્છાથી તેમણે એ વાત છુપાવી. પણ પછી તેમનું અંતર ડંખ્યું અને તેમણે એ વિધવાને પત્ર લખી ખરી વાત કહી દીધી. આ પછી 1891ના મેની પાંચમીએ ગાંધીજી અને તેમના એક મિત્ર ઇંગ્લૅન્ડના દક્ષિણ કિનારે પોટર્સ્મથ બંદરમાં એક અંગ્રેજ બાઈ સાથે પાનાં રમતા હતા ત્યારે તે બાઈ સાથે અશ્લીલ ચેષ્ટા કરવાની તૈયારીમાં હતા પણ તેમના મિત્રે ટકોર કરી તેથી તેઓ બચી ગયા.
ગાંધીજીના અન્નાહાર વિશેના આગ્રહના પરિણામે, તેમને બે થિયૉસૉફિસ્ટ અંગ્રેજોનો પરિચય થયો. એ મિત્રોની વિનંતીથી તેમણે ભારતપ્રેમી એડવિન આર્નલ્ડનો ભગવદગીતાનો અંગ્રેજી અનુવાદ ‘ધ સાગ સિલેશિયલ’ સાથે સંસ્કૃતમાં ભગવદગીતા તેમની સાથે વાંચી. તે ઉપરાંત, એક અંગ્રેજ પાદરીના કહેવાથી તેમણે બાઇબલ વાંચ્યું. તેના ‘ધ ઓલ્ડ ટેસ્ટમન્ટ’, એટલે કે ‘જૂનો કરાર’ નામથી ઓળખાતા પહેલા ભાગમાં ગાંધીજીને જરાય રસ ન પડ્યો, પણ ‘ધ ન્યૂ ટેસ્ટમન્ટ’ એટલે કે ‘નવા કરાર’ તરીકે ઓળખાતા ઈશુના ઉપદેશને લગતા બીજા ભાગમાં તેમને ખૂબ રસ પડ્યો. એ વાંચી તેઓ ઈશુના વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષાયા અને વિશેષે ‘ધ સર્મન ઑન ધ માઉન્ટ’માંના ઉપદેશોથી એવા પ્રભાવિત થયા કે એમની ભવિષ્યની આધ્યાત્મિક યાત્રામાં બાઇબલના ‘ધ ન્યૂ ટેસ્ટમન્ટ’નો ભગવદગીતાના જેટલો જ પ્રભાવ રહ્યો. આ સાથે ગાંધીજીએ ઓગણીસમી સદીના ચિંતક કાર્લાઇલના ‘હીરોઝ ઍન્ડ હીરો-વર્શિપ’ નામની વ્યાખ્યાનશ્રેણીના પુસ્તકમાં મહમ્મદ પયગંબરનું જીવનચરિત્ર વાંચ્યું. એ રીતે તેમના ચિત્તમાં સર્વધર્મસમભાવની ભાવના રોપાઈ.
ઈ. સ. 1891ની મેની 27મીએ ગાંધીજીનું નામ બૅરિસ્ટરોની યાદીમાં જાહેર થયું અને જૂનની 10મીએ તેમને બૅરિસ્ટરની પરીક્ષાનું પ્રમાણપત્ર મળ્યું, 11મીએ તેમણે લંડન હાઈકોર્ટમાં પોતાનું નામ નોંધાવ્યું અને 12મીએ ભારત આવવા નીકળ્યા.
ગાંધીજી 1891ના જુલાઈની 5મીએ મુંબઈ પહોંચ્યા. તે જ દિવસે તેમને માતાના મૃત્યુના સમાચાર મળ્યા; પરંતુ સાથોસાથ ભવિષ્યમાં દશેક વર્ષ તેમની આધ્યાત્મિક યાત્રામાં માર્ગદર્શક બની રહેનાર કર્મયોગી જેવા રાયચંદભાઈ તરીકે ઓળખાતા જૈન કવિ શ્રીમદ્ રાજચંદ્રનો પણ તેમને પરિચય થયો. ગાંધીજી વડીલ ભાઈ લક્ષ્મીદાસના આગ્રહથી જુલાઈની 7મીએ પરદેશગમનના પ્રાયશ્ચિત્તરૂપે શુદ્ધિ કરાવવા નાસિક ગયા. એટલે તેમની જ્ઞાતિના એક ભાગે તેમને જ્ઞાતિમાં પાછા લીધા.
નાસિકથી ગાંધીજી જુલાઈની 10મી એ રાજકોટ ગયા અને વકીલાત શરૂ કરી. પણ તે ન ચાલી એટલે એ વર્ષના નવેમ્બરમાં તેઓ મુંબઈ ગયા. ત્યાંય વકીલાત ન ચાલી એટલે ત્રણેક અઠવાડિયાંમાં જ તે રાજકોટ પાછા આવ્યા. ત્યાંય સફળ ન થયા એટલે 1892ના એપ્રિલમાં વળી પાછા મુંબઈ ગયા. આ વેળા મુંબઈમાં ગાંધીજીને સ્મૉલકૉઝ કોર્ટમાં પ્રતિવાદી મમીબાઈ તરફથી ઊભા રહેવાની તક મળી, પણ તેઓ વાદીની ઊલટતપાસ કરતાં મૂંઝાઈ ગયા તેથી પોતાને અગાઉથી મળેલી 30 રૂપિયાની ફી તેમને એ મુકદ્દમો અપાવનાર દલાલને તેમણે પાછી આપી દીધી. પછી સપ્ટેમ્બરમાં તેઓ રાજકોટ પાછા ગયા અને આ વેળા તેમને અરજીઓ ઘડવાનું કામ મળવા માંડ્યું અને સરેરાશ 300 રૂપિયાની આવક થવા માંડી. પણ પછી એક પ્રસંગે તેમને જિંદગીમાં ન ભુલાય તેવો આઘાત આપ્યો. તે સમયના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ ગાંધીજીના વડીલ ભાઈ લક્ષ્મીદાસ ઉપર પોરબંદરના માજી રાણાને ખોટી સલાહ આપ્યાના તહોમતની તપાસ કરી રહ્યા હતા. ગાંધીજીને લંડનમાં એ અંગ્રેજ અધિકારીનો પરિચય થયો હતો એટલે વડીલ ભાઈના આગ્રહથી તે એ અધિકારી પાસે પોતાની વગ વાપરવા ગયા. પોલિટિકલ એજન્ટે ગાંધીજીની વાત પૂરી સાંભળ્યા વિના જ તેમના પટાવાળા પાસે ધક્કો મરાવી બહાર કાઢ્યા. તે પછી ગાંધીજીને પોરબંદરના રાણાની સગીર વયમાં પોરબંદરનો વહીવટ ચલાવતા હિંદી અધિકારીનો પણ કડવો અનુભવ થયો હતો. લંડનમાં પોતે ગાળેલાં વર્ષો દરમિયાન તેમનામાં જે સ્વમાનભાવના કેળવાઈ હતી તેના ઉપર આમ આઘાત થતાં તેમને એ સમયના સૌરાષ્ટ્રનું વાતાવરણ ઝેર જેવું લાગ્યું. આમ, લક્ષ્મીદાસ અને ગાંધીજી બેય મૂંઝવણમાં હતા ત્યાં લક્ષ્મીદાસ પાસે દક્ષિણ આફ્રિકામાં વેપાર કરતી પોરબંદરની એક મેમણ પેઢીનો ત્યાંની એક અદાલતમાં 40,000 પાઉન્ડના દાવાનો મુકદ્દમો ચાલતો હતો તેમાં પેઢીએ રોકેલા અંગ્રેજ બૅરિસ્ટરોને મદદ કરવા ગાંધીજીને મોકલવાનું કહેણ આવ્યું. કહેણ એક વર્ષની સેવા માટેનું હતું અને વળતર રૂપે પહેલા વર્ગનું આવવા-જવાનું ભાડું તથા રહેવા અને ખાધા-ખર્ચ ઉપરાંત માસિક 105 પાઉન્ડ. આ વકીલાત નહિ પણ નોકરી હતી એ ગાંધીજી સમજ્યા છતાં તેમને સૌરાષ્ટ્રના ઝેરી વાતાવરણમાંથી છૂટવું હતું એટલે તેઓ એ દરખાસ્ત કબૂલ રાખીને દક્ષિણ આફ્રિકા જવા તૈયાર થયા.
ભારતમાં લગભગ બે વર્ષ ગાળી ગાંધીજી 1893ના એપ્રિલની 24મીએ મુંબઈથી આગબોટમાં દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા અને મેની 25મીએ ડરબન બંદરે ઊતર્યા.
ડરબન પહોંચ્યા પછી બીજા જ દિવસે તેઓ ત્યાંની અદાલતમાં કોઈ મુકદ્દમો ચાલતો હતો તે જોવા ગયા. ભારતની રીત પ્રમાણે તેમણે પાઘડી પહેરી હતી તે અદાલતમાં દાખલ થતાં અંગ્રેજો પોતાની હૅટ ઉતારે તેમ ઉતારી નહિ. ન્યાયાધીશે તેમને એ ઉતારવા કહ્યું એટલે એમ કરવાને બદલે ગાંધીજી અદાલત છોડીને જતા રહ્યા. બીજે દિવસે ડરબનનાં સમાચારપત્રોમાં તેમને ‘અનવેલકમ વિઝિટર’ અણગમતા મહેમાન તરીકે અણધારી પ્રસિદ્ધિ મળી. એક અઠવાડિયામાં તેમને ‘કુલી બૅરિસ્ટર’ એટલે શું, તેનો અનુભવ થયો. અબદુલ્લા શેઠનો 40,000 પાઉન્ડના દાવાનો મુકદ્દમો હોલૅન્ડમાંથી આવી દક્ષિણ આફ્રિકામાં વસેલી બોઅર નામથી ઓળખાતી પ્રજાના પ્રજાસત્તાક રાજ્ય ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં ચાલતો હતો. ગાંધીજી ડરબનથી ટ્રેનમાં બેસી મેની 31મીએ ત્યાં જવા નીકળ્યા. તે જ રાત્રે ટ્રેન નાતાલની રાજધાની પીટરમૅરિત્સબર્ગ પહોંચી ત્યારે તેમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં રેલવેના એક અધિકારીએ બળજબરીથી તેમને ડબ્બામાંથી ઉતારી મૂક્યા. અને એમનો સામાન પણ ડબ્બાની બહાર નાખી દીધો. રોષે ભરાઈ ગાંધીજીએ સામાનને અડક્યા વિના કડકડતી ઠંડીમાં આખી રાત રેલવેના મુસાફરોને આરામ કરવાના ઓરડામાં ગાળી અને પોતાનાં ગમે તેટલાં અપમાન થાય તોપણ ભારત પાછા નહિ જતાં દક્ષિણ આફ્રિકામાં રહી રંગદ્વેષ વિરુદ્ધ લડી લેવાનો નિર્ણય કર્યો. ગાંધીના જીવનનો આ નોંધપાત્ર વળાંક હતો. બૅરિસ્ટર ગાંધીમાંથી સત્યાગ્રહી ગાંધીની દિશાનું આ આરંભબિંદુ હતું. બીજે દિવસે, 1લી જૂને તેઓ સાંજની ગાડીમાં બેસી 2જી જૂને નાતાલની સરહદના છેલ્લા શહેર ચાર્લ્સટાઉન પહોંચ્યા. ત્યાંથી ટ્રાન્સવાલમાં આગળ જવા રેલની સગવડ નહોતી એટલે ઘોડાની સિગરામથી જવાનું હતું. સિગરામના માલિકે સિગરામની અંદર ગાંધીજીની બેઠક ઉપર સિગરામનો ગોરો મુખી (guard અથવા conductor) બેસી શકે એ ઉદ્દેશથી ગાંધીજીને સિગરામ હાંકનારની પડખે એ ગોરા મુખીની બેઠક ઉપર બેસાડ્યા. ગાંધીજી એ અપમાન ગળી ગયા, પણ એ ગોરા મુખીને સિગારેટ પીવાની ઇચ્છા થઈ એટલે તેણે સિગરામ હાંકનારની પાસે ગૂણિયું પડ્યું હતું તે લઈ પગ રાખવાના પાટિયા ઉપર મૂક્યું અને ગાંધીજીને તેની ઉપર બેસવાનું કહ્યું. ગાંધીજી આ બીજું અપમાન ન ગળી શક્યા અને તેમણે પોતાની બેઠક ઉપરથી ઊઠવાની ના પાડી એટલે એ ગોરાએ તેમના ઉપર તમાચાનો વરસાદ વરસાવ્યો. ગાંધીજી એ ગણકાર્યા વિના જ્યાં હતા ત્યાં બેસી રહ્યા. પછી સિગરામના બીજા ગોરા મુસાફરો વચ્ચે પડ્યા એટલે એ ગોરો મુખી જરા શાંત પડ્યો.
3જી જૂને ગાંધીજી જોહાનિસબર્ગ પહોંચ્યા. ત્યાં સિગરામને ઊભા રહેવાની જગ્યાએ લેવા આવેલ માણસે તેમને ન ઓળખ્યા એટલે તેમણે કોઈ હોટલમાં રહેવાનો વિચાર કર્યો. અને ગાડી કરી એક હોટલ ઉપર ગયા પણ હોટલના ગોરા વ્યવસ્થાપકે બધા રૂમ ભરાઈ ગયા છે એમ બહાનું કાઢી ગાંધીજીને જગ્યા ન આપી. તે પછી ગાંધીજી અબદુલ્લા શેઠના સંબંધીને ઘરે ગયા. ત્યાંથી ટ્રેનમાં બેસી પાંચમી જૂને પ્રિટોરિયા પહોંચ્યા.
અબદુલ્લા શેઠના મુકદ્દમા અંગે ગાંધીજી પ્રિટોરિયામાં એક વર્ષ રહ્યા. મુકદ્દમો અબદુલ્લા શેઠ અને તેમના સગા તૈયબ શેઠ વચ્ચે હતો. અદાલતમાં મુકદ્દમો ચાલે તો બેય પક્ષ ખુવાર થઈ જશે એમ ગાંધીજીએ જોયું એટલે તેમણે તૈયબ શેઠને પંચ નીમી ઘરમેળે પતાવટ કરવા સમજાવ્યા. પાછળથી પણ ગાંધીજીએ વકીલાતની પોતાની કારકિર્દીમાં આવી રીતે બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાની રીત જ ચાલુ રાખી. આવા પ્રસંગે ગાંધીજીની સત્યનિષ્ઠા પ્રતિબિંબિત થતી.
અબદુલ્લા શેઠના વકીલ બેકર ધર્મચુસ્ત પાદરી હતા. તે ગાંધીજીને એક ખ્રિસ્તી પ્રાર્થનાસભામાં લઈ ગયા. તે સભામાં બેકરે ગાંધીજીને અહિંસામાં અને મનુષ્યમાત્ર પ્રત્યે સદભાવમાં માનનાર ક્વેકર નામે જાણીતા ખ્રિસ્તી સંપ્રદાયના સભ્ય કોટ્સ નામના યુવકનો પરિચય કરાવ્યો. એ યુવક ગાંધીજી ગળામાં તુલસીની માળા પહેરતા હતા તે તોડી નાખવા તૈયાર થયા પણ ગાંધીજી માટે તો તે માતાની પ્રસાદી હતી. એટલે તેમણે તે ન તોડવા દીધી.
ગાંધીજી ખ્રિસ્તી મિત્રોની શ્રદ્ધા જોઈ રાજી થયા પણ તે બધા ‘ઈશુ ખ્રિસ્ત ઈશ્વરનો એકમાત્ર પુત્ર છે, તેને જે માને એ જ તરે’ એમ કહેતા. એ વાત તેમના ગળે ન ઊતરી. આ મૂંઝવણમાં ગાંધીજીએ 1893ના ઑક્ટોબરમાં મળેલા વેલિંગ્ટનના સંમેલન પછી શ્રીમદ્ રાજચંદ્રને પત્ર લખી આત્માનો સ્વભાવ, ઈશ્વર કોણ છે, મોક્ષ એટલે શું અને તે કેવી રીતે મળે, વેદ અને ભગવદગીતાના કર્તા કોણ, ઈશુ ખ્રિસ્ત, રામ અને કૃષ્ણ ઈશ્વરના અવતારો હોવાની માન્યતાનો અર્થ શો, ઇત્યાદિ 27 જેટલા પ્રશ્નો પૂછ્યા, જેનો શ્રીમદે સંતોષકારક ખુલાસો કર્યો.
આ જ વર્ષમાં ગાંધીજીએ ટૉલ્સ્ટૉયનું ‘ધ કિંગ્ડમ ઑવ્ ગૉડ ઇઝ વિધિન યુ’ – ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ એ પુસ્તક વાંચ્યું અને તેમના મન ઉપર તેની ઊંડી છાપ પડી. વળી અબદુલ્લા શેઠના આગ્રહથી તેમણે ઇસ્લામનો અભ્યાસ કરવા કુરાનનો અંગ્રેજી અનુવાદ પણ વાંચ્યો.
આમ, પ્રિટોરિયામાં ગાંધીજીને ખ્રિસ્તી પરિચયો થયા છતાં તેઓ ગોરાઓના રંગદ્વેષથી ન બચી શક્યા. એક દિવસ તેઓ ટ્રાન્સવાલના પ્રમુખ ક્રુગરના નિવાસસ્થાન પાસે પગથી (footpath) ઉપર ચાલીને જતા હતા ત્યાં પ્રમુખના નિવાસસ્થાનની ચોકી કરનાર ગોરા સિપાઈએ તેમને ચેતવણી આપ્યા વિના ધક્કો મારી પગથી ઉપરથી ઉતારી મૂક્યા. બીજા એક પ્રસંગે તેઓ વાળ કપાવવા કોઈ વાળંદની દુકાને ગયા ત્યારે તે વાળંદે ‘કુલી’ના વાળ કાપવાની ના કહી. એટલે ગાંધીજીએ વાળ કાપવાનું સાધન લાવી જાતે જ પોતાના વાળ કાપ્યા.
અબદુલ્લા શેઠ સાથેના કરારનું એક વર્ષ પૂરું થયું એટલે ગાંધીજીએ પ્રિટોરિયાથી ડરબન થઈ ભારત પાછા ફરવાની તૈયારી કરી. એવામાં ગાંધીજીએ નાતાલના એક અંગ્રેજી સમાચારપત્રમાં, નાતાલની હિંદી કોમને ત્યાંની ધારાસભાની ચૂંટણીમાં મત આપવાનો હક હતો એ છીનવી લેવાના બિલ ઉપર ધારાસભામાં ચર્ચા ચાલતી હતી, તે વિશે વાંચ્યું. ગાંધીજીને એ બિલમાં હિંદી કોમના સ્વમાનની હાનિ દેખાઈ. આથી તેમણે પોતાની વિદાય માટે યોજાયેલા મેળાવડામાં આવેલા મહેમાનોને એ બિલનો વિરોધ કરવાની જરૂર સમજાવી. મેળાવડામાં બિલની વિરુદ્ધ અરજી કરવાનો નિર્ણય લેવાયો.
તે પછી ગાંધીજીએ અરજી ઘડી જૂનની 28મીએ નાતાલની ધારાસભાને મોકલી. એના જેવી બીજી અરજી 4થી જુલાઈએ નાતાલ વિધાન પરિષદ(Legislative Council)ને મોકલી; પરંતુ એ બિલ 7મી જુલાઈએ કાયદા રૂપે પસાર થયું. ગાંધીજીએ નાતાલની ધારાસભાના નિર્ણય વિરુદ્ધ અરજી ઘડીને તેમાં 10 હજાર હિંદીઓની સહી લઈ 16મી જુલાઈએ શાહી સરકારના સંસ્થાનમંત્રી લૉર્ડ રિપનને મોકલી, પણ તેનું તાત્કાલિક કંઈ પરિણામ ન આવ્યું. શરૂ કરેલું કામ ચાલુ રાખવા ગાંધીજીએ ડરબનના હિંદી નેતાઓને ‘નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ’ નામની સંસ્થા સ્થાપવા સમજાવ્યા. તેની 1894ના ઑગસ્ટની 22મીએ સ્થાપના થઈ અને ગાંધીજી પોતે તેના મંત્રી બન્યા. એ સંસ્થાનો ઉદ્દેશ હિંદીઓની અને પાંચ વર્ષના કરારથી ભારતમાંથી નાતાલની કોલસાની ખાણો અને શેરડીનાં ખેતરોમાં મજૂરી કરવા આવેલા ગિરમીટિયા તરીકે ઓળખાતા મજૂરોની હાડમારીઓ દૂર કરવાનો હતો. તે પછી ગાંધીજીએ ડરબનમાં વકીલાત કરવા સનદ માટે અરજી કરી અને તે સપ્ટેમ્બરની ત્રીજીએ મંજૂર રાખવામાં આવી.
નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના મંત્રી તરીકે ગાંધીજીએ એ સંસ્થા વતી નાતાલના હિંદીઓ અને ગિરમીટિયા મજૂરોની હાડમારીઓ સાથે દક્ષિણ આફ્રિકાના બીજા સંસ્થાન કેપ કૉલોનીના ટ્રાન્સવાલ તથા ઑરેન્જ ફ્રી સ્ટેટનાં બોઅર પ્રજાસત્તાક રાજ્યોના હિંદીઓની હાડમારીઓ પણ દૂર કરવાના પ્રયાસ કર્યા. આ રાજ્યોમાં વસતા હિંદીઓ હોટલપ્રવેશ અને બીજી નાગરિક સુવિધાઓ ગોરાઓની સમકક્ષ ભોગવી શકતા નહિ. જમીન ખરીદવા, વસવાટ કરવા, પગથી પર ચાલવા, રેલવેમાં ઉપલા વર્ગમાં મુસાફરી કરવા વગેરે પર પ્રતિબંધ હતો.
ચારે રાજ્યોમાં હિંદીઓની ચામડીના રંગને કારણે તેમની ‘કુલી’ તરીકે જાતજાતની પજવણી થતી હતી. ગાંધીજીએ નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ વતી આ બધી હાડમારીઓ વિરુદ્ધ નાતાલના ગવર્નરને તથા શાહી સરકારના સંસ્થાનમંત્રીને અરજીઓ કરી.
ગાંધીજીને વકીલાતની સનદ મળ્યા પછી ચારેક માસમાં તેમને બાલાસુંદરમ્ નામના એક ગિરમીટિયા મજૂરને મદદ કરવાની તક મળી. બાલાસુંદરમને તેના ગોરા માલિકે સખત માર માર્યો હતો. ગાંધીજી તેને કોઈ ગોરા ડૉક્ટર પાસે લઈ ગયા. તેની પાસેથી બાલાસુંદરમને થયેલી ઈજાનું પ્રમાણપત્ર મેળવીને ગોરા મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યું. મૅજિસ્ટ્રેટ બાલાસુંદરમ્ના માલિકને સજા કરવા તૈયાર થયા, પણ ગાંધીજીને આ વાત ગમતી નહોતી તેથી તેમણે ગિરમીટિયા મજૂર તરીકે રાખતા પોતાના એક અંગ્રેજ મિત્રને મળી તેમને બાલાસુંદરમને રાખી લેવા સમજાવ્યા. આ ઘટનાએ ગાંધીજીને ગિરમીટિયા મજૂરોના પ્રશ્નોમાં રસ લેતા કર્યા. ડગલે અને પગલે થતા માનહાનિના કડવા અનુભવો તેમને માટે અસહ્ય હતા. તેથી કાયદેસરની કાર્યવાહી કરી તેની વિરુદ્ધ પગલાં લેવા તેઓ કટિબદ્ધ હતા.
જાહેર સેવામાંથી અને વકીલાતમાંથી બચતા સમયમાં ગાંધીજીએ ધાર્મિક સાહિત્ય વાંચવા માંડ્યું. એમાં નર્મદાશંકરના ‘ધર્મવિચાર’ પુસ્તકની પ્રસ્તાવના, ભારતપ્રેમી જર્મન વિદ્વાન મૅક્સમૂલરરચિત : ‘ઇન્ડિયા વ્હોટ કૅન ઇટ ટીચ અસ’ (હિંદુસ્તાન આપણને શું શીખવી શકે). થિયૉસૉફિકલ સોસાયટીએ પ્રસિદ્ધ કરેલા ઉપનિષદના અનુવાદ વાંચ્યા. ઇસ્લામનો અભ્યાસ વધારવા તેમણે અમેરિકન લેખક વૉશિંગ્ટન અરવિને લખેલું હજરત મહંમદનું જીવનચરિત્ર વાંચ્યું. ‘જરથુષ્ટ્રનાં વચનો’ પુસ્તક વાંચી તેમણે પારસી ધર્મનો પણ અભ્યાસ કર્યો. તે ઉપરાંત તેમને લંડનમાં થયા હતા એવા બીજા ખ્રિસ્તી પરિચયો થયા. આમ, સર્વધર્મસમભાવની ભાવનાના સંસ્કાર ગાંધીજીના મન ઉપર વધુ ર્દઢ થયા.
નાતાલની હિંદી કોમની, તેનો મતાધિકાર છીનવી લેવાના કાયદાની વિરુદ્ધ 1894માં શરૂ થયેલી લડતને એક વર્ષ પછી દેખીતી સફળતા મળી. શાહી સરકારે તે 1895ના સપ્ટેમ્બરમાં નામંજૂર કર્યો, પણ તે પછી હિંદીઓનો મતાધિકાર છીનવી લેવાના પહેલાં કરતાં જરા હળવા કાયદાને 1896ના સપ્ટેમ્બરમાં શાહી મંજૂરી મળી.
હિંદીઓની લડતનો અંત આવ્યો નહોતો એટલે ગાંધીજી 1896ના જૂનની પાંચમીએ કુટુંબને નાતાલ લઈ આવવા ભારત જવા નીકળ્યા. અને જુલાઈની 9મીએ રાજકોટ પહોંચી તેમણે નાતાલના હિંદીઓને થતી હાડમારીઓનું વર્ણન કરતી એક પુસ્તિકા લખવાનું શરૂ કર્યું. એ પુસ્તિકાનું પૂઠું લીલું હોવાથી તે ‘ધ ગ્રીન પૅમ્ફલેટ’ તરીકે ઓળખાઈ. રૉયટર નામથી ઓળખાતી સમાચાર સંસ્થાએ સપ્ટેમ્બરની 14મીએ એ લીલા ચોપાનિયાનો ગાંધીજીએ નાતાલના હિંદીઓ ઉપર હિંસક હુમલા કરવામાં આવે છે, તેમને લૂંટી લેવામાં આવે છે અને તેમની સાથે ઢોર કરતાં પણ બૂરી રીતે વર્તન કરવામાં આવે છે એવી મતલબનો એક વાક્યનો સાર લંડન મોકલ્યો અને લંડનનાં સમાચારપત્રોમાંથી તે નાતાલનાં સમાચારપત્રોએ ઉતાર્યો.
દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં પહેલાં ગાંધીજી પુણે ગયા અને 16મી નવેમ્બરે રામકૃષ્ણ ભાંડારકરના પ્રમુખપદે મળેલી સભામાં નાતાલના હિંદીઓને પડતી હાડમારીઓ વિશે ભાષણ કર્યું. આ સભાના નિમિત્તે ગાંધીજીને બાળ ગંગાધર ટિળક અને ગોપાળ કૃષ્ણ ગોખલેનો પણ પરિચય થયો. એ ત્રણે નેતામાંથી ગાંધીજીને ગોપાળ કૃષ્ણ ગોખલેનું સૌથી વધુ આકર્ષણ થયું. 1896ના નવેમ્બરની 30મીએ નાતાલ જવા મુંબઈથી નીકળ્યા. મુંબઈથી બે આગબોટોમાં ગાંધીજી સાથે આશરે 800 જેટલા હિંદીઓ હતા. આગબોટો મુંબઈથી નીકળી ત્યારે ત્યાં મરકીનો ઉપદ્રવ ચાલતો હતો એવું બહાનું કાઢી આગબોટો 18મી ડિસેમ્બરે ડરબનના બારામાં આવી ત્યારે 23 દિવસ સુધી એ આગબોટોના મુસાફરોને ઊતરવા ન દીધા. છેવટે લાચાર થઈને 1897ના જાન્યુઆરીની 13મીએ મુસાફરોને ઊતરવા દીધા. નાતાલનાં સમાચારપત્રોમાં ગાંધીજીના લીલા ચોપાનિયાનો પેલો એક વાક્યવાળો સાર વાંચી ઉશ્કેરાયેલા ગોરાઓના એક ટોળાએ ગાંધીજી ઉપર હિંસક હુમલો કર્યો. એ સમયે ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની પત્નીએ ગાંધીજી ઉપર પોતાની છત્રી ધરી રાખી તેમને બચાવી લીધા ન હોત તો એ હુમલો જીવલેણ નીવડત. હુમલાના સમાચાર વિલાયત પહોંચતાં સંસ્થાન મંત્રી જોસેફ ચેમ્બરલેને નાતાલ સરકારને ગાંધીજી ઉપર હુમલો કરનારાઓ ઉપર કામ ચલાવવાનો તાર કર્યો. પણ ગાંધીજી પોતાની ઉપર હુમલો કરવા માટે કોઈને શિક્ષા કરવામાં માનતા નહોતા એટલે તેમણે નાતાલની સરકારના ન્યાયખાતાના પ્રધાનને એમ લખી પણ આપ્યું.
નાતાલની પાર્લમેન્ટે હિંદીઓ વિરુદ્ધ રંગદ્વેષથી પ્રેરાઈ ત્રણ બિલો રજૂ કર્યાં : (1) પ્રથમ બિલમાં મરકીના ઉપદ્રવવાળા બંદરેથી આવતા મુસાફરોને મુદ્દલ ઊતરવા ન દેવાની, (2) બીજા બિલમાં નાતાલમાં પ્રવેશ કરવા ઇચ્છનાર હિંદીએ યુરોપની જ કોઈ ભાષામાં અરજી કરવી એવી, અને (3) ત્રીજા બિલમાં નાતાલના કોઈ શહેરની સ્થાનિક સમિતિએ નીમેલો અધિકારી કોઈ હિંદી વેપારીએ વેપારના પરવાના માટે અરજી કરી હોય તે નામંજૂર કરે તો તેની વિરુદ્ધ નાતાલની કોઈ અદાલતમાં ફરિયાદ ન થઈ શકે એવી જોગવાઈ હતી. ગાંધીજીએ આ ત્રણે બિલો વિરુદ્ધ કરેલી અરજીઓનું પરિણામ ન આવ્યું એટલે તેમણે સંસ્થાન મંત્રી જોસેફ ચેમ્બરલેનને અરજી કરી. તેમણે હિંદીઓના પ્રવેશને લગતા બિલમાં નજીવો સુધારો કરાવી ત્રણે બિલો અનુસાર થયેલા કાયદાને મંજૂરી આપી.
ગાંધીજીની વકીલાત પણ સારી ચાલતી હતી. અને તે વર્ષે 5000 પાઉન્ડ સુધી પહોંચી હતી. પણ ગાંધીજીને આવી ઝળહળતી સફળતાથી સંતોષ નહોતો. એમને તો સેવાની ધગશ લાગી હતી. તેથી તેમણે એ ધગશથી પ્રેરાઈ 1897માં ભારતમાં અને વિશેષ સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો ત્યારે રાહતફાળામાં રકમો મેળવવા નાતાલનાં સમાચારપત્રોમાં હિંદીઓને અને અંગ્રેજોને વિનંતી કરી અને એક રક્તપિત્તિયા ગિરમીટિયા મજૂરના ઘા સાફ કરી તેને પોતાને ઘેર પણ રાખ્યો. તે ઉપરાંત, પોતાના પારસી મિત્ર રુસ્તમજીની મદદથી એક નાની હૉસ્પિટલ શરૂ કરાવી અને તેમાં એક મિશનરી ખ્રિસ્તી ડૉક્ટરના હાથ નીચે દરરોજ સવારે બે કલાક પોતાની સેવા આપવાનું શરૂ કર્યું. ધોબીનો ખરચ વધારે પડતો લાગ્યો એટલે પોતે કપડાં ધોવાનો સરંજામ વસાવ્યો. વળી ગાંધીજી પોતાની સાથે ઘરમાં હિંદુ અને ખ્રિસ્તી મહેતાઓને પણ રાખતા. એવા એક ખ્રિસ્તી મહેતા પંચમ જાતિના હતા. એક દિવસ ગાંધીજીએ એ પંચમ જાતિના મહેતાનું પેશાબનું વાસણ બળાત્કારે કસ્તૂરબા પાસે ઉપડાવ્યું હતું. તે સાથે તેમણે પ્રસૂતિશાસ્ત્રનો અભ્યાસ કરી 1900માં એમના છેલ્લા પુત્ર દેવદાસની પ્રસૂતિ જાતે કરાવી. આ વેળાએ ગાંધીજીની સાથે કસ્તૂરબા ઉપરાંત તેમના બે પુત્રો હતા. તેમને અંગ્રેજી બાળકો માટે ચાલતી શાળામાં મહેરબાનીની રાહે અપવાદ રૂપે પ્રવેશ મળી શકે એમ હતું, પણ ગાંધીજીને પોતાની પ્રતિષ્ઠાનો એવો ગેરલાભ નહોતો લેવો એટલે તેમણે તેમના ઘરે શિક્ષણ આપવા એક અંગ્રેજ મહિલાને રાખ્યાં.
ટ્રાન્સવાલના જોહાનિસબર્ગના શહેરમાં સોનાની ખાણોની શોધ થયા પછી એ શહેરમાં ઘણા બધા અંગ્રેજો સોનાની ખાણોના માલિક બની ત્યાં વસ્યા હતા અને તેમની સાથે હિંદી વેપારીઓ પણ જઈને વસ્યા હતા. ટ્રાન્સવાલની બોઅર સરકાર એ અંગ્રેજો અને હિંદીઓને બોઅર પ્રજા સાથે સમાન નાગરિક હકો નહોતી આપતી એ બહાનું કાઢી બ્રિટનની સરકારે તેની સામે યુદ્ધની તૈયારીઓ કરવા માંડી. બોઅર સરકારને એની જાણ થઈ એટલે તેણે જ પહેલો ફટકો માર્યો અને એમ બ્રિટન અને દક્ષિણ આફ્રિકાનાં બોઅર રાજ્યો વચ્ચે 1899ના ઑક્ટોબરની નવમીએ યુદ્ધ શરૂ થયું. ગાંધીજી આ યુદ્ધને અંગ્રેજોના પક્ષે અન્યાયી માનતા, છતાં બ્રિટિશ સામ્રાજ્ય ભારતના હિતમાં છે એમ તેઓ માનતા હોવાથી તેમણે યુદ્ધમાં ઘાયલ થતા સૈનિકો માટે 1100 સ્વતંત્ર હિંદીઓ અને 300 ગિરમીટિયા મજૂરોની સારવાર ટુકડી તૈયાર કરી અને એ ટુકડીએ 1899ના ડિસેમ્બરની 14મીથી 19મી સુધી પોતાની સેવાઓ આપી અને તે પછી પણ 1900ના જાન્યુઆરીમાં અવારનવાર સેવાઓ આપતી રહી. યુદ્ધમાં બ્રિટનનો વિજય થતાં તેણે 1900ના સપ્ટેમ્બરની 1લીએ ટ્રાન્સવાલને ખાલસા કરી તેને શાહી સંસ્થાન બનાવ્યું.
નાતાલના હિંદીઓની વધુ સેવા કરી શકશે નહિ એમ લાગતાં તેઓ સને 1901ની 18મી ઑક્ટોબરે ડરબનથી નીકળી 28મી નવેમ્બર 1901ના મુંબઈ પહોંચ્યા. એ વર્ષે કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન કોલકાતામાં મળવાનું હતું એટલે ગાંધીજી મુંબઈથી નીકળી 23મી ડિસેમ્બરે કોલકાતા પહોંચ્યા. ત્યાં તેમણે અધિવેશનના મંડપમાં પાર વિનાની ગંદકી જોઈ અને પોતે એક પાયખાનું સાફ કર્યું. પણ તેથી મંડપની ગંદકી ઓછી થાય એમ નહોતું. કૉંગ્રેસની વિષયવિચારિણી સમિતિની બેઠક 27મીએ મળી તેમાં તેમણે દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતો અને એમની હાડમારીઓ વિશે વાઇસરૉયને ઘટતું કરવાની વિનંતી કરતો ઠરાવ રજૂ કરી પાંચેક મિનિટ બોલ્યા. કોલકાતાની આ મુલાકાત વેળા ગાંધીજી એક માસ ગોપાળ કૃષ્ણ ગોખલેની સાથે રહ્યા અને તેમના દ્વારા જાણીતા રસાયણશાસ્ત્રી પ્રફુલ્લચંદ્ર રૉયનો પરિચય થયો.
કૉલકાતાથી આવ્યા પછી 1902ના જુલાઈની 11મીએ મુંબઈ ગયા, પણ તેમને દક્ષિણ આફ્રિકાના એમના સાથીઓનો તાર મળતાં તેઓ 1902ના ડિસેમ્બરની 25મીએ ડરબન પહોંચ્યા, અને ત્યાં સંસ્થાનમંત્રી જોસેફ ચેમ્બરલેનને ડિસેમ્બરની 27મીએ મળ્યા. ચેમ્બરલેને નાતાલના હિંદીઓની ફરિયાદો સાચી હોવાનું કબૂલ કર્યું, પણ નાતાલ સ્વાયત્ત સંસ્થાન હોવાથી શાહી સરકાર એ વાતમાં વચ્ચે ન પડી શકે એમ કહી લાચારી બતાવી.
ટ્રાન્સવાલમાં ગોરાઓ અને હિંદીઓને પરવાના મેળવવા પડતા. ત્યાંની સરકારના કાયદા હિંદીઓ વિરુદ્ધ રંગદ્વેષથી પ્રેરાયેલા હોઈ હિંદીઓને પરવાના મેળવવામાં મુશ્કેલીઓ પડતી. આવા પરવાના આપવા હિંદીઓ માટે એશિયાટિક ખાતું ખોલાયું. ત્યાંના અંગ્રેજ અમલદારો પરવાના આપવા માટે લાંચ માગતા હતા. ગાંધીજીએ એશિયાટિક ખાતેના જોહાનિસબર્ગ થાણામાં વકીલાતની સનદ કઢાવી.
ગાંધીજી ટ્રાન્સવાલમાં સ્થિર થયા, ભ્રષ્ટાચારના પુરાવા એકઠા કરી બે ગોરા અધિકારીઓને ત્યાંથી બરતરફ કરાવ્યા; પરંતુ તેઓને જોહાનિસબર્ગની મ્યુનિસિપાલિટીમાં નોકરી મેળવવામાં મદદ કરી નિર્ભય વાતાવરણ જાળવી રાખ્યું. ગાંધીજીના આવા સ્વભાવથી તેમને ત્યાં મિત્રો સાંપડ્યા. જેમાં હર્મન કૅલનબૅક, તેમની ટાઇપિસ્ટ શ્લેશિન, રિચ નામના યહૂદી થિયૉસૉફિસ્ટ અને અન્ય ગોરા થિયૉસૉફિસ્ટોનો સમાવેશ કરી શકાય. આ નવા મિત્રો સાથે મળી ગાંધીજીએ ફરી ભગવદગીતા વાંચવાનું શરૂ કર્યું. એથી તેમનામાં વૈરાગ્યવૃત્તિ પ્રેરાઈ અને તેઓ અપરિગ્રહ વિશે વિચારતા થયા.
ત્યાંના હિંદીઓની લડતના પ્રચારના માધ્યમ તરીકે 1903ના જૂન માસમાં તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિક શરૂ કર્યું. સાપ્તાહિકના મોટા ભાગના લેખો ગાંધીજી જ લખતા તેમજ તેની આર્થિક જવાબદારી પણ એમના ઉપર જ હતી. સાપ્તાહિક અંગ્રેજી, ગુજરાતી, હિંદી અને તમિળ એમ ચાર વિભાગથી શરૂ થયું હતું, પણ પછીથી તમિળ અને હિંદી વિભાગો બંધ કરવા પડ્યા હતા. આ સાપ્તાહિકના અંગ્રેજી વિભાગનો ઉપયોગ તેઓ ગોરાઓ અને હિંદીઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવા માટે કરતા હતા. અન્ય વિભાગોના ઉપયોગ દ્વારા તેઓ હિંદીઓની હાડમારીની માહિતી આપતા તેમજ હિંદીઓને તેમની ખામી સુધારવા પ્રેરતા હતા.
ગાંધીજીના અન્નાહાર માટેના આગ્રહથી તેમને બીજા બે અંગ્રેજ મિત્રો મળ્યા. આ અન્નાહારી ભોજનગૃહમાં ઇંગ્લૅન્ડના એક ખેડૂત કુટુંબમાં જન્મેલા અને જોહાનિસબર્ગ આવી વસેલા આલ્બર્ટ વેસ્ટ જમતા. એ જ ભોજનગૃહમાં હેન્રી પોલાક નામના એક અંગ્રેજ યહૂદી પણ જમતા. તેમણે જોહાનિસબર્ગ મ્યુનિસિપાલિટીની બેદરકારી માટે તેની સખત ટીકા કરતો ગાંધીજીએ લખેલો પત્ર એક સમાચારપત્રમાં વાંચ્યો હતો એથી પ્રેરાઈ માર્ચ, 1904માં ભોજનગૃહમાં જઈ ગાંધીજી સાથે પરિચય કર્યો. પોલાક અને ગાંધીજીના વિચારોમાં ભારે સામ્ય હતું અને બંને નિકટના મિત્રો બની ગયા.
પોલાક અને ગાંધીજીની આમ શરૂ થયેલી મૈત્રીનું અણધાર્યું પરિણામ આવ્યું. પહેલું તો પોલાકે ગાંધીજીને એડલ્ફ જુસ્ટ નામના જર્મન લેખકના ‘રિટર્ન ટુ નેચર’ પુસ્તકની વાત કરી. એ પુસ્તક વાંચી ગાંધીજી આરોગ્ય માટે માટીના અને પાણીના પ્રયોગોનું મહત્વ સમજ્યા. તે પછી 1904 ઑક્ટોબરમાં ગાંધીજી કંઈ કામ પ્રસંગે જોહાનિસબર્ગથી ડરબન જતા હતા ત્યારે પોલાકે તેમને મુસાફરી દરમિયાન જૉન રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચવા આપ્યું. ગાંધીજીએ એમાંથી ત્રણ સિદ્ધાંતો તારવ્યા : (1) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (2) વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ; અને (3) સાદું મજૂરીનું અને ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ ત્રીજી વાત ગાંધીજી માટે નવી જ હતી. એટલે તુરત તેમણે એવું શ્રમપ્રધાન જીવન જીવી શકાય એ હેતુથી 1904ના ડિસેમ્બરમાં ડરબનથી 20 કિમી. દૂર ફિનિક્સ નામે ઓળખાતા શેરડીના એક ખેતરની 40.48 હેક્ટર જમીન ખરીદી ત્યાં એ જ, ‘ફિનિક્સ’ નામથી એમના પહેલા આશ્રમજીવનનો પ્રયોગ શરૂ કર્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’નું મુદ્રણાલય ત્યાં ખસેડ્યું અને મુદ્રણાલયના કર્મચારીઓને પણ, દરેકને એકસરખું ખાધાખરચ મળે, ખેતી માટે જમીનનો 1.21 હેક્ટરનો ટુકડો મળે અને ખેતરમાંથી બચતા સમયમાં ‘ઇન્ડિયન ઓપિનિયન’નું કામ કરે એવો નિયમ કરી ત્યાં લઈ ગયા. ગાંધીજી સાથે તેમના ભત્રીજા મગનલાલ અને છગનલાલ ગાંધી એ બે ભાઈઓ અને બીજા આઠદશ જોડાયા. ગાંધીજીએ ડરબનથી જોહાનિસબર્ગ જઈ પોલાકને વાત કરી અને તે પણ ઉત્સાહથી ‘ફિનિક્સ’ના એ પ્રયોગમાં જોડાયા.
ગાંધીજીએ ડરબનમાં રહી નાતાલના હિંદીઓની હાડમારીઓ વિરુદ્ધ લડત ચલાવી હતી એવી જ લડત એવી જ રીતે જોહાનિસબર્ગમાં રહી ટ્રાન્સવાલના હિંદીઓની હાડમારીઓ વિરુદ્ધ ચલાવી. એ લડત ચાલતી હતી તે દરમિયાન નાતાલના ઝૂલુ નામથી ઓળખાતા હબસી વતનીઓએ પોતાની ઉપર નાતાલ સરકારે માથાવેરા રૂપે કર નાખ્યો હતો તેથી અકળાઈ 1906ના માર્ચ માસમાં બળવો કર્યો. ગાંધીજીની સહાનુભૂતિ ઝૂલુઓ પ્રત્યે હતી; છતાં સામ્રાજ્ય પ્રત્યેની પોતાની ભક્તિથી પ્રેરાઈ તેમણે 24 હિંદીઓની એક સારવાર ટુકડી તૈયાર કરી પોતે તેની નેતાગીરી લીધી. ગાંધીજીના સદભાગ્યે તેમની સારવાર ટુકડીના ભાગે ઘવાયેલા ઝૂલુઓની સેવા કરવાનું આવ્યું. એ સેવાકામ મેની 10મીથી જુલાઈની 19મી સુધી ચાલ્યું. ઘવાયેલા ઝૂલુઓની સેવા કરતાં ગાંધીજીના હૃદયમાં પીડિતો પ્રત્યે જે કરુણા ઊભરાઈ તેનાથી પ્રેરાઈ તેમણે 20મી જુલાઈએ ફિનિક્સ પહોંચી આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું અને હવે પછી પોતાની બધી કમાણી હિંદી કોમની સેવા અર્થે જ વપરાશે એમ પોતાના વડીલ ભાઈ લક્ષ્મીદાસને લખી દીધું.
આમ, આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈ ગાંધીજી 30મી જુલાઈએ જોહાનિસબર્ગ ગયા. ત્યાં 22મી ઑગસ્ટે સરકારી ગેઝેટમાં ટ્રાન્સવાલના હિંદીઓને ફરજિયાત નોંધણી કરાવવાના વટહુકમનો ખરડો Draft Asiatic Law Amendment Ordinance વાંચ્યો. એ ખરડામાં દરેક હિંદી પુરુષે અને સ્ત્રીએ એશિયાટિક ખાતામાં પોતાનાં નામ નોંધાવવાં અને એમ કરતાં registration form, એટલે કે નોંધણીપત્રકમાં દરેક પુરુષે અને સ્ત્રીએ પોતાનાં આઠ આંગળાં અને બે અંગૂઠાની છાપ આપવી, આઠથી સોળ વર્ષની વચ્ચેનાં બાળકો વતી એવી અરજી એ બાળકનાં માબાપોએ કરવી અને એવાં બાળકોની પાસે પણ તેમનાં આઠ આંગળાં અને બે અંગૂઠાની છાપ અપાવવી એવી જોગવાઈઓ હતી. આ ઉપરાંત, એ ખરડામાં હિંદીઓને અપમાનજનક લાગે એવી બીજી કલમો પણ હતી. તેથી ગાંધીજીએ ટ્રાન્સવાલના હિંદી કોમના નેતાઓને ખરડાનો વિરોધ કરવા સમજાવ્યા. પરિણામે, સપ્ટેમ્બરની 11મીએ જોહાનિસબર્ગની એક નાટકશાળામાં હિંદીઓની એક જંગી સભા મળી અને એમાં હાજર રહેલા બધા હિંદીઓએ સર્વાનુમતે પ્રતિજ્ઞા કરી કે જો એ ખરડો કાયદો બનશે તો પોતે એને તાબે નહિ થાય અને એમ કરવા માટે જે સજા થશે તે સહન કરી લેશે.
સરકારે ખરડામાંથી સ્ત્રીઓને લગતી જોગવાઈ કાઢી નાખી બાકીનો ખરડો કાયદા રૂપે ટ્રાન્સવાલની ધારાસભામાં પસાર કરાવ્યો. હિંદી કોમે પોતાના ઠરાવનો અમલ કરતાં પહેલાં ઇંગ્લૅન્ડની શાહી સરકાર પાસે પોતાનો પક્ષ રજૂ કરવા ડેપ્યુટેશનરૂપે ગાંધીજી અને હાજી હબીબને લંડન મોકલ્યા. તેઓ શાહી સરકારના સંસ્થાનમંત્રી લૉર્ડ એલ્ગિનને અને ભારતમંત્રી મોર્લીને મળ્યા. એમની સાથેની ચર્ચાઓના પરિણામે લૉર્ડ એલ્ગિને 26મી નવેમ્બરે ટ્રાન્સવાલના ગવર્નરને તાર કરીને જણાવ્યું કે પોતે વધુ વિચાર કર્યા વિના પસાર થયેલા કાયદાને મંજૂરી આપવાની શહેનશાહને ભલામણ નહિ કરી શકે.
ટ્રાન્સવાલ 1906ના ડિસેમ્બરની 6ઠ્ઠીએ શાહી સંસ્થાન મટી સ્વાયત્ત સંસ્થાન બન્યું. તે પછી તેની નવી ચૂંટાયેલી ધારાસભાએ 1907ના માર્ચની 22મીએ ઉપર્યુક્ત The Asiatic Law Amendment Act નામથી ઓળખાતો કાયદો પસાર કર્યો. આ સિવાય પણ આ કાયદામાં હિંદીઓને અપમાનજનક લાગે એવી બીજી કલમો હતી તેથી ગાંધીજીની પ્રેરણાથી એનો વિરોધ કરવા માર્ચની 29મીએ જોહાનિસબર્ગમાં ટ્રાન્સવાલના હિંદીઓની સભા ભરાઈ. એ સભામાં જો સરકાર નામ-નોંધણીનો કાયદો પાછો ખેંચી લે તો એ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની તૈયારી બતાવી. સરકારે હિંદી કોમની એ દરખાસ્ત ન સ્વીકારી એટલે મૂળ કાયદાની સામે લડત ચલાવવાનું અનિવાર્ય થઈ પડ્યું. શરૂઆતમાં એ લડત ‘પૅસિવ રિઝિસ્ટન્સ’ એવા અંગ્રેજી શબ્દોથી ઓળખાતી હતી, પણ ગાંધીજીને એ ઠીક ન લાગતાં તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના 1907ના 28મી ડિસેમ્બરના અંકના ગુજરાતી વિભાગમાં તેના ગુજરાતી પર્યાય માટે જાહેરખબર આપી. ઉત્તરમાં મગનલાલ ગાંધીએ ‘સદાગ્રહ’ શબ્દ સૂચવ્યો. ગાંધીજીએ તે બદલીને ‘સત્યાગ્રહ’ શબ્દ રાખ્યો અને 1908ના જાન્યુઆરીથી હિંદીઓની લડત એ નામે ઓળખાતી થઈ.
સરકારે ફરજિયાત ઓળખપત્રોનો કાયદો 1907ની 1 જુલાઈએ અમલમાં આવશે અને બધા હિંદીઓએ 31મી જુલાઈ સુધીમાં પોતાનાં ઓળખપત્રો કઢાવી લેવાં એવી જાહેરાત કરી. પાછળથી તેની મુદત 30મી નવેમ્બર સુધી લંબાવી. જે હિંદી યુરોપની કોઈ ભાષામાં અરજી ન કરી શકે અથવા ઓળખપત્ર ન કઢાવે તે પ્રતિષિદ્ધ પ્રવેશક ગણાય અને એવા હિંદીને બળજબરીથી ટ્રાન્સવાલની બહાર કાઢી શકાય.
પ્રવેશ નિયંત્રણના કાયદાને 1907ના ડિસેમ્બરની 27મીએ શાહી મંજૂરી મળી એટલે એ દિવસે ઓળખપત્ર નહિ કઢાવનાર ગાંધીજી સાથે બીજા વીશ હિંદી નેતાઓની ધરપકડનો હુકમ કાઢવામાં આવ્યો. ગાંધીજી બીજા દિવસે, 28મીએ જાતે કોર્ટમાં હાજર થયા ત્યારે મૅજિસ્ટ્રેટે તેમને 48 કલાકમાં ટ્રાન્સવાલ છોડી જવાનો હુકમ કર્યો. તેમણે તે માન્યો નહિ એટલે 1908ના જાન્યુઆરીની 10મીએ તેમને અદાલતમાં મૅજિસ્ટ્રેટે ઓળખપત્ર નહિ કઢાવવાના ગુના માટે બે માસની સાદી કેદની સજા કરી. તેમની સાથે બીજા કેટલાક હિંદી નેતાઓ પકડાયા અને તેમને પણ સાદી કેદની સજા થઈ. પણ આ બધાને પૂરા બે મહિના જેલમાં રહેવું ન પડ્યું. એક અંગ્રેજી સમાચારપત્રના અધિપતિની દરમિયાનગીરીના પરિણામે હિંદી કોમે 1907ના માર્ચની 29મીએ સરકારે ઓળખપત્રો કઢાવવાનું ફરજિયાત કરતો કાયદો ‘ધ ટ્રાન્સવાલ રજિસ્ટ્રેશન ઍક્ટ’ રદ કરે તો સ્વેચ્છાએ કાયદાની જોગવાઈઓ અનુસાર જ ઓળખપત્રો કઢાવવાની તૈયારી બતાવી હતી તે પ્રમાણે બધા હિંદીઓ ઓળખપત્રો કઢાવે તો સરકાર એ કાયદો રદ કરશે એ મતલબની સમજૂતી હિંદી કોમ વતી ગાંધીજી અને ટ્રાન્સવાલના ગૃહપ્રધાન સ્મટ્સ વચ્ચે થઈ.
ગાંધીજી 1908ના ફેબ્રુઆરીની 10મીએ નોંધણી અધિકારી પાસે ઓળખપત્ર કઢાવવા નીકળ્યા ત્યારે મીરઆલમ નામના તેમના અસીલે તેમણે લાંચ લઈ હિંદી કોમને વેચી દીધી છે એમ માની તેમના ઉપર હિંસક હુમલો કર્યો. સરકાર સામેની ગાંધીજીની અહિંસક લડાઈથી જોસેફ ડૉક નામના એક પાદરી તેમની પ્રત્યે આકર્ષાયા હતા. ઘાયલ થયેલા ગાંધીજીને તે સારવાર માટે પોતાના ઘેર લઈ ગયા. ત્યાં એક દિવસ ગાંધીજીની વિનંતીથી ડૉકની ઑલિવ નામની પુત્રીએ ઓગણીસમી સદીના ધર્મચિંતક ન્યૂમનનું ‘લીડ કાઇન્ડલી લાઇટ’નું ભજન ગાયું જેનાથી તેમને ‘વન સ્ટેપ ઇનફ’ની ભાવના મળી. ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યારે 1915માં તેમની વિનંતીથી નરસિંહરાવ દિવેટિયાએ એ ભજનનો એ વર્ષના ઑક્ટોબરની 23મીએ ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ્ય’થી શરૂ થતો ગુજરાતી અનુવાદ કરી આપ્યો. એક વર્ષ પછી 1909માં ડૉકે એમ. કે. ગાંધી, ઍન ઇન્ડિયન પેટ્રિયટ ઇન સાઉથ આફ્રિકા’ શીર્ષકથી ગાંધીજીનું જીવનચરિત્ર પણ લખ્યું. ડૉકના ઘેરથી ગાંધીજીએ તેમના ઉપર હુમલો કરનાર મીરઆલમ ઉપર કોઈ હિંદી રોષ ન રાખે અને સરકાર તેને કશું ન કરે એવી સૂચના કરતો ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અંગ્રેજી વિભાગમાં પત્ર લખ્યો.
સ્મટ્સ સાથેની સમજૂતી પ્રમાણે એ વર્ષના મે માસ સુધીમાં 6000 જેટલા હિંદીઓએ સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવ્યાં, પણ હવે સ્મટ્સે ફરજિયાત ઓળખપત્રો કઢાવવાનો કાયદો રદ કરવા માટે હિંદી કોમ ટ્રાન્સવાલમાં પ્રવેશ નિયંત્રણનો કાયદો સ્વીકારે એવી શરત મૂકી; હિંદી કોમે એ શરત ન સ્વીકારી એટલે ત્રણ મોરચે ફરીથી સત્યાગ્રહ ચાલ્યો : (1) સ્વેચ્છાએ કઢાવેલાં ઓળખપત્રો 1908ના ઑગસ્ટની 16મી અને 23મીએ બાળી મૂક્યાં હતાં તેમને બદલે ફરજિયાત ઓળખત્રો કઢાવવાના કાયદા નીચે ઓળખપત્રો ન કઢાવવાં, (2) સરકારે વેપારના પરવાના માટેની અરજીમાં આઠ આંગળી અને બે અંગૂઠાની છાપ આપવાનું ફરજિયાત બનાવ્યું હતું એટલે વેપારીઓએ વેપારના પરવાના કઢાવ્યા વિના જ વેપાર કરવો અને ફેરિયાઓએ પણ પરવાના કઢાવ્યા વિના જ ફેરી કરવી તથા (3) ટ્રાન્સવાલમાંથી નાતાલમાં જઈ ઓળખપત્ર વિના ટ્રાન્સવાલમાં પાછા ફરવું અને એમ પ્રવેશ-નિયંત્રણના કાયદાનો ભંગ કરી સજા વહોરી લેવી. ઓળખપત્ર વિના નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થવા માટે ગાંધીજીને 1908ના ઑક્ટોબરની 14મીએ બે માસની અને 1909ના ફેબ્રુઆરીની 25મીએ ત્રણ માસની સખત મજૂરીની કેદની સજા થઈ. આ બેય વેળાના જેલનિવાસ દરમિયાન ગાંધીજીને ઘણું શારીરિક કષ્ટ પડ્યું પણ તે તેમણે મનમાં લેશમાત્ર કડવાશ વિના સહન કરી લીધું અને બેય વાર જેલમાંથી છૂટ્યા પછી જેલના પોતાના અનુભવોનું રમૂજવૃત્તિથી વર્ણન કર્યું.
ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટ પાસે દક્ષિણ આફ્રિકાનાં નાતાલ, ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ એ બધાં સંસ્થાનોના સંયુક્ત રાજ્યનો કાયદો કરાવવા ટ્રાન્સવાલના બે નેતાઓ, જનરલ બોથા અને જનરલ સ્મટ્સ ઇંગ્લૅન્ડ જવાના હતા તેથી ટ્રાન્સવાલની હિંદી કોમે નવા સંયુક્ત રાજ્યમાં હિંદીઓના હકો જળવાય એ હેતુથી પોતાની માગણીઓ શાહી સરકારના પ્રધાનો સમક્ષ રજૂ કરવા પોતાનું પણ એક પ્રતિનિધિમંડળ (deputation) મોકલવાનો ઠરાવ કર્યો અને ગાંધીજી અને હાજી હબીબને તેના સભ્યો નીમ્યા.
પ્રતિનિધિમંડળ 1909 જુલાઈની 10મીએ લંડન પહોંચ્યું અને એ વર્ષના નવેમ્બરની 13 સુધી ત્યાં રહ્યું. પ્રતિનિધિમંડળ લંડન પહોંચ્યું તે પહેલાં 2જી જુલાઈએ મદનલાલ ધીંગરા નામના એક પંજાબી યુવાને કર્ઝન વાઇલી નામના એક અંગ્રેજ અમલદારનું લંડનમાં ખૂન કર્યું હતું અને પ્રતિનિધિમંડળ જે હેતુથી લંડન આવ્યું હતું તે માટે વાતાવરણ દૂષિત બન્યું હતું. પ્રતિનિધિમંડળ લંડનથી ખાલી હાથે દક્ષિણ આફ્રિકા પાછું ફર્યું. આ પ્રવાસ દરમિયાન તેમની સમસ્ત ચેતના આકળવિકળ હતી. ‘કિલડોનન કેસલ’ જહાજ પર મધદરિયે ‘હિંદ સ્વરાજ’નો જન્મ થયો. આ આખુંયે પુસ્તક માત્ર દસ દિવસમાં, 1909ના 13થી 22 નવેમ્બર દરમિયાન લખાયું. ગાંધીજી જમણા હાથે લખતા થાકે ત્યારે ડાબા હાથથી લખતા. તે પછી 1910ના જૂનમાં દક્ષિણ આફ્રિકાનાં અંગ્રેજ અને બોઅર સંસ્થાનોનું સંઘ રાજ્ય (Union of South Africa) અસ્તિત્વમાં આવ્યું.
પ્રતિનિધિમંડળ લંડનમાં હતું તે દરમિયાન ગાંધીજીને ટૉલ્સ્ટૉયે એક હિંદી પત્રકારને લખેલો પત્ર મળ્યો. એ પત્ર વાંચી 1લી ઑક્ટોબરે તેમણે એ ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અંગ્રેજી વિભાગમાં પ્રસિદ્ધ કરવા ટૉલ્સ્ટૉયની રજા માગતો પત્ર લખ્યો અને એ રીતે તેમનો ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને ટૉલ્સ્ટૉયનું 1910ના નવેમ્બર માસમાં અવસાન થયું ત્યાં સુધીમાં ગાંધીજીએ એમને ત્રણ પત્રો લખ્યા. નવેમ્બરની 10મીએ લખેલા પત્ર સાથે ગાંધીજીએ જોસેફ ડૉકે લખેલ પોતાના જીવનચરિત્રની નકલ મોકલી અને 1910ના એપ્રિલની 4થીએ ‘ઇન્ડિયન હોમરૂલ’(હિંદ સ્વરાજ)ની નકલ મોકલી. ગાંધીજીએ લંડનથી વળતી મુસાફરી દરમિયાન આગબોટ ઉપર ગુજરાતીમાં ‘હિંદ સ્વરાજ’ શીર્ષકથી 20 પ્રકરણો લખ્યાં હતાં અને તે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના 1909ના ડિસેમ્બરના 11મી અને 18મીના અંકોમાં ગુજરાતી વિભાગમાં છાપ્યાં હતાં. મુંબઈ સરકારે 1910ના માર્ચમાં એ પુસ્તિકા પર પ્રતિબંધ મૂક્યો એટલે ગાંધીજીએ પોતાના મિત્ર કૅલનબૅક માટે તેનો અંગ્રેજીમાં ‘Indian Home Rule’ શીર્ષકથી અનુવાદ કર્યો હતો. ટૉલ્સ્ટૉયે 1910 મેની 8મીએ એ પુસ્તિકાની પહોંચ સ્વીકારી અને ટ્રાન્સવાલના હિંદીઓની લડત એકલા ભારત માટે જ નહિ પણ સમસ્ત માનવજાત માટે મહત્ત્વની હોવાનું જણાવ્યું.
ટૉલ્સ્ટૉયે પોતાની પ્રત્યે બતાવેલા સદભાવનું ઋણ ચૂકવવા ગાંધીજીએ 1910ના જૂન માસમાં શ્રમપ્રધાન અને સાદા જીવનને વરેલા આશ્રમની સ્થાપના કરી તેને ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ નામ આપ્યું. કૅલનબૅક સાથે મસલત કરી ગાંધીજીએ ગાયભેંસનું દૂધ છોડી માત્ર લીલાંસૂકાં ફળો ઉપર રહેવાનો પ્રયોગ શરૂ કર્યો અને તેથી ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ ઉપરનું ગાંધીજીનું જીવન તેમની આધુનિક યાત્રામાં સીમાસ્તંભ જેવું બની રહ્યું.
‘ટૉલ્સ્ટૉય ફાર્મ’નો પ્રયોગ ચાલતો હતો તે દરમિયાન ગાંધીજી અને સ્મટ્સ વચ્ચે 1911ના એપ્રિલની 27મીએ કામચલાઉ સમજૂતી થઈ અને સત્યાગ્રહ મોકૂફ રાખવામાં આવ્યો. આમ, રાજકીય ક્ષેત્રે ગાંધીજીને કંઈક શાંતિ મળી ખરી, પણ એમના કૌટુંબિક જીવનમાં એક દુ:ખદ ઘટના બની. તેમના જ્યેષ્ઠ પુત્ર હરિલાલને અનેક કારણોથી ગાંધીજી પ્રત્યે અસંતોષ રહેતો હતો અને તેથી તેઓ 1911ના મેના પહેલા અઠવાડિયામાં કોઈને કહ્યા વિના જોહાનિસબર્ગથી જતા રહ્યા. ગાંધીજીએ તેમને પાછા આવવાનો તાર કર્યો એટલે તેઓ મેની 15મીએ આવ્યા ખરા, પછી 17મીએ સદાને માટે દક્ષિણ આફ્રિકા છોડી જતા રહ્યા. આમ પિતાપુત્ર વચ્ચે પડેલી તડ ક્યારેય પૂરેપૂરી સંધાઈ નહિ.
ગાંધીજી ટૉલ્સ્ટૉય ફાર્મ ઉપર હતા ત્યારે તેમના નિમંત્રણથી ગોપાળ કૃષ્ણ ગોખલે 1912માં દક્ષિણ આફ્રિકાની મુલાકાતે આવ્યા. ગોખલે દક્ષિણ આફ્રિકાના સંયુક્ત રાજ્યના પ્રધાનોને પણ મળ્યા અને તેમણે નાતાલના ગિરમીટિયા મજૂરો ઉપર 1893માં દર વર્ષે 3 પાઉન્ડનો માથાવેરો નાખવામાં આવ્યો હતો તે કાઢી નાખવાની અને હિંદીઓની બીજી ફરિયાદો પણ દૂર કરવાની તૈયારી બતાવી. દક્ષિણ આફ્રિકાથી જતાં પહેલાં ગોખલેએ ગાંધીજી ભારત પાછા ફરી પહેલા એક વર્ષ દરમિયાન કોઈ જાહેર પ્રશ્ન ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત નહિ કરે અને એ વર્ષ દેશની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં ગાળશે એવું વચન લીધું.
ગાંધીજીએ 1913ના જાન્યુઆરીની 19મીએ ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’નો આશ્રમ બંધ કર્યો અને બધા નાતાલ ફિનિક્સ આશ્રમ ગયા. આ અરસામાં આંતરજાતીય લગ્નો અંગેના એક ચુકાદા અનુસાર બિનખ્રિસ્તી હિંદીઓની પત્નીઓની સ્થિતિ રખાત જેવી બની હતી અને તેમનાં સંતાન અનૌરસ ગણાયાં. તે ઉપરાંત, ત્યાંની સરકારે માત્ર સ્ત્રીઓ અને સગીર બાળકો ઉપરનો માથાવેરો રદ કરવાની તૈયારી બતાવી પણ પુરુષો ઉપરનો માથાવેરો કાયમ રાખવામાં મક્કમ રહી. એટલે હવે ફરી એક વાર સત્યાગ્રહ ઉપાડવાનું અનિવાર્ય થઈ પડ્યું. આ છેલ્લી લડતમાં પુરુષો ઉપરાંત સ્ત્રીઓ અને ગિરમીટિયા મજૂરો પણ જોડાયાં. આ લડતમાં કસ્તૂરબાને ત્રણ માસની અને ગાંધીજીને એક વર્ષની સખત કેદની સજા થઈ.
સરકારે ગિરમીટિયા ઉપર દમનનો દોર છૂટો મૂક્યો. એ દમનના સમાચાર ભારત પહોંચતાં ખુદ વાઇસરૉય લૉર્ડ હાર્ડિજે 1913ના 16મી નવેમ્બરે મદ્રાસમાં દક્ષિણ આફ્રિકામાં પોતાને અન્યાયી લાગતા કાયદા સામે લડી રહેલા હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું ભાષણ કર્યું. આ ઘટનાની તપાસ માટે સરકારે ત્રણ ગોરા સભ્યોનું પંચ નીમ્યું અને તે પછી 18મી ડિસેમ્બરે ગાંધીજીને છોડી મૂક્યા.
આ પહેલાં ગોખલેએ રવીન્દ્રનાથ ઠાકુરના શાન્તિનિકેતનમાંથી ચાર્લ્સ ઍન્ડ્રૂઝ અને વિલિયમ પિયર્સન નામના બે ભારતપ્રેમી અંગ્રેજોને ગાંધીજીને મદદ કરવા દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા. પહેલી મુલાકાતથી ઍન્ડ્રૂઝ ગાંધીજીના મિત્ર અને પ્રશંસક બની ગયા.
તપાસપંચના ત્રણ ગોરા સભ્યોનો હિંદી કોમે બહિષ્કાર કર્યો. ગાંધીજી 1914ના જાન્યુઆરીની 1લીથી ફરી કૂચ શરૂ કરવાના હતા, પણ ગોખલેની સલાહથી કૂચ મોકૂફ રાખી. ગાંધીજીના આ પગલાની દક્ષિણ આફ્રિકાના ગોરાઓ ઉપર સારી છાપ પડી. પરિણામે ગાંધીજી અને સ્મટ્સ વચ્ચે વળી ફરી એક વાર કામચલાઉ સમજૂતી થઈ. તે પછી માર્ચની 7મીએ તપાસપંચે પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યો અને તેમાં હિંદીઓની મુખ્ય માગણીઓને વાજબી ગણી એ સંતોષાય એવો કાયદો કરવાની સરકારને ભલામણ કરી. આથી હિંદીઓને લગતા બધા કાયદાનો ઉદાર ભાવથી અમલ કરવામાં આવશે, એ મતલબની ખાતરી આપતો પત્ર જનરલ સ્મટ્સે ગાંધીજીને લખ્યો.
લડત દરમિયાન ગિરમીટિયા મજૂરોની હિંમતથી પ્રભાવિત થઈ જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજીએ મજૂરોનો પહેરવેશ ધારણ કર્યો હતો. લડતનો સફળ અંત આવ્યા પછી વેરૂલમ નામના એક ગામમાં ગિરમીટિયા મજૂરોએ તેમને વિદાય આપવા સભા યોજી હતી તેમાં બોલતાં તેમણે એ મજૂરોને કહ્યું : ‘‘તમારી ગિરમીટ એક શેઠ સાથે પાંચ વર્ષની છે. પણ હું તો જીવનપર્યંત 30 કરોડનો ગિરમીટિયો બની રહીશ અને તેમને કદી નહિ ભૂલું.’’ એ સંકલ્પ સાથે ગાંધીજી 1914ના જુલાઈની 18મીએ દક્ષિણ આફ્રિકા કાયમને માટે છોડી ગોપાળ કૃષ્ણ ગોખલેને લંડનમાં મળવા આગબોટમાં નીકળ્યા. જેલવાસ દરમિયાન ગાંધીજીએ ચંપલની એક જોડ બનાવી હતી તે સ્મટ્સને ભેટ આપી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા છોડ્યું પછી મગનલાલ ગાંધી બીજા ફિનિક્સવાસીઓને લઈ રવીન્દ્રનાથ ઠાકુરના શાન્તિનિકેતનમાં રહેવા ગયા.
4થી ઑગસ્ટ 1914ના રોજ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. તેથી ગાંધીજીએ લગભગ 70 હિંદીઓની સારવાર ટુકડી રચી; આમ ગાંધીજીએ યુદ્ધમાં પરોક્ષપણે ભાગ લીધો. વળી અત્યારે પોતે બ્રિટિશ સામ્રાજ્ય ભારતના હિતમાં છે એમ માનતા હતા, એમ પણ કહ્યું. આમ, ત્રણે પ્રસંગે ગાંધીજીએ સારવાર ટુકડીઓ રચી યુદ્ધમાં પરોક્ષ ભાગ લીધો એ વાત હંમેશાં વિવાદાસ્પદ રહી છે.
1914ના ડિસેમ્બરમાં નીકળી તેઓ 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત આવ્યા. મુંબઈમાં તેમણે ગુજરાતીઓ સમક્ષ ગુજરાતીમાં વક્તવ્ય આપ્યું. લોકોને અણગમતી કોઈ પણ વાત માટે સરકારને ‘ના’ કહેવાની હિંમત દર્શાવવા પ્રેર્યા. મુંબઈના ગવર્નર લૉર્ડ વિલિંગ્ડનને મળ્યા. ફેબ્રુઆરીની 1લીએ મુંબઈથી તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં પોતાનો આશ્રમ સ્થાપવાની શક્યતા વિચારી, અમદાવાદના શ્રેષ્ઠીઓએ તેની આર્થિક જવાબદારી લેવાની તૈયારી બતાવી. 17 ફેબ્રુઆરીએ તેઓ ‘શાંતિનિકેતન’ ગયા. ત્યાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સ્વાશ્રયના પાઠ ભણાવ્યા. આ દરમિયાન ગોખલેના અવસાનના સમાચાર મળતાં આ પ્રયોગ અધૂરો મૂકી પુણે જવા નીકળ્યા.
માર્ચમાં પુણેથી કૉલકાતા અને પછી મિત્ર પ્રાણજીવનદાસ મહેતાને મળવા રંગૂન ગયા. પાછા કૉલકાતા આવી એપ્રિલમાં હરદ્વાર કુંભમેળામાં ગયા. અહીં એક દિવસમાં દવા સહિત પાંચથી વધુ વસ્તુઓ ન ખાવાનું તેમજ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાનું વ્રત લીધું.
હરદ્વારથી નીકળી કેટલોક સમય ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની મુસાફરી કરી મેની 11મીએ તે અમદાવાદ આવ્યા. તે દિવસે તેમણે આશ્રમ સ્થાપવા કોચરબમાં જીવણલાલ વ્રજલાલ દેસાઈનો બંગલો જોયો અને તેને ભાડે રાખી મેની 20મીએ વાસ્તુપૂજન કરી ઘડો મૂક્યો. 22મીએ ત્યાં રહેવા ગયા અને 25મીએ આશ્રમની શાળાનો નિત્યક્રમ શરૂ થયો. આશ્રમનું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ રાખવામાં આવ્યું અને દેશસેવા માટે આશ્રમવાસીઓમાં જરૂરી નૈતિક બળ કેળવવાના ઉદ્દેશથી વ્રતોની યોજના કરવામાં આવી. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો આધ્યાત્મિક સાધના માટે પરંપરાથી સ્વીકારાયેલાં હતાં. તેમાં બ્રહ્મચર્યવ્રતના પાલનમાં મદદરૂપ બને એ હેતુથી અસ્વાદવ્રત ઉમેરાયું અને તે સમયની દેશની સ્થિતિ ધ્યાનમાં રાખી અભય, સ્વદેશી અને અસ્પૃશ્યતાનિવારણનાં વ્રતો ઉમેરાયાં. પાછળથી જાતમહેનત અને સર્વધર્મસમભાવનાં વ્રતો પણ ઉમેરાતાં કુલ 11 વ્રતો થયાં.
આશ્રમ સ્થપાયા પછી ગાંધીજીએ સપ્ટેમ્બરની 11મીએ અમૃતલાલે મુંબઈથી મોકલેલા દૂદાભાઈ નામના એક અંત્યજને આશ્રમમાં દાખલ કર્યા. તે પછી દૂદાભાઈ પોતાની પત્ની દાનીબહેન અને બાળપુત્રી લક્ષ્મીને પણ આશ્રમમાં લઈ આવ્યા. આ વાત કસ્તૂરબાને ન ગમી. ગાંધીજીએ તેમને દૂદાભાઈના કુટુંબને સ્વીકારી લેવાનું અથવા આશ્રમ છોડી જવાનું કહ્યું. કસ્તૂરબા ગાંધીજીને છોડી જઈ શકે એમ હતાં જ નહિ. તેથી લાચાર થઈ તેમણે એ અંત્યજ કુટુંબને સ્વીકારી લીધું, પણ ગાંધીજીના જમણા હાથ જેવા મગનલાલ અને તેમનાં પત્ની સંતોકબહેન ન સ્વીકારી શક્યાં એટલે ગાંધીજીએ મગનલાલને વણાટકામ શીખવા થોડા સમય માટે ચેન્નાઈ (મદ્રાસ) મોકલી દીધા. ગાંધીજીએ આમ એક અંત્યજ કુટુંબને આશ્રમમાં દાખલ કર્યું એટલે જે ધનિકોએ આશ્રમની આર્થિક જવાબદારી સ્વીકારી હતી તેમણે તેને આર્થિક સહાય આપવી બંધ કરી અને આશ્રમને બંધ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. ગાંધીજીની આ મૂંઝવણમાંથી તેમને અંબાલાલ સારાભાઈએ પોતાનું નામ જણાવ્યા વિના રૂ. 13,000ની રકમ આપી બચાવ્યા.
નવેમ્બરની 15મીએ ગાંધીજીએ અમદાવાદની ‘ગુજરાત સભા’નું બંધારણ ઘડવામાં મદદ કરી અને તેના ઉપપ્રમુખ બન્યા. એ રીતે એમણે ગુજરાતમાં જાહેરસેવાની શરૂઆત કરી. સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે રેલગાડીથી મુસાફરો પાસેથી બેની સરહદે આવેલા વીરમગામ સ્ટેશને જકાત લેવાતી હતી અને તે અંગે એવા મુસાફરોને ઘણી હાડમારી પડતી હતી. ગાંધીજીએ એ અંગે મુંબઈના ગવર્નર લૉર્ડ વિલિંગ્ડન સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડને પણ એ જકાતની વાત કરી. વાઇસરૉયે 1917ના ઑક્ટોબર માસમાં એ જકાત દૂર કરી.
ફેબ્રુઆરી 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના નિમિત્તે ત્યાં ગયા. હિંદીઓની સભામાં હિંદી હોવા છતાં અંગ્રેજીમાં ભાષણ આપવું પડતું હતું તેના ક્ષોભની વાત કરી. યાત્રાધામોની ગંદકી, રેલવેની ગંદકી બાબતે અણગમો દર્શાવ્યો. દેશમાં સ્થપાયેલ ભયના સામ્રાજ્ય, શાસકો-શાસિતો વચ્ચેના અવિશ્વાસની વાત કરી. દક્ષિણ આફ્રિકામાં નિર્બળ બોઅર પ્રજાની હિંમત જેવી સરકારનો વિરોધ કરવાની હિંમત કેળવવાનો અનુરોધ કર્યો. પ્રજાને નિર્ભીકતાનો આ પાઠ ભણાવવા બદલ તેમને સારી પ્રતિષ્ઠા મળી; પરંતુ સભા મંચ પરના રાજામહારાજાઓ સભા મંચ છોડીને ચાલ્યા ગયા હતા. આ ભાષણથી પ્રભાવિત થયેલા વિનાયક (વિનોબા) ભાવે 7મી જૂને ગાંધીજીને મળ્યા અને તુરત કોચરબ આશ્રમમાં જોડાયા.
આ પછી ગાંધીજી શિક્ષિતોનો અંગ્રેજી ભાષા માટેનો મોહ, સ્વદેશી, આશ્રમવ્રતોનું મહત્વ, સ્ત્રીઓ અને અંત્યજોની અવદશા, રેલવેમાં મુસાફરી કરતા શિક્ષિતોની ફરજ, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, આર્થિક ઉન્નતિ અને નૈતિક ઉન્નતિ વચ્ચે સરખામણી, પ્રાચીન અને અર્વાચીન શિક્ષણપદ્ધતિ એવા એવા વિષયો ઉપર બોલીને કે લેખો લખીને પ્રચાર કરતા રહ્યા. આ રીતે રચનાત્મક કામોનાં બીજ રોપાયાં.
એ વર્ષના અંતે, 1916ના ડિસેમ્બરની 26મીથી 30મી સુધી કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન લખનૌમાં મળ્યું તેમાં ગાંધીજી હાજર રહ્યા. એ અધિવેશનમાં બાળ ગંગાધર ટિળક અને મહંમદઅલી ઝીણાના પ્રયાસોથી કૉંગ્રેસે મુસલમાનો માટે અલગ મતદારમંડળો સ્વીકારતી અને મુસ્લિમ લીગે કૉંગ્રેસની સ્વરાજની માગણીને ટેકો આપતી કૉંગ્રેસ-લીગ સમજૂતી થઈ અને એમ ભવિષ્યમાં આવનારા પાકિસ્તાનનો પાયો નંખાયો તેના ગાંધીજી સાક્ષી બન્યા. આ અધિવેશનમાં તેમની જવાહરલાલ નહેરુ સાથે પહેલી મુલાકાત થઈ. આ અધિવેશનમાં બિહારના ચંપારણ જિલ્લાના રાજકુમાર શુક્લ નામના એક ખેડૂતે ગાંધીજીને ચંપારણ જઈ ત્યાં નીલવરો, એટલે કે જમીનના ગોરા માલિકો સારુ ગળીનું વાવેતર કરતા તેમના ગણોતિયાને નીલવરો તરફથી પડતા ત્રાસની તપાસ કરવા વિનંતી કરી. આ તપાસ માટે ગાંધીજી 1917ના એપ્રિલની 10મીએ પટણા પહોંચ્યા, પણ તે સાથે તેમને કલેક્ટર તરફથી ચંપારણ છોડી જવાનો હુકમ મળ્યો, પણ સરકારના કાયદા કરતાંય ઉપર એવા અંતર-આત્માના અવાજને માન આપવાના ઇરાદાથી ચંપારણ છોડી જવાના હુકમનો અનાદર કર્યો હતો એ મતલબનું ભારતમાં પહેલી વાર સત્યાગ્રહીના હકનું પ્રતિપાદન કરતું નિવેદન કર્યું. તે પછી બિહારના લેફ્ટેનન્ટ-ગવર્નરની સૂચનાથી એપ્રિલની 20મીએ ગાંધીજી વિરુદ્ધનો મુકદ્દમો પાછો ખેંચી લેવાયો અને તેમને પોતાને જોઈતી તપાસની છૂટ મળી. ગાંધીજીની આવી નીડરતાથી વલ્લભભાઈ તેમની પ્રત્યે આકર્ષાયા, મહાદેવભાઈ દેસાઈ 1917ના ઑગસ્ટની 31મીએ ગાંધીજીને મળ્યા ત્યારે તેમની પ્રત્યે આકર્ષાયા હતા અને 1917ના નવેમ્બર માસમાં તેમના રહસ્ય મંત્રી તરીકે જોડાયા.
ગાંધીજીને 16મી એપ્રિલે ચંપારણ છોડી જવાનો હુકમ મળ્યો હતો તેના વિરોધમાં તેમણે દક્ષિણ આફ્રિકામાં તેમની સેવાની કદર કરી સરકારે 1915ના જૂન માસમાં ‘કૈસરે હિંદ’નો ચાંદ આપ્યો હતો તે પરત કરવા આશ્રમના પોતાના સાથીઓને સૂચના આપી હતી અને એ સૂચના અનુસાર 20મી એપ્રિલે ચાંદ પરત કરવામાં આવ્યો હતો. આ બનાવના સંદર્ભમાં સરકારે ગણોતિયાઓની ફરિયાદોની તપાસ માટે 16મી જૂને પંચ નીમ્યું અને ગાંધીજીને પણ તેના સભ્ય બનવાનું આમંત્રણ આપ્યું અને ગાંધીજીએ તે સ્વીકાર્યું. એ અહેવાલમાં ગણોતિયાઓ પાસેથી જે ગેરકાયદે રકમો પડાવી હતી તેના 25 % જેટલો જ ભાગ તેમને પાછો મળે એવી પંચની ભલામણ સાથે ગાંધીજી સંમત થયા હતા તેનો એમના સાથી કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો અને ગાંધીજીએ સોએ સો ટકા રકમ પાછી આપવાનો આગ્રહ રાખવો જોઈતો હતો એમ કહીને તેમને ઠપકો આપ્યો, પણ ગાંધીજી બાંધછોડને સત્યાગ્રહનું આવશ્યક અંગ માનતા. તે ઉપરાંત, ગણોતિયાઓ નીલવરોથી દબાયેલા રહેતા હતા તે બંધ થયું; ચંપારણના ખેડૂતોના ડાઘ ધોવાય જ નહિ એ વહેમ દૂર થયો એટલું ગાંધીજીની ર્દષ્ટિએ બસ હતું.
ગાંધીજીએ ગુજરાતમાં પાછા આવી પહેલાં 1917ની 20મી ઑક્ટોબરે તેમના પ્રમુખપદે મળેલી બીજી ગુજરાત કેળવણી પરિષદમાં અને 3જી નવેમ્બરે ગોધરામાં તેમના પ્રમુખપદે મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદમાં એ બે વિષયો ઉપર પોતાના મૌલિક, કોઈને સ્વપ્નદર્શન લાગે, એવા વિચારો રજૂ કર્યા. કેળવણી પરિષદમાં તેમણે શિક્ષણના માધ્યમ તરીકે બધા સ્તરે માતૃભાષાની અને આંતરપ્રાંતીય વ્યવહાર માટે હિંદુસ્તાની ભાષાની હિમાયત કરી અને પ્રાથમિક કક્ષાએ અક્ષરજ્ઞાનની સાથે ખેતી, વણાટકામ, સુથારીકામ, લુહારીકામ, મોચી અને સોની કામ એવાં શરીરશ્રમનાં કામોનો આગ્રહ રાખ્યો; અને છેવટે શિક્ષણમાં સંગીતને સ્થાન મળવું જ જોઈએ અને શાળાઓ સૌંદર્યના વાતાવરણમાં હોવી જોઈએ એમ ભારપૂર્વક કહ્યું.
ગોધરાની રાજકીય પરિષદમાં થયેલા ઠરાવો માટે સેવાને જ વરેલા દેશસેવકોની પુણેના ભારત સેવક સમાજ (સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી) જેવી સંસ્થા સ્થાપવાની જરૂર જણાવી અને દેશસેવાનો ઉદ્દેશ પણ માત્ર રાજકીય સ્વાતંત્ર્ય નહિ પણ પ્રજાજીવનનાં બધાં ક્ષેત્રોમાં નવજીવનનો સંચાર કરવાનો હોવો જોઈએ એમ કહ્યું. વળી રાજકીય સ્વતંત્રતા માટે પણ ભારત હિંસાથી નહિ પણ પોતાના ભવ્ય ભૂતકાળને અને સમૃદ્ધ વારસાને શોભે એવી સાત્વિક પ્રવૃત્તિથી અંગ્રેજોને જરૂર જીતી શકશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી.
સાત્વિક ભાવનાથી ચલાવેલી પહેલી લડત અમદાવાદના મિલમજૂરોની હતી અને બીજી લડત ખેડા જિલ્લાના ખેડૂતોની હતી.
આ પહેલાં ગાંધીજીએ મિલમાલિકો અને મજૂરો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્નો કરી જોયો હતો પણ તેમાં તે સફળ નહોતા થયા. મજૂરોની લડત અનિવાર્ય થઈ પડી એટલે અંબાલાલનાં બહેન અનસૂયાબહેને એ લડતની આગેવાની લીધી હતી. ગાંધીજીએ અમદાવાદ અને મુંબઈના જીવનખર્ચનો અને બેય શહેરોમાં મજૂરોને મળતા વેતનનો અભ્યાસ કરી અમદાવાદના મજૂરોના પગારમાં 35 % વધારાને વાજબી ગણ્યો હતો. મિલમાલિકોએ 35 % વધારો આપવાનું ન સ્વીકાર્યું અને મિલો બંધ કર્યાનું જાહેર કર્યું તે જ દિવસે મજૂરોએ હડતાળ જાહેર કરી. ગાંધીજીએ મજૂરોને માર્ગદર્શન અને જરૂરી માહિતી આપવા મજૂરોની 12 જેટલી સભાઓ સંબોધી અને અનસૂયાબહેનની સહીથી પણ પોતે લખેલી 15 પત્રિકાઓ પ્રગટ કરી. ફેબ્રુઆરીની 26મીએ પ્રગટ થયેલી પહેલી જ પત્રિકામાં તેમણે મજૂરોએ પોતાને 35 % વધારો ન મળે ત્યાં સુધી કામ ઉપર નહિ ચડવાની, લડત દરમિયાન કોઈ પ્રકારની હિંસાનો આશ્રય નહિ લેવાની અને મિલમાલિકોની મિલકતને નુકસાન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, તેનો અર્થ સમજાવ્યો. તે ઉપરાંત હડતાળ દરમિયાન મજૂરોએ બહારથી કશી મદદ નહિ માગવી કે સ્વીકારવી એવો પણ ગાંધીજીએ આગ્રહ રાખ્યો. તેને બદલે એ સમયે નવા આશ્રમનાં મકાન બંધાતાં હતાં તેમાં તેમણે કેટલાક મજૂરોને રોજી આપી. અમદાવાદમાં 1917માં મરકીનો ઉપદ્રવ થયો હતો તેથી આશ્રમ કોચરબથી ખસેડવાની જરૂર પડી હતી. પૂંજાભાઈ હીરાચંદ નામના ગાંધીજીના એક સાથી કાર્યકરે સાબરમતી નદીના પશ્ચિમ કિનારે જેલની પાસે જમીન મેળવી આપી હતી અને કોચરબમાં રહેતા આશ્રમવાસીઓ 1917ના જુલાઈમાં એ જમીન ઉપર તંબૂઓમાં રહેવા ગયા હતા અને મજૂરોની હડતાળ વેળા ત્યાં પાકાં મકાનો બંધાતાં હતાં.
હડતાળ લંબાઈ એટલે કેટલાક મજૂરો ઢીલા પડ્યા અને મજૂરોની ચાલીઓમાં હડતાળ વિશે પ્રચાર કરવા જતા છગનલાલ ગાંધીને માર્ચની 14મીએ મજૂરોએ, ગાંધીજી તો દરરોજ અનસૂયાબહેન સાથે મોટરમાં ફરતા હતા અને પેટ ભરીને ખાતા હતા એ મતલબનું મહેણું સંભળાવ્યું. છગનલાલે એ વાત ગાંધીજીને કરી. એ સાંભળી બીજે દિવસે ગાંધીજીએ મજૂરોની સભા સંબોધતાં મજૂરો હડતાળમાં મક્કમ ન રહે તો પોતે અનિશ્ચિત મુદત સુધી ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી. ગાંધીજીના ઉપવાસથી મિલમાલિકો પીગળ્યા. આ અંગે વેતનવધારાની સમજૂતી થઈ એટલે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. પંચ તરીકે એ સમયે ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે કામ કરતા આનંદશંકર ધ્રુવને પસંદ કરવામાં આવ્યા. તેમણે ઑગસ્ટની 10મીએ પોતાનો ચુકાદો મજૂરોની તરફેણમાં આપી કાયમના 35 % વધારાને વાજબી ઠરાવ્યો. આમ, ગાંધીજી લડતમાં સફળ થયા ખરા, પણ તે માટે તેમને ઉપવાસ કરવો પડ્યો હતો તેથી તેનો તેમને રંજ રહી ગયો.
અમદાવાદના મિલમજૂરોની લડત પૂરી થાય તે પહેલાં ખેડા જિલ્લાના ખેડૂતોની લડત શરૂ થઈ. એ જિલ્લામાં આગલા વર્ષે અતિવૃષ્ટિ થવાથી લીલો દુકાળ પડ્યો હતો. ચાર આનાથી ઓછો પાક ઊતરે તો એ વર્ષ પૂરતું જમીન-મહેસૂલ મોકૂફ રાખવું એવો સરકારી નિયમ હતો. એટલે ખેડા જિલ્લાના ખેડૂતોએ પાક ચાર આનીથી ઓછો ઊતર્યો છે એમ કહી જમીન-મહેસૂલ મોકૂફ રાખવાની માગણી કરી પણ સરકારે ખેડૂતોની એ માગણી ન સ્વીકારી. તે પછી ગાંધીજીએ પોતાના સાથીઓની તપાસમાં પાક 25 %થી ઓછો ઊતર્યો હોવાનું જણાયું હતું, એવાં ગામોની યાદી મોકલી. તે છતાં મહેસૂલ ખાતાના અધિકારીઓએ ખેડૂતો ઉપર જબરજસ્તી કરવા માંડી.
આમ, લડત અનિવાર્ય થઈ પડી. ગાંધીજીએ માર્ચની 22મીએ નડિયાદમાં 5000 જેટલા ખેડૂતોની સભામાં તેમને સત્યાગ્રહ કરી મહેસૂલ નહિ ભરવાની સલાહ આપી. છેવટે, મુંબઈ સરકારની સૂચનાથી ખેડાના કલેક્ટરે એપ્રિલની 25મીએ જેમની સ્થિતિ મહેસૂલ ભરી શકે એમ ન હોય એમની ઉપર દબાણ ન કરવું એવી મતલબનો પરિપત્ર જિલ્લાના તમામ મામલતદારોને ગાંધીજીને કે વલ્લલભાઈને જાણ કર્યા વિના મોકલ્યો. ગાંધીજીને તો આવો પરિપત્ર મોકલાયો હોવાની જૂનની ત્રીજીએ નડિયાદના મામલતદારે તેમને જો સારી સ્થિતિના ખેડૂતો મહેસૂલ ભરી દે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવાનો પોતે હુકમ કાઢ્યો છે એમ કહ્યું ત્યારે જ ખબર પડી. તે પછી ગાંધીજીએ અને વલ્લભભાઈએ નડિયાદથી 6ઠ્ઠી જૂને ખેડા જિલ્લાની પ્રજાને જાહેર પત્ર લખીને લડતનો અંત આવ્યાનું જણાવ્યું.
ખેડા જિલ્લાના ખેડૂતોની લડત ચાલતી હતી તે દરમિયાન વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડે પ્રથમ વિશ્વયુદ્ધમાં હિંદી નેતાઓનો સહકાર મેળવવા એક પરિષદ બોલાવી હતી. તેમાં સરકારને રંગરૂટોની ભરતીમાં મદદ કરવાના ઠરાવને ગાંધીજીએ ટેકો આપ્યો હતો, ખેડૂતોએ એમને રંગરૂટોની ભરતીના કામમાં સહકાર ન આપ્યો. એના માનસિક આઘાતના જ પરિણામે ગાંધીજીને 1918ના ઑગસ્ટમાં મરડાની અસર જણાઈ. ગાંધીજી 1919ના જાન્યુઆરીની 9મીએ મુંબઈના પ્રખ્યાત સર્જન ડૉ. દલાલને મળ્યા. દવા લેવા માટે બકરીનું દૂધ ચાલશે એ નક્કી થતાં તે દિવસથી ગાંધીજીએ બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું.
જાન્યુઆરી 1919માં સરકારી ગેઝેટમાં રૉલેટ કાયદાની ભલામણો પ્રસિદ્ધ થઈ. જેમાં ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલ વ્યક્તિ પર ઝડપી કાનૂની કાર્યવાહી કરવા અંગે તથા રાજદ્રોહી સાહિત્ય કે લખાણ પકડાય તેવી વ્યક્તિ પર ખાસ અદાલતમાં કામ ચલાવી બે વર્ષની સખત કેદની સજા કે દંડની યા બંનેની જોગવાઈ હતી. ટૂંકમાં રૉલેટ કાયદો વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેનારો દમનકારી કાયદો હતો.
આ જોગવાઈથી ચોંકી ઊઠીને ગાંધીજીએ નાદુરસ્ત તબિયત છતાં સત્યાગ્રહ કરવા માટે નિર્ણય કર્યો. એ માટે પ્રતિજ્ઞા ઘડી. જેમાં વલ્લભભાઈ, અનસૂયાબહેન સારાભાઈ વગેરેએ સહી કરી. વાઇસરૉયને પ્રતિજ્ઞાની જાણ કરી, ઉપર્યુક્ત ખરડા પાછા ખેંચાય તેવી ઇચ્છા વ્યક્ત કરી. આમ છતાં આ અંગેના કાયદા ઘડાયા. આથી ગાંધીજીએ 30મી માર્ચે હડતાળ, પ્રાર્થના અને ઉપવાસનો રસ્તો લેવાનો વિચાર કર્યો. એ અનુસાર દિલ્હીમાં હડતાળ પડી. આ સંદર્ભમાં ગાંધીજી દિલ્હી થઈ પંજાબ જવા નીકળ્યા; પરંતુ અધવચ્ચે જ પલવલ સ્ટેશને ગાંધીજીને ઉતારી પોલીસને હવાલે કરાયા. પોલીસે ગાંધીજીને પરાણે મુંબઈ મોકલી છોડી દીધા. આથી પંજાબમાં પણ તોફાનોનો દોર ચાલ્યો. પંજાબ સરકારે 11મી એપ્રિલે અમૃતસર લશ્કરને સોંપી જનરલ ડાયર નામના લશ્કરી અધિકારીના હવાલે કર્યું.
બીજી તરફ ગાંધીજી પકડાયાના સમાચારે અમદાવાદના મિલમજૂરોએ સરકારી મકાનો બાળ્યાં, કેટલાક અંગ્રેજ અમલદારોને મારી નાખ્યા. તોફાનો દાબી દેવા લશ્કરી શાસન દાખલ કરાયું. આથી ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. તેમણે લોકોને ભૂલ સમજાવવા પ્રયત્ન કર્યો અને પ્રાયશ્ચિત્ત રૂપે 3 દિવસના ઉપવાસ કર્યા.
ગાંધીજી 13 એપ્રિલે અમદાવાદમાં શાંતિ સ્થાપવાના કામમાં પ્રવૃત્ત હતા ત્યારે પંજાબના અમૃતસરનાં તોફાનોએ ગોઝારો વળાંક લીધો. 13 એપ્રિલ પંજાબમાં નવા વર્ષના આગમનનો ‘બૈશાખી’ તરીકે ઓળખાતો નવી ફસલની ઉજવણીનો દિવસ હોય છે. પંજાબના લોક-આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની ધરપકડ થઈ હતી. લોકોએ તેના ઉગ્ર પ્રત્યાઘાત આપ્યા. બૅંકો , સરકારી મકાનો, સ્ટેશનો લૂંટાયાં, ત્રણથી ચાર અંગ્રેજોની હત્યા કરવામાં આવી. અમૃતસર શહેર લશ્કરને હવાલે કરવામાં આવ્યું. લશ્કરી અધિકારી જનરલ ડાયરે ફટાફટ જાહેર સભા, સરઘસ અને દેખાવો પર પ્રતિબંધ લાદ્યો. મોટા ભાગના લોકો આ પ્રતિબંધથી અજાણ હતા. અન્યાયી રૉલેટ કાયદા તથા સરકારી દમનનીતિનો વિરોધ કરવા મહિલાઓ, પુરુષો અને બાળકોની પ્રચંડ જનમેદની 13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા બાગ ખાતે એકત્ર થઈ હતી. આ બાગ નામથી ઓળખાતું મેદાન વચ્ચે ખુલ્લી જગ્યા ધરાવતું હતું અને એકમાત્ર સાંકડા પ્રવેશદ્વાર સિવાય તેની ફરતે પાંચ ફૂટ ઊંચી દીવાલ ધરાવતું હતું. જનરલ ડાયરે કશીયે ચેતવણી વિના જનમેદની પર ગોળીબાર શરૂ કર્યો. સ્વાતંત્ર્યસંગ્રામના આ ઘાતક અને ગોઝારા બનાવમાં 1200 વ્યક્તિઓ મૃત્યુ પામી, 3600 જેટલા લોકો ઘવાયા. આ અમાનુષી અને કાતિલ હત્યાકાંડથી ગાંધીજી હચમચી ઊઠ્યા, સરકારની ન્યાયબુદ્ધિમાંથી તેમની શ્રદ્ધા ડગી ગઈ. તેમને અસહકારનું આંદોલન (1920) શરૂ કરવાની ફરજ પડી. એથી પ્રજાજીવનમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને વેગ મળ્યો.
પંજાબની આ પરિસ્થિતિને કારણે ગાંધીજીએ પ્રારંભે સત્યાગ્રહ તત્કાલ અને પછીથી અનિશ્ચિત મુદત માટે બંધ રાખ્યો. પંજાબની ઘટનાઓના સંદર્ભમાં સરકારે નિષ્પક્ષ તપાસ પંચ નીમવાની જાહેરાત કરી. ગાંધીજીને સત્યાગ્રહ વિશેના વિચારો પ્રજા સમક્ષ સ્પષ્ટ કરવાની જરૂર જણાઈ. ‘નવજીવન અને સત્ય’ માસિક ઇન્દુલાલ યાજ્ઞિકે ગાંધીજીને સોંપ્યું. તે માસિકમાંથી સાપ્તાહિક બન્યું. એવી જ રીતે હોમરૂલ લડતના માધ્યમ તરીકે ચાલતું ‘યંગ ઇન્ડિયા’ મુંબઈના બદલે અમદાવાદથી પ્રસિદ્ધ થવા લાગ્યું. આમ 1919ના સપ્ટેમ્બરમાં ‘નવજીવન અને સત્ય’ તથા ઑક્ટોબરમાં ‘યંગ ઇન્ડિયા’ નવા સ્વરૂપે પ્રસિદ્ધ થવા લાગ્યાં.
1919ના અંતમાં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ભારત માટે નવો બંધારણીય કાયદો પસાર કર્યો જે પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરવાની ભલામણો ધરાવતો હતો. જેને કારણે અંશત: વહીવટ પ્રજાએ ચૂંટેલા સભ્યોને પ્રાપ્ત થયો હતો.
સપ્ટેમ્બર, 1920માં કૉલકાતા ખાતે કૉંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીનો સરકાર સાથે અસહકાર કરવાનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો. આ ખાસ અધિવેશન પછી ગાંધીજીએ અસહકારના કાર્યક્રમનો પ્રચાર શરૂ કરી દીધો. 1920માં ધારાસભાની ચૂંટણીઓ થઈ; પરંતુ તેમાં રાષ્ટ્રવાદી માનસના ઉમેદવારો ઊભા ન રહ્યા. 80 ટકા મતદારો તેનાથી દૂર રહ્યા. કેટલાંક મતદાન મથકોની મતપેટીઓ તદ્દન ખાલી રહી હતી.
સરકારી માલિકીનાં અથવા સરકારની મદદથી ચાલતાં શાળા-મહાવિદ્યાલયોના બહિષ્કારને વેગ આપવા ગાંધીજીએ અમદાવાદમાં 1920ના ઑક્ટોબરની 18મીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને પછી પુણે, કાશી, પટના અને કોલકાતામાં પણ રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ. એ સંસ્થાઓમાં સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. હિંદુ-મુસ્લિમ એકતા માટે ગાંધીજીએ મહમદઅલી, શૌકતઅલી, ડૉ. અન્સારી, હકીમ અજમલખાન અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા મુસલમાન નેતાઓનો સાથ લીધો અને ગાંધીજીના અને એ નેતાઓના સંયુક્ત પ્રયાસોથી ઠેર ઠેર હિંદુઓ અને મુસલમાનોની ભેગી સભાઓ મળી કેટલીક જગ્યાએ મુસલમાનોએ પોતે જ ગોમાંસનો ત્યાગ કર્યો. ખાદીના ઉત્પાદન માટે ગંગાબહેન મજમુદાર નામનાં એક બહેને 1917ના નવેમ્બર કે ડિસેમ્બરમાં ગાયકવાડી તાબાના મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાંથી રેંટિયો મેળવી આપ્યો હતો અને ખાદીનું ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. મોતીલાલ નહેરુ જેવા પ્રતિષ્ઠિત નેતા પણ ક્યારેક ખાદીની ફેરી કરવા નીકળી પડતા. અદાલતોનો બહિષ્કાર સંખ્યાની ર્દષ્ટિએ બહુ સફળ ન થયો. પણ મોતીલાલ અને જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ, રાજેન્દ્રપ્રસાદ, વિઠ્ઠલભાઈ, ચિત્તરંજન દાસ, ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ધીકતી કમાણી કરતા વકીલોએ વકીલાત છોડી હતી.
પણ પ્રજા પાસે અહિંસાનું પાલન કરાવવામાં ગાંધીજી પૂરા સફળ ન થયા. કેરળના પશ્ચિમ કિનારાના મલબાર પ્રદેશમાં અરબસ્તાનથી આવી વસેલા અને મોપલા નામથી ઓળખાતા મુસલમાનોએ 1921ના ઑગસ્ટ માસમાં સરકાર સામે બંડ કરી કેટલાક અંગ્રેજ અધિકારીઓને અને હિંદુ જમીનદારોને મારી નાખ્યા અને તેમની માલમિલકત લૂંટી લીધી. સરકારે નિર્દયતાથી બળવો દાબી દીધો. ગાંધીજીએ મોપલાઓનાં કૃત્યોને અને સરકારે બંડ દાબી દેવા ત્રાસ ગુજાર્યો તે બેયને વખોડ્યાં. પણ મહમદઅલીએ જુલાઈની 8મીએ કરાંચીમાં ખિલાફત પરિષદ મળી હતી તેમાં કોઈ હિંદીએ પોલીસદળમાં જોડાવું નહિ, લશ્કરમાં ભરતી થવું નહિ અને જોડાયા હોય કે ભરતી થયા હોય તેમણે રાજીનામું આપવું એમ કહ્યું હતું તેથી સરકારે તેમની ધરપકડ કરી હતી તેના વિરોધમાં તેમણે ‘યંગ ઇન્ડિયા’ના 26મી સપ્ટેમ્બરના અંકમાં ‘ટેમ્પરિંગ વિથ લૉયલ્ટી’ (વફાદારીની સાથે ચેડાં) શીર્ષકથી મહમદઅલીને ટેકો આપતો લેખ લખ્યો અને આ પૂરતું ન હોય તેમ ઑક્ટોબરની 4થીએ તેમણે 15 મુસલમાન અને 31 હિંદુ નેતાઓ પાસે કરાંચીમાં મહમદઅલીએ કર્યું હતું તેવું જ નિવેદન કરાવ્યું.
ગાંધીજીએ અંગ્રેજી શાસનમાં પ્રજાની જે અવદશા જોઈ હતી તેથી તે અકળાઈ ઊઠ્યા હતા. તે અંગ્રેજી રાજ્યને ક્યારેક શયતાની રાજ્ય, ક્યારેક રાક્ષસરાજ્ય અને ક્યારેક રાવણરાજ્ય કહેતા. સનાતની હિંદુઓને અસ્પૃશ્યતા છોડવા તે સામાન્ય રીતે વાપરતા એવી સૌમ્ય ભાષામાં સમજાવવાને બદલે અસ્પૃશ્યતાને હિંદુ ડાયરશાહી કહેતા. વળી 1921ના જુલાઈની 31મીથી ગાંધીજીએ પરદેશી કાપડની જાહેર હોળી કરવાનું શરૂ કર્યું હતું તેમાં પણ એમના મિત્ર ચાર્લ્સ ઍન્ડ્રૂઝને હિંસાની ગંધ આવતી. ગાંધીજી દરેક જણ કાંતે એવો આગ્રહ રાખતા, એમના વિરોધીઓ પ્રત્યે હંમેશાં આદર રાખતા; પણ એમના કેટલાક અનુયાયીઓ અસહિષ્ણુ બની ગાંધીજી સાથે પ્રામાણિક મતભેદ ધરાવનારાઓનો અવાજ ગૂંગળાવી દેતા તે રવીન્દ્રનાથને પસંદ નહોતું.
લોકો ગાંધીજીની સભાઓમાં મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર આવતા ખરા અને સ્ત્રીઓ તો એમની હૃદયસ્પર્શી વાણીથી પ્રેરાઈ પોતાનાં ઘરેણાં પણ ઉતારી આપતી; પણ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં બહુ ઓછા લોકોએ રસ લીધો. મદ્રાસ ઇલાકામાં પ્રવાસ કરતાં ગાંધીજીએ ગરીબોને ખાદી મોંઘી પડે છે એટલે તેઓ પરદેશી કાપડનો ત્યાગ નથી કરી શકતા એમ જોઈ 1921ના સપ્ટેમ્બરની 22મીએ ટૂંકી પોતડી (loin cloth) અને શરીરનો ઉપરનો ભાગ ઢાંકવા ખાદીની ચાદરનો પહેરવેશ શરૂ કર્યો; પણ તેથીય ખાદી વ્યાપક વપરાશમાં ન આવી અને અસ્પૃશ્યતાનું ‘અદકેરું અંગ’ કેમેય કરી ખરતું નહોતું.
કૉંગ્રેસના કૉલકાતાના ખાસ અધિવેશન પછી ગાંધીજીએ પ્રજા અસહકારનો, બહિષ્કારનો અને રચનાત્મક કાર્યક્રમોનો પૂરો અમલ કરે તો એક વર્ષમાં જ સ્વરાજ મળશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પણ 1921નો ઑક્ટોબર માસ શરૂ થયો છતાં સ્વરાજ મળવાનાં કોઈ ચિહન જણાતાં ન હતાં. તેથી જરા નિરાશ થઈ તેમણે 23મી ઑક્ટોબરના ‘નવજીવન’ના અંકમાં લખ્યું, ‘‘જો સ્વરાજ આ વર્ષમાં ન જ મેળવી લઈએ તો મને આવતા વર્ષમાં જીવવું ન ગમે. મારા પોતાના આત્માને એટલો ક્લેશ થવાનો સંભવ છે કે મારો દેહ જ પડી જાય એમ હું ઇચ્છું. મેં હિંદુસ્તાનનું દુ:ખ – આર્થિક તેમજ નૈતિક – એટલું બધું જોયું છે કે તેની જ્વાળાઓથી હું જો ભસ્મ નથી થયો તો તેનું કારણ એ જ છે કે હું પ્રજાએ આપેલી આશાએ જીવું છું.’
ઇંગ્લૅન્ડના પાટવીકુંવરના આગમનના વિરોધમાં હિંસક તોફાનો થયાં. ગાંધીજી પોતે શાંતિ જાળવવા ટોળાંમાં ફર્યા, પણ કોઈએ એમની વાત ન સાંભળી એટલે 19મી નવેમ્બરથી તે અનિશ્ચિત મુદત સુધીના ઉપવાસ ઉપર ઊતર્યા અને એ જ તારીખના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં પોતે છેલ્લા બે દિવસમાં મુંબઈમાં જે સ્વરાજ જોયું હતું તે પોતાના નાકમાં ગંધાઈ ઊઠ્યું હતું, એમ લખ્યું. બેત્રણ દિવસમાં તોફાનો બંધ થયાં અને ગાંધીજીએ 22મી નવેમ્બરે ઉપવાસ છોડ્યા. પણ મુંબઈમાં તોફાનોથી ભડકી સરકારે એ વર્ષના ડિસેમ્બર માસમાં મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ અને બીજા કૉંગ્રેસના નેતાઓની ધરપકડ કરી અને પિકેટિંગ ઉપર તથા કૉંગ્રેસના સ્વયંસેવક દળ ઉપર પ્રતિબંધ મૂક્યો.
તે પછી ડિસેમ્બરની 24મીથી 28મી સુધી કૉંગ્રેસનું અધિવેશન હકીમ અજમલખાનના પ્રમુખપદે અમદાવાદમાં મળ્યું અને એ અધિવેશનમાં કૉંગ્રેસની મહાસમિતિની પૂર્વસંમતિ વિના હિંદી સરકાર કે બ્રિટિશ સરકાર સાથે સુલેહસંધિ ન કરી શકે એ શરતે ગાંધીજીને કૉંગ્રેસના સર્વસત્તાધીશ અધિકારી નીમવામાં આવ્યા.
જાન્યુઆરીની 29મીએ બારડોલી તાલુકા પરિષદ મળી અને તેણે કૉંગ્રેસની કારોબારી સમિતિ બીજો કોઈ નિર્ણય ન કરે તો તુરત નાકરની લડત સહિત સવિનય કાનૂનભંગ શરૂ કરવાનો ઠરાવ કર્યો.
પણ ગાંધીજી પોતાના ઇરાદાને અમલમાં ન મૂકી શક્યા. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા નામના ગામમાં 4થી ફેબ્રુઆરીએ 21 જેટલા પોલીસોએ અસહકારીઓના એક સરઘસને પહેલાં તો આગળ જવા દીધું પણ પછી પાછળ રહી ગયેલાઓની પજવણી શરૂ કરી. આથી પોલીસો પોતાના થાણામાં ભરાઈ ગયા એટલે ટોળાએ થાણાને આગ ચાંપી. પોલીસો જીવ બચાવવા થાણાની બહાર નીકળ્યા એટલે ટોળાએ એમના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા અને એ ટુકડાઓ આગમાં ફેંકી દીધા.
આ સમાચારથી તેમને એવો આઘાત લાગ્યો કે તેમણે તાબડતોબ સવિનય કાનૂનભંગના કાર્યક્રમના આક્રમક અંશો થંભાવી દેવાનો નિર્ણય કર્યો.
સરકારે 1922ના માર્ચની 10મીએ ગાંધીજીની ધરપકડ કરી અને માર્ચની 18મીએ તેમના ઉપર અમદાવાદના શાહીબાગના સર્કિટ હાઉસમાં બ્રૂમફીલ્ડ નામના જિલ્લા ન્યાયાધીશ (sessions judge) સમક્ષ હિંદી ફોજદારી કાયદાની રાજદ્રોહને લગતી કલમ 124-અ નીચે ભારતમાં કાયદેસર અને વિધિપૂર્વક સ્થાપવામાં આવેલી સરકાર સામે દુર્ભાવ ફેલાવવાના આરોપસર કામ ચલાવવામાં આવ્યું અને તે માટે, તેમણે ‘યંગ ઇન્ડિયા’માં લખેલા ‘ટેમ્પરિંગ વિથ લૉયલ્ટી’, ‘ધ પઝલ ઍન્ડ ધ સલૂશન’ અને ‘શેકિંગ ધ મેન્સ’ એ ત્રણ લેખોનો આધાર લેવામાં આવ્યો. ગાંધીજીએ પહેલાં પ્રસ્તાવના રૂપે મૌખિક નિવેદનમાં મુંબઈમાં, મદ્રાસમાં અને ચૌરીચૌરામાં આચરવામાં આવેલી હિંસા માટે પોતાની જવાબદારી કબૂલ કરી અને પ્રજાને સરકારના કાયદાનો ભંગ કરવાની સલાહ આપવામાં પોતે આગ સાથે રમત રમી રહ્યા હતા એ પણ સ્વીકાર્યું, છતાં પોતાને છોડી મૂકવામાં આવે તો ફરી પણ પોતે એવું સાહસ કરે એમ જણાવ્યું. તે પછી તેમણે લિખિત નિવેદન વાંચી અંગ્રેજી શાસને પ્રજાની જે દુર્દશા કરી હતી તેનું વર્ણન કર્યું અને તેને જોઈ પોતાને થયેલી બધી વ્યથા એ નિવેદનમાં ઠાલવી. વળી પોતે સામ્રાજ્યભક્તમાંથી બળવાખોર કેમ બન્યા હતા તે પણ એમણે એ નિવેદનમાં સમજાવ્યું અને અંતમાં તેમણે ન્યાયાધીશ પાસે કાયદામાં પોતાના ગુના માટે વધારેમાં વધારે શિક્ષા થઈ શકે તે માગી. ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપતાં ગાંધીજી બીજા કરતાં જુદી કોટિની વ્યક્તિ છે, કરોડો ભારતીયોની નજરમાં તે એક દેશભક્ત અને નેતા છે, રાજકારણના પ્રશ્નોમાં તેમની સાથે મતભેદ છે એ લોકો પણ તેમને સંતપુરુષ માને છે એમ ઉદારતાપૂર્વક કબૂલ કર્યું; છતાં પોતાને તો ગાંધીજીએ કાયદાનું પાલન કરવા બંધાયેલા બીજા નાગરિકો જેવા એક નાગરિક જ ગણીને નિર્ણય કરવાનો હતો એમ જણાવ્યું. વળી, ગાંધીજી સતત હિંસાની વિરુદ્ધ પ્રચાર કરતા રહ્યા હતા અને ઘણા પ્રસંગોએ તેમણે હિંસા અટકાવવા પોતાનાથી બનતું બધું કર્યું હતું એ પણ ન્યાયાધીશે સ્વીકાર્યું, પણ જેમને ઉદ્દેશીને ગાંધીજી પોતાના વિચારોનો પ્રચાર કરતા હતા તેમનો સ્વભાવ જોતાં એ પ્રચારનું પરિણામ હિંસામાં નહિ આવે એમ ગાંધીજીએ કેમ માન્યું એ પોતે નહોતા સમજી શકતા એમ જણાવ્યું. તેમને કુલ છ વર્ષની સાદી કેદની સજા કરી અને સાથે દેશના સંયોગો બદલાય અને સરકાર ગાંધીજીને એમની મુદત પૂરી થયા પહેલાં છોડી મૂકે તો પોતાના જેટલું બીજું કોઈ રાજી નહિ થાય એમ જણાવ્યું.
ગાંધીજીએ આ સજાને હળવી ગણી તેને રાજીખુશીથી સ્વીકારી લીધી. ગાંધીજી આ પહેલાં ભારતમાં મહાત્મા બની ચૂક્યા હતા, પણ ચૌરીચૌરાના હત્યાકાંડ પછી તેમણે અસહકારની લડત મોકૂફ રાખી એટલે તે પશ્ચિમમાં પણ મહાત્મા બન્યા અને ફ્રેન્ચ ચિંતક અને નવલકથાકાર રોમાં રોલાંએ 1924માં તેમનું જીવનચરિત્ર લખ્યું જે વાંચી અંગ્રેજ નૌકા કાફલાના એક અધિકારીનાં પુત્રી કુમારી મૅડલિન સ્લેડ આકર્ષાઈને 1925ના નવેમ્બરમાં ભારત આવ્યાં અને ગાંધીજી પાસેથી મીરાંબહેન નામ સ્વીકારી તેમના જીવનભરનાં સેવક બની ગયાં.
ગાંધીજીને પહેલાં સાબરમતી જેલમાં અને પછી પુણે પાસે યરવડા જેલમાં લઈ ગયા. પણ જેલમાં જ તેમને ઍપેન્ડિક્સના સોજાનું દરદ ઊપડ્યું અને તે માટે તેમના ઉપર જાન્યુઆરીની 12મીએ પુણેની સાસૂન હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી. તે પછી ફેબ્રુઆરીની 5મીએ સરકારે તેમને વિના શરતે છોડી મૂક્યા. પુણેથી તેઓ મુંબઈ ગયા. ગાંધીજી જેલમાં હતા તે દરમિયાન દેશના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું હતું. 1923ના ડિસેમ્બરમાં કેન્દ્રીય અને પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ યોજાઈ.
તેમાં કેન્દ્રીય ધારાસભામાં એક મોટું જૂથ રચી શકાય એટલી સંખ્યામાં સ્વરાજ પક્ષના સભ્યો ચૂંટાયા. પ્રાંતિક ધારાસભાઓમાં પણ સારી ગણી શકાય એટલી સંખ્યામાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાયા. મધ્ય પ્રાંતની ધારાસભામાં તો સ્વરાજ પક્ષના સભ્યોને બહુમતી મળી. ગાંધીજીએ જણાવ્યું કે ધારાસભાઓમાં પ્રવેશ કરવો જ હોય તો ધારાસભાઓમાં કેન્દ્રીય અને પ્રાંતિક સરકારો તેમની કાપડની બધી જરૂરિયાતો માટે ખાદી ખરીદે, પરદેશી કાપડ ઉપર ભારે જકાત નાખે, દારૂ અને માદક પદાર્થોના ઇજારામાંથી થતી આવક જતી કરે અને તેમ કરવાથી થતી ખોટના પ્રમાણમાં લશ્કર માટે થતું ખરચ ઓછું કરે એવી મતલબના ઠરાવો રજૂ કરવા. કેન્દ્રીય કે પ્રાંતિક સરકારો એ ઠરાવોનો અમલ ન કરે તો તે સરકાર પાસે ધારાસભા બરખાસ્ત કરવાની માગણી કરે અને સરકાર એ માગણી પણ ન સ્વીકારે તો સ્વરાજ પક્ષના સભ્યોએ પોતપોતાની બેઠકોનાં રાજીનામાં આપી સવિનય કાનૂનભંગની લડત માટે તૈયારી કરવી.
1920–21નાં બે વર્ષ દરમિયાન 17મી સપ્ટેમ્બરથી 8મી ઑક્ટોબર સુધી ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા. ઠેર ઠેર ચાલતાં કોમી રમખાણો અટકાવવાનો તેમનો આ પ્રયાસ હતો. ગાંધીજીએ મુસલમાનોને ગૌહત્યા બંધ કરવાની ફરજ પાડવાને બદલે ગાય અને તેના વંશની સાચી સેવા કરવાના ઉદ્દેશથી ‘અખિલ હિંદ ગૌરક્ષા મંડળ’ નામથી એક સંસ્થાનું બંધારણ ઘડ્યું. આ બંધારણનો સભ્યોમાં સ્વીકાર થતાં ગાંધીજી એ નવી સંસ્થાના પ્રમુખ બન્યા.
એ જ વર્ષના સપ્ટેમ્બરની 22મીએ પટણામાં ગાંધીજીના પ્રમુખપદે મળેલી મહાસમિતિની બેઠકમાં ખાદી પ્રવૃત્તિને વ્યવસ્થિત રીતે ચલાવવા અખિલ હિંદ ચરખા સંઘની પણ સ્થાપના કરવામાં આવી. આ સાથે ગાંધીજીના ભવિષ્યના કામ માટે મજબૂત પાયો નંખાઈ ગયો.
ભારત માટે નવા બંધારણને લગતી ભલામણો કરવા વાઇસરૉય લૉર્ડ અર્વિને 1927ના નવેમ્બરની 8મીએ સાઇમન નામના અંગ્રેજના અધ્યક્ષપદે એક કમિશન નીમવામાં આવ્યું હોવાની જાહેરાત કરી. દેશના બધા રાજકીય પક્ષોએ કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. તે સાથે દેશના રાજકીય વાતાવરણમાં મંદતા આવી હતી તેમાં હવે ગરમી આવી. 1928માં કમિશન ભારત આવ્યું ત્યારે ‘સાયમન પાછા જાઓ’ (Go back Simon) એવા પોકારોથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. કમિશન વિરુદ્ધ ઠેરઠેર દેખાવો થયા.
1927ના ડિસેમ્બરમાં ચેન્નાઈ (મદ્રાસ) ખાતે યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં જવાહરલાલ નહેરુનો ભારતના ધ્યેય તરીકે સંપૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ મંજૂર થયો હતો. ગાંધીજી ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ને સ્થાને ‘સ્વરાજ’ શબ્દ વાપરવાના આગ્રહી હતા. આથી ‘યંગ ઇન્ડિયા’માં તેમણે ઉપર્યુક્ત ઠરાવની ભાષાની ટીકા કરી. 30 ઑગસ્ટની સર્વપક્ષી પરિષદમાં ‘સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજ’ની ભલામણનો સ્વીકાર થયો. આ કામ માટે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટને 31 ડિસેમ્બર 1929ની મુદત આપવામાં આવી.
આ ઠરાવના પ્રત્યુત્તરમાં વાઇસરૉય લૉર્ડ અર્વિને સાયમન કમિશનનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નવું બંધારણ ઘડવા લંડનમાં બધા પક્ષોની ગોળમેજી પરિષદ મળશે એ મતલબનું નિવેદન કર્યું; પરંતુ આ અંગે વાઇસરૉય બાંયધરી આપવા તૈયાર નહોતા. પરિણામે ડિસેમ્બર, 1929ના લાહોર અધિવેશનની ખુલ્લી બેઠકમાં કૉંગ્રેસનું ધ્યેય સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ નહિ પણ પૂર્ણ સ્વાતંત્ર્ય રહેશે એ મતલબનો ઠરાવ પસાર થયો. તે સાથે પૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવાની લડત ચલાવવાની સત્તા ગાંધીજીને આપી. આ અંગેનો પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ થતાં 26મી જાન્યુઆરીએ સારાયે દેશમાં તે ‘સ્વાતંત્ર્ય દિન’ તરીકે શાનદાર રીતે ઊજવાયો.
આ પહેલાં 1927ના ડિસેમ્બરમાં કૉંગ્રેસનું અધિવેશન ડૉ. અન્સારીના પ્રમુખપદે મદ્રાસમાં મળ્યું હતું ત્યાં તાજેતરમાં યુરોપના પ્રવાસે જઈ આવેલા અને ત્યાંથી ઉદ્દામ વિચારો લઈને આવેલા જવાહરલાલ નહેરુએ ભારતના ધ્યેય તરીકે સંપૂર્ણ સ્વાતંત્ર્ય (complete independence) સ્વીકારવાનો ઠરાવ રજૂ કર્યો હતો અને તે પસાર થયો હતો. ગાંધીજી, દેશની આમજનતા ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ જેવા પરદેશી વિચાર કરતાં ‘સ્વરાજ’ શબ્દ વધુ સારી રીતે સમજી શકે એમ માનતા હોવાથી તેમણે ‘યંગ ઇન્ડિયા’ના 5–1–1928ના અંકમાં એ ઠરાવની કડક ટીકા કરી હતી. સુભાષ બોઝ પણ ભારત માટે સંપૂર્ણ સ્વાતંત્ર્યના હિમાયતી હતા. એટલે જવાહરલાલ નહેરુ અને સુભાષ બોઝે ‘ઇન્ડિપેન્ડન્સ ફૉર ઇન્ડિયા લીગ’ની સ્થાપના કરી. પણ એ બેના વિરોધ છતાં ઑગસ્ટની 30મીએ સર્વપક્ષી પરિષદ મળી, તેણે નહેરુ સમિતિની ‘સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજ’ની ભલામણનો સ્વીકાર કર્યો.
તે પછી કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન કોલકાતામાં ડિસેમ્બરની 28મીથી 31 સુધી મળ્યું. 1929ના ડિસેમ્બરની 31મી સુધીમાં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટ નહેરુ સમિતિની સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજની ભલામણ સ્વીકારે તો કૉંગ્રેસ એવી રીતે ઘડાયેલું બંધારણ સ્વીકારશે, પણ જો પાર્લમેન્ટ એ મુદત સુધીમાં એ ભલામણ ન સ્વીકારે તો કૉંગ્રેસ નાકરની લડત સહિત અહિંસક અસહકારની લડત શરૂ કરશે અને તે દરમિયાન કૉંગ્રેસના નામે સંપૂર્ણ સ્વાતંત્ર્યનો પ્રચાર કરવાની છૂટ રહેશે એવી મતલબનો ઠરાવ ગાંધીજીએ કૉંગ્રેસના અધિવેશનની 31મીની ખુલ્લી બેઠકમાં રજૂ કર્યો અને તે પસાર થયો.
એ ઠરાવના ઉત્તરમાં વાઇસરૉય લૉર્ડ અર્વિને 1929ના ઑક્ટોબરની 31મીએ સાયમન કમિશનનો અહેવાલ પ્રસિદ્ધ થયા પછી ભારત માટે નવું બંધારણ ઘડવા લંડનમાં બધા પક્ષોની ગોળમેજી પરિષદ મળશે એ મતલબનું નિવેદન કર્યું. ગાંધીજીએ એ નિવેદનને આવકાર્યું. પણ એવી પરિષદ ભારત માટે સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજનું બંધારણ ઘડવા જ મળશે એવી વાઇસરૉય પાસે બાંયધરી માગી, પણ વાઇસરૉયે તે આપવાની ના કહી. એ વર્ષે કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોરમાં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ડિસેમ્બરની 27મીથી 31 સુધી મળ્યું. અધિવેશનની 31મીએ મળેલી ખુલ્લી બેઠકમાં ગાંધીજીએ સરકારે કૉંગ્રેસના કૉલકાતાના અધિવેશનના ઠરાવનો ઉત્તર ન આપ્યો હોવાથી હવે કૉંગ્રેસનું ધ્યેય સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ નહિ પણ પૂર્ણ સ્વાતંત્ર્ય રહેશે એ મતલબનો ઠરાવ રજૂ કર્યો અને તે પસાર થયો. તે સાથે પૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવાની લડત ચલાવવાની સત્તા ગાંધીજીને આપી.
કૉંગ્રેસ કારોબારી સમિતિ 1930ની 15મી ફેબ્રુઆરીએ સત્યાગ્રહ આશ્રમમાં મળી. તેણે ગાંધીજીનો માર્ગ મોકળો કરી આપ્યો. તેણે ગાંધીજી અને અહિંસાને માત્ર નીતિ તરીકે નહિ પણ ધર્મસિદ્ધાંત રૂપે માનતા હોય એવા એમના સાથીઓને પોતે જ્યારે અને જે રીતે ઇચ્છે ત્યારે અને તે રીતે સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાની સત્તા આપી અને તે સાથે ગાંધીજી અને તેમના સાથીઓ લડત શરૂ કરે ત્યારે કૉંગ્રેસના બધા સભ્યો તેમને પૂરેપૂરો સહકાર આપશે અને ગમે તે સંયોગોમાં સંપૂર્ણ શાંતિ જાળવશે એવી શ્રદ્ધા વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો.
એ ઠરાવ ઉપરથી ગાંધીજીએ વાઇસરૉય લૉર્ડ અર્વિનને 2જી માર્ચે પત્ર લખી પ્રજાને પડતી કેટલીક હાડમારીઓનું વર્ણન કર્યું અને જો વાઇસરૉય એ હાડમારીઓ દૂર નહિ કરે તો આશ્રમના પોતે પસંદ કરેલા સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરશે એમ જણાવ્યું. ગાંધીજીએ એ પત્ર રેજિનાલ્ડ રેનલ્ડ્ઝ નામના એક અંગ્રેજ યુવક સાથે વાઇસરૉયને મોકલ્યો. વાઇસરૉયે ઉત્તરમાં તે માટે ખેદ વ્યક્ત કર્યો. ગાંધીજીએ પોતે ‘માગી હતી રોટી પણ મળ્યો પથ્થર’ એ મતલબની એ ઉત્તર ઉપર ટીકા કરી અને 12મી માર્ચે અમદાવાદથી 329 કિમી.ની એમની જગવિખ્યાત દાંડીકૂચ 78 ચૂંટેલા સાથીઓ સાથે શરૂ કરી.
ગાંધીજી એપ્રિલની પાંચમીએ દાંડી પહોંચ્યા અને છઠ્ઠીએ તેમણે દરિયાકિનારાની રેતીમાંથી ચપટી મીઠું ઉપાડી સરકારના મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સારાયે દેશમાં ઠેર ઠેર લોકોએ ગેરકાયદે મીઠું પકવવાનું શરૂ કર્યું. ગાંધીજીની સૂચનાથી સ્ત્રીઓએ દારૂનાં પીઠાંની અને પરદેશી કાપડની દુકાનોની ચોકીનું કામ શરૂ કર્યું. સરકારે પણ લડત દાબી દેવા દમનનીતિ શરૂ કરી વારાફરતી બધા આગેવાન નેતાઓને પકડી લીધા અને મીઠાના કાયદાનો ભંગ કરનારાઓની હજારોની સંખ્યામાં ધરપકડ કરી. તેથી અકળાઈ ઊઠી ગાંધીજીએ મેની ચોથીએ વાઇસરૉયને પત્ર લખી ધરાસણાના મીઠાના અગરો ઉપર હુમલો લઈ જવાનો પોતાનો ઇરાદો જણાવ્યો. સરકારે મેની પાંચમીએ ગાંધીજી ઉપર કોઈ જૂના કાયદાની કલમ લાગુ કરી તેમની ધરપકડ કરી. તેમને અનિશ્ચિત મુદત સુધી જેલમાં રાખવા યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. આમ સરકારે ગાંધીજીને પકડી લીધા છતાં મેની 15મીએ, 17મીએ અને 21મીએ ધરાસણાના અગરો ઉપર અને મેની 17મીએ મુંબઈ પાસે વડાલાના અગરો ઉપર હુમલા લઈ જવામાં આવ્યા. આમાંથી સરોજિની નાયડુની નેતાગીરી નીચે 21મીએ મણિલાલ ગાંધી સહિત 2500 જેટલા સત્યાગ્રહીઓએ કરેલા હુમલાનું વેબ મિલર નામના એક અમેરિકન પત્રકારે વાચકનાં રૂંવાડાં ખડાં કરી દે એવું વર્ણન કર્યું છે.
ગાંધીજીએ યરવડા જેલમાંથી સત્યાગ્રહ આશ્રમના મંત્રી નારણદાસ ગાંધીને જુલાઈ 22મીથી ઑક્ટોબર 14 સુધી આશ્રમનાં વ્રતોનું રહસ્ય સમજાવવા દર મંગળવારે પત્રો લખ્યા જે પાછળથી ‘મંગળ પ્રભાત’ શીર્ષકથી પ્રસિદ્ધ થયા.
આ પછી પહેલી ગોળમેજી પરિષદ એ વર્ષના નવેમ્બરની 12મીએ લંડનમાં શરૂ થઈ અને તે 1931ના જાન્યુઆરીની 19મી સુધી ચાલી. તેમાં વિનીત નેતાઓની સાથે જમીનદારો અને દેશી રાજ્યોના રાજવીઓએ અને મહમદઅલી અને તેમની સાથે બીજા મુસલમાન નેતાઓએ ભાગ લીધો. વાઇસરૉય લૉર્ડ અર્વિને સમાધાન માટેની ગાંધીજીની શરતો નહોતી સ્વીકારી, પણ 17મી જાન્યુઆરીએ ગાંધીજીની ભારતના હિત અર્થે ગમે તે ભોગ આપવાની તૈયારીની પ્રશંસા કરી અને તે પછી ગોળમેજી પરિષદની છેલ્લી 19મી જાન્યુઆરીની બેઠકમાં બ્રિટનના વડાપ્રધાન રામ્સે મૅક્ડોનાલ્ડે નવા બંધારણમાં કેન્દ્રીય અને પ્રાંતિક સરકારોમાં બધી જવાબદારી હિંદીઓના હાથમાં રહેશે પણ વચગાળાના સમય દરમિયાન કેટલાંક ખાસ હિતોના અને લઘુમતીઓનાં હિતો અને હકોના રક્ષણની જોગવાઈઓ રાખવામાં આવશે; જોકે એ જોગવાઈઓ એવી રીતે ઘડવામાં આવશે કે નવા બંધારણ દ્વારા સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર તરફની ભારતની પ્રગતિમાં બાધક ન બને એ મતલબનું નિવેદન કર્યું. વાઇસરૉયે ગાંધીજી અને કૉંગ્રેસની કારોબારી સમિતિના બધા સભ્યોને 1931ના જાન્યુઆરીની 26મીએ છોડી મૂક્યા. સરકારે ગાંધીજીને છોડી મૂક્યા, પણ છઠ્ઠી ફેબ્રુઆરીએ મોતીલાલ નહેરુનું અવસાન થતાં ગાંધીજીને મોટો ફટકો પડ્યો.
સપ્રુ, જયકર અને શાસ્ત્રીની સલાહથી ગાંધીજીએ 14મી ફેબ્રુઆરીએ વાઇસરૉયને તેમની સાથે મુલાકાતની વિનંતી કરતો પત્ર લખ્યો. વાઇસરૉયે ગાંધીજીની વિનંતી સ્વીકારી અને 17મી ફેબ્રુઆરીથી બે વચ્ચે મુલાકાતો શરૂ થઈ અને છૂટક છૂટક માર્ચની પાંચમી સુધી ચાલી. ગાંધી-અર્વિન સમજૂતી થઈ. પોતાના પક્ષે ગાંધીજીએ પરિષદની ચર્ચાઓ દરમિયાન ભારત ઇચ્છે તો બ્રિટિશ સામ્રાજ્યમાંથી છૂટું પડી શકે એવી માગણી પણ રજૂ કરશે એ સ્પષ્ટ કર્યું હતું અને વાઇસરૉયે એ વાત સ્વીકારી હતી. કૉંગ્રેસની કારોબારીએ ગાંધીજીએ કરેલી સમજૂતી સ્વીકારી પણ જવાહરલાલ નહેરુએ તેનો ઉગ્ર વિરોધ કર્યો.
આ પછી કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન કરાંચીમાં માર્ચની 27મીથી 30મી સુધી વલ્લભભાઈના પ્રમુખપદે મળ્યું. વાઇસરૉય સાથેની ચર્ચાઓ દરમિયાન ગાંધીજીએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને છોડી મૂકવાની વિનંતી કરી હતી. વાઇસરૉયે એ ન માની અને કૉંગ્રેસના અધિવેશનના ચાર દિવસ પહેલાં જ 23મી માર્ચે ત્રણેને ફાંસી અપાઈ. આથી કૉંગ્રેસ પાસે સમાધાન સ્વીકારાવવાનું ગાંધીજીનું કામ વિકટ થઈ પડ્યું. સુભાષચંદ્ર બોઝની નેતાગીરી નીચે ઉદ્દામવાદી યુવાનોએ સમાધાનનો વિરોધ કર્યો, પણ 30મી માર્ચે કૉંગ્રેસ અધિવેશનની બેઠકમાં કૉંગ્રેસનું પૂર્ણ સ્વાતંત્ર્યનું ધ્યેય કાયમ રહેશે અને ગોળમેજી પરિષદમાં કૉંગ્રેસના પ્રતિનિધિઓ એ ધ્યેય સિદ્ધ થાય એવો પ્રયત્ન કરશે જેથી લશ્કર, પરદેશો સાથેના વ્યવહારો, નાણાકીય અને આર્થિક નીતિઓ ઉપર રાષ્ટ્રનો સંપૂર્ણ કાબૂ રહે અને ભારતની બ્રિટિશ સરકારે જે કાંઈ નાણાકીય વ્યવહાર કર્યો હોય તેની નિષ્પક્ષ પંચ દ્વારા ભારતે કે ઇંગ્લૅન્ડે કેટલી જવાબદારીઓ સ્વીકારવી, તથા ભારત કે ઇંગ્લૅન્ડ બેય ઇચ્છે ત્યારે ભાગીદારીમાંથી છૂટાં થઈ શકે એ મતલબનો ઠરાવ પસાર થયો. તે સાથે ગોળમેજી પરિષદમાં ભારતના પ્રતિનિધિઓ સ્પષ્ટ રીતે ભારતના હિતમાં હોય એવી ગોઠવણો સ્વીકારી શકશે એમ પણ ઠરાવવામાં આવ્યું. તે પછી કૉંગ્રેસની કારોબારી સમિતિએ એપ્રિલની 2જીએ ગાંધીજી કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે જાય એવો નિર્ણય કર્યો. આ જ અધિવેશનમાં જવાહરલાલ નહેરુની સૂચનાથી નાગરિકોના મૂળભૂત હકો સ્વીકારતો અને કેટલાક સુધારા સૂચવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંધીજી લંડન પહોંચ્યા. ગોળમેજી પરિષદની બેઠકો 15મી સપ્ટેમ્બરથી 1લી ડિસેમ્બર સુધી ચાલી. એ બધી બેઠકોમાં થયેલી ચર્ચાઓનું કંઈ પરિણામ ન આવતાં ગાંધીજી લંડન છોડી, ફ્રેન્ચ વિદ્વાન અને ચિંતક રોમાં રોલાંને સ્વિટ્ઝર્લૅન્ડમાં મળી અને તે પછી 12મી ડિસેમ્બરે વૅટિકનમાં વધસ્તંભ ઉપર ચડેલા ઈશુ ખ્રિસ્તની પ્રતિમાનું દર્શન કરી અને તે જ દિવસે મુસોલિનીને મળી 28મી ડિસેમ્બરે મુંબઈ પાછા આવ્યા. રોમાં રોલાં સાથેની મુલાકાત વેળા 8મી ડિસેમ્બરે એક સભામાં બોલતાં ગાંધીજીએ પહેલાં પોતે ઈશ્વર સત્ય છે એમ કહેતા પણ બે વર્ષથી સત્ય એ જ ઈશ્વર છે એમ કહેવાનું શરૂ કર્યું હતું એમ જણાવ્યું.
બ્રિટનના રાજપુરુષોને સત્તા છોડવી જ નહોતી એટલે તેમણે ભારતની જુદી જુદી કોમો વચ્ચે સમજૂતીના અભાવનું બહાનું આગળ ધર્યું હતું. અલગ મતદારમંડળો અંગે ભારે વિવાદ હોવાથી વડાપ્રધાન રામ્સે મૅકડોનલ્ડની લવાદી સૂચવતો પત્ર લખવા વિચારાયું. ગાંધીજીને આ સૂચન માન્ય ન હોવાથી તે પત્રમાં ગાંધીજીએ સહી ન કરી. બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓએ એક તબક્કે પ્રાંતિક સ્વાયત્તતા (autonomy) આપવાની તૈયારી બતાવી, પણ કેન્દ્રીય સરકારમાં પ્રજાના પ્રતિનિધિઓને પૂરી સત્તા ન મળે ત્યાં સુધી સ્વાયત્ત પ્રાંતો દેશની એકતા માટે જોખમકારક નીવડે એવા ભયથી સપ્રુ, જયકર અને શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીને એ દરખાસ્ત ન સ્વીકારવા સમજાવ્યું. પરિષદની ચર્ચાઓ દરમિયાન ગાંધીજીએ પુખ્ત વયની એટલે કે 21 વર્ષની દરેક વ્યક્તિને મતાધિકાર મળે એવો પણ આગ્રહ રાખ્યો. પણ આંબેડકરે એ વાત ન સ્વીકારી. ભારતમાં વેપારની પેઢીના ગોરા માલિકોએ પોતાનાં હિતો જળવાય એવી ખાસ જોગવાઈઓની માગણી કરી હતી તેના ઉત્તરમાં ગાંધીજીએ હિંદી અને ગોરી પેઢીઓ વચ્ચે ભેદભાવ નહિ કરવામાં આવે એવી ખાતરી આપી પણ તેથી ગોરી પેઢીઓના માલિકોને સંતોષ ન થયો.
આમ, ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી રાજકીય ર્દષ્ટિએ નિષ્ફળ રહી, પણ પરિષદની બહાર ગાંધીજીને ઘણા સુખદ અનુભવો થયા. જેમાં અમેરિકાની પ્રજાજોગ વાયુપ્રવચન, હાસ્યનટ ચાર્લી ચેપ્લિનની મુલાકાત, લકેશાયરની કાપડની મિલોના બેકાર કામદારો સાથેની સુખદ મુલાકાતનો સમાવેશ કરી શકાય. એ કામદારો ગાંધીજીએ પ્રેરેલા પરદેશી કાપડના બહિષ્કારને કારણે પોતે બેકાર બન્યા હતા એમ માનતા હતા છતાં તેમણે – સ્ત્રીઓ અને પુરુષો બંનેએ, ગાંધીજીને ઉમળકાભેર આવકાર્યા અને ગાંધીજીએ તેમને બેકારીના સમય દરમિયાન સરકાર તરફથી જે આર્થિક સહાય (dole) મળતી હતી તે ભારતના આ ગરીબોની આવક કરતાં ઘણી વધારે હતી એ કહ્યું તે પણ તેમણે હસતે મોંએ સાંભળી લીધું.
માર્ગમાં ઇટલીનાં બાળશિક્ષણનાં નિષ્ણાત મૉન્તિસરીએ બર્મિંગહામ શહેરની, ક્વેકર સંપ્રદાયના હૉરેસ ઍલેક્ઝાન્ડર અને કુમારી ઍગથા હૅરિસની મુલાકાત લીધી. આ બંને ગાંધીજીનાં નિકટનાં મિત્ર અને પ્રશંસક બની ગયાં અને ઇંગ્લૅન્ડમાં ભારતનો પક્ષ સમજાવવા તેમણે ‘કન્સિલિયેશન ગ્રૂપ’ નામના મંડળની સ્થાપના કરી. ઑક્ટોબરની 20મીએ ગાંધીજીએ કોલંબિયા ગ્રામોફોન કંપનીની વિનંતીથી તેમણે ‘યંગ ઇન્ડિયા’ના 1928ના ઑક્ટોબરની 11મીના અંકમાં ‘ગૉડ ઇઝ’ શીર્ષકથી લેખ લખ્યો હતો તે ધ્વનિમુદ્રિત કરાવ્યો અને તેની રૉયલ્ટી પેટે તેમને 5000 પાઉન્ડ મળ્યા. ગાંધીજીએ ઑક્સફર્ડ યુનિવર્સિટીની અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની બે વાર મુલાકાત લીધી અને એ બંને યુનિવર્સિટીઓના અધ્યાપકો સાથે ભારતના પ્રશ્નોની ચર્ચા કરી. પાંચમી નવેમ્બરે શહેનશાહ પાંચમા જૉર્જે ગોળમેજી પરિષદના સભ્યોને પોતાના મહેલમાં ચા-નાસ્તા માટે નિમંત્ર્યા ત્યાં ગાંધીજી નવેમ્બર માસમાં લંડનની એવી ઠંડીમાં પણ ટૂંકી પોતડી અને ચાદરના પોતાના સામાન્ય પહેરવેશમાં જ ગયા. શહેનશાહે તેમને ભારતમાં અંગ્રેજી રાજ્ય વિરુદ્ધ આંદોલન ચલાવવા માટે ઠપકો આપ્યો ત્યારે ગાંધીજીએ પોતે શહેનશાહના મહેમાન હોવાથી તેમની સાથે રાજકીય ચર્ચામાં ઊતરે એવી શહેનશાહ અપેક્ષા ન રાખે એવો વિનયી ઉત્તર આપ્યો. નવેમ્બરની 6ઠ્ઠીએ બર્નાર્ડ શૉ અને તેમનાં પત્નીએ ગાંધીજીની મુલાકાત લીધી અને મુલાકાત પછી એમને માટે અસામાન્ય ગણાય એવી નમ્રતાથી શૉએ ગાંધીજીને ‘મહાત્મા મેજર’ અને પોતાને ‘મહાત્મા માઇનર’ તરીકે ઓળખાવ્યા.
ગાંધીજી 28મી ડિસેમ્બરે ભારત પહોંચ્યા ત્યારે તે લંડન ગયા તે પહેલાં હતી તે કરતાં દેશની સ્થિતિ ઘણી વણસી ગઈ હતી. 1931ના એપ્રિલમાં શાહીવાદી માનસના લૉર્ડ વિલિંગ્ડન વાઇસરૉય બન્યા હતા. તેમણે બંગાળ, ઉત્તરપ્રદેશ અને વાયવ્ય સરહદના પ્રાંતમાં વટહુકમો બહાર પાડી દમનનીતિ શરૂ કરી દીધી હતી અને ડિસેમ્બરની 25મીએ ખાન અબ્દુલ ગફારખાનની અને 26મીએ જવાહરલાલ નહેરુની ધરપકડ કરી હતી.
નવા વર્ષમાં, 1932ના જાન્યુઆરીની 1લીએ કૉંગ્રેસની કારોબારી સમિતિએ દારૂનાં પીઠાંનું અને પરદેશી કાપડની દુકાનોનું પિકેટિંગ અને તે સાથે અનૈતિક કાયદાનો ભંગ કરી સવિનય કાનૂનભંગ ફરી શરૂ કરવાનો ઠરાવ કર્યો. સરકારે ગાંધીજીની જાન્યુઆરીની 4થીની સવારે 3 વાગ્યે ધરપકડ કરી અને તેમને યરવડા લઈ જવામાં આવ્યા. તેમની સાથે વલ્લભભાઈને પણ પકડ્યા અને તેમને ગાંધીજીની સાથે યરવડા જેલમાં રાખ્યા. મહાદેવ દેસાઈને પકડી બીજી જેલમાં રાખ્યા હતા. ત્યાંથી તેમને માર્ચની 10મીએ યરવડા જેલમાં ખસેડ્યા. ગાંધીજીને પકડ્યા તે જ દિવસે સરકારે કૉંગ્રેસની બધી સંસ્થાઓને ગેરકાયદે જાહેર કરી. કસ્તૂરબાને પણ પકડીને તેમને 6 માસની સજા કરવામાં આવી.
યરવડા જેલમાંથી ગાંધીજીએ 11મી માર્ચે ભારતમંત્રી સૅમ્યુઅલ હોરને પત્ર લખી નવેમ્બરની 13મીએ પરિષદની બેઠકમાં અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળોની વ્યવસ્થા કરવામાં આવશે તો પોતે પોતાની જિંદગીના ભોગે એવી વ્યવસ્થાનો વિરોધ કરશે એવી ચેતવણી આપી હતી, તેનો ફરીથી ઉલ્લેખ કર્યો. છતાં લવાદ તરીકે વડાપ્રધાને અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળો સ્વીકાર્યાં અને એમનો નિર્ણય એ વર્ષના ઑગસ્ટની 17મીએ જાહેર થયો. એટલે ગાંધીજીએ પોતે ચેતવણી આપી હતી તે પ્રમાણે વડાપ્રધાનનો નિર્ણય બદલાવવા 20મી સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા. ગાંધીજીએ ઉપવાસ કરવામાં પોતાનો ઉદ્દેશ સરકાર ઉપર દબાણ લાવવાનો નહિ પણ સવર્ણ હિંદુઓની ન્યાયવૃત્તિ જાગ્રત કરવાનો હતો જેથી તેઓ અસ્પૃશ્યો પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા બંધ થાય, એ સ્પષ્ટ કર્યું. મુંબઈમાં મદનમોહન માલવીય અને બીજા કેટલાક હિંદુ નેતાઓની પરિષદ મળી. તેણે અસ્પૃશ્ય કોમોને સવર્ણ હિંદુઓ સાથે સમાન ધોરણે મંદિરપ્રવેશના હક સહિત બધા નાગરિક હકો મળશે અને સ્વરાજ મળ્યા પહેલાં એવા હકો કાયદારૂપે નહિ સ્વીકારવામાં આવ્યા હોય તો સ્વરાજ મળ્યા પછી નવી રચાયેલી પાર્લમેન્ટની પહેલી બેઠકમાં જ એવા હકોને કાયદાનું રૂપ આપવામાં આવશે એ મતલબનો ઠરાવ કર્યો. આ પ્રમાણે ઠરાવો થયા પછી 26મી સપ્ટેમ્બરે ગાંધીજીએ ઉપવાસ છોડી પારણાં કર્યાં અને તે પ્રસંગે રવીન્દ્રનાથ ઠાકુરે ખાસ હાજર રહી ‘ગીતાંજલિ’માંથી પોતાનું એક ગીત ગાયું.
ઉપવાસ છોડ્યા પછી ગાંધીજીએ વાઇસરૉય સાથે પત્રવ્યવહાર કરી જેલમાં જ રહી અસ્પૃશ્યતા વિરુદ્ધ પ્રચાર કરવાની છૂટ મેળવી. તે અર્થે તેમણે 1932ના સપ્ટેમ્બરની 30મીએ પ્રમુખ તરીકે ઘનશ્યામદાસ બિરલા અને મંત્રી તરીકે અમૃતલાલ ઠક્કર સાથે ‘ઍન્ટિ-અનટચેબિલિટી લીગ’ની સ્થાપના કરી. પાછળથી તેનું નામ બદલી ‘હરિજન સેવક સંઘ’ રાખવામાં આવ્યું. આ ઉપરાંત ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કરવા 1933ના ફેબ્રુઆરીની 11મીએ અંગ્રેજી ‘હરિજન’, 23મીએ હિંદી ‘હરિજન સેવક’ અને માર્ચની 12મીએ ‘હરિજનબંધુ’ એ ત્રણ સાપ્તાહિકો શરૂ કર્યાં.
ગાંધીજીને અસ્પૃશ્યતાનિવારણનું કામ કરતા સેવકોમાં શિથિલતા આવી હોવાનું લાગતાં તેમણે એ વર્ષના મેની 8મીથી 29મી સુધી એકવીસ દિવસના ઉપવાસ કર્યા. ઉપવાસના પહેલા જ દિવસે સરકારે ગાંધીજીને બિનશરતે છોડી મૂક્યા. જુલાઈની 22મીએ બધા સત્યાગ્રહીઓને સત્યાગ્રહ બંધ રાખવાની સૂચનાઓ મોકલી આપી.
ગાંધીજીએ હવે સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો વિચાર કર્યો અને તે ઉદ્દેશથી તેમણે જુલાઈની 31મીએ 33 સાથીઓ સાથે વ્યક્તિગત સત્યાગ્રહ કરી ખેડા જિલ્લાના રાસ ગામ તરફ કૂચ કરી જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે પહેલી ઑગસ્ટે કૂચ શરૂ કરી એટલે સરકારે તેમને પકડી લીધા. અને તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી 4થી ઑગસ્ટે તેમને છોડી મૂકવામાં આવ્યા પણ પુણેની બહાર જવાનો તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પણ ગાંધીજીએ એ હુકમનો અનાદર કરવાનો પોતાનો ઇરાદો જણાવતાં એ જ દિવસે જેલમાં તેમની ઉપર કામ ચલાવી તેમને એક વર્ષની સજા કરી. ગાંધીજીએ જેલમાં રહી અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવાની સગવડો માગી, મુંબઈ સરકારે તે આપી પણ ગાંધીજીને એ સગવડો પૂરતી ન લાગવાથી તેમણે 16મી ઑગસ્ટથી અનિશ્ચિત મુદતનો ઉપવાસ શરૂ કર્યો. ઉપવાસના પરિણામે ગાંધીજીના શરીરની સ્થિતિ કથળી એટલે સરકારે તેમને 23મી ઑગસ્ટે વિના શરતે છોડી મૂક્યા.
જેલમાંથી છૂટી ગાંધીજી વર્ધા રહેવા ગયા. તે પછી તેમણે 30મી સપ્ટેમ્બરે આશ્રમ હરિજન સેવક સંઘને સોંપી દીધો. ત્યારબાદ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ ગાંધીજીએ ‘હરિજનયાત્રા’ નામથી જાણીતો થયેલો દેશનો પ્રવાસ શરૂ કર્યો અને તે 1934ના જૂનની 7મી સુધી ચાલ્યો.
પ્રવાસ ચાલુ હતો તે દરમિયાન જાન્યુઆરીની 15મીએ બિહારમાં ભયંકર ધરતીકંપ થયો. એ ધરતીકંપ સવર્ણ હિંદુઓના અસ્પૃશ્યતા-પાલનના પાપની શિક્ષા રૂપે થયો હતો, એ મતલબનું નિવેદન કર્યું. રવીન્દ્રનાથ ઠાકુરે એ નિવેદનને અવૈજ્ઞાનિક વહેમ ગણી તેની સખત ટીકા કરી, છતાં ગાંધીજી પોતાના અભિપ્રાયમાં મક્કમ રહ્યા.
ગાંધીજીના બિહારના પ્રવાસ દરમિયાન ગાંધીજીની મોટર ઉપર પથ્થર ફેંકાયા. ઓરિસામાં મેની આઠમીથી જૂનની આઠમી સુધી તેમણે પગપાળા પ્રવાસ કર્યો. ગાંધીજી 25મી જૂને પુણેમાં પોતાના માનમાં યોજવામાં આવેલા સમારંભમાં જતા હતા ત્યારે એમની મંડળીની એક મોટરમાં તેઓ બેઠા છે એમ માની તેમના કોઈ વિરોધીએ બૉમ્બ ફેંક્યો, જોકે ગાંધીજીને ઈજા ન થઈ. આમ ધર્મચુસ્ત હિંદુઓ તેમનો હિંસક રીતિઓથી વિરોધ કરતા હતા છતાં જુલાઈની 5મીએ તેમની અજમેરની મુલાકાત વેળા કેટલાક સુધારક સ્વયંસેવકોએ લાલનાથ શાસ્ત્રી ઉપર હુમલો કર્યો ત્યારે ગાંધીજીએ સાત દિવસના ઉપવાસ કર્યા.
બિહારના પ્રવાસ દરમિયાન ગાંધીજી પટણામાં હતા ત્યારે બદલાયેલી પરિસ્થિતિમાં કૉંગ્રેસે ધારાસભાઓમાં પ્રવેશ કરવો જોઈએ એમ માનનારા ડૉ. અન્સારી, ડૉ. બિધનચંદ્ર રૉય અને ભૂલાભાઈ દેસાઈ તેમને મળ્યા. ગાંધીજીની સંમતિથી જૂનો સ્વરાજ પક્ષ સજીવન થયો. તે સાથે મેની 11મીએ આચાર્ય નરેન્દ્ર દેવના પ્રમુખપદે કૉંગ્રેસમાં રહી કામ કરવા કૉંગ્રેસ સમાજવાદી પક્ષ સ્થપાયો. પક્ષના કાર્યક્રમ સાથે તેઓ સંમત નહોતા પણ તેમણે આ પક્ષની સ્થાપનાને આવકારી.
ગાંધીજી પટણામાં હતા તે દરમિયાન સામૂહિક સત્યાગ્રહ બંધ રહ્યો એટલે સરકારે જૂનની 6ઠ્ઠીએ કૉંગ્રેસ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો. તેથી કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન મુંબઈમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું અને તેના પ્રમુખ તરીકે રાજેન્દ્રપ્રસાદને પસંદ કરવામાં આવ્યા. અધિવેશન મળે તે પહેલાં 17મી સપ્ટેમ્બરે ગાંધીજીએ જાહેર નિવેદન કરી અહિંસાનો સંદેશો પ્રજા સુધી નથી પહોંચ્યો અને અહિંસા તથા રચનાત્મક કાર્યક્રમ અંગે પોતાની અને પોતાના સાથીઓ વચ્ચે મતભેદ છે એમ કહી કૉંગ્રેસમાંથી નિવૃત્ત થવાનો પોતાનો ઇરાદો જણાવ્યો.
તે પછી ગાંધીજીએ 17મી સપ્ટેમ્બરે કરેલા નિવેદન અનુસાર મુંબઈમાં રાજેન્દ્રપ્રસાદના પ્રમુખપદે મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં ઑક્ટોબરની 30મીએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું; પરંતુ ગાંધીજીએ કૉંગ્રેસ પાસે અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘ સ્થાપવાનો ઠરાવ પણ પસાર કરાવ્યો. એ સંઘ દ્વારા ગ્રામોદ્યોગોનો પ્રચાર કરવાના કાર્યક્રમની પાછળ ગાંધીજીના મનમાં અહિંસાના પાયા ઉપર રચાયેલી સ્વાશ્રયી અને સ્વયંપર્યાપ્ત ગ્રામજીવનની કલ્પના આકાર લઈ રહી હતી તેની પ્રેરણા હતી.
લંડનમાં ગોળમેજી પરિષદની 1930થી 1932 સુધી બેઠકો મળી હતી તેમાં થયેલી ચર્ચાઓના પરિણામે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ભારત માટે ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ ઑવ્ 1935 ઘડી તેને મંજૂર કર્યો.
કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન 1936માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લખનૌમાં મળ્યું. તેમણે સમાજવાદી સમાજરચનાની હિમાયત કરી અને પહેલાં એમની અને ગાંધીજી વચ્ચે ભારતના રાજકીય ધ્યેય તરીકે પૂર્ણ સ્વાતંત્ર્યની બાબતમાં મતભેદ હતો એવો હવે સમાજવાદની બાબતમાં ઊભો થયો તેમ જણાવ્યું.
ગાંધીજી સમાજવાદના આર્થિક સમાનતાના સિદ્ધાંતમાં માનતા હતા, પણ એ સમાનતા સિદ્ધ કરવા વર્ગસંઘર્ષ કે વર્ગવિગ્રહને ઇષ્ટ નહોતા ગણતા. તેને બદલે તે ધનપતિઓ અને જમીનદારો પોતાને પોતાની મિલકતના વાલી માની લોકસંગ્રહની ભાવનાથી તેનો ઉપયોગ જનહિતાર્થે કરે અને અહિંસા દ્વારા એમનું એવું હૃદયપરિવર્તન કરાવી શકાય એમ માનતા હતા. અધિવેશન સામે બીજો પ્રશ્ન નવા બંધારણને લગતો હતો. લખનૌના અધિવેશને વિવિધ કારણોસર નવા બંધારણનો અસ્વીકાર કર્યો છતાં યોગ્ય સમયે કૉંગ્રેસની મહાસમિતિ ચૂંટણીનો ઢંઢેરો (manifesto) ઘડે તેના આધારે ચૂંટણીઓ લડવાનો ઠરાવ જવાહરલાલની ઇચ્છા વિરુદ્ધ પસાર કર્યો. એ વર્ષના ઑગસ્ટની 22મીએ મહાસમિતિ મુંબઈમાં મળી અને તેણે નવી ધારાસભાઓમાં પ્રવેશ કરી નાગરિક સ્વાતંત્ર્ય જાળવવાનું અને સાથે મજૂરો, ખેડૂતો અને સ્ત્રીઓની સ્થિતિ સુધારવાનું વચન આપતો ઢંઢેરો બહાર પાડ્યો. તે પછી એ વર્ષના ડિસેમ્બરમાં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન મહારાષ્ટ્રના ગ્રામવિસ્તારમાં આવેલા ફૈઝપુરમાં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળ્યું. તેણે એ ઢંઢેરો સ્વીકાર્યો અને ચૂંટણીઓ લડવાના નિર્ણયને બહાલ રાખ્યો.
આ દરમિયાન ગાંધીજી વર્ધા છોડી તેનાથી આઠ-દસ કિમી. દૂર 600 જેટલા અંત્યજોની વસ્તીવાળા સેગાંવમાં, મીરાંબહેનને સાથ આપવા, રહેવા ગયા. પાછળથી તેનું નામ બદલીને ‘સેવાગ્રામ’ રાખવામાં આવ્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનું 12મું અધિવેશન 1936ના ઑક્ટોબરની 31મીએ ગાંધીજીના પ્રમુખપદે અમદાવાદમાં મળ્યું. પ્રમુખપદેથી બોલતાં ગાંધીજીએ આર્દ્ર હૃદયે સાક્ષરોને અર્ધશિક્ષિત જનતા માટે સાહિત્યનું સર્જન કરવાની વિનવણી કરી. એ પછી 11મી નવેમ્બરે ત્રાવણકોરના મહારાજાએ પોતાના રાજ્યનાં મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લાં મૂકવાની જાહેરાત કરી. ગાંધીજીને તેથી ખૂબ આનંદ થયો. તેમણે 1937ના જાન્યુઆરીમાં ત્રાવણકોરનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસ દરમિયાન ત્રિવેન્દ્રમના પદ્મનાભ મંદિરમાં જઈ તેમણે ભાવપૂર્વક દર્શન કર્યા. ત્રાવણકોર રાજ્યના ક્વિલોન શહેરમાં ભાષણ કરતાં તેમણે ઇશોપનિષદના પહેલા શ્લોકની અને તેમાંય तेन त्यक्तेन भुज्जीथा: मा गृध: कस्यस्विद्धनम् ચરણની ભારપૂર્વક પ્રશંસા કરી અને બીજાં બધાં હિંદુ શાસ્ત્રો નાશ પામે પણ આ એક શ્લોક જીવતો રહેશે તો હિંદુ ધર્મ જીવતો રહેશે એમ જણાવ્યું.
આ ગાળામાં નવા બંધારણ નીચે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ શરૂ થઈ હતી અને તેનાં 1937ના ફેબ્રુઆરીમાં પરિણામ આવતાં કૉંગ્રેસને મદ્રાસ, ઓરિસા, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એ પાંચ પ્રાંતોમાં બહુમતી મળી અને મુંબઈમાં થોડા અપક્ષ સભ્યોના સહકારથી પોતાનું પ્રધાનમંડળ રચી શકે એટલી સંખ્યામાં તેના સભ્યો ચૂંટાયા. ગાંધીજીની સલાહથી કૉંગ્રેસની બહુમતીવાળા દરેક પ્રાંતની ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાએ પ્રાંતના ગવર્નર પાસે પોતાનું પ્રધાનમંડળ બંધારણની મર્યાદામાં રહી કામ કરે ત્યાં સુધી ગવર્નર પ્રધાનમંડળના કામની વચ્ચે નહિ પડે એવી ખાતરી માગી. ગવર્નરોએ એવી ખાતરી આપવાને બદલે પોતપોતાના પ્રાંતની ધારાસભાના બિનકૉંગ્રેસી સભ્યોને છ માસ સુધી કામચલાઉ પ્રધાનો નીમ્યા. જાહેર વાદવિવાદ ચાલ્યા પછી જૂનની 21મીએ વાઇસરૉય લિન્લિથગોએ સમાધાનકારી નિવેદન કર્યું. તે ઉપરથી જુલાઈની 7મીએ વર્ધામાં કૉંગ્રેસની કારોબારી સમિતિ મળી. તેણે જે પ્રાંતની ધારાસભાના કૉંગ્રેસપક્ષના નેતાને પ્રધાનમંડળ રચવાનું આમંત્રણ આપવામાં આવે તેણે એ આમંત્રણ સ્વીકારી પ્રધાનમંડળ રચવું એવો ઠરાવ કર્યો.
બાળાસાહેબ ખેરે મુંબઈમાં 1937ના જુલાઈની 17મીએ પ્રધાનમંડળ રચવાનું સ્વીકાર્યું અને તે જ દિવસના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં ગાંધીજીએ પોતે કૉંગ્રેસનાં પ્રધાનમંડળો પાસેથી કેવી આશા રાખે છે એ જણાવતો લેખ લખી એ પ્રધાનમંડળોને શિક્ષણને સ્વાશ્રયી બનાવવાની, તાત્કાલિક દારૂબંધી દાખલ કરવાની, જેલોને ગુનેગારોને સુધારવાની સંસ્થાઓ અને તેમના શ્રમથી ઉપયોગી ઉત્પાદન કરતાં કારખાનાં બનાવવાની, મીઠા ઉપરનો કર નાબૂદ કરવાની, સરકારી ખાતાંમાં કાપડની બધી જરૂરિયાતો માટે માત્ર ખાદી ખરીદવાની અને શહેરો કરતાં ગામડાં પ્રત્યે વધારે ધ્યાન આપવાની અને એ રીતે નવું બંધારણ ઘડનારાઓનો ઇરાદો અંગ્રેજો ભારતનું શોષણ કરી રહ્યા હતા તે હિંદીઓના સહકારથી જ ચાલુ રહે એ હતો તે નિષ્ફળ બનાવવાની અને તે સાથે પ્રધાનોને અંગ્રેજ અમલદારોનું અનુકરણ કરવાને બદલે ભારતની ગરીબીને શોભે એવી સાદાઈથી રહેવાની સલાહ આપી. તે સાથે તેમણે લોકશાહીમાં વિરોધપક્ષોની જરૂર જણાવી. પણ તેમણે સરકારનાં પગલાંની ટીકા દરેક પ્રશ્નની બેય બાજુઓનો પૂરો અભ્યાસ કરી વિવેકી ભાષામાં કરવાની સલાહ તેમણે આપી.
શિક્ષણને સ્વાશ્રયી બનાવવાની ગાંધીજીની સલાહની પાછળ શિક્ષણને માત્ર બૌદ્ધિક વિકાસનું સાધન નહિ રાખતાં શારીરિક શ્રમ માગતા હુન્નર ઉદ્યોગોના વૈજ્ઞાનિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એવા સર્વાંગી વિકાસનું સાધન બનાવવાની ર્દષ્ટિ હતી. શિક્ષણ વિશેની પોતાની આ કલ્પનાને ગાંધીજીએ ‘વર્ધા યોજના’ અથવા ‘બુનિયાદી તાલીમ’ તરીકે ઓળખાયેલી શિક્ષણપદ્ધતિનું સ્પષ્ટ રૂપ આપ્યું.
પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓમાં બંગાળ, પંજાબ અને સિંધ જેવા મુસ્લિમ બહુમતી વસ્તીવાળા પ્રાંતોમાં મુસ્લિમ લીગના ઉમેદવારો બહુ ઓછી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા હતા. છતાં ઝીણાએ ધારાસભાઓમાં ચૂંટાયેલા મુસ્લિમ લીગના સભ્યોને જ એ સભ્યો કૉંગ્રેસની શિસ્તમાં અને પ્રધાનમંડળોની સહિયારી જવાબદારીમાં ન માનતા હોય તોપણ મુસલમાનોના પ્રતિનિધિઓ તરીકે કૉંગ્રેસ પ્રધાનમંડળોમાં પસંદ કરવા એવો આગ્રહ રાખ્યો. કૉંગ્રેસે એમ ન કર્યું એટલે 1937ના ઑક્ટોબરની 15મીએ લખનૌમાં ઝીણાના પ્રમુખપદે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું. તેમાં તેમણે જે ભાષણ કર્યું તેમાં ગાંધીજીને ઝીણાએ ‘યુદ્ધની જાહેરાત’ કરી હોય એમ લાગ્યું. પરિણામે હિંદુ અને મુસલમાનો વચ્ચે તંગદિલી વધતાં 1938ના માર્ચ માસમાં અલ્લાહાબાદમાં એવું ભયંકર કોમી રમખાણ થયું કે તેને દાબી દેવા ગોવિંદ વલ્લભ પંતના કૉંગ્રેસ પ્રધાનમંડળને અંગ્રેજ લશ્કરની મદદ લેવાની જરૂરી પડી. ગાંધીજીએ હતાશ થઈ સાથીઓ સાથેની વાતચીતમાં કૉંગ્રેસ હજુ અંગ્રેજોનું સ્થાન લેવા લાયક નથી એમ કબૂલ કર્યું. આમ, ગાંધીજી ઝીણાનો સહકાર મેળવવામાં નિષ્ફળ રહ્યા.
આમ છતાં 1937ના નવેમ્બર માસમાં ગાંધીજીએ બંગાળના મુસ્લિમ લીગના વર્ચસ્ વિનાના પ્રધાનમંડળ પાસે ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચલાવતા હોવાના વહેમથી અટકાયતમાં રાખવામાં આવેલા કેદીઓએ હિંસક પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યો છે એવી તેમના વતી ખાતરી આપી છોડાવી મૂક્યા. ફૈઝપુરના કૉંગ્રેસ અધિવેશન પછી 1938માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન બારડોલી તાલુકામાં તાપી નદીના કિનારે આવેલા હરિપુરા ગામમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેના પ્રમુખ તરીકે ગાંધીજીની સૂચનાથી સુભાષચંદ્ર બોઝને જાન્યુઆરીની 18મીએ ચૂંટવામાં આવ્યા હતા. એ વખતે બોઝ યુરોપમાં હતા. ત્યાંથી તે જાન્યુઆરીની 23મીએ ભારત પાછા આવ્યા અને તે પછી અધિવેશન ફેબ્રુઆરીની 19મીથી 21મી સુધી મળ્યું.
લખનૌમાં 1937ના ઑક્ટોબરની 15મીએ મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં ઝીણાએ આક્રમક ભાષણ કર્યું હતું છતાં ગાંધીજીએ તેમની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ઝીણાને 1938ના ફેબ્રુઆરીની ત્રીજીએ અને તે પછી 24મીએ એમ બે પત્રો લખ્યા. ગાંધીજીના 24મી ફેબ્રુઆરીના પત્રનો માર્ચની 3જીએ ઉત્તર આપતાં ઝીણાએ એક નવો જ મુદ્દો ઊભો કર્યો. તેમણે ગાંધીજી મુસ્લિમ લીગને ભારતના મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા તરીકે અને તેમને પોતાને માત્ર કૉંગ્રેસના અને હિંદુઓના પ્રતિનિધિ તરીકે સ્વીકારે એવો આગ્રહ રાખ્યો. ઝીણાના એ પત્રનો આઠમી માર્ચે ઉત્તર આપતાં ગાંધીજીએ પોતે માત્ર કૉંગ્રેસના અને હિંદુઓના પ્રતિનિધિ હોવાનો ઇન્કાર કર્યો, છતાં હિંદુ-મુસલમાન એકતા સિદ્ધ કરવા પોતે કૉંગ્રેસ અને હિંદુઓ ઉપરના પોતાના નૈતિક પ્રભાવનો ઉપયોગ કરશે એમ જણાવ્યું. ઝીણાને ગાંધીજીના આ ઉત્તરથી સંતોષ ન થયો, છતાં ગાંધીજીના પત્રનો 17મી માર્ચે ઉત્તર આપતાં તેમણે ગાંધીજીને એપ્રિલ માસમાં મળવાની પોતાની તૈયારી બતાવી.
ગાંધીજીને ઝીણાનો આ છેલ્લો પત્ર મળ્યો ત્યારે તેઓ કોલકાતામાં હતા. બંગાળમાં જે અટકાયતી કેદીઓને 1937ના નવેમ્બરમાં નહોતા છોડી મૂકવામાં આવ્યા તેમના પ્રશ્નની બંગાળની સરકાર સાથે ચર્ચા કરવા તેઓ ત્યાં ગયા હતા. એ હેતુથી તેમણે માર્ચની 19મીએ બંગાળની સરકારના ગૃહપ્રધાન સાથે અને પછી 22મીએ બંગાળના ગવર્નર સાથે ચર્ચાઓ કરી. એ ચર્ચાઓથી સંતોષ પામી અટકાયતી કેદીઓને ધીરજ રાખવાની તથા પ્રજાને તેમને છોડાવવા જાહેર દેખાવો ન કરવાની સલાહ આપી.
કૉલકાતાથી ગાંધીજી માર્ચની 25મીએ ઓરિસાના પુરી જિલ્લામાં આવેલા ડેલાંગ નામના ગામે ગયા. તે દિવસથી ત્યાં કિશોરલાલ મશરૂવાળાના પ્રમુખપદે ગાંધી સેવા સંઘનું અધિવેશન શરૂ થતું હતું અને તે 31મી માર્ચ સુધી ચાલવાનું હતું. એ અધિવેશન દરમિયાન ગાંધીજી અને મહાદેવ દેસાઈ બેયને સારુ એક બહુ દુ:ખદાયક ઘટના બની.
કસ્તૂરબા અને મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન પણ અધિવેશનમાં આવ્યાં હતાં. કસ્તૂરબાએ દુર્ગાબહેન અને બીજા કેટલાક સાથીઓ સાથે પુરી જવાની ઇચ્છા દર્શાવી ત્યારે તેઓ બધાં પુરી પાસે સમુદ્રમાં સમૂહસ્નાન કરી પાછાં આવશે એમ સમજી ગાંધીજીએ મહાદેવ દેસાઈને તેમને ત્યાં જવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. મહાદેવ દેસાઈએ એમ કર્યું, પણ પુરી જઈ કસ્તૂરબા અને દુર્ગાબહેન સમુદ્રમાં સ્નાન કરી પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પણ ગયાં. જે મંદિરમાં કહેવાતા અસ્પૃશ્યોને દર્શન કરવા ન જવા દેવામાં આવતા હોય તેમાં અસ્પૃશ્યતામાં ન માનનારાં સ્ત્રીપુરુષોએ પણ ન જવું એવો ગાંધીજી આગ્રહ રાખતા. કસ્તૂરબા અને દુર્ગાબહેન આ જાણતાં હતાં છતાં તેઓ ગયાં, તેથી ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. કસ્તૂરબાની ભૂલ માટે ગાંધીજીએ પોતાને અને દુર્ગાબહેનની ભૂલ માટે મહાદેવ દેસાઈને જવાબદાર ગણ્યા અને તેમણે મહાદેવ દેસાઈને એવો કડક ઠપકો આપ્યો કે તેઓ ગાંધીજીને છોડીને જતા રહેવા માટે તૈયાર થયા, પણ ગાંધીજીએ મહાદેવ દેસાઈ પોતાને છોડીને જતા રહી શકે પણ પોતે મહાદેવ દેસાઈને ન છોડી શકે એમ કહી તેમને મનાવી લીધા.
ગાંધીજી પોતાના બ્રહ્મચર્યપાલનના વ્રતને એટલું મહત્વ આપતા હતા કે ડેલાંગના અધિવેશન પછી એપ્રિલમાં તેમને જાગ્રત અવસ્થામાં અનિચ્છાએ વીર્યસ્ખલનનો અનુભવ થયો તેથી તે લગભગ બે મહિના ઊંડી નિરાશામાં ડૂબેલા રહ્યા.
એ વર્ષના મેની 12મીથી 17 સુધી સુભાષચંદ્ર બોઝે ઝીણા સાથે કોમી પ્રશ્ન અંગે વાટાઘાટો ચલાવી. ઝીણાએ બીજી માગણીઓ સાથે ભારતના મુસલમાનો વતી માત્ર મુસ્લિમ લીગ જ બોલી શકે એ વાત કૉંગ્રેસે સ્વીકારવી એવી માગણી કરી. કૉંગ્રેસના બધા નેતાઓ કૉંગ્રેસને ભારતની બધી કોમોની પ્રતિનિધિસંસ્થા ગણતા હતા. એટલે ઝીણાની માગણી સ્વીકારી શકાય એમ હતું જ નહિ.
આ પછી 1938ના નવેમ્બરની 14મીએ વલ્લભભાઈએ રાજકોટના પ્રશ્ન અંગે ગાંધીજીની સલાહ માગી અને ગાંધીજી માટે એમની અહિંસાની આકરી કસોટી કરે એવું એક બીજું દુ:ખદ પ્રકરણ શરૂ થયું. હરિપુરા અધિવેશન પહેલાં કૉંગ્રેસની દેશી રાજ્યો પ્રત્યેની નીતિ એ રાજ્યોમાં જવાબદાર રાજતંત્ર માટે ચાલતાં પ્રજાકીય આંદોલનોમાં સક્રિય ભાગ ન લેવાની હતી. હરિપુરા અધિવેશનમાં કૉંગ્રેસે સંસ્થા તરીકે એવાં આંદોલનો પ્રત્યે પોતાનાં સહાનુભૂતિ અને નૈતિક ટેકો જાહેર કર્યાં હતાં અને કૉંગ્રેસના સભ્યોને વ્યક્તિગત રીતે દેશી રાજ્યોની પ્રજાનાં આંદોલનોને સક્રિય મદદ કરવાની છૂટ આપી હતી એટલે વલ્લભભાઈ પટેલે રાજકોટ રાજ્યમાં ઉછરંગરાય ઢેબરની નેતાગીરી નીચે એવું આંદોલન ચાલતું હતું તેમાં રસ લેવા માંડ્યો હતો. રાજકોટના ઠાકોર ધર્મેન્દ્રસિંહે એમના દીવાન વીરાવાળાની સલાહથી પ્રજાનું આંદોલન દાબી દેવા દમનનીતિ શરૂ કરી હતી અને વલ્લભભાઈનાં પુત્રી મણિબહેન તથા મૃદુલા સારાભાઈ રાજકોટની પ્રજાના સત્યાગ્રહમાં ભાગ લેવા ગયાં હતાં તેમને જેલમાં પૂર્યાં હતાં. પણ વલ્લભભાઈએ એ સત્યાગ્રહમાં રસ લેવા માંડ્યો એટલે ધર્મેન્દ્રસિંહ નરમ પડ્યા અને 1938ના ડિસેમ્બરની 26મીએ એમની અને વલ્લભભાઈ વચ્ચે રાજ્ય માટે નવું બંધારણ ઘડવા 10 સભ્યોની સમિતિ નીમવામાં આવશે અને એ સમિતિના 7 સભ્યો વલ્લભભાઈ પસંદ કરશે અને પકડાયેલા કેદીઓને છોડી મૂકવામાં આવશે એ મતલબની સમજૂતી થઈ, પણ પછી વીરાવાળાની સલાહથી ધર્મેન્દ્રસિંહે એ સમજૂતીનો ભંગ કર્યો અને 1939ના જાન્યુઆરીની 26મીએ વલ્લભભાઈએ પસંદ કરેલાં 7 નામોમાંથી 4 કમી કરીને તેમના બદલે પોતે પસંદ કરેલા સભ્યોનાં નામો મૂક્યાં એટલે સત્યાગ્રહ ફરી શરૂ થયો અને રાજકોટ રાજ્ય સાથે ગાંધીજીનો જૂનો કૌટુંબિક સંબંધ હોવાથી આ વેળા કસ્તૂરબા પણ સત્યાગ્રહમાં જોડાયાં અને બીજી ફેબ્રુઆરીએ ઠાકોરે તેમને અટકાયતમાં લીધાં.
અત્યાર સુધી ગાંધીજી દેશી રાજ્યોની પ્રજાનાં આંદોલનોમાં સક્રિય ભાગ લીધા વિના બહાર રહી માત્ર માર્ગદર્શન આપતા હતા, પણ હવે રાજકોટમાં એમણે પોતે જવાનો નિર્ણય કર્યો અને ફેબ્રુઆરીની 28મીએ ત્યાં પહોંચ્યા. બે દિવસ ચર્ચા કર્યા પછી તેમણે 2જી માર્ચે ઠાકોરને પોતે વલ્લભભાઈ સાથે કરેલી સમજૂતી પાળવાની વિનંતી કરતો પત્ર લખ્યો. ઠાકોરે ગાંધીજીની સૂચના ન સ્વીકારી એટલે 3જી માર્ચથી ગાંધીજી અનિશ્ચિત મુદત સુધીના ઉપવાસ ઉપર ઊતર્યા. તોપણ ઠાકોરે નમતું ન જોખ્યું. એટલે ગાંધીજીની વિનંતીથી વાઇસરૉય વચ્ચે પડ્યા અને તેમણે ભારતની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સર મૉરિસ ગ્વાયરને લવાદ નીમવાનું સૂચન કર્યું. ગાંધીજીએ તે 7મી માર્ચે સ્વીકારી લીધું અને તે જ દિવસે પારણાં કર્યાં. સર મૉરિસે 3જી એપ્રિલે ઠાકોર, વલ્લભભાઈએ પસંદ કરેલા 7 સભ્યો બંધારણ-સમિતિમાં નીમવા બંધાયેલા હતા એ મતલબનો પોતાનો ચુકાદો આપ્યો. પણ તેથી રાજકોટના મુસલમાનો અને ભાયાતો ગાંધીજી ઉપર રોષે ભરાયા અને તેમણે 16મી એપ્રિલે ગાંધીજીની પ્રાર્થનાસભા સામે દેખાવો કર્યા. ગાંધીજીને તેથી દુ:ખ થયું અને 24મી એપ્રિલે તેમણે કાઠિયાવાડના કુટિલ રાજકારણે પોતાની ધીરજની કસોટી કરી હતી એમ કહી પોતાની હાર કબૂલ કરતું અને વીરાવાળા જીત્યા એ મતલબનું નિવેદન કર્યું. ગાંધીજીને વીરાવાળા ઉપર વિશ્વાસ રાખવાને બદલે પોતે વાઇસરૉયને વચ્ચે પડવાની વિનંતી કરી અને એમ ઠાકોર અને વીરાવાળા ઉપર દબાણ લાવ્યા, તેમાં પોતે બેયની પ્રત્યે હિંસા આચરી છે એમ લાગ્યું અને તેથી તેમણે મેની 17મીએ સર મૉરિસના ચુકાદાથી વલ્લભભાઈને મળતો લાભ જતો કર્યો અને પોતે આચરેલી હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે, ઠાકોરે મેની 20મીએ પોતે નીમેલી બંધારણસમિતિની જાહેરાત કરવા દરબાર ભર્યો તેમાં ગાંધીજી હાજર રહ્યા અને તે પછી મેની 25મીએ ઠાકોરે પોતાના વિજયનો ઉત્સવ મનાવવા સત્કાર સમારંભ યોજ્યો તેમાં પણ તે હાજર રહ્યા અને રાજકોટની પ્રજા પરિષદના કાર્યકરોને ઠાકોર સાથે સહકાર કરવાની સલાહ આપી. આથી પરિષદના કાર્યકરો તેમની ઉપર રોષે ભરાયા અને તેમણે ગાંધીજી ઉપર ઠાકોરની ખુશામત કરી હોવાનો આક્ષેપ કર્યો. પણ ગાંધીજીએ ‘જે કોઈ તને એક માઈલ તેની સાથે જવાની ફરજ પાડે તેની સાથે તું બે માઈલ જજે’ એ ઈશુ ખ્રિસ્તનું વચન ટાંકી પોતાનો બચાવ કર્યો.
કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન 1939ના માર્ચમાં ત્રિપુરામાં મળવાનું હતું. તેના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ ફરી ચૂંટણીમાં ઊભા રહે એમ ગાંધીજી નહોતા ઇચ્છતા, છતાં બોઝના મિત્રોએ એમની ઉમેદવારી નોંધાવી. ગાંધીજીની ઇચ્છા હિંદુમુસ્લિમ તંગદિલી ઓછી કરવામાં ઉપકારક થાય એ માટે મૌલાના અબુલ કલામ આઝાદને ચૂંટવામાં આવે એવી હતી. તે ઉમેદવાર તરીકે ઊભા રહેવા કબૂલ થયા તે પહેલાં ગાંધીજીએ તે ન થાય તો પટ્ટાભિ સીતારામય્યાને ઉમેદવાર તરીકે પસંદ કરવાની ઇચ્છા બતાવી હતી. તેથી મૌલાના આઝાદ ઉમેદવાર તરીકે ખસી ગયા એટલે ગાંધીજીની સૂચનાથી ડૉ. પટ્ટાભિ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. પછી ચૂંટણી થતાં સુભાષ 95 મતે જીતી ગયા. ગાંધીજીએ આને પોતાની નીતિની હાર માની.
ત્રિપુરામાં કૉંગ્રેસનું અધિવેશન માર્ચની 10મીએ મળ્યું. એ ભાષણમાં સુભાષે સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી બ્રિટિશ સરકાર સમક્ષ મૂકવાની અને છ મહિનામાં બ્રિટિશ સરકાર એ માગણી ન સ્વીકારે તો સામૂહિક કાનૂનભંગ શરૂ કરવાની ધમકી આપી હતી. અધિવેશનના છેલ્લા દિવસે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંતે છેલ્લાં વીસ વર્ષથી ગાંધીજીની નેતાગીરી નીચે કૉંગ્રેસ જે નીતિ અનુસરતી આવી હતી એને વળગી રહેવાનો નિર્ણય જાહેર કરતો અને હવે પછી વર્ષ દરમિયાન જે કટોકટી ઊભી થાય તેમાં ગાંધીજી જ કૉંગ્રેસને અને દેશને જીત અપાવી શકે એમ હોવાથી પ્રમુખને ગાંધીજીની સાથે મસલત કરી એમની ઇચ્છા પ્રમાણે નવી કારોબારી સમિતિના સભ્યોને નીમવાની વિનંતી કરતો ઠરાવ ગરમાગરમ ચર્ચા પછી નજીવી બહુમતીથી પસાર થયો હતો, પણ ખુલ્લા અધિવેશનમાં તે ભારે બહુમતીથી પસાર થયો.
સુભાષે એ ઠરાવ પ્રમાણે ગાંધીજીને કારોબારી સમિતિના સભ્યોનાં નામ સૂચવવાની વિનંતી કરી, પણ ગાંધીજીએ તેમને 30મી માર્ચે પત્ર લખી સુભાષ સાથે મૂળભૂત મતભેદો હોવાથી કારોબારી સમિતિના સભ્યોનાં નામો સૂચવવાની ના કહી અને તે પછી આ અંગેના મતભેદોને કારણે સુભાષે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને તેમના બદલે 30મી એપ્રિલે રાજેન્દ્રપ્રસાદ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના થોડા દિવસ પછી પોતાના ઉદ્દામ કાર્યક્રમને અમલમાં મૂકવા સુભાષચંદ્ર બોઝે મેની ત્રીજીએ ‘ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો પક્ષ સ્થાપ્યો.
સપ્ટેમ્બરની 1લીએ વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોએ કેન્દ્રીય ધારાસભાની મંજૂરી મેળવ્યા વિના કે દેશના કોઈ નેતાઓ સાથે મસલત કર્યા વિના ભારત ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના પક્ષે જર્મની સામે બીજા વિશ્વ યુદ્ધમાં જોડાયું હોવાની જાહેરાત કરી. ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યવાદ ઓછો અનિષ્ટકારી લાગતો હતો. છતાંય એ જાહેરાતથી ગાંધીજી અને કૉંગ્રેસ બેય સારુ મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થઈ.
સંસ્થા તરીકે કૉંગ્રેસ બધા સંયોગોમાં અહિંસાને વળગી રહે એ તેના નેતાઓને માન્ય નહોતું. આ અગાઉ કૉંગ્રેસે કેટલીય વાર ઇંગ્લૅન્ડના સામ્રાજ્યવાદને વખોડી કાઢતા ઠરાવો કર્યા હતા આથી તેઓ દેશને યુદ્ધમાં સક્રિય ભાગ લેવાની સલાહ આપી શકે એમ નહોતા. એથી ત્રણ વર્ષ સુધી કૉંગ્રેસના નેતાઓ અને ગાંધીજી વચ્ચેના સંબંધોમાં આ મૂંઝવણ સતત ચાલુ રહી.
વાઇસરૉયે ગાંધીજી, ઝીણા અને બીજા કેટલાક નેતાઓને સિમલામાં સપ્ટેમ્બરની પાંચમીએ પોતાની મુલાકાતે બોલાવ્યા. માનવતાની ર્દષ્ટિએ ગાંધીજીની સહાનુભૂતિ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ સાથે હતી. તેમને યુદ્ધ થાય તો લંડનનો વિનાશ થાય એવી આશંકા હતી જ તેથી તેમણે 23મી જુલાઈએ હિટલરને યુદ્ધ ટાળવાની વિનંતી કરતો જાહેર પત્ર પણ લખ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં અંગ્રેજોને બિનશરતી નૈતિક ટેકો આપવાનો મત ગાંધીજી ધરાવતા હતા. કારોબારી સમિતિના સભ્યોને, વિશેષે જવાહરલાલ નહેરુને એ વાત પસંદ નહોતી. કારોબારી સમિતિની બેઠકોમાં સુભાષચંદ્ર બોઝ અને જયપ્રકાશને પણ ખાસ આમંત્રણ આપી ગાંધીજીની સૂચનાથી બોલાવવામાં આવ્યા હતા. એ બેય ઇંગ્લૅન્ડની મુશ્કેલીનો લાભ લઈ તાત્કાલિક સામૂહિક સત્યાગ્રહ શરૂ કરવાના પક્ષના હતા. ગાંધીજી એ વાત સાથે સૈદ્ધાંતિક ર્દષ્ટિએ સંમત થઈ શકે એમ હતું જ નહિ અને જવાહરલાલનેય એમ કરવાથી પરદેશોમાં કૉંગ્રેસ જર્મનીના પક્ષે છે એવી છાપ પડે એવો ભય હતો. તેથી તેમણે વચલો માર્ગ કાઢી બ્રિટિશ સરકારને માટે એક ઠરાવ ઘડ્યો. આ ઠરાવ વાઇસરૉયને મોકલવામાં આવ્યો. તેના ઉત્તરમાં વાઇસરૉયે ભારતને તેનું બંધારણ ઘડવા અંગેની તથા લઘુમતીઓની ઇચ્છા ધ્યાનમાં રાખવાનું સૂચન કરતો જવાબ વાળ્યો. આ અસંતોષકારક જવાબના સંદર્ભમાં કૉંગ્રેસ પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. આ રાજીનામાંઓની ખુશાલીમાં મહમદઅલી ઝીણાએ ભારતના મુસલમાનોને ડિસેમ્બરની 22મીનો દિવસ મુક્તિદિન તરીકે ઊજવવાનું એલાન આપ્યું.
બ્રિટિશ સરકાર યુદ્ધ પછી પોતાના ઉદ્દેશો સ્પષ્ટ રીતે જાહેર કરવાના મતની ન હોવાથી 1940માં કૉંગ્રેસે પૂર્ણ સ્વાતંત્ર્યનું ધ્યેય સ્પષ્ટ કર્યું. સ્વતંત્ર ભારતનું બંધારણ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓની બંધારણસભા (Constituent Assembly) ઘડશે તથા સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવા અંગેનો ઠરાવ ગાંધીજીની સૂચનાથી પસાર કર્યો. આ ઠરાવ 20મી માર્ચે બિહારના રામગઢ અધિવેશનમાં બહાલ રાખવામાં આવ્યો.
તે પછી લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો તેની સરહદોમાં આવશ્યક ફેરફાર કરી તેના સ્વતંત્ર રાજ્યો જાહેર કરવાની માગ કરતો ઠરાવ પસાર કર્યો. આ ઠરાવથી રાષ્ટ્રવાદી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો. ગાંધીજીની ર્દષ્ટિએ દેશના ભાગલા પાડવાનો વિચાર ‘ભયંકર જુઠ્ઠાણું’ (Potent untruth) હતો.
બીજા વિશ્વયુદ્ધના મોરચે ઇંગ્લૅન્ડ એકલું પડી ગયું. વડાપ્રધાન ચેમ્બરલિનના સ્થાને ગાંધીજીના કટ્ટર વિરોધી વિન્સ્ટન ચર્ચિલ સત્તા ઉપર આવ્યા. કૉંગ્રેસ પાકી મૂંઝવણમાં મુકાઈ. ઇંગ્લૅન્ડની હાર તે ચાહતી નહોતી અને બીજી તરફ તેની સાથે તે જોડાઈ શકતી નહોતી.
આ પૂરા કિસ્સામાં કૉંગ્રેસ ગાંધીજીની કક્ષાએ સૂક્ષ્મ ધોરણે અહિંસા અમલમાં નહિ મૂકી શકે એમ જણાતાં કૉંગ્રેસના કાર્યક્રમોના અમલ અને પ્રવૃત્તિઓની જવાબદારીમાંથી ગાંધીજીને મુક્ત કરવાની મતલબનો ઠરાવ પસાર કર્યો.
ગાંધીજીએ પોતાના અહિંસાના સિદ્ધાંતને અનુસરીને ‘દરેક બ્રિટનવાસીને જાહેરપત્ર’ લખી અંગ્રેજોને અહિંસાના શસ્ત્ર વડે નાઝીવાદ સામે લડવાનો માર્ગ ચીંધ્યો. તેથી ઊલટું કારોબારી સમિતિએ જુલાઈની 7મીએ ગ્રેટ બ્રિટન ભારતની સ્વતંત્રતાનો સ્વીકાર કરતી અસંદિગ્ધ જાહેરાત કરે તેવો અને પ્રાંતોમાં પ્રજાને જવાબદાર એવી સરકારોનો વિશ્વાસ ધરાવતી હોય એવી વચગાળાની સરકાર રચાય એવી અપેક્ષા રાખતો ઠરાવ પસાર કર્યો. એ ઠરાવો સાથે કારોબારી સમિતિના અને ગાંધીજીના માર્ગ તત્કાલ પૂરતા જુદા પડ્યા.
આ સંદર્ભમાં વાઇસરૉયે યુદ્ધ પછી બંધારણ ઘડવાની હિંદીઓને સત્તા હોવી જોઈએ એ બાબતે સરકારની સહાનુભૂતિ વ્યક્ત કરી; પરંતુ બંધારણમાં લઘુમતીઓના અભિપ્રાયોને પૂરું વજન આપવું જોઈએ એમ સ્પષ્ટ કર્યું. પણ લઘુમતીઓના અભિપ્રાયોને વજન આપતા વાઇસરૉયના નિવેદનને કૉંગ્રેસની કારોબારી સમિતિએ ગાંધીજીની હાજરીમાં વર્ધામાં 21મી ઑગસ્ટે વખોડી કાઢ્યું.
ઠરાવ ઉપર બોલતાં ગાંધીજીએ બ્રિટિશ પ્રજાનું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું છે ત્યારે પોતે બ્રિટિશ સરકારને કે બ્રિટિશ પ્રજાને મૂંઝવણમાં નહિ મૂકે અને કોઈ પણ સંયોગોમાં સામૂહિક સત્યાગ્રહ તો નહિ જ ઉપાડે એ સ્પષ્ટ કર્યું. તે પછી પોતાની રીત પ્રમાણે સમાધાનનો કંઈક માર્ગ નીકળે તો તે કાઢવા તેઓ 21મી સપ્ટેમ્બરે વાઇસરૉયને સિમલામાં મળ્યા. વાઇસરૉયે તેમની સાથે પૂરા વિનયથી વાત કરી પણ પોતે 8મી ઑગસ્ટે નિવેદન કર્યું હતું તે ઉપર તેઓ મક્કમ રહ્યા. એટલે ગાંધીજીએ વ્યક્તિગત કાનૂનભંગની લડત શરૂ કરવાનો નિર્ણય કર્યો.
કારોબારી સમિતિ સેવાગ્રામમાં મળી અને પછી વ્યક્તિગત સત્યાગ્રહની પોતાની યોજના રજૂ કરી. એ યોજના અનુસાર વ્યક્તિગત સત્યાગ્રહ વિનોબા ભાવેથી શરૂ થવાનો હતો અને તત્કાલપૂરતો એમના સિવાય બીજા કોઈને કરવાનો નહોતો અને પ્રજાને રચનાત્મક કાર્યક્રમ ઉપાડી લઈ એમની સાથે સહકાર કરવાનો અનુરોધ કરવાનો હતો.
સત્યાગ્રહનો મુદ્દો કોઈ પણ પ્રકારના યુદ્ધની વિરુદ્ધ અથવા ચાલી રહેલા યુદ્ધની વિરુદ્ધ પ્રચાર કરવાના હકનો સરકાર પાસે સ્વીકાર કરાવવાનો હતો.
વિનોબાએ ગાંધીજીની યોજના અનુસાર 17મી ઑક્ટોબરે સત્યાગ્રહ કર્યો. બીજા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ જવાહરલાલ નહેરુને પસંદ કર્યા હતા. મહાસમિતિના ઠરાવમાં વ્યક્તિગત સત્યાગ્રહ પ્રજાના મૂળભૂત સ્વાતંત્ર્યના હકોનું રક્ષણ કરવા પૂરતો મર્યાદિત રાખવામાં આવે એવી ખાતરી આપવામાં આવી હતી છતાં સરકારે કૉંગ્રેસને પડકાર આપતું પગલું ભર્યું એટલે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહને ગણીગાંઠી વ્યક્તિઓ પૂરતો મર્યાદિત નહિ રાખતાં નવેમ્બરની 11મીથી કારોબારી સમિતિના, મહાસમિતિના અને કેન્દ્રીય તથા પ્રાંતિક ધારાસભાના કૉંગ્રેસ પક્ષના સભ્યોનો સમાવેશ કર્યો. 1941માં મે માસ સુધી સત્યાગ્રહીઓની સંખ્યા સરકારી આંકડા પ્રમાણે 25,000 સુધી પહોંચી હતી.
ગાંધીજીએ સત્યાગ્રહીઓ માટે કેટલીક વિશેષ સૂચનાઓ પ્રસિદ્ધ કરી હતી. આ સૂચનાઓ ગાંધીજીએ વાઇસરૉયની જાણ માટે મોકલી. ગાંધીજી સત્યાગ્રહની શરતોના પાલન વિશે એટલા આગ્રહી હતા કે સુભાષચંદ્ર બોઝે કોલકાતાથી 1940 ડિસેમ્બરની 23મીએ ગાંધીજીને પોતાના પક્ષના સભ્યોની ગાંધીજીની લડતમાં સહકાર આપવાની તૈયારી બતાવતો એક પત્ર એક વિશ્વાસુ મિત્ર સાથે મોકલ્યો ત્યારે ગાંધીજીએ 29મી ડિસેમ્બરે એ પત્રનો ઉત્તર આપતાં સુભાષની અને પોતાની વચ્ચે મૂળભૂત મતભેદો જોતાં એ શક્ય નથી એમ સ્પષ્ટ જણાવી દીધું. તે પછી સુભાષને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા, પણ તે ત્યાંથી 1941ના જાન્યુઆરીની 17મીએ અશ્ય થઈ ગયા.
ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહ સારુ આ બધી મર્યાદાઓ રાખવાની પાછળ અહિંસાની વિસ્તરતી જતી કલ્પનાની પ્રેરણા હતી. એક વ્યક્તિના અહિંસક વિચારમાત્ર વાતાવરણ ઉપર જબરો પ્રભાવ પાડી શકે છે અને જો સત્યાગ્રહની સાથે રચનાત્મક કાર્યક્રમનું વ્યવસ્થિત પાલન કરવામાં આવે તો કદાચ સત્યાગ્રહની પણ જરૂર ન રહે એમ તે ર્દઢપણે માનતા હતા. એ માન્યતાથી પ્રેરાઈ તેમણે ‘હરિજનસેવક’ના 1940ના સપ્ટેમ્બરની 14મીના અંકમાં 13 મુદ્દાનો રચનાત્મક કાર્યક્રમ રજૂ કર્યો અને 1941ના ડિસેમ્બરની 13મીએ 18 મુદ્દાના રચનાત્મક કાર્યક્રમનો ખરડો તૈયાર કર્યો અને તેને સુધારીવધારી ‘રચનાત્મક કાર્યક્રમ : તેનું રહસ્ય અને સ્થાન’ એ શીર્ષકથી સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રગટ કર્યો.
મુસ્લિમ લીગના કાર્યકર્તાઓએ લીગની ભાગલાની માગણીમાં ઉશ્કેરણીભર્યાં ભાષણો કરવાનું શરૂ કર્યું. પરિણામે, 1941ના માર્ચ માસથી મે સુધીમાં ઢાકા, અમદાવાદ, મુંબઈ અને બિહારમાં કોમી રમખાણો થયાં અને એ સમાચારોથી ગાંધીજીને ખૂબ વ્યથા થઈ છતાં એમણે શાંત વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ રાખ્યો, પણ જૂન માસમાં હિટલરે રશિયા ઉપર ચડાઈ કરતાં પરિસ્થિતિ બદલાઈ અને પરિણામે જુલાઈની 21મીએ વાઇસરૉયે યુદ્ધપ્રયાસમાં વધારે હિંદીઓનો સહકાર મેળવવાની ઇચ્છાથી પોતાની કારોબારી સમિતિનો વિસ્તાર કરી એમાં કેટલાક વધુ હિંદુઓને લીધા, પણ તે પછી ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ચર્ચિલે અને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે એ વર્ષના ઑગસ્ટની 14મીએ ‘આટલાન્ટિક ચાર્ટર’ નામે જાણીતી બનેલી જાહેરાત કરી હતી તે ચર્ચિલે 9મી સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડની આમસભામાં ભારતને લાગુ નહિ પડે એમ જાહેર કર્યું. તે છતાં સરકારે 3જી ડિસેમ્બરથી વ્યક્તિગત સત્યાગ્રહીઓને છોડી મૂકવાની શરૂઆત કરી અને બીજે દિવસે જવાહરલાલ નહેરુ અને મૌલાના અબુલ કલામ આઝાદને છોડી મૂક્યા. તે પછી ડિસેમ્બર માસ દરમિયાન કારોબારી સમિતિના બધા સભ્યોને છોડી મૂક્યા.
યુદ્ધની પરિસ્થિતિમાં વળી એક પલટો આવી ગયો હતો. જાપાને 7મી ડિસેમ્બરે અમેરિકાના તાબાના હવાઈ ટાપુઓના પર્લ હાર્બર નામના શહેર ઉપર હવાઈ હુમલો કરતાં અમેરિકા પણ યુદ્ધમાં જોડાયું અને ભારત માટે પણ જાપાનના આક્રમણનો ભય ઊભો થયો. ગાંધીજી અને કારોબારી સભ્યો વચ્ચે કેટલાક ઠરાવો બાબત મતભેદ ઊભો થયો હતો. તેથી તેમણે 30 ડિસેમ્બરે કૉંગ્રેસના પ્રમુખ મૌલાના આઝાદને પત્ર લખી મહાસમિતિની 16મી સપ્ટેમ્બરની બેઠકમાં પોતાની ઉપર કૉંગ્રેસને દોરવાની જવાબદારી નાખી હતી તેમાંથી મુક્ત કરવાની વિનંતી કરી અને કારોબારી સમિતિએ એમની વિનંતી સ્વીકારી. ગાંધીજીએ મહાસમિતિમાં બોલતાં પોતાને જવાહરલાલ નહેરુ સાથે મતભેદ હોવા છતાં પોતાના વારસદાર ચક્રવર્તી રાજગોપાલાચારી કે વલ્લભભાઈ નહિ પણ જવાહરલાલ નહેરુ બનશે, પોતાના મૃત્યુ પછી જવાહરલાલ એમની જ (ગાંધીજીની) ભાષા બોલશે, કંઈ નહિ તો પોતે તે શ્રદ્ધા સાથે મૃત્યુ પામશે એમ કહ્યું.
પરિસ્થિતિ બદલાઈ હોવાથી ગાંધીજીએ હરિજન સાપ્તાહિકો 1940ના ઑક્ટોબરમાં તત્કાલપૂરતાં બંધ રાખ્યાં હતાં તે 1942ના જાન્યુઆરીની 18મીએ અમદાવાદમાં ફરી શરૂ કર્યાં.
પર્લ હાર્બર ઉપર હુમલો કરી જાપાન ઝડપથી અગ્નિ એશિયામાં આગળ વધ્યું. મલાયા અને બર્મા(મ્યાનમાર)ને પણ જીતીને ભારતની પૂર્વ સરહદે આવી પહોંચ્યું. એટલે ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ચર્ચિલને હવે યુદ્ધ-પ્રયાસમાં બની શકે તો ભારતના નેતાઓનો સહકાર મેળવવાની જરૂર પડી. તે ઉદ્દેશથી તેમણે બ્રિટિશ પ્રધાનમંડળના સભ્ય સર સ્ટૅફર્ડ ક્રિપ્સને ભારતના નેતાઓ સાથે વાટાઘાટો કરવા કેટલીક દરખાસ્તો લઈ ભારત મોકલ્યા. ક્રિપ્સ માર્ચની 23મીએ દિલ્હી પહોંચ્યા અને ભારતના નેતાઓ સાથે વાટાઘાટો શરૂ કરી. આ અંગે ક્રિપ્સની મુખ્ય દરખાસ્ત ભારતનું સંયુક્ત રાજ્ય રચાય અને તે ‘બ્રિટિશ રાષ્ટ્રસમૂહ’ સાથે જોડાયેલું રહે તે અંગેની હતી. આમ છતાં ભારત ઇચ્છે તો સ્વતંત્ર રાજ્ય પણ બની શકે. આ સિવાય અન્ય આનુષંગિક દરખાસ્તો પણ ક્રિપ્સે કરી હતી. એટલે ગાંધીજી ક્રિપ્સને 20મી માર્ચે મળ્યા અને તેમની દરખાસ્ત વાંચી તે જ દિવસે તેમણે ક્રિપ્સને મળે તે પહેલામાં પહેલા વિમાનમાં બેસી ઇંગ્લૅન્ડ પાછા જવાની સલાહ આપી.
આ અંગે શરૂ થયેલી વાટાઘાટો વચગાળાની પ્રજાકીય સરકારની બધી બાબતોને લગતી સત્તાના મુદ્દા ઉપર પડી ભાંગી.
તે પછી કૉંગ્રેસની કારોબારી સમિતિ સેવાગ્રામમાં જુલાઈની 5મીથી 14મી સુધી ગાંધીજીની હાજરીમાં મળી, તેણે ગાંધીજીએ ઘડેલો અને જવાહરલાલ નેહરુએ સુધારેલો, ક્રિપ્સ સાથેની વાટાઘાટોની નિષ્ફળતાથી પ્રજામાં હતાશા ફેલાઈ છે અને તેનાથી બ્રિટન પ્રત્યે ઝડપથી દ્વેષની ભાવના ફેલાઈ રહી છે અને જાપાનની લશ્કરી સફળતાથી લોકો રાજી થાય છે એમ જણાવતો અને બ્રિટને તાત્કાલિક ભારત છોડી જવું જોઈએ એવો આગ્રહ કરતો ઠરાવ 14મી જુલાઈએ પસાર કર્યો.
કૉંગ્રેસની મહાસમિતિ મુંબઈમાં 1942 ઑગસ્ટની 7મીએ અને 8મીએ મળી અને તેણે 8મીએ ભારતની પ્રજાનો સ્વતંત્રતાનો જન્મસિદ્ધ હક મેળવવા મોટા પાયા ઉપર સામૂહિક અહિંસક લડતને મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યો અને એવી સામૂહિક લડત દ્વારા કૉંગ્રેસનો પોતાને માટે સત્તા મેળવવાનો ઇરાદો નહોતો પણ જ્યારે સત્તા મળશે ત્યારે તે ભારતની સમગ્ર પ્રજાની હશે એ સ્પષ્ટ કર્યું. ઠરાવ ઉપર બોલતાં ગાંધીજીએ વિદેશી સત્તાને ‘ભારત છોડો’ એમ કહ્યું અને પ્રજાને ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો, પણ સાથે એમ પણ કહ્યું કે લડત શરૂ કરતાં પહેલાં પોતે વાઇસરૉયને મળવા ઇચ્છે છે અને એમાં ત્રણેક અઠવાડિયાં નીકળી જશે. વાઇસરૉયે ગાંધીજી એમને મળે એની રાહ જોયા વિના નવમી ઑગસ્ટની સવારે તેમને અને કારોબારી સમિતિના બધા સભ્યોને પકડી લીધા અને તેમને નજરકેદમાં રાખવા પ્રજા જાણે નહિ એવાં સ્થળોએ લઈ જવામાં આવ્યા. ગાંધીજીની અને કૉંગ્રેસના નેતાઓની એવી ઓચિંતી ધરપકડોથી પ્રજા ઉશ્કેરાઈ ગઈ અને પોતાની માનસિક સમતુલા ગુમાવી તેણે ક્યાંક ક્યાંક હિંસક તોફાનો કર્યાં અને સરકારી મિલકતો બાળી નાખી. પણ ગાંધીજીએ ‘હરિજન’ના મેની 17મીના અંકમાં ‘દરેક બ્રિટનવાસી’ને જાહેર પત્ર લખી સ્પષ્ટ કર્યું હતું કે પોતાનો ઉદ્દેશ બ્રિટનના ભારત ઉપરના અસ્વાભાવિક આધિપત્યનો લોહી રેડ્યા વિના અંત લાવવાનો હતો તે જ પ્રમાણે તેમણે ‘હરિજન’ના 26મી જુલાઈના અંકમાં ‘દરેક જાપાનીસ’ને જાહેર પત્ર લખી કૉંગ્રેસ પરદેશી શાસકો સાથે જીવસટોસટનો પણ મૈત્રીભાવથી ઝઘડો કરી રહી છે, પણ તેમાં તેને કોઈ પરદેશી સત્તાની મદદની જરૂર નથી અને જાપાન ભારતમાં પોતાને આવકાર મળશે એમ માનતું હોય તો એની એ ભ્રમણા ભાંગી જશે એમ સ્પષ્ટ જણાવી દીધું હતું અને છેવટે તેમણે બીજી ઑગસ્ટે લખેલા પણ ‘હરિજન’ના 9મી ઑગસ્ટના અંકમાં છપાયેલા ‘અમેરિકન મિત્રોને’ નામના જાહેર પત્રમાં નાઝીવાદ અને ફાસીવાદ વ્યક્તિને અને તેની સ્વતંત્રતાને રૂંધી નાખતા હોવાથી તેમની પ્રત્યે ભારતની પ્રજાને કોઈ પ્રશંસાભાવ નથી અને બ્રિટન સામેની લડત પોતે તેની કે પશ્ચિમની પ્રત્યે વૈરભાવથી નથી શરૂ કરવાના એમ ખાતરી આપી હતી. ગાંધીજીને અને તેમની સાથે પકડાયેલા મહાદેવ દેસાઈને પુણેમાં આગાખાનના મહેલમાં રાખવામાં આવ્યા હતા ત્યાંથી ગાંધીજીએ 23મી સપ્ટેમ્બરના ગૃહખાતાના સચિવને પત્ર લખી જણાવ્યું કે પોતે તેમને પત્ર લખવાનો ઇરાદો જાહેર કર્યો હતો તે પત્રની સરકારે રાહ જોઈ હોત તો દેશ ઉપર કોઈ આફત આવી પડવાની નહોતી, ઊલટું પોતાની ધરપકડ પછી હિંસાના શોચનીય બનાવો બન્યા તે ન બનત.
પોતાના 29મી જાન્યુઆરીના પત્રમાં સરકારનાં હિંસક પગલાંથી જે વ્યથા થઈ હતી તેને વાઇસરૉય શાંત નહિ કરે તો પોતે સત્યાગ્રહીઓએ પાળવાના કાયદાનો આશ્રય લઈ ફેબ્રુઆરીની 9મીએ સવારે 9 વાગ્યાથી માર્ચની બીજીની સવારે પૂરા થાય એવા 21 દિવસના ઉપવાસ કરશે એમ પણ જણાવ્યું હતું. તેનો ઉલ્લેખ કરી વાઇસરૉયે રાજકીય હેતુ માટે ઉપવાસ કરવો તેને ‘ત્રાગું’ (blackmail) તરીકે ઓળખાવ્યો.
ગાંધીજીએ આ ઉત્તરને પોતાને ઉપવાસ કરવાનું આમંત્રણ માન્યું અને એ પ્રમાણે તેમણે ફેબ્રુઆરીની 9મીની સવારથી 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસ શરૂ થયો તેના આગલા દિવસે કેન્દ્ર સરકારના ગૃહખાતાના સચિવે ગાંધીજીને સ્વતંત્ર રહી ઉપવાસ કરી શકે એ હેતુથી ઉપવાસના 21 દિવસો માટે છોડી મૂકવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો જણાવ્યો, પણ ગાંધીજીએ નજરકેદમાં રહીને જ ઉપવાસ કરવાનું પસંદ કર્યું. ઉપવાસ ચાલુ હતો તે દરમિયાન ફેબ્રુઆરીની 21મીએ ‘બૉમ્બે ક્રૉનિકલ’ના સંપાદક અને કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય રાષ્ટ્રવાદી મુસ્લિમ સૈયદ અબ્દુલ્લા બ્રેલ્વી ગાંધીજીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ લાગ્યું કે ગાંધીજીએ પોતે પોતાનું જીવન અહિંસાને અર્પણ કર્યું હતું અને પોતાના જીવન કરતાં પણ અહિંસાને વહાલી ગણી હતી છતાં બીજા તો ઠીક પણ લૉર્ડ લિન્લિથગોએ ગાંધીજી હિંસક કૃત્યોને સહન કરી લે એ માની લીધું અને તેમની અને કૉંગ્રેસના નેતાઓ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છતાં પોતાને કે કૉંગ્રેસના નેતાઓને પોતાનો બચાવ કરવાની તક નહોતી આપવામાં આવી તેનું ગાંધીજીને ઊંડું દુ:ખ થયું હતું અને તે અસહ્ય વ્યથા અનુભવી રહ્યા હતા. તે પછી 23મી ફેબ્રુઆરીએ ક્વેકર સંપ્રદાયના એમના જૂના મિત્ર હૉરેસ ઍલેક્ઝાંડર મળ્યા તેમને પણ, દેશમાં જે હિંસા ફાટી નીકળી હતી તેનું મૂળ ગાંધીજી હોવાનું સરકાર માનતી હતી એ આક્ષેપનો નિષ્પક્ષ પંચ તપાસ કરે એવો ગાંધીજીનો દાવો ન્યાયી હતો એમ લાગ્યું.
ગાંધીજીએ 9મી ફેબ્રુઆરીએ ઉપવાસ શરૂ કર્યા તે પછી ચોથા દિવસે, ફેબ્રુઆરીની 13મીએ સરકારે હિંસાનાં કૃત્યો માટે ગાંધીજીને અને કૉંગ્રેસના નેતાઓને જવાબદાર ઠરાવતું લાંબું તહોમતનામું પુસ્તિકારૂપે પ્રસિદ્ધ કર્યું. એ આક્ષેપ માટે સરકારે સાબિતીરૂપે તેમાં આપેલી માહિતી ઉપરાંત બીજી કેટલીક માહિતીને ગુપ્ત રાખી હતી, અને જે માહિતી આપી હતી તે પણ ગાંધીજીનાં લખાણોમાંથી કેટલાંક અવતરણો તેમના સંદર્ભમાંથી છૂટાં પાડી તેમનો વિકૃત અર્થ કરીને આપ્યાં હતાં. ગાંધીજીએ એ આક્ષેપોનો આગાખાન મહેલમાંથી 1943ના જુલાઈની 15મીએ લાંબો વિગતસભર અને સચોટ ઉત્તર મોકલ્યો.
ગાંધીજીને પોતાની મુક્તિથી જરાય આનંદ થાય તેવું નહોતું. તેમને પુણેના આગાખાન મહેલમાં લઈ જવામાં આવ્યા તે પછી છ દિવસમાં જ 1942ના ઑગસ્ટની 15મીએ એમના વહાલસોયા ભાઈ જેવા રહસ્યમંત્રી મહાદેવ દેસાઈનું અવસાન થયું હતું અને ગાંધીજીએ એ અવસાનના સમાચાર આપતો તાર સેવાગ્રામમાં રહેતાં મહાદેવભાઈનાં પત્ની દુર્ગાબહેનને મોકલવા આપ્યો હતો તેને સરકારે તાર રૂપે નહિ પણ સાદી ટપાલથી મોકલ્યો અને એ પત્ર દુર્ગાબહેનને એક અઠવાડિયા પછી મળ્યો. તે પછી 1943ના નવેમ્બર-ડિસેમ્બરથી કસ્તૂરબા માંદાં પડ્યાં. તેમને માટે નિસર્ગોપચાર નિષ્ણાત ડૉ. દીનશા મહેતા અને વૈદ્યની સેવા માટે ગાંધીજીએ સરકારને વારંવાર ફરિયાદ કરી ખૂબ દબાણ કરવું પડ્યું હતું. કસ્તૂરબા એટલાં રિબાતાં હતાં કે ગાંધીજીથી એ જોયું નહોતું જતું અને એક દિવસ તેમણે બીજા કોઈ સ્થળે પોતાને નજરકેદ રાખવાની માગણી કરી અને છેવટે કસ્તૂરબા 1944ના ફેબ્રુઆરીની 22મીએ મહાશિવરાત્રિની સાંજે સાત વાગ્યાના અરસામાં અવસાન પામ્યાં ત્યારે અત્યાર સુધી કોઈ સ્વજનના મૃત્યુથી દુ:ખી નહિ થયેલા ગાંધીજી ભાંગી પડ્યા અને તેમની આંખોમાં આંસુ આવી ગયાં.
કસ્તૂરબાના અવસાન પછી ગાંધીજી નજરકેદમાં હતા ત્યારે જ તેમના કેટલાક ધનિક મિત્રોએ કસ્તૂરબાની સ્મૃતિમાં લોકસેવાના ઉદ્દેશથી ફાળો ઉઘરાવવાનો નિર્ણય કર્યો. એ ફાળામાં તેમને 86 લાખ જેટલા રૂપિયા મળ્યા અને એટલી મૂડી સાથે તેમણે કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરી અને તેમની વિનંતીથી ગાંધીજીએ મેની 10મીએ એ ટ્રસ્ટના પ્રમુખ થવાનું સ્વીકાર્યું. ગાંધીજીની 1944ના ઑક્ટોબરની બીજીએ 75મી જન્મજયંતીના પ્રસંગે સેવાગ્રામમાં સરોજિની નાયડુએ બધા ચેક અર્પણ કર્યા. સર પુરુષોત્તમદાસ ઠાકોરદાસે ટ્રસ્ટના ઉપપ્રમુખ બનવાનું અને ઠક્કરબાપાએ મંત્રી બનવાનું સ્વીકાર્યું. પાછળથી મૃદુલા સારાભાઈ એ સ્મારક ટ્રસ્ટનાં એક અગ્રણી કાર્યકર્તા તરીકે જોડાયાં. ગાંધીજીની સૂચનાથી ટ્રસ્ટનો ઉદ્દેશ ગ્રામવિસ્તારનાં સ્ત્રીઓ અને બાળકોની સેવાનો રાખવામાં આવ્યો.
જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી મેની 11મીએ જૂહુના દરિયાકિનારે જહાંગીર પટેલ નામના પારસી સજ્જનના કંપાઉન્ડમાં આવેલી એક નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેવા ગયા. ‘ભારત છોડો’ની લડત દરમિયાન ભૂગર્ભમાં ગયેલા કેટલાક કાર્યકર્તાઓની વિનંતીથી ગાંધીજીએ એમને એ મકાનમાં અને પછી 28મી જુલાઈએ પંચગનીમાં મળવા બોલાવ્યા. ગાંધીજીએ કાર્યકરો સાથેની ચર્ચાઓમાં ભૂગર્ભ પ્રવૃત્તિ હિંસા જ છે એમ સ્પષ્ટ કહ્યું અને તેમને બહાર આવવાની સૂચના કરી. મોટા ભાગના ભૂગર્ભ કાર્યકર્તાઓ ગાંધીજીની સૂચના સ્વીકારી બહાર આવી ગયા. અરુણા અસફઅલીનું તેમ કરવા મન ન માન્યું. ગાંધીજીએ જૂનની 30મીએ એમને પત્ર લખી ‘ભારત છોડો’ની લડત રોમાંચક અને શૌર્યભરી હતી અને અરુણા તેના કેન્દ્રમાં હતાં એમ કહી એમની પ્રશંસા કરી અને તે બહાર આવી જાય તો તેમની નિર્બળતાને વશ થઈને નહિ, પોતાની શક્તિમાં શ્રદ્ધાથી પ્રેરાઈને આવશે એમ સમજાવ્યું. તોય તેમણે ન માન્યું અને 1946ની શરૂઆતમાં તેમને પકડવાનો હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો પછી જ તે બહાર આવ્યાં.
ગાંધીજી છૂટ્યા પછી પંચગનીમાં હતા તે દરમિયાન ક્વેકર મિત્ર હૉરેસ ઍલેક્ઝાંડર સાથે ગાંધીજીને આ બાબત અંગે પત્રવ્યવહાર થયો હતો. પંચગનીમાં સ્ટુઅર્ડ ગેલ્ડર નામના અમેરિકન પત્રકાર સાથે મુલાકાત થઈ હતી.
ગાંધીજી આમ નરમ પડ્યા તેનું એક કારણ તેમણે છૂટ્યા પછી દેશની દુર્દશા જોઈ તે પણ હતું. સરકારના દમનથી પ્રજા એટલી દબાઈ ગઈ હતી કે અનાજની અછતને લીધે 1943માં બંગાળમાં 15 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને 1943ના ઑક્ટોબરમાં લૉર્ડ વેવલ વાઇસરૉય તરીકે આવ્યા તે પહેલાં સરકારે ભૂખમરો ટાળવા કશું નહોતું કર્યું. દેશની આવી સ્થિતિમાં ગાંધીજી મુસ્લિમ લીગની સાથે સમાધાન કરી સરકાર સામે તેનો સહકાર મેળવવાના ઉદ્દેશથી 1944ના સપ્ટેમ્બરની 9મીથી 27મી સુધી મુંબઈમાં મહમદઅલી ઝીણાને મળ્યા અને 18 દિવસ સુધી ચાલેલી એ વાટાઘાટોમાં ગાંધીજીએ ઈશાન અને વાયવ્યના મુસલમાન બહુમતીવાળા પ્રદેશોના બધા રહીશોનો લોકમત (plebiscite) લેવાય તેમાં બહુમતી ભારતથી છૂટા પડવાની તરફેણમાં આવે તો એ પ્રદેશોને સ્વાયત્તતા આપી માત્ર પરદેશની નીતિ અને સંરક્ષણની બાબતોમાં એ પ્રદેશોની સરકાર અને ભારતની સરકાર વચ્ચે કંઈક સહકાર જળવાઈ રહે એવી યોજના સૂચવી પણ ઝીણાને તો સંપૂર્ણ સ્વતંત્ર પાકિસ્તાન જોઈતું હતું અને તે પણ ઈશાન અને વાયવ્ય પ્રદેશોના એકલા મુસલમાનોની જ લોકમતમાં બહુમતીની માગણીથી, એટલે કે ઈશાન ભારતમાં વસતા હિંદુઓ અને વાયવ્યમાં વસતા હિંદુઓ અને શીખો ભારતથી છૂટા પડવા માટે લેવાના લોકમતમાં ભાગ ન લઈ શકે. બંગાળના પશ્ચિમ તરફના અર્ધા ભાગમાં હિંદુઓ બહુમતીમાં હતા છતાં ઝીણા એ ભાગને ઈશાનના મુસ્લિમ બહુમતીવાળા સ્વતંત્ર રાજ્યમાં સમાવવા માગતા હતા અને એ જ પ્રમાણે પંજાબના પૂર્વ તરફના અર્ધા ભાગમાં હિંદુઓ અને શીખો મળી બહુમતીમાં હતા છતાં ઝીણા એ ભાગને પણ વાયવ્યના સ્વતંત્ર રાજ્યમાં સમાવવા માગતા હતા. વળી ઝીણાએ ગાંધીજી મુસ્લિમ લીગને મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા અને પોતાને હિંદુઓના નેતા સ્વીકારે એવો પણ આગ્રહ રાખ્યો હતો એટલે છેવટે વાટાઘાટો પડી ભાંગી અને એ 18 દિવસો દરમિયાન ગાંધીજી અને ઝીણા વચ્ચે થયેલો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કરતાં ગાંધીજીએ પ્રજાને પ્રશ્નનો તટસ્થ અભ્યાસ કરી ભાગલાના પ્રશ્ન અંગે સ્વસ્થ પ્રજામત કેળવવાની સૂચના કરી. તે પછી 1945ના જૂન સુધી રાજકીય ક્ષેત્રે દેશમાં નિષ્ક્રિયતા રહી.
ગાંધીજી જેલમાંથી છૂટ્યા તે પછી તેમના મનમાં ખૂબ મનોમંથન ચાલી રહ્યું હતું. છૂટ્યા પછી તેમણે ત્યારના સામ્યવાદી પક્ષના મંત્રી પી. સી. જોશી સાથે લાંબો પત્રવ્યવહાર ચલાવ્યો. તેમણે જોશીને પોતાનો એ પૂર્વગ્રહ દૂર કરવા આમંત્રણ આપ્યું પણ સામ્યવાદની અને ગાંધીજીની વિચારસરણી વચ્ચે મૂળભૂત ભેદ હોવાથી ગાંધીજી કે જોશી સ્વાભાવિક રીતે જ એકબીજાને પોતાની વાત સમજાવી ન શક્યા.
પોતાનામાં વિચારમંથન ચાલી રહ્યું હતું તેના પરિણામે 1945નું વર્ષ શરૂ થતાં ગાંધીજીના આંતરજ્ઞાતીય અને આંતરસાંપ્રદાયિક લગ્નો વિશેના વિચારો બદલાયા. પહેલાં તેઓ આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ નહોતા કરતા તો એવાં લગ્નોને ઉત્તેજન પણ નહોતા આપતા. અને હિંદુ-મુસલમાન, હિંદુ-ખ્રિસ્તી એવા આંતરસાંપ્રદાયિક લગ્નોનો તો વિરોધ જ કરતા. હવે તેમણે ધર્મ, પ્રાંત, દેશ કે જ્ઞાતિના એવા કોઈ પણ ભેદભાવ વિના બધા પ્રકારનાં લગ્નો સ્વીકાર્યાં અને જે લગ્નમાં કન્યા અને વર એક જ જ્ઞાતિનાં હોય એવા લગ્નમાં હાજર નહિ રહેવાનો કે એને આશીર્વાદ નહિ આપવાનો આગ્રહ રાખતા થયા અને પછી તો તેઓ બેમાંથી એક પક્ષ અંત્યજ ન હોય તો હાજર નહિ રહેવું કે આશીર્વાદ નહિ આપવા એટલી હદે ગયા.
આ જ સમયગાળામાં ગાંધીજીની કલ્પનામાં જીવનનાં બધાં ક્ષેત્રોમાં અહિંસક ક્રાન્તિનું ચિત્ર આકાર લેતું થયું. એ ક્રાન્તિને પરિણામે તેમણે જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા, હિંદુ-મુસલમાન મતભેદો, અંગ્રેજો અને બીજા યુરોપિયનો પ્રત્યે વૈરભાવ એ બધું ભૂતકાળની વાત બની ગઈ હશે અને રાજામહારાજાઓ, ધનપતિઓ અને ઉદ્યોગપતિઓ પોતાને આમજનતાના વાલી ગણી પોતાની મિલકતનો ઉપયોગ લોકસંગ્રહની ભાવનાથી સર્વજનહિતાર્થે કરશે એવી આશા રાખી. આવી સમાજવ્યવસ્થા સિદ્ધ કરવા ગાંધીજી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા અને ગૃહઉદ્યોગો દ્વારા સ્વાશ્રયી અને સ્વયંપર્યાપ્ત ગામડાં ઉપર ભાર મૂકતા.
જવાહરલાલ નહેરુને એવી અર્થવ્યવસ્થા કે સમાજવ્યવસ્થા પસંદ નહોતી. તે ભારતની ગરીબી દૂર કરવા યંત્રો દ્વારા ચાલતા ઉદ્યોગોના મોટા પાયા ઉપરના સંગઠનમાં માનતા. ગાંધીજી માનતા કે સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલો ન હોય એવા સમાજનો વિનાશ જ થવાનો અને ગ્રામજીવનની સાદાઈમાં જ તથા જીવન માટે જરૂરી હોય એવી બધી ચીજવસ્તુઓના ઉત્પાદન ઉપર વ્યક્તિનો કાબૂ હોય એવી ખાદી-કેન્દ્રી અર્થવ્યવસ્થામાં જ લોકોને સત્ય અને અહિંસાની સ્પષ્ટ ઝાંખી થઈ શકે.
ગાંધીજીને વર્ષોથી સંપૂર્ણ નિર્વિકારતાની સ્થિતિ આકર્ષી રહી હતી અને તેમની ભાગવતના વ્યાસપુત્ર શુકદેવ જેવા પોતાની હાજરીમાં કોઈ પણ સ્ત્રીને સંકોચ ન થાય એવા બ્રહ્મચારી બનવાની અભિલાષા હતી. તે આગાખાન મહેલમાં નજરકેદ હતા ત્યાં પહેલા ચાર મહિના દરમિયાન તેમણે ‘આરોગ્યની ચાવી’નાં પ્રકરણોમાંથી એકમાં તેમણે પોતે બ્રહ્મચર્યના જે પ્રયોગો કરી રહ્યા હતા તે વિશે લખ્યું હતું કે એ પ્રયોગો સમાજની આગળ મૂકવા જેટલી સ્થિતિએ પહોંચ્યા નથી. જો મને સંતોષ થાય તેટલે અંશે સફળ થશે તો તે સમાજની પાસે મૂકવાની આશા રાખું છું. એ પ્રયોગ પોતાની નિર્વિકારતાની આકરી કસોટી કરવાના ઉદ્દેશથી કોઈ સ્ત્રીની સાથે સહશયન દ્વારા માનસિક નપુંસકતા અને તેના પરિણામે શારીરિક નપુંસકતા પણ સિદ્ધ કરવા માટે હતા. ગાંધીજીને શ્રદ્ધા હતી કે એવી માનસિક નપુંસકતા પોતાની અહિંસાને વધુ શુદ્ધ કરશે અને એ રીતે શુદ્ધ થયેલી અહિંસા પોતાને લોકસેવામાં વધારે સારો ફાળો આપવામાં મદદ કરશે. તેમણે 1945ના માર્ચ માસમાં એવા પ્રયોગો ફરી શરૂ કર્યા ત્યારે સ્વાભાવિક રીતે જ એ સમયના વાતાવરણમાં સેવાગ્રામના તેમના કેટલાક સાથીઓને આઘાત લાગ્યો, પણ તેથી પોતાના પ્રયોગો છોડી દેવાને બદલે ગાંધીજીએ જેને એ પ્રયોગો પસંદ ન હોય અને તેથી સેવાગ્રામ છોડી જવાની ઇચ્છા થતી હોય તેણે ખોટી શરમથી પોતાની લાગણીઓ દબાવી રાખવાને બદલે સેવાગ્રામ છોડી જવું એવી સલાહ આપી.
વાઇસરૉય લૉર્ડ વેવલે 1945ના જૂનની 14મીએ વાયુપ્રવચન કરી દેશના જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પોતાની કારોબારી સમિતિમાં લેવા માટે મુખ્ય સક્રિય રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવાનો ઇરાદો જણાવ્યો. વાયુપ્રવચન કરી બીજા દિવસે 15મી જૂને વાઇસરૉયે કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્યોને અહમદનગરના કિલ્લામાં નજરકેદ રાખવામાં આવ્યા હતા ત્યાંથી છોડી મૂક્યા અને કૉંગ્રેસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લીધો અને વાયુપ્રવચનમાં પોતે રજૂ કરેલી યોજના ઉપર વિચાર કરવા સિમલામાં બધા રાજકીય પક્ષોના નેતાઓની પરિષદ બોલાવી અને તેમાં ગાંધીજીને પણ આમંત્રણ આપ્યું. પોતે કૉંગ્રેસના સભ્ય ન હોવાથી પોતે એના પ્રતિનિધિ તરીકે હાજર ન રહી શકે એમ ગાંધીજીએ વાઇસરૉયના આમંત્રણના ઉત્તરમાં સ્પષ્ટ કર્યું, પણ વાઇસરૉયે બીજા નેતાઓની સાથોસાથ એમની સાથે પણ મસલત કરવાનો આગ્રહ રાખ્યો એટલે ગાંધીજી પરિષદમાં હાજર રહેવા કબૂલ થયા.
પરિષદ 25મી જૂને શરૂ થઈ. આ પરિષદમાં કારોબારી સમિતિના બધા મુસલમાન સભ્યો મુસ્લિમ લીગ જ નીમે એવો આગ્રહ ઝીણાએ રાખ્યો. આ મડાગાંઠથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં તે સફળ ન થયા. એટલે તેમણે જુલાઈની 14મીએ પરિષદને નિષ્ફળ જાહેર કરી અને નિષ્ફળતાની જવાબદારી પોતે ઓઢી લીધી.
સિમલા પરિષદ પૂરી થયા પછી 1945ના જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં સામાન્ય ચૂંટણીઓ થઈ તેમાં મજૂર પક્ષ ભારે બહુમતીથી સત્તા ઉપર આવ્યો. નવી સરકારમાં ક્લેમન્ટ ઍટલી જુલાઈની 21મીએ વડાપ્રધાન બન્યા અને લૉર્ડ પેથિક-લૉરેન્સ ભારતમંત્રી બન્યા. મજૂર પક્ષની જીત પછી વાઇસરૉયે એ વર્ષના ઑગસ્ટની 21મીએ કેન્દ્રીય અને પ્રાંતિક ધારાસભાઓ માટે ટૂંક સમયમાં ચૂંટણીઓ થશે એવી જાહેરાત કરી. 1946ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં કેન્દ્રીય અને પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ થઈ અને પરિણામે જે પ્રાંતોનાં પ્રધાનમંડળોએ 1939ના નવેમ્બર માસમાં રાજીનામાં આપ્યાં હતાં તે બધા પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો સત્તા ઉપર આવ્યાં.
તે પછી ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ક્લૅમન્ટ ઍટલીએ 1946ના ફેબ્રુઆરીની 19મીએ આમસભામાં પ્રધાનમંડળના ત્રણ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ (Cabinet Mission) ભારતનું ભવિષ્યનું બંધારણ જે સિદ્ધાંતોના આધારે ઘડવામાં આવશે અને એવું બંધારણ ઘડવાની પ્રક્રિયા અંગે ભારતના નેતાઓ સાથે ચર્ચા કરી તેમની સંમતિ મેળવવા ભારત જશે એ મતલબનું નિવેદન કર્યું. બ્રિટનની આમસભામાં 15મી માર્ચે એ નિવેદન ઉપર બોલતાં ઍટલીએ જણાવ્યું કે પોતાનું ભવિષ્ય ઘડવામાં ભારત સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. તેમણે એમ પણ કહ્યું કે લઘુમતીઓના હકો ધ્યાનમાં રાખીશું અને લઘુમતીઓ ભય વિના જીવી શકે એમ થવું જોઈએ, પણ અમે કોઈ લઘુમતીને બહુમતીની પ્રગતિ રોકવા ન દઈ શકીએ. પ્રતિનિધિમંડળના સભ્યોમાં ભારતમંત્રી લૉર્ડ પેથિક-લૉરેન્સ, સર સ્ટૅફર્ડ ક્રિપ્સ અને એ. વી. ઍલેક્ઝાંડરને પસંદ કરવામાં આવ્યા હતા.
એ પ્રતિનિધિમંડળ સાથેની મંત્રણાઓમાં કૉંગ્રેસ અવિભાજિત ભારતનો અને મુસ્લિમ લીગ વતી મહમદઅલી ઝીણાએ 1940ના લાહોરના મુસ્લિમ લીગના ઠરાવ અનુસાર ઈશાન અને વાયવ્યમાં મુસલમાન બહુમતીવાળા પ્રદેશોનાં સ્વતંત્ર રાજ્ય રચાય એવો આગ્રહ રાખ્યો અને તેથી મંત્રણાઓ નિષ્ફળ ગઈ. હવે કૅબિનેટ મિશને 1946ના મેની 16મીએ પોતાની યોજના રજૂ કરી. કૅબિનેટ મિશન યોજના તરીકે જાણીતી બનેલી આ યોજના હતી. તેમાં ભવિષ્યમાં આકાર લેનાર સ્વતંત્ર ભારતની રચના, તેની બંધારણસભા અને સત્તાની ફેરબદલી દરમિયાન આકાર લેનાર વચગાળાની સરકાર અંગેની જોગવાઈઓ અંગે રજૂઆત થઈ હતી.
વાઇસરૉયે છઠ્ઠી ઑગસ્ટે જવાહરલાલ નહેરુને વચગાળાની સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. જવાહરલાલે 13 ઑગસ્ટે પત્ર લખી સરકાર રચવામાં ઝીણાનો સહકાર માગ્યો. ઘણી આનાકાની અને મુશ્કેલીઓ પછી મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા. લીગ વચગાળાની રચનામાં જોડાઈ તેના થોડા દિવસ પહેલાં જ ઑક્ટોબરની 10મીએ પૂર્વ બંગાળના નોઆખલી જિલ્લામાં ત્યાંની હિંદુ લઘુમતી પર પાશવી અત્યાચારો શરૂ થઈ ગયા હતા.
મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા તે પહેલાં જ, ઑક્ટોબરની 10મીએ, પૂર્વ બંગાળના નોઆખાલી જિલ્લામાં ત્યાંની હિંદુ લઘુમતી ઉપર પાશવી અત્યાચારો શરૂ થઈ ગયા હતા અને તે સાથે દેશમાં આક્રમણ અને પ્રતિ-આક્રમણનું જે વિષચક્ર શરૂ થયું તેણે ગાંધીજીની અહિંસાની અત્યાર સુધીમાં સૌથી આકરી કસોટી કરી. વચગાળાની સરકારમાં પહેલેથી જ કૉંગ્રેસના પ્રતિનિધિઓ અને મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચ્ચે ખટરાગ શરૂ થયો. ડિસેમ્બરની 9મીએ સમવાયતંત્રની બંધારણસભાએ રાજેન્દ્રપ્રસાદના પ્રમુખપદે મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વિના પોતાનું કામ શરૂ કર્યું.
ગાંધીજીને બંધારણસભા મુસ્લિમ લીગના સહકાર વિના પોતાનું કામ ચાલુ રાખે એ પસંદ નહોતું. તેથી તેમણે લંડનમાં ચર્ચાઓ ચાલતી હતી તે દરમિયાન અને બંધારણસભાએ પોતાની કાર્યવાહી શરૂ કરી તે પહેલાં, ડિસેમ્બરની 3જીએ નિવેદન કરી મુસ્લિમ લીગ બંધારણસભાનો બહિષ્કાર કરે છતાં બંધારણસભા મળે તે અયોગ્ય ગણાય અને એ બહિષ્કાર છતાં બ્રિટિશ સરકાર બંધારણસભા મળે એવો આગ્રહ રાખે તો તે કૅબિનેટ મિશનની 1946ના મેની 16ની યોજનાની રૂએ નહિ પણ કૉંગ્રેસની સાથે મસલત કરી કોઈ બીજી યોજના ઘડે તેની રૂએ જ મળી શકે એમ જણાવ્યું.
ગાંધીજી 1946ના ઑક્ટોબરની 10મીએ નોઆખાલીમાં હિંદુઓ વિરુદ્ધ રમખાણો શરૂ થયાં હતાં તેથી એટલા વ્યથિત થયા હતા કે ઑક્ટોબરની 21મીએ એક અમેરિકન પત્રકારની મુલાકાત દરમિયાન પહેલાં પોતે 125 વર્ષ સુધી જીવવાનું ઇચ્છતા હતા, પણ તે માટે જરૂરી માનસિક સ્વસ્થતા હવે પોતે ગુમાવી બેઠા હતા અને ગુસ્સે થઈ જતા એમ કબૂલ કર્યું અને એ જ મુલાકાતમાં ગાંધીજીએ 23મી ઑક્ટોબરે કૉંગ્રેસની કારોબારી સમિતિમાં હાજર રહી પછી નોઆખાલી જવાનો પોતાનો ઇરાદો જણાવ્યો અને કહ્યું કે એમ કરવાથી પોતાના આત્માને સંતોષ થશે. નોઆખાલીનાં રમખાણોમાં 200 ઉપર હિંદુઓને મારી નાખવામાં આવ્યા હતા, હિંદુઓનાં 10,000 જેટલાં ઘરો લૂંટી લેવામાં આવ્યાં હતાં, નોઆખાલી પાસેના ત્રિપુરા જિલ્લામાં 9,000 જેટલા હિંદુઓને બળાત્કારે મુસલમાન બનાવવામાં આવ્યા હતા અને નોઆખાલી જિલ્લામાં બળાત્કારે મુસલમાન બનાવેલા હિંદુઓની સંખ્યા તેથી પણ મોટી હતી. તે ઉપરાંત સંખ્યાબંધ હિંદુ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અથવા તેમનાં અપહરણ કરી તેમની ઇચ્છા વિરુદ્ધ તેમને મુસલમાનો સાથે પરણાવી દેવામાં આવી હતી. હિંદુ મંદિરોમાં મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી અને બીજી રીતે પણ મંદિરોને ભ્રષ્ટ કરવામાં આવ્યાં હતાં. નોઆખાલીમાં હિંદુઓ ઉપર અત્યાચાર થયા તેની પ્રતિક્રિયારૂપે ઑક્ટોબરની 27થી બિહારમાં મુસલમાનો વિરુદ્ધ રમખાણો શરૂ થયાં. એ સમાચાર સાંભળી ગાંધીજીએ 5મી નવેમ્બરે જવાહરલાલને પત્ર લખી બિહારમાં અને બીજા પ્રાંતોમાં ખુનામરકી નહિ અટકે તો પોતે ઉપવાસ કરી પોતાની જિંદગીનો અંત લાવશે એ મતલબનું જાહેર નિવેદન કરવાનો પોતાનો ઇરાદો જણાવ્યો, પણ ગાંધીજીએ જવાહરલાલને પત્ર લખ્યો તેના આગલા જ દિવસે, નવેમ્બરની 4થીએ, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, લિયાકત અલી ખાન અને અબ્દુલ રબ નિશ્તાર એ ચારે વચગાળાની સરકારના પ્રધાનો બિહાર પહોંચી ગયા હતા અને ત્યાં જઈ જવાહરલાલે તોફાનો નહિ અટકે તો વિમાનમાંથી બૉમ્બમારો કરવાની ધમકી આપી હતી અને તેથી બિહારનાં તોફાનો તત્કાલ પૂરતાં કાબૂમાં આવ્યાં હતાં.
નોઆખાલીમાં જે કંઈ બન્યું હતું તેમાં ગાંધીજીને સૌથી વધારે વ્યથા હિંદુઓને બળાત્કારે મુસલમાન બનાવવામાં આવ્યા હતા અને હિંદુ સ્ત્રીઓ ઉપર અત્યાચારો થયા હતા તેનાથી થઈ હતી. તેમણે 1લી નવેમ્બરે એક મુસલમાન મિત્ર સાથેની મુલાકાતમાં કહ્યું કે નોઆખાલીમાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓનો પોકાર પોતાને નોઆખાલી બોલાવી રહ્યો છે. તેઓ ઑક્ટોબરની 28મીએ દિલ્હીથી કોલકાતા થઈ નોઆખાલી જવા નીકળ્યા. કોલકાતામાં 6ઠ્ઠી નવેમ્બરે પ્રાર્થનાસભામાં ગાંધીજીએ એ જ વાત કરી અને કહ્યું કે પોતે નોઆખાલીમાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓનાં આંસુ લૂછી શકશે તો પોતાને પૂરતો સંતોષ થશે અને તે જ દિવસે તે પ્રાર્થનાસભા પછી નોઆખાલી જવા નીકળ્યા.
નોઆખાલીમાં તેમણે પોતાની આસપાસ બધે અંધકાર, અતિશયોક્તિ અને જૂઠાણું જોયાં અને એ જોઈ તેમને પોતાનામાં પણ હતાશાના અંધકારનો અનુભવ થયો, પણ તેમણે એવી હતાશાને વશ નહિ થતાં નોઆખાલીના હિંદુઓ અને મુસલમાનો વચ્ચે સદભાવ કેળવવાનું કામ શરૂ કર્યું. ગાંધીજીની સાથે બંગાળી દુભાષિયા તરીકે નિર્મળકુમાર બોઝ, અને તેમનું ટાઇપિંગનું કામ કરવા દક્ષિણ ભારતના વતની પરશુરામ ઉપરાંત તેમને નોઆખાલીના હિંદુઓ અને મુસલમાનો વચ્ચે શાંતિ સ્થાપવાના કામમાં મદદ કરવા સુશીલા અને પ્યારેલાલ નાયર, સુશીલા પૈ, કનુ અને આભા ગાંધી, સુચેતા કૃપાલાની, ઠક્કરબાપા અને આઝાદ હિંદ ફોજના બે શીખ અફસરો – સરદાર જીવણસિંગ અને સરદાર નિરંજન ગિલ મળી આશરે 15 કાર્યકર્તાઓ હતા. તેમની સાથે ગાંધીજીએ 6ઠ્ઠી નવેમ્બરથી 19મી નવેમ્બર સુધી નોઆખાલીનાં જુદાં જુદાં ગામડાંની મુલાકાત લઈ એ ગામડાંમાં પ્રાર્થનાસભાનાં પ્રવચનો દ્વારા નોઆખાલીના હિંદુઓ અને મુસલમાનોને શાંતિનો સંદેશો આપવાનું કામ કર્યું. નવેમ્બરની 20મીએ ગાંધીજીએ પોતાની સાથે આવેલા નિર્મળકુમાર બોઝ અને પરશુરામ સિવાય બીજા દરેક સાથીને આસપાસના એક એક ગામડામાં કામ કરવા મોકલી આપ્યા અને પોતે શ્રીરામપુર નામના ગામમાં રહી પોતાનું કામ ચાલુ રાખ્યું. તે સાથે તેમણે ‘હરિજન’ સાપ્તાહિકોની જવાબદારી વિનોબા ભાવે, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોંપી દીધી.
ગાંધીજી શ્રીરામપુર હતા ત્યારે 19મી ડિસેમ્બરે તેમની સેવા કરવા તેમના ભત્રીજા જયસુખલાલનાં પુત્રી મનુબહેન તેમની સાથે રહેવા આવ્યાં. મનુબહેન ગાંધીજી અને કસ્તૂરબા સાથે પુણેના આગાખાન મહેલમાં હતાં અને કસ્તૂરબાના અવસાન પછી તેમણે મનુબહેનની મા બની તેમની સંભાળ રાખવાનું સ્વીકાર્યું હતું. ગાંધીજી નિર્મળકુમાર બોઝ, પરશુરામ અને મનુબહેન સાથે શ્રીરામપુરમાં 1947ના જાન્યુઆરીની 2જી સુધી રહ્યા અને તે દિવસથી તેમણે એ ત્રણે સાથીઓ સાથે નોઆખાલીમાં ગામડાંનો પગપાળા પ્રવાસ શરૂ કર્યો અને તે 1947ના માર્ચની 2જી સુધી ચાલ્યો. પગપાળા પ્રવાસની શરૂઆત કરતાં ગાંધીજીએ અત્યાચારનો ભોગ બનેલી એ ભૂમિ પવિત્ર હોવાથી કોઈ હિંદુ મંદિરમાં દર્શને જતાં પોતાનું પગરખું પહેરી નથી રાખતો તેમ પોતે પણ ચંપલનો ત્યાગ કરી ઉઘાડા પગે જ ચાલવાનો નિર્ણય કર્યો.
નોઆખાલીમાં ગાંધીજી 1946ના નવેમ્બરની 6ઠ્ઠીથી 1947ના માર્ચની 2જી સુધી લગભગ ચાર મહિના રહ્યા તે દરમિયાન તેમણે પગપાળા પ્રવાસ શરૂ કરતાં પહેલાં નોઆખાલીનાં 11 ગામોની અને પગપાળા પ્રવાસમાં લગભગ 55 જેટલાં ગામોની મુલાકાત લીધી. એ પ્રવાસ દરમિયાન તેઓ કોઈ કોઈ દિવસ 20 કલાક જેટલું કામ કરતા.
એ બધાં ગામોમાં ગાંધીજી પ્રાર્થના પછીનાં પોતાનાં પ્રવચનોમાં હિંદુઓને હિંમત રાખવાનો અને મુસલમાનોને માનવતા જાળવવાનો સંદેશો આપતા. હિંદુઓને તે પોતાનાં ઘર છોડી નાસી જવાને બદલે મુસલમાનોની વચ્ચે જ રહી હિંસાનો અહિંસાથી સામનો કરવાની અને એમ કરવાની તેમની શક્તિ ન હોય તો હિંસાથી પણ સામનો કરવાની સલાહ આપતા. હિંદુઓ મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોની વચ્ચે નાનાં નાનાં હિંદુ બહુમતીવાળાં ગામો વસાવે એ પણ ગાંધીજી નાપસંદ કરતા. તેને બદલે તેમણે એ ગામમાં એક હિંદુ અને એક મુસલમાન કાર્યકર્તા એ ગામના બધા હિંદુઓના રક્ષણની જ જવાબદારી લે એવી સૂચના કરી. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓને ગાંધીજી પોતાની સૌમ્ય વાણીમાં આશ્વાસન આપતા. તે કહેતા કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીએ કોઈ ગુનો નથી કર્યો અને તેથી સમાજે તેનો તિરસ્કાર ન કરવો જોઈએ અને સ્ત્રીઓને પણ તે તેમના ઉપર બળાત્કાર કરવા આવનારને વશ થવાને બદલે આપઘાત કરવાની સલાહ આપતા. આ બધાની પાછળ ગાંધીજીને સ્ત્રીઓ માટે જે પ્રેમ હતો તે જોઈને નોઆખાલીની હિંદુ સ્ત્રીઓને તેમની પ્રત્યે એવો આદર થયો હતો કે 1947ના જાન્યુઆરીની 29મીએ જયાગ નામના ગામમાં સ્ત્રીઓએ અસહ્ય દુ:ખ વેઠ્યાં હોવા છતાં ગાંધીજી એ ગામમાં જ્યાં જ્યાં જતા ત્યાં સ્ત્રીઓ મંગળ શંખ ફૂંકી તેમનું સ્વાગત કરતી, ચાંલ્લો કરી આરતી ઉતારવા દીપમાળા પ્રગટાવતી અને મંગળ નાદથી વાતાવરણને ગજાવી મૂકતી.
પગપાળા પ્રવાસ દરમિયાન ગાંધીજીને કડવા-મીઠા બેય પ્રકારના અનુભવો થતા. એક બાજુ મુસલમાનો એમની પ્રત્યે ચિડાયેલા રહેતા, તો બીજી બાજુ હિંદુઓ ભયભીત સ્થિતિમાં જીવતા હતા. છતાં ગાંધીજીની પ્રાર્થનાસભાઓમાં હિંદુ સ્ત્રી-પુરુષો સારી સંખ્યામાં આવતાં, ક્યારેક મુસલમાનો પણ આવતા, પણ ગાંધીજી કુરાન વિશે કંઈ બોલે અથવા પ્રાર્થનામાં રામધૂન શરૂ થાય ત્યારે તેઓ જતા રહેતા. કોઈ કોઈ અવળચંડા મુસલમાનો તો ગાંધીજીના રસ્તામાં કાચના ટુકડા, ઝાંખરાં અને વિષ્ટા પણ નાખતા. તેથી ગાંધીજી સહેજ પણ પોતાની શાંતિ ગુમાવ્યા વિના ઝાડનાં પાંદડાંથી વિષ્ટાને દૂર કરી આગળ ચાલતા. વળી ગાંધીજી મુસલમાનોને ઇસ્લામનો અર્થ સમજાવે તેનો પણ મૌલવીઓ વિરોધ કરતા.
પણ સામે પક્ષે ગાંધીજીને મુસલમાનોના મીઠા અનુભવો પણ થતા. તેમના પગપાળા પ્રવાસ દરમિયાન 1947ના જાન્યુઆરીની 8મી, અને 24મી એ બે દિવસે એક એક મુસલમાને આગ્રહ કરીને તેમને પોતાને ઘેર રાખ્યા હતા. જાન્યુઆરીની 24મીએ તો ગાંધીજી જે મુસલમાનને ઘેર રહ્યા હતા તેઓ ગાંધીજીને પ્રેમથી ભેટ્યા, મનુબહેનની અને કુટુંબની સ્ત્રીઓની તેમણે પરસ્પર ઓળખાણ કરાવી અને બંગાળના મુસલમાનોમાં એ સમયે પડદાનો રિવાજ ચુસ્ત રીતે પાળવામાં આવતો હતો છતાં તેમણે ગાંધીજીને સમય મળે ત્યારે તેમને પોતાના કુટુંબની સ્ત્રીઓને મળવા લાવવાની મનુબહેનને વિનંતી કરી. વળી જાન્યુઆરીની 14મીએ ગાંધીજી અને મનુબહેન જે મુસલમાનને ઘેર રહ્યાં, તેના કુટુંબની સ્ત્રીઓએ ગાંધીજી અને મનુબહેન સાથે ફોટો પડાવવાનો આગ્રહ રાખ્યો અને એ કુટુંબના એક યુવાને ફોટો પાડ્યો.
ફેબ્રુઆરીની 15મીએ રાયપુરા ગામમાં ગાંધીજીને માનપત્ર આપવામાં હિંદુઓ સાથે મુસલમાનો પણ જોડાયા અને કેટલાક મુસલમાનોએ ગાંધીજી પોતાને ત્યાં ઊતરે એવો આગ્રહ રાખ્યો અને બીજાં ગામોમાં ‘રામ’ શબ્દ પણ નહોતો બોલી શકાતો તેને બદલે આ ગામમાં આવતાં રસ્તામાં રામધૂન અને ભજનો ચાલતાં. રામધૂનમાં મનુબહેને પનિયાલા ગામમાં જાન્યુઆરીની 22મીએ કસ્તૂરબાની માસિક પુણ્યતિથિ હોવાથી એ દિવસની પ્રાર્થનામાં મુસલમાનોની
‘રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન સીતારામ
ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન.’
હાજરીમાં એ ધૂન ગાઈ. મનુબહેને એ ધૂન પોરબંદરમાં સુદામાના મંદિરમાં આઠ-દશ વર્ષની ઉંમરે કથા પછી ગવાતી સાંભળી હતી.
આ બધું છતાં ગાંધીજીને મુસલમાનોનાં હૃદય પૂરાં પીગળ્યાં હોય એવું જણાતું નહોતું અને તેમાં તેમને પોતાની અહિંસામાં જ કંઈક ત્રુટી જણાતી હતી. ગાંધીજી પુણેના આગાખાન મહેલમાંથી છૂટ્યા તે પછી તેમણે દેશની જે દુર્દશા જોઈ ત્યારથી તેમને પોતાની અહિંસાની સાધના અધૂરી હોવાનું લાગ્યા કરતું હતું. તે શુદ્ધ અહિંસાના પાલનને સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનની સાથે સીધો સંબંધ હોવાનું માનતા અને તેથી તેમણે 1945ના વર્ષ દરમિયાન શુદ્ધ અહિંસા સિદ્ધ કરવા સ્ત્રીઓ સાથે સહશયન કરી પોતાના બ્રહ્મચર્યની કસોટી કરવાનો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ તેમણે હવે મનુબહેન સાથે શરૂ કર્યો. પણ એ પ્રયોગ પાછળ ગાંધીજીના મનમાં ગુનાની કોઈ ભાવના નહોતી. નવગ્રામમાં 1947ના ફેબ્રુઆરીની 1લીએ પ્રાર્થનાસભામાં પોતાના પ્રવચનમાં ગાંધીજીએ એ પ્રયોગનો ખુલ્લો ઉલ્લેખ કર્યો અને એ જ દિવસે પોતાનાં પુત્ર અને પુત્રવધૂ મણિલાલ અને સુશીલાને પત્ર લખ્યા તેમાં પણ પોતાના એ પ્રયોગનો ઉલ્લેખ કર્યો. ફેબ્રુઆરીની 10મીએ તેમણે વિનોબાને પત્ર લખી તેમનો અભિપ્રાય પૂછ્યો, ફેબ્રુઆરીની 15મીએ ઘનશ્યામદાસ બિરલાનો પણ અભિપ્રાય પૂછ્યો. એ બે ગાંધીજીના પ્રયોગ સાથે સંમત નહોતા, પણ તેમણે ગાંધીજીની ટીકાય ન કરી. પણ કિશોરલાલ મશરૂવાળા સ્વામિનારાયણ સંપ્રદાયની સ્ત્રી-પુરુષોને લગતી મર્યાદાઓમાં માનતા હોવાથી તે ગાંધીજીના પ્રયોગથી અસ્વસ્થ બની ગયા અને નવમી ફેબ્રુઆરીએ તેમણે ‘હરિજન’ સાપ્તાહિકના સંપાદક તરીકે રાજીનામું આપી દીધું. કેદારનાથ, સ્વામી આનંદ, નરહરિ પરીખ, વલ્લભભાઈ અને દેવદાસ એ બધાએ ગાંધીજીના પ્રયોગને નાપસંદ કર્યો અને છેવટે ઠક્કરબાપાની વિનવણીથી ગાંધીજીએ પોતાનો પ્રયોગ બંધ કર્યો.
બિહારમાં જવાહરલાલ નહેરુની હાજરીથી પરિસ્થિતિ જરા શાંત પડી હોવાથી ગાંધીજીએ દૂધ અને અનાજનું પ્રમાણ ઓછું કરી નાખ્યું હતું તે 1946ના નવેમ્બરની 19મીએ બંધ કરી પોતાનો સામાન્ય ખોરાક શરૂ કર્યો હતો. તે પછી 1947ના જાન્યુઆરીમાં બંગાળના પંતપ્રધાન સુહરાવર્દી અને મુસ્લિમ લીગના બીજા નેતાઓ ગાંધીજીને બિહાર જવાનું ખૂબ દબાણ કરી રહ્યા હતા પણ ગાંધીજીએ પોતે નોઆખાલીમાં રહી બિહારની પરિસ્થિતિ ઉપર અસર પાડી રહ્યા છે એમ કહી બિહાર જવાને બદલે નોઆખાલીમાં જ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. પણ ફેબ્રુઆરીની 21મીએ ગાંધીજીને બિહારમાં મુસલમાનો વિરુદ્ધ ફરી રમખાણો શરૂ થયાં હોવાના સમાચાર મળ્યા અને તે પછી ફેબ્રુઆરીની 28મીએ બિહારના વિકાસ ખાતાના પ્રધાન ડૉ. સૈયદ મહમૂદના ખાનગી મંત્રી ગાંધીજીને નોઆખાલીના હૈમચર ગામમાં મળ્યા અને બિહારમાં મુસલમાનોને સહન કરવું પડ્યું હતું તેનું વર્ણન કરતાં રડી પડ્યા. ગાંધીજીને ખાતરી થઈ કે બિહારમાં મુસલમાનો ઉપર અત્યાચારો થયા હતા તેની સરખામણીમાં નોઆખાલી અને ત્રિપુરામાં હિંદુઓ ઉપર થયા હતા તે કંઈ વિસાતમાં નહોતા અને તેમણે નોઆખાલીમાં પોતાનું કામ અધૂરું મૂકી તાત્કાલિક બિહાર જવાનો નિર્ણય કર્યો અને 1947ના માર્ચની 5મીએ પટણા પહોંચ્યા.
નોઆખાલી કરતાં બિહારમાં ગાંધીજીનું કામ ઘણું વધારે કપરું નીવડ્યું. નોઆખાલીમાં બહારની દુનિયા સાથેનો તેમનો સંપર્ક લગભગ છૂટી ગયો હતો, છતાં તે ત્યાં પોતાના આધ્યાત્મિક બળનો ઉપયોગ કરી મુસલમાનો ઉપર કંઈક અસર પાડવામાં સફળ થયા હતા. બિહારમાં તેમને પોતાની માનસિક વ્યથા ઓછી કરે એવો કશો અનુભવ ન થયો. અહીં ગાંધીજીની સાથે મનુબહેન તો હતાં જ, પણ તેમની સાથે મૃદુલા સારાભાઈ પણ જોડાયાં અને 8મી માર્ચે અબ્દુલ ગફારખાન આવ્યા. મૃદુલાબહેને ગાંધીજીનું ઘણું બધું કામ ઉપાડી લીધું તોય ગાંધીજીને શાંતિ મળી શકી નહિ. તે પટણામાં 5મી માર્ચથી 30મી માર્ચ સુધી રહ્યા અને તે દરમિયાન તેમણે બિહારનાં 35 જેટલાં ગામોની મુલાકાત લીધી અને મુસલમાનોની દુર્દશા થઈ હતી તે પોતાની નજરે જોયું.
પોતાની જિંદગીને ભોગે મુસલમાનોનું રક્ષણ કરનારા હિંદુઓ નીકળ્યા હતા ખરા, પણ મોટા ભાગના હિંદુઓને જે કંઈ બન્યું હતું તેથી કશો આઘાત લાગ્યો હોય એવું ગાંધીજીએ ન જોયું. ઊલટું, મુસલમાનોની હત્યા કરનારાઓમાંથી કેટલાક પોતે એમ કરીને દેશને મુસલમાનોની આક્રમણખોરીમાંથી બચાવ્યો છે એવી બડાઈ પણ મારતા. અને સૌથી વધુ આઘાતજનક વાત તો એ હતી કે કોઈ કોઈ જગ્યાએ ટોળાંએ ‘મહાત્મા ગાંધી કી જય’ના પોકારો કરીને મુસલમાનોની હત્યા કરી હતી. હજારો મુસલમાનો શરણાર્થી છાવણીઓમાં એકઠા થયા હતા. બિહારના પ્રધાનમંડળે તેમની રાહત માટે યોજના ઘડી હતી, પણ રમખાણો શરૂ થયાંને ચાર મહિના થઈ ગયા હતા તોયે રાહતકામમાં ભાગ્યે જ કંઈ પ્રગતિ થઈ હતી. બિહાર પ્રાંતિક સમિતિમાં પરિસ્થિતિ થાળે પાડવાની કાં તો શક્તિ નહોતી કે કાં તો ઇચ્છા જ નહોતી. રોજ ને રોજ ગાંધીજી પ્રાર્થનાસભાનાં પ્રવચનોમાં હિંદુઓને તેમણે કેવું ભયંકર પાપ કર્યું છે તે સમજાવતા અને તેમની પાસે મુસલમાનો માટે રાહત ફાળામાં તેઓ જે આપી શકે તે માગતા. હિંદુઓ મુસલમાનોનાં બાળી નાખવામાં આવેલાં ઘરો પોતાના હાથે ફરી બાંધી આપે અને તેમના માટે નવા કૂવા ગાળી આપે એમ તે કહેતા. ગાંધીજીની ર્દષ્ટિએ જે બન્યું હતું તે માત્ર સરકારની જ નિષ્ફળતા નહોતી, સમાજનો કોઈ એક વર્ગ નૈતિક ર્દષ્ટિએ ઊણો નીવડે તેની જવાબદારી આખા સમાજની હતી એમ તેઓ માનતા. તેથી તેઓ કહેતા કે મુસલમાનોની દુર્દશા કરનારા હિંદુઓની સંખ્યા નાની હોય પણ તેની જવાબદારી તો બધા જ હિંદુઓની હતી. એકલા બિહારમાં જ નહિ, ભારતના કોઈ ભાગમાં એક વ્યક્તિએ પણ કંઈ ખોટું કર્યું હોય તો તેની જવાબદારી દરેક હિંદુની છે એમ તે માનતા એટલે તે નોઆખાલીના હિંદુઓ બિહારના આ મુસલમાનોની યાતનાઓમાં અને બિહારના મુસલમાનો નોઆખાલીના હિંદુઓની યાતનાઓમાં તેમની સાથે સહાનુભૂતિ અનુભવે એમ ઇચ્છતા. ગાંધીજીએ પ્રાર્થનાસભાઓમાં પોતાના દરેક પ્રવચનમાં હિંદુઓને આવી માનવતાની કેળવણી આપવાનું કામ કર્યું. ગાંધીજી માનતા કે ‘ભારત છોડો’ લડતમાં પ્રજાએ જે હિંસા આચરી હતી તેણે જ હવે કોમી હિંસાનું રૂપ લીધું હતું. સમાજવાદી નેતાઓ અશોક મહેતા અને અરુણા અસફ અલી 1947ના મેની 6ઠ્ઠીએ તેમને મળ્યાં ત્યારે ગાંધીજીએ તેમને સ્પષ્ટ કહ્યું કે એ નેતાઓએ 1942ની લડતમાં પ્રજાને હિંસાનો પાઠ ન ભણાવ્યો હોત તો 1946માં બિહારમાં હિંસા થઈ તે ન થાત.
ગાંધીજી નોઆખાલીમાં હતા તે દરમિયાન 1947ના ફેબ્રુઆરીની 20મીએ ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ક્લેમન્ટ ઍટલીએ પાર્લમેન્ટની આમસભામાં 1948ના જૂન પહેલાં શહેનશાહની સરકારનો ભારત છોડી જવાનો નિર્ણય જાહેર કર્યો અને તે સાથે વાઇસરૉય તરીકે લૉર્ડ વેવલને બદલે લૉર્ડ માઉન્ટબૅટનની નિમણૂક કરી. આ પહેલાં 1946ના એપ્રિલમાં કૅબિનેટ મિશન ભારત આવ્યું હતું ત્યારથી ગાંધીજીને લાગ્યું હતું કે સ્વરાજ નજીક આવી રહ્યું છે અને હવે તે માટે ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી એટલે ભારતને હવે સ્વરાજ મળશે જ એ વિશે એમના મનમાં શંકા રહી નહિ,. એ સ્વરાજ કેવું હશે એ જ એમની ર્દષ્ટિએ સૌથી મહત્ત્વનો પ્રશ્ન હતો અને તે માટે તેમણે પ્રજાને જરૂરી કેળવણી આપવાનું શરૂ કરી દીધું હતું. તેમણે સ્વતંત્ર ભારતમાં પોતાની કલ્પનાના સમાજના ચિત્રની મુખ્ય રેખાઓ 1946ના જુલાઈની 28મીના ‘હરિજન’ના અંકમાં દોરી આપી હતી. તેમાં તેમણે સમજાવ્યું હતું કે સાચું સ્વરાજ ઉપલા માળથી નહિ પણ ભોંયતળિયાથી શરૂ થવું જોઈએ. એવા સમાજમાં દરેક ગામનો વહીવટ કરવા સંપૂર્ણ સત્તાવાળી ગ્રામપંચાયતો હોવી જોઈએ; કોઈએ પોતાના જેટલી જ મહેનત કરનાર બીજાને ન મળી શકે એવી વસ્તુઓની ઇચ્છા નહિ રાખવી જોઈએ; એ સમાજ મિસરના પિરામિડોમાં જેમ ઉપર સાંકડી ટોચ નીચે પહોળા તળિયાના આધારે ટકી રહે છે તેમ નહિ પણ સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલાં અસંખ્ય ગામડાંનો બનેલો હશે; એ ગામડાં ઉપર ને ઉપર ચડતાં વર્તુળોમાં નહિ પણ પહોળાં અને પહોળાં થતાં જતાં વર્તુળોનાં બનેલાં હશે, એ વર્તુળો મહાસાગરની સપાટી ઉપર વિસ્તાર પામતાં જતાં મોજાંનાં વર્તુળો જેવાં હશે જેના કેન્દ્રમાં વ્યક્તિ હશે, દરેક વ્યક્તિ ગામ માટે ભોગ આપવા તૈયાર રહેશે અને દરેક ગામ ગામોના સમૂહ માટે ભોગ આપવા તૈયાર રહેશે અને એમ આખો સમાજ મહાસાગરનાં વર્તુળોની ભવ્યતાની સહભાગી બનતી વ્યક્તિઓનો બની રહેશે. એવા સમાજમાં વ્યક્તિની મજૂરીને બિનજરૂરી બનાવે એવાં યંત્રોને સ્થાન નહિ હોય, પણ દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે એવા યંત્રનું એ સમાજમાં જરૂર સ્થાન રહેશે. ગાંધીજીની કલ્પનાના આદર્શ સમાજના આ ચિત્રમાં માણસની ચિરંતન આધ્યાત્મિક અભિલાષામાં વ્યક્તિમાત્રની સમાનતા અને સામાજિક ન્યાયના અર્વાચીન આદર્શો ભળ્યા હતા. ગાંધીજીએ પોતે એ લેખમાં કબૂલ કર્યું હતું તેમ એમનો આદર્શ સંપૂર્ણતયા સિદ્ધ કરી શકાય એવો નહોતો. પણ બાઇબલવચન છે કે A people without vision perish જે પ્રજા પાસે પોતાનું ભવિષ્ય ઘડવા સારુ ઉમદા આદર્શ નથી તે પ્રજાનો નાશ થાય છે. ગાંધીજીએ ભારતની પ્રજાને ચિરંતન જીવતી રાખી શકે એવો ઉમદા આદર્શ તેને આપ્યો.
આ આદર્શની પાછળ તેમણે દક્ષિણ આફ્રિકામાં 1904ની સાલમાં ઓગણીસમી સદીના અંગ્રેજ લેખક રસ્કિનનું ‘Unto this Last’ પુસ્તક વાંચ્યું હતું અને જેનો તેમણે 1908માં ‘સર્વોદય’ શીર્ષકથી સારાનુવાદ આપ્યો હતો તેની અસર હતી.
અત્યાર સુધી વ્યક્તિગત અને સામાજિક જીવનના આદર્શો સમાજના ઉપલા વર્ગો ઘડતા આવ્યા હતા અને એમણે ઘડેલા આદર્શોમાં તે તે વર્ગનાં આર્થિક અને સામાજિક હિતોની પ્રેરણા રહેતી. પણ ગાંધીજીને શ્રદ્ધા હતી કે ભારતની નિરક્ષર જનતાની પ્રેમપૂર્વક સેવા કરી તેમની આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરી શકાય અને એમ થાય તો દેશના એ નિરક્ષર વર્ગો પણ વ્યક્તિગત અને સામાજિક જીવનના આદર્શો ઘડવામાં ફાળો આપી શકે. ભારતની ગ્રામજનતાની પ્રેમપૂર્વક સેવા કરવા ગાંધીજીએ સ્થાપેલા ગાંધી સેવા સંઘ, અખિલ ભારત ચરખા સંઘ અને અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘ, એ ત્રણે સંઘોની પ્રવૃત્તિઓની પાછળ સંભવ છે કે દેશની આમજનતાની આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરવાની તેમની અભિલાષા પણ હોય.
નવા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબૅટન 1947ના માર્ચની 22મીએ ભારત આવ્યા અને 26મીએ તેમણે ગાંધીજી અને ઝીણા બેયને પોતાને મળવાનાં આમંત્રણ મોકલ્યાં. ગાંધીજીને એ આમંત્રણ પટણામાં મળ્યું અને ત્યાંથી તે 31મીએ દિલ્હી આવ્યા અને એ જ દિવસે વાઇસરૉયને મળ્યા. જવાહરલાલ નહેરુના આમંત્રણથી 1947ના માર્ચની 23મીથી એશિયાના કેટલાક દેશોના પ્રતિનિધિઓની એશિયન રિલેશન્સ કૉન્ફરન્સ નામથી ઓળખાતી પરિષદ શરૂ થઈ હતી. એ પરિષદમાં એશિયાનાં મુસ્લિમ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ હાજર હતા, છતાં મુસ્લિમ લીગના કોઈ પ્રતિનિધિ કે વચગાળાની સરકારના કોઈ મુસલમાન પ્રધાન એ પરિષદમાં હાજર ન રહ્યા. ગાંધીજી એ પરિષદમાં 1લી એપ્રિલે હાજર રહ્યા અને બીજી એપ્રિલે પરિષદની સરોજિની નાયડુના પ્રમુખપદે મળેલી છેલ્લી બેઠકમાં બોલતાં કહ્યું કે પરિષદમાં ભેગા થયેલા પ્રતિનિધિઓને ભારતની સંસ્કૃતિની સારામાં સારી બાજુ જોવી હોય તો તે તેમને ભારતના ભંગીઓનાં ઝૂંપડાંમાં જોવા મળશે. વળી તેમણે એમ પણ કહ્યું કે હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ બધા ધર્મના ઉપદેશકો એશિયામાં જન્મ્યા હતા અને આજે પણ એશિયા પોતાની પ્રેમશક્તિથી પશ્ચિમને જીતી શકે અને પશ્ચિમેય એવી જીતને આવકારશે. પણ પછી દેશને જે રીતે અને જેવું સ્વરાજ મળ્યું તેમાં ગાંધીજીની આ આશા પૂરી થવાની કે તેમની કલ્પનાના ભારતનું ચિત્ર સિદ્ધ થવાની કોઈ શક્યતા ન રહી.
ગાંધીજી વાઇસરૉયને 31મી માર્ચે મળ્યા પછી તે તેમને 1લી એપ્રિલે મળ્યા અને વળી 4થી એપ્રિલે મળ્યા. એ દિવસની મુલાકાતમાં તેમણે વાઇસરૉયને ભારતને અવિભાજિત રાખવા અંગેની યોજના સૂચવી. આ સૂચનોમાં તેમણે કેટલીક શરતોએ ઝીણાને પ્રધાનમંડળ રચવાની તક આપવા જણાવ્યું હતું. એમ ન બને તો તે જ શરતોએ કૉંગ્રેસને પ્રધાનમંડળ રચવાનું આમંત્રણ આપવાનું સૂચન હતું.
ગાંધીજીએ આ યોજના એપ્રિલની 10મીએ કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્યો સમક્ષ મૂકી પણ તે તેમને પોતાની યોજના સાથે સંમત થવા ન સમજાવી શક્યા એટલે તેમણે 11મી એપ્રિલે વાઇસરૉયને પત્ર લખી બિહાર જવા તેમની રજા માગી અને 13મીએ તે બિહાર ગયા. પણ જવાહરલાલ નહેરુના આગ્રહથી મેની 1લીએ ફરી દિલ્હી આવ્યા અને 4થીએ વાઇસરૉયને મળ્યા ત્યારે તેમણે વાઇસરૉયને દેશનો વહીવટ મુસ્લિમ લીગને અને લીગ ન સ્વીકારે તો કૉંગ્રેસને સોંપી પોતે 1948ના જૂન સુધી વાઇસરૉય તરીકે રહી તે પછી કૉંગ્રેસને અને લીગને જે કરવું હોય તે કરવા દેવા સ્વતંત્ર રાખી જતા રહેવાની સૂચના કરી. પહેલાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ ગાંધીજીની યોજના નહોતી સ્વીકારી, અને આ વેળા વાઇસરૉયે ગાંધીજીની સૂચના ન સ્વીકારી એટલે હવે ગાંધીજીને વાઇસરૉય સાથેની વાટાઘાટોમાં કશું કરવાનું રહ્યું નહિ, અને તેથી તેઓ મેની 8મીએ દિલ્હી છોડી કૉલકાતા જવા નીકળ્યા.
ગાંધીજી વાઇસરૉય સાથેની રાજકીય વાટાઘાટોમાંથી નીકળી ગયા એટલે વાઇસરૉયે કૉંગ્રેસના ત્રણ પ્રતિનિધિઓ, મુસ્લિમ લીગના ત્રણ પ્રતિનિધિઓ અને શીખોના એક પ્રતિનિધિ સમક્ષ માઉન્ટબૅટન સ્કીમ નામે જાણીતી બનેલી આ મતલબની યોજના રજૂ કરી : આ પરિસ્થિતિમાં નિર્ણયો લેવાની જવાબદારી સાત સભ્યોના બનેલા પ્રતિનિધિમંડળ હસ્તક આવી.
વડાપ્રધાન ઍટલીના 20મી ફેબ્રુઆરીના નિવેદન પ્રમાણે ભારતમાં અંગ્રેજી શાસનનો 1948ના જૂન પહેલાં અંત આવવાનો હતો; પરંતુ દેશના મુખ્ય રાજકીય પક્ષોની જેમ બને તેમ જલદી હિંદીઓને સત્તા સોંપી દેવાય એવી ઇચ્છા હતી તેથી પાર્લમેન્ટની ચાલુ બેઠકમાં જ કાયદો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મતલબની પોતાની યોજના રજૂ કર્યા પછી બંગાળની ધારાસભામાં પૂર્વ બંગાળના પ્રતિનિધિઓએ અને પંજાબની ધારાસભામાં પશ્ચિમ પંજાબના પ્રતિનિધિઓએ ભારતથી સ્વતંત્ર પાકિસ્તાન સ્થાપવાનો નિર્ણય કર્યો એટલે પછી લૉર્ડ માઉન્ટબૅટને પાકિસ્તાનને 1947ના 14મી ઑગસ્ટે અને ભારતને 15મી ઑગસ્ટે સત્તા સોંપવાનું ઠરાવ્યું.
લૉર્ડ માઉન્ટબૅટનની આ યોજનામાં મુસ્લિમ લીગે તેના 1940ના માર્ચની 24મીના અધિવેશનમાં માગ્યું હતું તેથી વધારે મળતું હતું. પણ ઝીણાને તો આખો બંગાળ અને આખો પંજાબ પ્રાંત પાકિસ્તાનમાં જોઈતા હતા. લૉર્ડ માઉન્ટબૅટન સાથે વાટાઘાટોમાં ઝીણાએ પોતાની એ માગણી આગ્રહપૂર્વક આગળ ધરી પણ માઉન્ટબૅટને મચક ન આપી એટલે ઝીણાને જે મળ્યું તેનાથી સંતોષ માનવો પડ્યો.
કૉંગ્રેસની કારોબારી સમિતિની પણ એવી જ સ્થિતિ હતી. તેને અવિભાજિત ભારત જોઈતું હતું. જોકે ઈશાન અને વાયવ્ય ભારતની મુસલમાન બહુમતી ભારતથી સ્વતંત્ર પોતાનું રાજ્ય સ્થાપવા ઇચ્છે તો તે એ પ્રદેશોને બળજબરીથી ભારતમાં રાખવા નહોતી ઇચ્છતી, પણ કારોબારી સમિતિ અને ગાંધીજી બેયને આશા હતી કે અંગ્રેજો ભારત છોડીને જતા રહેશે તે પછી દેશના બધા રાજકીય પક્ષોને જવાબદારીનું વધારે ભાન આવશે અને એકબીજા સાથે સમજી ભારતને અવિભાજિત રાખશે. પણ વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના પ્રતિનિધિઓની કામગીરી જોયા પછી જવાહરલાલ અને વલ્લભભાઈ બેયને મુસ્લિમ લીગ સાથે સહકારથી કામ થઈ શકે એમ છે જ નહિ એ સ્પષ્ટ જણાયું. એટલે કારોબારી સમિતિએ ગાંધીજીના વિરોધ છતાં માઉન્ટબૅટન યોજના સ્વીકારી લીધી. કારોબારી સમિતિએ પોતે પોતાની માર્ચની 8મીની બેઠકમાં પંજાબના ભાગલા પાડવાની માગણી કરી હતી અને તે માઉન્ટબૅટન યોજનામાં સ્વીકારવામાં આવી હતી એટલો તેને સંતોષ હતો. માઉન્ટબૅટન યોજનામાં અત્યાર સુધી સંયુક્ત રહેલા લશ્કરના પણ ભારતનું લશ્કર અને પાકિસ્તાનનું લશ્કર એવા બે ભાગ કરવામાં આવ્યા હતા તે પણ કારોબારી સમિતિએ ગાંધીજીનો વિરોધ હોવા છતાં સ્વીકારી લીધું.
વાઇસરૉયે 1947ના ત્રીજી જૂનની સાંજે વાયુપ્રવચન કરી પોતાની યોજનાની વિધિસર જાહેરાત કરી. ગાંધીજીએ ભારતના ભાગલાની માગણીને ‘પાપ’ અને ‘જૂઠાણું’ કહી હતી, છતાં કૉંગ્રેસની મહાસમિતિ જૂનની 15મીએ મળી ત્યારે તેમણે જો દેશને અવિભાજિત રાખવો હોય તો તે માટે અહિંસક લડત લેવી પડે તે લેવાની પોતે પ્રજામાં શક્તિ નહોતા જોતા એમ કહી મહાસમિતિના સભ્યોને કારોબારી સમિતિના નિર્ણયને બહાલ રાખવાનો આગ્રહ કર્યો.
ગાંધીજી પહેલેથી જ કહેતા આવ્યા હતા કે દેશના ભાગલા પાડવાથી કોમી વેરઝેરનો અંત આવવાનો નથી. અને તેમ જ બન્યું. નોઆખાલીમાં હિંદુઓ ઉપરના અત્યાચારોની પ્રતિક્રિયા રૂપે બિહારના મુસલમાનો ઉપર અત્યાચારો થયા હતા, અને એ અત્યાચારોની પ્રતિક્રિયારૂપે હવે સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને પંજાબમાં લઘુમતીઓ પર અત્યાચારો શરૂ થયા. એ કોમી ઝેરના ચેપના પરિણામે પાકિસ્તાનના સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને પંજાબમાંથી ભારતમાં અને પૂર્વ પંજાબ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાંથી પાકિસ્તાનમાં લગભગ એક કરોડ જેટલા હિંદુઓ, મુસલમાનો અને શીખો હિજરત કરી ગયા તેમની યાતનાઓ અને હિંદુ, મુસલમાન અને શીખ સ્ત્રીઓ ઉપર જે પાશવી અત્યાચારો થયા તે અર્વાચીન ભારતના ઇતિહાસનું એક મહા શરમજનક પ્રકરણ છે, પણ જો પરસ્પર કોમી દ્વેષની કથા શરમજનક છે તો એ દ્વેષની જ્વાળાઓને શાંત કરવાનો ગાંધીજીનો પુરુષાર્થ એટલો જ ભવ્ય છે.
જુલાઈ માસમાં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ભારત અને પાકિસ્તાનને બ્રિટિશ રાષ્ટ્રસંઘનાં સંસ્થાનો (Dominions of the British Common-Wealth of Nations) બનાવતો કાયદો પસાર કર્યો; અને જુલાઈની 18મીએ એ કાયદાને શાહી મંજૂરી મળી. ઝીણા પહેલાં લૉર્ડ માઉન્ટબૅટન ભારત અને પાકિસ્તાન બેય સંસ્થાઓના ગવર્નર-જનરલ બને એમાં સંમત થયા હતા, પણ પછી તેમણે પોતાનો વિચાર બદલી પોતે પાકિસ્તાનના ગવર્નર-જનરલ બન્યા અને લિયાકત અલી ખાન પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બન્યા. ભારતે માઉન્ટબૅટનને જ ગવર્નર-જનરલ તરીકે ચાલુ રાખ્યા. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન અને વલ્લભભાઈ નાયબ વડાપ્રધાન થયા. લૉર્ડ માઉન્ટબૅટને 1947ના 13મી ઑગસ્ટે કરાંચી જઈ 14મી ઑગસ્ટે પાકિસ્તાનની બંધારણસભાને સંબોધી નવા અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાન સંસ્થાન(Dominion of Pakistan)ને ઇંગ્લૅન્ડના રાજાનો શુભેચ્છાનો સંદેશો આપ્યો, તે જ દિવસે તેઓ દિલ્હી પાછા આવ્યા અને રાત્રે બરાબર બારના ટકોરે તેમણે ભારતની બંધારણસભાના ભવનમાં પ્રવેશી નવા અસ્તિત્વમાં આવેલા ભારત સંસ્થાન(Dominion of India)ને પણ ઇંગ્લૅન્ડના રાજાનો શુભેચ્છાનો સંદેશો આપ્યો. તે પછી જવાહરલાલ નહેરુએ ભારતીય બંધારણસભાના સભ્યોએ લેવાની પ્રતિજ્ઞાનો ઠરાવ રજૂ કર્યો અને તે ઉપર બોલતાં તેમણે વર્ષો પહેલાં ‘‘આપણે ભાગ્યવિધાતાદેવી સાથે સંકેત કર્યો હતો તે પાળવાનો હવે સમય આવ્યો છે.’’ એ મતલબનું તેમનું પ્રખ્યાત ભાષણ કર્યું. તે પછી બંધારણસભાએ પોતાના બધા સભ્યો નીચે પ્રમાણેની પ્રતિજ્ઞા લે એવો ઠરાવ કર્યો : ‘‘…. હું …… ભારતની બંધારણસભાનો સભ્ય ભારતની અને તેની પ્રજાની સેવાને મારી જાતને સમર્પિત કરું છું.’’ બંધારણસભાના પ્રમુખ રાજેન્દ્રપ્રસાદે આ પ્રતિજ્ઞા વાંચી અને સભાના બધા સભ્યોએ એમણે વાંચેલી પ્રતિજ્ઞા લીધી.
આ પ્રમાણે પ્રતિજ્ઞા લેવાઈ તે પછી રાજેન્દ્રપ્રસાદે લૉર્ડ માઉન્ટબૅટનને નિવેદન કર્યું કે બંધારણસભાએ ભારતનું રાજ્ય ચલાવવાની સત્તા પોતાના હાથમાં લીધી છે અને લૉર્ડ માઉન્ટબૅટનને સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર-જનરલ નીમવાની નેતાઓની સૂચના મંજૂર રાખી છે.
આમ પહેલાંના બ્રિટિશ હકૂમત નીચેના ભારત અને પાકિસ્તાન એ બે સાંસ્થાનિક દરજ્જાનાં સંસ્થાનો બન્યાં, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન ઊભો રહ્યો હતો. ગાંધીજી લૉર્ડ માઉન્ટબૅટનને 9મી જુલાઈએ મળ્યા ત્યારે તેમણે વાઇસરૉયને કહ્યું કે બ્રિટિશ સરકાર દેશી રાજાઓના રાજવીઓને સ્વતંત્ર થવાનું ઉત્તેજન આપી 15મી ઑગસ્ટે ભારતને છિન્નભિન્ન અને અરાજકતાની દશાનો વારસો (Legacy of Balkanization and Disruption) ન આપે તે માટે તેમણે બનતું બધું કરી છૂટવું. માઉન્ટબૅટને આ વાત ધ્યાનમાં રાખી અને તેઓ 25મી જુલાઈએ નરેન્દ્ર મંડળ(chamber of princes)ના મુખ્ય સભ્યોને મળ્યા ત્યારે તેમણે તેમને શહેનશાહની દેશી રાજવીઓ ઉપરની સર્વોપરિતા (peramountcy) ભારત કે પાકિસ્તાનને વારસામાં નહોતી આપવામાં આવી તે કાયદાની ર્દષ્ટિએ (technically and legally) દેશી રાજ્યો 15 ઑગસ્ટ પછી સ્વતંત્ર ગણાશે એમ કહી રાજવીઓને સલાહ આપી કે દરેક રાજવીએ પોતાના રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ જવું. ગાંધીજીને વાઇસરૉયે રાજવીઓને આપેલી આવી સલાહથી સંતોષ થયો, પણ તેમણે 26મી જુલાઈની પ્રાર્થનાસભામાં પ્રવચન કરતાં કહ્યું કે વાઇસરૉયે એમના વક્તવ્યમાં દેશી રાજ્યોની પ્રજાનો ઉલ્લેખ નહોતો કર્યો એટલી એમની સલાહમાં ખામી હતી.
જ્યારે આખો દેશ સ્વતંત્રતાનો ઉત્સવ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજીએ ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કૉલકાતામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઊજવ્યો. દિલ્હીથી ગાંધીજી ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં કાશ્મીરની મુલાકાત લઈ તે માસની 9મીએ કૉલકાતા પહોંચ્યા હતા. તેમનો ઇરાદો તો નોઆખાલી જવાનો હતો. 1946ના નવેમ્બરથી 1947ના ફેબ્રુઆરી સુધી તેમની હાજરીથી સ્થિતિ કંઈ થાળે પડી હતી. પછી પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બનવાની વાત શરૂ થઈ ત્યારે ત્યાંના હિંદુઓ માટે સ્થિતિ ફરી ભયજનક બની હતી. પણ કૉલકાતામાં હિંદુઓ 1946ના ઑગસ્ટની 16મીના હત્યાકાંડને ભૂલ્યા નહોતા અને તેથી ત્યાંના મુસલમાનો મહાભયમાં જીવતા હતા. મુસ્લિમ લીગના મંત્રી ગાંધીજીને ઑગસ્ટની 10મીએ મળ્યા અને તેમને ઓછામાં ઓછા બે દિવસ વધુ કૉલકાતામાં રોકાઈ જવાની વિનંતી કરી. ગાંધીજીએ મુસ્લિમ લીગના કાર્યકર્તાઓ નોઆખાલીમાં શાંતિ જળવાઈ રહેશે એવી ખાતરી આપે તો કૉલકાતામાં તે બે દિવસ વધુ રોકાશે એમ જણાવ્યું, પણ તે સાથે તેમણે ચેતવણી આપી કે ઑગસ્ટની 15મીએ નોઆખાલીના હિંદુઓને કંઈ થયું તો પોતે આમરણાંત ઉપવાસ કરશે. મુસ્લિમ લીગના નેતાઓએ ગાંધીજીની એ શરત સ્વીકારી એટલે ગાંધીજી કૉલકાતામાં બે દિવસ વધુ રોકાવા કબૂલ થયા.
તે પછી ઑગસ્ટની 11મીએ મોડી સાંજે સંયુક્ત બંગાળના પૂર્વ પંતપ્રધાન સુહરાવર્દી ગાંધીજીને મળ્યા અને તેમણે ગાંધીજીને બે દિવસને બદલે કૉલકાતામાં શાંતિ સ્થપાય ત્યાં સુધી રહી જવાની વિનંતી કરી. ગાંધીજીએ સુહરાવર્દી પોતાની સાથે રહી કૉલકાતાનો દરેક હિંદુ અને મુસલમાન પોતપોતાના ઘરમાં સહીસલામત પાછો ફરી શકે એવી સ્થિતિ થાય ત્યાં સુધી કામ કરવા કબૂલ થાય તો પોતે કૉલકાતામાં અનિશ્ચિત મુદત સુધી રહેશે એમ જણાવ્યું. સુહરાવર્દીએ એ વાત સ્વીકારી અને 13મી ઑગસ્ટે તે કૉલકાતાના એક મુસલમાન લત્તામાં એક જૂના સૂના પડેલા હૈદરી મૅન્શન નામે ઓળખાતા મકાનમાં રહેવા ગયા પણ કૉલકાતાના હિંદુઓ 1946ના ઑગસ્ટની 16મીના હત્યાકાંડ માટે સુહરાવર્દીને જવાબદાર માનતા હતા અને તેથી તેઓ આક્રમક મિજાજમાં હતા. પહેલા દિવસે કેટલાક રોષે ભરાયેલા હિંદુઓએ એ બેની સામે વિરોધના દેખાવો કર્યા. ગાંધીજીએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ના અમારે તમારો અહિંસાનો ઉપદેશ નથી જોઈતો, જતા રહો તમે અહીંથી, એવો ઉદ્ધત જવાબ આપ્યો, પણ ગાંધીજીએ શાંત રહી તેમને સમજાવવાનું
ચાલુ રાખ્યું એટલે તેમનો વિરોધ જરા મોળો પડ્યો, પણ પૂરેપૂરો નહિ. પછી 14મી ઑગસ્ટની સાંજે સુહરાવર્દીએ 1946ના ઑગસ્ટની 16મીના હત્યાકાંડ માટે પોતાની જવાબદારી કબૂલ કરી ત્યારે ટોળું પૂરેપૂરું શાંત થઈ ગયું અને તે પછી કૉલકાતાના હિંદુ અને મુસલમાનોએ આનંદમાં ઘેલા બની ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન ઊજવ્યો, મુસલમાનોએ હિંદુઓને મસ્જિદોમાં જવા દીધા અને હિંદુઓએ મુસલમાનોને મંદિરમાં જવા દીધા અને હિંદુઓ અને મુસલમાનોએ ભેગા મળી ‘ભારત ઝિંદાબાદ’, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના પોકારો કર્યા. લૉર્ડ માઉન્ટબૅટને આને ગાંધીજીનો ચમત્કાર ગણી 26મી ઑગસ્ટે તેમને પત્ર લખી, પંજાબમાં 55,000નું લશ્કર છે છતાં ત્યાં મોટા પાયા પર રમખાણો ચાલી રહ્યાં છે, અને બંગાળમાં અમારું લશ્કર એક જ માણસનું છે, છતાં ત્યાં શાંતિ છે એમ કહી એ one-man Boundary Forceને – સરહદનું રક્ષણ કરતા એક માણસના લશ્કરને – અને તેમના નાયબ સેનાપતિ સુહરાવર્દીને અંજલિ આપી.
આમ, કૉલકાતાના હિંદુઓ અને મુસલમાનોએ સ્વાતંત્ર્યદિન ઉત્સાહથી ઊજવ્યો ખરો, પણ કૉલકાતામાં શાંતિ સ્થપાયાને માંડ બે અઠવાડિયાં થયાં હતાં ત્યાં ઑગસ્ટની 31મીએ ઉશ્કેરાયેલા હિંદુ યુવાનોનું એક ટોળું હૈદરી મૅન્શન ઉપર ધસી આવ્યું. તે પછી સપ્ટેમ્બરની પહેલીએ પણ હિંદુ યુવાનોએ તોફાન કર્યું તેથી તે જ દિવસની સાંજે ગાંધીજીએ અનિશ્ચિત મુદતનો ઉપવાસ શરૂ કર્યો. ચક્રવર્તી રાજગોપાલાચારી, જેમને પશ્ચિમ બંગાળના ગવર્નર નીમવામાં આવ્યા હતા તેમણે ગાંધીજીને મળીને ઉપવાસ ન કરવા સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ગાંધીજીએ એમની વાત ન માની. ફૉરવર્ડ બ્લૉક પક્ષના નેતા શરચ્ચંદ્ર બોઝ અને હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખરજી બેય ગાંધીજીને મળ્યા અને ગાંધીજીને કૉલકાતામાં શાંતિ સ્થાપવામાં મદદ કરવાની ખાતરી આપી. મુસ્લિમ લીગના એક આગળ પડતા નેતાએ આંખમાં આંસુ સાથે, કોઈ મુસલમાન શાંતિનો ભંગ નહિ કરે એવી ખાતરી આપી. પછી સપ્ટેમ્બરની 4થીએ કૉલકાતાનાં તોફાની તત્વો ઉપર કાબૂ ધરાવતા એક જૂથે ગાંધીજીને ખાતરી આપી કે એ તોફાની તત્વોના નાયકો (ring leaders) તેમને શરણે આવશે. તેમાંના એકે પહેલી સપ્ટેમ્બરે હૈદરી મૅન્શન આગળ તોફાન કરવાની પોતાની જવાબદારી પણ કબૂલ કરી અને ગાંધીજી તેને જે શિક્ષા કરશે તે પોતે રાજીખુશીથી સહન કરશે, એમ કહ્યું અને છેવટે એ જ દિવસે કૉલકાતાની બધી કોમોના સભ્યોનું એક પ્રતિનિધિમંડળ ગાંધીજીને મળ્યું અને તે બધાએ કૉલકાતામાં પોતે કદી શાંતિનો ભંગ નહિ થવા દે એવી ખાતરી આપી ત્યારે ગાંધીજીએ રાત્રે સવા નવ વાગ્યે ઉપવાસ છોડ્યા.
તે પછી બીજે દિવસે, સપ્ટેમ્બરની પાંચમીએ ગાંધીજીએ શાન્તિસેવાદળને એમનો પ્રખ્યાત બનેલો બંગાળીમાં સંદેશો આપ્યો : ‘મારું જીવન એ જ મારો સંદેશો છે.’ આ પહેલાં તેમણે દેવનાગરી અને બંગાળી લિપિમાં સહી કરીને પોતાના કોઈ સાથીને તેમની મૂંઝવણમાં માર્ગદર્શક બને એવી ગુરુચાવી (talisman) રૂપે તેમને ક્યારેય પોતે શું કરવું એવી મૂંઝવણ થાય ત્યારે અથવા તેમને એમનું અહમ્ ખૂબ પજવે ત્યારે તેમણે ગરીબમાં ગરીબ અને નિર્બળ માણસ જોયો હોય તેનું મોં યાદ કરવું અને પોતાની જાતને પૂછવું, ‘હું જે કરવા માગું છું તેથી તેને કંઈ લાભ થશે, એટલે કે તેથી શરીર અને આત્માની ભૂખથી પીડાતાં કરોડો માટે સ્વરાજ મળશે’ એવી નોંધ લખી આપી હતી.
કૉલકાતામાં શાંતિ સ્થપાઈ તેથી ગાંધીજીને જે કંઈ આનંદ થયો હશે તે ટૂંકજીવી નીવડ્યો. તેમનો ઉપવાસ ચાલુ હતો તે દરમિયાન સપ્ટેમ્બરની બીજીએ તેમને પંજાબ જવાનો આગ્રહ કરતો જવાહરલાલ નહેરુનો તાર મળ્યો હતો. ગાંધીજી ઉપવાસ પૂરો થયા પછી સપ્ટેમ્બરની 7મીએ દિલ્હી થઈ પંજાબ જવા નીકળ્યા અને 9મીએ દિલ્હી પહોંચ્યા. ત્યાં તેમણે આખો દિવસ દિલ્હીના દુ:ખની કહાણી સાંભળી. વળી તેમને કેટલાક મુસલમાન મિત્રો મળ્યા તેમણે તેમને પોતાની વીતકકથા કહી તે સાંભળીને ગાંધીજી સમજી ગયા કે દિલ્હીમાં પાછી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પોતે પંજાબ જવાનો વિચાર ન જ કરવો જોઈએ. બીજે દિવસે, સપ્ટેમ્બરની 10મીએ પ્રાર્થનાસભામાં તેમણે પોતાના અનુભવનું વર્ણન કર્યું અને કહ્યું કે ટ્રેન શહાદરા સ્ટેશને પહોંચી ત્યાં રાજકુમારી અમૃતકૌર અને વલ્લભભાઈ તેમને મળવા આવ્યાં હતાં અને વલ્લભભાઈના હંમેશાં હસતા ચહેરાને બદલે તેમણે એમનું મોં ઉદાસ જોયું અને તેમની રમૂજવૃત્તિ પણ પોતે અર્દશ્ય થઈ ગયેલી જોઈ. વળી ટ્રેનમાંથી ઊતરીને તેમણે કેટલાક પોલીસો અને બીજા માણસો જોયા. તે બધા પણ ઉદાસ હતા. પોતે બિરલા હાઉસમાં ઊતર્યા હતા ત્યાંય તેમને શાક કે ફળ નહોતાં મળી શક્યાં.
તે જ દિવસે ગાંધીજીએ હુમાયૂંની કબર પાસે અલ્વર અને ભાગલપુરનાં દેશી રાજ્યોમાંથી હાંકી કાઢવામાં આવેલા નિરાશ્રિતોની છાવણીની મુલાકાત લીધી અને તે પછી તેમણે ડૉ. ઝાકીરહુસેનની નયી તાલીમની સંસ્થા જામિયા મિલિયાની મુલાકાત લીધી અને તેના કંપાઉન્ડમાં રાખવામાં આવેલા મુસલમાન શરણાર્થીઓને મળ્યા. એ મુલાકાતનું વર્ણન કરતાં ગાંધીજીએ એ દિવસે સાંજે પ્રાર્થનાસભામાં કહ્યું કે, ‘‘મુસલમાન શરણાર્થીઓની વીતકકથા સાંભળી મારું માથું શરમથી ઝૂકી પડ્યું. ડૉ. ઝાકીરહુસેન જેવા વિદ્વાનને પણ જલંધર ગયા ત્યારે કેટલાક શીખોએ અને સ્ટેશન માસ્તરે તેમને ન બચાવ્યા હોત તો ક્રોધથી ગાંડા બનેલા શીખોએ મારી જ નાખ્યા હોત. ગાંધીજી શીખ અને હિંદુ શરણાર્થીઓની છાવણીઓમાં પણ ગયા હતા. ત્યાં એ શરણાર્થીઓ તેમની સાથે કેવા રોષના સૂરમાં બોલ્યા હતા એ પણ ગાંધીજીએ એ પ્રાર્થનાસભામાં કહ્યું.
ગાંધીજીએ નોઆખાલી જતાં પહેલાં નવેમ્બરની 6ઠ્ઠીએ કૉલકાતામાં પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે પોતે નોઆખાલીમાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓનાં આંસુ લૂછી શકશે તો તેમને પૂરતો સંતોષ થશે. હવે તેમને દિલ્હીમાં અને પંજાબમાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓનાં જ માત્ર નહિ પણ કોમી રમખાણોમાં ભોગ બનેલાં હિંદુઓ, મુસલમાનો, શીખો, સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો, બાળકો, સર્વ કોઈનાં આંસુ લૂછવાં હતાં. એ હેતુથી તેમણે નિરાશ્રિતોનો રોષ સહન કરીને પણ તેમની છાવણીઓની મુલાકાત લીધી અને દરરોજ પ્રાર્થનાસભાઓમાં પ્રાર્થના પછી પોતાનાં પ્રવચનોમાં રમખાણોના ભોગ બનેલા હિંદુઓ, મુસલમાનો, શીખો અને પ્રજાના બીજા વર્ગોને પણ વેરથી વેરની આગ કદી શાંત થતી જ નથી અને એક મુસલમાને કોઈ નિર્દોષ હિંદુ કે શીખને મારી નાખ્યો હોય અથવા શીખે કે હિંદુઓએ નિર્દોષ મુસલમાનને મારી નાખ્યો હોય તો તેનો બદલો શીખ કે હિંદુ બીજા નિર્દોષ મુસલમાન કે બીજા નિર્દોષ હિંદુ કે શીખને મારીને ન જ લઈ શકે એ સાદી પણ એ સમયના ઝેર ભરેલા વાતાવરણમાં હિંદુ, મુસલમાન, શીખ બધાને કડવી લાગતી વાત તેમણે પ્રેમપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કબૂલ કર્યું કે રમખાણોની શરૂઆત મુસલમાનોએ કરી હતી, પણ તેનો બદલો લેતાં હિંદુઓ અને શીખો મુસલમાનોના જેટલા જ ઝનૂની બન્યા હતા એ તેમણે બેયને પૂરા પ્રેમથી પણ ભારપૂર્વક કહ્યું. ગાંધીજી આમ પ્રાર્થનાસભાઓમાં પ્રજાને ઉપદેશ આપતા ખરા, પણ તેમને પોતાના શબ્દોની શક્તિમાં શ્રદ્ધા હતી તે કરતાં રામનામ ઉપર વધારે હતી. તેથી તે દૂષિત વાતાવરણ સ્વચ્છ કરવા પ્રાર્થનામાં ભજનો ગવાઈ રહે તે પછી સભા પાસે નિયમિત સંગીત સાથે ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન’ એ ધૂન લેવડાવતા. ક્યારેક મુસલમાનો તો ક્યારેક હિંદુઓ એ ધૂનનો વિરોધ કરતા, પણ ગાંધીજી શાંતિથી એ સહન કરી લેતા.
ગાંધીજીનાં પ્રાર્થનાપ્રવચનો અને નિરાશ્રિતોની છાવણીઓની તેમની મુલાકાતોના પરિણામે દિલ્હીમાં દેખીતી શાંતિ સ્થપાઈ ખરી, પણ ગાંધીજીને લાગ્યા કરતું હતું કે લોકોનાં હૃદયમાંથી કોમી દ્વેષની ભાવના ગઈ નથી. આમાં તે પોતાની જ નિષ્ફળતા જોતા અને પહેલાં તે 125 વર્ષ જીવવાની અભિલાષા રાખતા તેને બદલે વારે વારે તે પોતે દેશની આ દુર્દશાના લાચાર સાક્ષી બની રહે તે કરતાં પોતાની જિંદગીનો અંત આવે એમ ઇચ્છતા અને છતાં તેમણે ભગવદગીતાના અભ્યાસ અને ચિંતનમાંથી જે અનાસક્તભાવ કેળવ્યો હતો અને બાળપણમાં તેમની દાઈ રંભાએ રામનામ ઉપર શ્રદ્ધા આપી હતી તે કામ કરી રહ્યાં હતાં. સમુદ્રની સપાટી ઉપર મોજાંઓનું તોફાન ચાલતું હોય ત્યારે પણ તેના તળિયે અક્ષુબ્ધ શાંતિ હોય છે, એમ ગાંધીજીના ચિત્તમાં ઊંડે ઊંડે શાંતિનો અનુભવ થયા કરતો, ક્યારેક તેમને પોતાના અંતરમાં શુદ્ધ સાત્વિક આનંદની અનુભૂતિ પણ થતી અને તેથી જ અંત સુધી તેમની મર્મવૃત્તિ (sense of humour) જળવાઈ રહી હતી.
કોમી દ્વેષથી વાતાવરણ એટલું દૂષિત થયું હતું કે કૉંગ્રેસની મહાસમિતિને એ વર્ષના નવેમ્બરની 15મીએ ભારત બિનસાંપ્રદાયિક લોકશાહી રાજ્ય રહેશે અને તેમાં લઘુમતીઓનાં હિતોને પૂરું રક્ષણ આપવામાં આવશે એવો ઠરાવ કરવાનું સલાહભરેલું લાગ્યું. પણ એ ઠરાવથીય પરિસ્થિતિ સુધરી નહિ. વાયવ્ય સરહદના તાયફાવાળાઓએ ઑક્ટોબરની 23મીએ કાશ્મીર ઉપર આક્રમણ શરૂ કર્યું હતું તેમાંથી પોતાને બચાવવા કાશ્મીરના મહારાજાએ 27મીએ પોતાના રાજ્યને ભારત સાથે જોડી દીધું અને તે જ દિવસે ભારતે પોતાના લશ્કરની કેટલીક ટુકડીઓ વિમાન દ્વારા કાશ્મીર મોકલી. આમ ભારતના લશ્કરે તાયફાવાળાઓને બળજબરીથી કાશ્મીરનો કબજો લેવાના ઉદ્દેશમાં ન ફાવવા દીધા એટલે પાકિસ્તાનનું લશ્કર સીધું કાશ્મીર ઉપરના હુમલામાં જોડાયું. તેથી ભારત સરકારે 1947ના ડિસેમ્બરની 31મીએ ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ કાશ્મીરનો પ્રશ્ન રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો. 1948ના જાન્યુઆરીની બીજીએ એમ કરવામાં આવ્યું. પાકિસ્તાને પોતાનું લશ્કર સીધું કાશ્મીરમાં લડવા મોકલ્યું એટલે ભારત સરકારે પાકિસ્તાન ભારતથી જુદું પડ્યું ત્યારે તેના ફાળે આવતા 75 કરોડ રૂપિયામાંથી 20 કરોડ રૂપિયા આપી દેવાયા હતા અને હવે 55 કરોડ રૂપિયા આપવાના બાકી હતા પણ ભારત સરકારને લાગ્યું કે પાકિસ્તાન એ રકમ કાશ્મીરમાં ભારતની વિરુદ્ધ લડવામાં વાપરશે તેથી તેણે 1948ના જાન્યુઆરીની 1લીએ 55 કરોડની રકમ પાકિસ્તાનને નહિ આપવાનો ઠરાવ કર્યો.
ગાંધીજીને ભારત સરકારનું આ પગલું વાજબી ન લાગ્યું. વળી દિલ્હીમાં હજુ કોમી તંગદિલી ચાલુ હતી એટલે તેમણે જાન્યુઆરીની 12મીએ પ્રાર્થનાસભામાં દિલ્હીમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે સંપૂર્ણ શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો અને જાન્યુઆરીની 13મીથી તેમણે ઉપવાસ શરૂ કર્યા. ભારત સરકાર પાકિસ્તાનને બાકી રહેલા 55 કરોડ રૂપિયા નહિ આપવાનું પોતાનું પગલું વાજબી માનતી હોવા છતાં ગાંધીજી પ્રત્યેના પોતાના આદરથી પ્રેરાઈ તેણે 15મી જાન્યુઆરીએ એ રકમ પાકિસ્તાનને આપી દેવાનો નિર્ણય કર્યો. મૌલાના અબુલ કલામ આઝાદ ગાંધીજી કઈ શરતોએ ઉપવાસ છોડે તે જાણવા તેમને 17મી જાન્યુઆરીએ મળ્યા ત્યારે ગાંધીજીએ મુસલમાનોને પોતે દિલ્હીમાં સહીસલામત રહી શકશે એમ જેનાથી ખાતરી થાય તેવી 6 શરતો જણાવી. તે પછી બીજા દિવસે જાન્યુઆરીની 18મીએ, દિલ્હીમાં પ્રજાના જુદા જુદા વર્ગોના અને હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત બધી સંસ્થાઓના પ્રતિનિધિઓ કૉંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રપ્રસાદના નિવાસસ્થાને મળ્યા અને ગાંધીજીને મુસલમાનો દિલ્હીમાં સહીસલામત રહી શકશે એમ ખાતરી થાય એવી જાહેરાત કરવા સંમત થયા અને તે પછીના દિવસે સાડા અગિયાર વાગ્યે બિરલાભવનમાં ગાંધીજીને મળ્યા. ગાંધીજીના આગ્રહથી એ જાહેરાત ફારસી અને દેવનાગરી બેય લિપિમાં લખવામાં આવી. ગાંધીજીને એ જાહેરાતથી સંતોષ થયો અને તેમણે સવા બાર વાગ્યે ઉપવાસ છોડ્યો.
કૉલકાતામાં 1946ના ઑગસ્ટની 16મીએ રમખાણો શરૂ થયાં ત્યારથી કેટલાક કટ્ટર હિંદુઓને ગાંધીજી મુસલમાનોનો પક્ષપાત કરે છે એમ લાગતું હતું. હવે તેમણે ગાંધીજીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. એ કાવતરામાં સંડોવાયેલા મદનલાલ પહવા નામના પંજાબી યુવકે 20મી જાન્યુઆરીની પ્રાર્થનાસભા ચાલી રહી હતી ત્યારે પ્રાર્થનાસ્થળથી જરા દૂર બૉમ્બનો ધડાકો કર્યો. ગાંધીજીને તો એમ જ લાગ્યું કે લશ્કરના માણસો બંદૂકો ફોડવાનો મહાવરો કરતા હશે એટલે તે તદ્દન શાંત રહ્યા. એક વૃદ્ધાએ એ યુવકને જોયો અને તેને પકડીને પોલીસને હવાલે કર્યો. તે પછી ગૃહપ્રધાન તરીકે વલ્લભભાઈએ બિરલાભવન પાસે વધારે કડક પોલીસ બંદોબસ્ત કર્યો પણ ગાંધીજીએ પ્રાર્થનાસભામાં આવતી કોઈ પણ વ્યક્તિની પાસે કંઈ હથિયાર છે કે નહિ એ જોવા તેની ઝડતી લેવાની મના કરી.
પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ વચ્ચે મતભેદો હતા તેની ચર્ચા કરવા ગાંધીજીએ 1948ની 30મી જાન્યુઆરીએ વલ્લભભાઈને પોતાને મળવા બોલાવ્યા હતા અને બે વચ્ચે બપોરે 4 વાગ્યાથી એ પ્રશ્નની ચર્ચા ચાલતી હતી. આ પહેલાં ગાંધીજીએ 1947ના સપ્ટેમ્બરની 29મીએ જવાહરલાલ નહેરુને એક ચિઠ્ઠી લખીને પોતે તેમને રૂબરૂ વાતચીતમાં સૂચના કરી હતી કે તેમણે વલ્લભભાઈને પ્રધાનમંડળમાંથી દૂર કરી બધી જવાબદારી પોતે સંભાળી લેવી અથવા તેઓ પ્રધાનમંડળમાંથી ખસી જાય અને બધી જવાબદારી વલ્લભભાઈ સંભાળે એનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે વલ્લભભાઈ તેમના (એટલે કે જવાહરલાલ) વિના જવાબદારી લેવા તૈયાર નહોતા તેથી તેમણે નવું પ્રધાનમંડળ રચી પોતે જવાબદારી લેવી, પણ 30મી જાન્યુઆરીએ ગાંધીજીએ પ્રધાનમંડળમાં બેયની હાજરી જરૂરી હોવાનો પોતાનો ર્દઢ અભિપ્રાય દર્શાવ્યો અને જવાહરલાલ પોતાને મળશે ત્યારે તેમને પોતે આ વાત કહેશે એમ જણાવ્યું.
ચર્ચા લાંબી ચાલતી હતી એટલે આભા ગાંધીએ ગાંધીજીનું ઘડિયાળ તરફ ધ્યાન દોર્યું. છતાં ગાંધીજી પ્રાર્થનાસભામાં જવામાં 10 મિનિટ મોડા પડ્યા. ગાંધીજી પ્રાર્થનાસભામાં પહોંચ્યા એટલે તેમણે પ્રાર્થનાસભામાં મળેલા લોકોના નમસ્કાર ઝીલવા પોતાના હાથ મનુબહેન ગાંધીના અને આભાબહેન ગાંધીના ખભા ઉપર રાખ્યા હતા તે ઉઠાવી લીધા અને તે ક્ષણે જ નથુરામ ગોડસેએ ટોળામાંથી આગળ ધસી આવી તદ્દન નજીકથી ગાંધીજી ઉપર 3 ગોળીઓ છોડી. ગાંધીજી તત્કાળ ‘રામ રામ’ શબ્દો બોલીને ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા. જાન્યુઆરીની 31મીએ લશ્કરી દબદબાથી ગાંધીજીની સ્મશાનયાત્રા નીકળી અને યમુના નદીના કિનારે, લાખોની મેદનીના ‘મહાત્મા ગાંધી કી જય’, ‘મહાત્મા ગાંધી અમર હો ગયે’ના ગગનભેદી પોકારો વચ્ચે ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસે તેમના શબને સુખડનાં લાકડાંની ચિતા ઉપર અગ્નિદાહ દીધો. ગાંધીજીને અગ્નિદાહ દેવાયો ત્યારે ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિદાસ હાજર હતા પણ તેઓ કોઈ પોતાને ન જુએ એવા સ્થળે બેઠા હતા.
ગાંધીજીની હત્યા થઈ તે જ રાત્રે જવાહરલાલ નહેરુએ વાયુપ્રવચન કરી ગાંધીજીને અંજલિ આપતાં કહ્યું કે સદીઓ પછી પણ ગાંધીજીના જીવનની જ્યોત જલતી રહેશે. ગાંધીજીના અવસાન પછી વલ્લભભાઈએ ફેબ્રુઆરીની 5મીએ જવાહરલાલ નહેરુને પત્ર લખીને ગાંધીજીનો પોતે અને જવાહરલાલ પરસ્પર સહકારથી કામ કરે એ અભિપ્રાય પોતાને અને જવાહરલાલ બેયને બંધનકર્તા છે અને પોતે એ ભાવનાથી પોતાની જવાબદારી અદા કરવા અને પોતાનાં કર્તવ્યોનું પાલન કરવા કૃતનિશ્ચયી છે, એમ કહી તેમણે ગાંધીજી પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવ્યું. ભારત સરકારને જગતભરમાંથી 3,000 જેટલા ગાંધીજીને અને તેમના જીવનકાર્યને ભવ્ય અંજલિઓ આપતા શોકસંદેશાઓ મળ્યા.
ગાંધીજીની હત્યા થઈ તે પહેલાં તેમણે જાન્યુઆરીની 29મીએ કૉંગ્રેસની મહાસમિતિએ એ સમયની કૉંગ્રેસ વિખેરી નાખી તેને લોક સેવક સંઘનું રૂપ આપવાનો ખરડો તૈયાર કર્યો હતો. એ ખરડો ‘હરિજન’ના ફેબ્રુઆરીની 15મીના અંકમાં ‘ગાંધીજીનું છેલ્લું વસિયતનામું અને ઇચ્છાપત્ર’ – ‘હિઝ લાસ્ટ વિલ ઍન્ડ ટેસ્ટમન્ટ’ – એ શીર્ષકથી પ્રસિદ્ધ થયું.
નથુરામ ગોડસેને તત્કાળ પકડી લેવામાં આવ્યો હતો અને તેના ઉપર અદાલતમાં કામ ચલાવી તેને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે હુકમ અનુસાર તેને 1949ના નવેમ્બરની 15મીએ ફાંસી આપવામાં આવી હતી અને તે ‘અખંડ ભારત’નો પોકાર કરતો ફાંસીએ ચડ્યો હતો.
ગોડસે જેલમાં હતો ત્યારે ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસે 1949ના મેની 17મીએ ગોડસેને ભગવદગીતાના સાચા અર્થ અંગે પત્ર લખેલો અને એ પત્રમાં જણાવેલું કે પોતે ભારતના ગવર્નર-જનરલને લખ્યું છે કે તેને, એટલે કે ગોડસેને, ફાંસીની સજા ન કરવામાં આવે. અને પછી રામદાસ અને ગોડસે વચ્ચે પત્રવ્યવહાર આગળ ચાલેલો, પણ તેનું કશું પરિણામ નહોતું આવ્યું. ગોડસેએ ભગવદગીતાનો એવો અર્થ કરેલો કે સારા ધ્યેયની સિદ્ધિ માટે હિંસા આચરી શકાય છે અને તેથી જ તેણે હિંદુઓના પોતે માનેલા હિત અર્થે ગાંધીજી જેવા સંતપુરુષની હત્યા કરેલી. આની વિરુદ્ધ પિતા પાસેથી મળેલા સંસ્કારથી પ્રેરાઈ રામદાસે ભગવદગીતાના ઉપદેશનો એવો અર્થ કરેલો કે ધ્યેય ગમે તેટલું સારું હોય પણ તેની સિદ્ધિ અર્થે હિંસા ન આચરી શકાય. આ સિદ્ધાંત સમસ્ત માનવજાત માટે ગાંધીજીનો મહામૂલો વારસો છે. અત્યાર સુધી દરેક ધર્મના અનુયાયીઓ માનતા આવ્યા છે કે પોતે જેને ધર્મ માને તેના રક્ષણ કે પ્રચાર અર્થે હિંસા આચરી શકાય. આથી ઊલટું ગાંધીજીએ ધર્મ શું અને અધર્મ શું એનો અર્થ કરવાનો સુવર્ણ નિયમ આપ્યો કે જો કોઈ આચરણમાં સત્ય અને અહિંસાનો ભંગ થતો હોય તો એવા આચરણને શાસ્ત્રોનો આધાર મળતો હોય તોપણ તે અધર્મ્ય છે.
ગાંધીજીનું જીવન એટલે અનેક નબળાઈઓથી ભરેલા સામાન્ય માનવીમાંથી વિશ્વવંદ્ય સંત સુધીનો વિકાસ. આત્મવિકાસની સાથે તેમણે દેશ અને દુનિયાની પ્રજાને દુ:ખદારિદ્ર્ય અને ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો. અહિંસક સત્યાગ્રહના શસ્ત્ર વડે ભારતને સ્વતંત્રતા અપાવી. રાજકારણમાં નીતિશુદ્ધિ, પ્રામાણિકતા, સત્ય અને અહિંસાનાં મૂલ્યોનો પ્રયોગ કરી બતાવ્યો. ધર્મની સીમાઓ માનવતાના વિશ્વધર્મ સુધી વિસ્તારી. સર્વધર્મસહિષ્ણુતા ઉપદેશી, માનવ-માનવ વચ્ચે જ્ઞાતિ, વર્ગ કે ધર્મને કારણે ઊભા થતા ભેદ દૂર કરીને પ્રેમ અને બંધુતાનો આદર્શ સ્થાપ્યો. સત્ય અને અહિંસાના વિતરણ રૂપે અગિયાર વ્રતો વ્યક્તિ અને સમાજ માટે તેમણે આપ્યાં. અને પોતે અનાસક્તિયોગ આચરી બતાવ્યો.
સમગ્ર ભારતના સાહિત્ય પર ગાંધીજીવન યુગ રૂપે છવાઈ ગયું. ગુજરાતી સાહિત્યમાં તેમણે સરળ, સચોટ અને તળપદી ભાષાશૈલીનો પ્રયોગ કરીને અદ્વિતીય ગણાય તેટલું વિપુલ લખાણ કર્યું. ગુજરાતી ભાષાનો જોડણીકોશ આપ્યો અને જીવનનો અનુબંધ સાચવી આપતો ઉદાત્ત સાહિત્યિક આદર્શ સ્થાપી આપ્યો તે એમની એ ક્ષેત્રની ચિરંજીવ સેવા છે.
શિક્ષણક્ષેત્રે બુનિયાદી તાલીમના પ્રયોગ દ્વારા સર્વાંગીણ કેળવણીનો આદર્શ રજૂ કર્યો.
પશ્ચિમની યંત્રપ્રધાન સંસ્કૃતિ અને ભારતની શ્રમપ્રધાન સંસ્કૃતિ વચ્ચેનું તારતમ્ય કાઢીને તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પરંપરાના પાયા પર નૂતન ભારતની જીવનરીતિ ગોઠવવાનો કીમિયો બતાવ્યો.
સ્વદેશી અને રેંટિયાને પ્રજાના ઉત્થાનનાં મહત્વનાં સાધન તરીકે સ્થાપ્યાં. કોમી વેરઝેરના શમન માટે લોકોની વચ્ચે ફરીને શાંતિના દેવદૂતનું કામ કર્યું અને એ ઉદાત્ત ધ્યેયને ખાતર શહીદી વહોરી.
‘હે રામ’થી વિભૂષિત દિલ્હીનો રાજઘાટ વિશ્વની પ્રજાઓ માટે તીર્થરૂપ બન્યો છે.
ચી. ના. પટેલ
ગાંધી વૈશ્વિક સંદર્ભમાં
ગાંધી ભારતમાં જન્મ્યા અને ભારતનાં સ્વાતંત્ર્ય અને પુનરુત્થાનના શિલ્પી રહ્યા; પરંતુ તેમના ચિંતન અને કાર્યનો સંદેશ સમગ્ર માનવજાતિને સ્પર્શે છે.
મૂળભૂત રીતે એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે તેમનું અંતિમ ધ્યેય સત્યના સાક્ષાત્કારનું રહ્યું હતું. આ ધ્યેયને પહોંચવા તેમણે સત્યના પ્રયોગો કર્યા. અને તેમાં ‘ઈશ્વર સત્ય છે’થી માંડીને ‘સત્ય એ જ ઈશ્વર છે.’ એ બિંદુએ પહોંચ્યા.
પરંતુ તેમની આધ્યાત્મિકતા સ્વકેન્દ્રી કે નિષ્ક્રિય ન રહી. સમગ્ર માનવજાત સાથે પોતાને સાંકળીને, સૌનાં દુ:ખ ફેડવા તથા સૌનાં આંસુ લૂછવાં તેમ અન્યાય અને અસત્યનો સામનો કરવાનો તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો, તેમની આધ્યાત્મિકતા સતત કાર્યાન્વિત તથા ઉદ્યમશીલ રહી. આમ આધ્યાત્મિકતાની ભારતીય પરંપરાને અનુસરીને તેના પાયા પર તેમણે સમગ્ર જીવનની પ્રવૃત્તિ ગોઠવી હતી.
ગાંધીનું વિશિષ્ટ પ્રદાન દ્વન્દ્વોના નિરસનમાં સમાયેલું છે. આંતરિક અને બાહ્ય વિચાર અને આચાર, સાધન અને સાધ્ય વચ્ચેનો ભેદ તેમને માન્ય નથી. સમગ્ર જીવનમાં અને તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મૂલ્યનિષ્ઠા આપમેળે જ તેમાંથી ઉદભવે છે. મનુષ્યમાત્રમાં રહેલી સારપ વિશેની તેમની શ્રદ્ધા છેવટ લગી ર્દઢ અને અફર હતી. ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એ કથનમાં પણ આચારવિચારની એકતા સૂચવાયેલી છે.
માણસ અને પ્રકૃતિ વચ્ચેનું અદ્વૈત સાધીને જીવવાનો તેમણે પ્રયત્ન કર્યો તેમ સમગ્ર માનવજાત સાથે તેમણે પોતાના હૃદયને તાલ લેતું કર્યું.
હિંસક યુદ્ધો, સર્વનાશ વેરી શકતાં શસ્ત્રો, સામ્રાજ્યવાદ અને શોષણખોરીના વાતાવરણમાં ગાંધીનો નિર્મળ છતાં સમર્થ અવાજ જુદી ભાત પાડે છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ગાંધીનું દર્શન સર્વદેશીય પરિવર્તનને પુરસ્કારે છે. તેમાં મનુષ્ય કેન્દ્રસ્થાને રહે છે. આ મનુષ્યે સ્વરાજ્યની પોતાની ઉપર રાજ્ય કરી શકવાની શક્તિ અને આવડત કેળવવાની છે. તેણે ખપ પૂરતી જરૂરિયાતો રાખવી, જેથી પોતાનું જીવન સૃષ્ટિની મર્યાદિત સાધનસંપત્તિ ઉપર ભારરૂપ ન નીવડે. આજની બેકાબૂ બનેલી ઉપભોગવૃત્તિ ગાંધીને માન્ય નથી. પર્યાવરણનું પ્રદૂષણ કે તેનો વધુ પડતો ઉપયોગ બંને મનુષ્યના હાથે થયેલા અપરાધ છે. તેથી અપરિગ્રહનું સેવન ગાંધીવિચારનો મુખ્ય મંત્ર રહ્યો છે.
હિંસાપ્રધાન સમાજમાંથી અહિંસક સમાજ તરફનું પ્રયાણ માનવજીવન માટે આજે અનિવાર્ય બન્યું છે ત્યારે ગાંધીના અહિંસાના પ્રયોગો અનેક રીતે પ્રસ્તુત બને છે. વિશાળ ભૂમિકા ઉપર દક્ષિણ આફ્રિકા અને ભારતમાં સત્યાગ્રહનો સફળ પ્રયોગ કરીને તેમણે સંઘર્ષની સાથે રચનાત્મક અભિગમનો કીમિયો સિદ્ધ કર્યો. માનવજીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે. પણ તેનો કાયમી ઉકેલ હિંસા દ્વારા શક્ય નથી. તેની ગવાહી આજ દિન સુધીનો ઇતિહાસ પૂરે છે. સંઘર્ષનો અહિંસક ઉકેલ શક્ય બનાવ્યો છે. તે રીતે તેમણે ઇતિહાસનું સર્જનાત્મક પાનું ખોલ્યું છે. ગાંધીના સંઘર્ષમાં હાર કે જીત નથી હોતી. તેમાં બંને પક્ષની જીત છે. આજની દુનિયાની મોટી અભીપ્સા સંઘર્ષનો શાંતિમય ઉકેલ છે. જેની ચાવી ગાંધીવિચાર અને ગાંધીજીવનમાં મળે છે.
પશ્ચિમમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાન્તિના ફલસ્વરૂપે પ્રસરેલા સામ્રાજ્યવાદ અને આધિપત્યનાં વિવિધ સ્વરૂપોનો સામનો કરવામાં ગાંધીએ માત્ર સત્યાગ્રહની પદ્ધતિ જ નહિ પણ સમગ્ર ગુલામ પ્રજાનું સાંસ્કૃતિક પુનરુત્થાન સાધી બતાવ્યું છે. એક આર્ષદ્રષ્ટા તરીકે તેમણે ભવિષ્યના યુગના નવવિધાનનું વૈકલ્પિક દર્શન પૂરું પાડ્યું છે.
પૃથ્વી ઉપર જ્યાં સુધી માનવજાતની હસ્તી રહેશે ત્યાં સુધી ગાંધીનું જીવન અને તેમનો સંદેશ સૌને પ્રેરણા આપતાં રહેશે.
દેવવ્રત પાઠક
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે તેઓ સાહિત્યકાર જ નહીં પણ યુગપ્રવર્તક વિભૂતિ બન્યા. 1936માં અમદાવાદ ખાતે યોજાયેલી 12મી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ બન્યા હતા. ગુજરાતી સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્ય પર પણ તેમનો ઘેરો પ્રભાવ પડ્યો. ભારતની વિવિધ ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્ય સર્જાયું. 1915થી 1950 સુધીનો સમયગાળો આથી જ ‘ગાંધીયુગ’ બની રહ્યો. તેમણે વિપુલ સાહિત્યસર્જન કર્યું. તે દ્વારા લોકજાગૃતિ અને લોકશિક્ષણના અમીરસનું સિંચન કરી પ્રાણવાન ભારતમાં રાષ્ટ્રીયતા ને સ્વરાજ્યનો નવો પ્રાણ ફૂંક્યો. પ્રજાના હૃદય સુધી પહોંચવા માટે સત્ય અને અહિંસાને જીવનમંત્ર બનાવી સાદી, સરળ અને સ્પષ્ટ રજૂઆતનો તેમનો આગ્રહ રહેતો. એક કોશિયો પણ સમજી શકે તેવી સરળતા તેમને સાહિત્યમાં ઇષ્ટ હતી. આથી વિચારો દ્વારા તેમણે સાહિત્યને નવી દિશા આપી.
તેમની ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ એ ભારતીય સાહિત્ય અને વિશ્વના આત્મકથાસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવતી રચના છે. તેમાં 1869થી 1920 દરમિયાનની ઘટનાઓનું આલેખન હોવા સાથે નિખાલસ, નિર્ભીક કબૂલાતો અને જીવનની સારી-નરસી હકીકતોના આધારે પોતાની સત્યસાધનાની દિશા ને પ્રક્રિયા સાદી અને સરસ રીતે અહીં રજૂ થઈ છે. ભારતની અને વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ પ્રકાશિત થયા છે. ‘હિંદ સ્વરાજ’ (1922), ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ (1925), ‘મંગલપ્રભાત’ (1930), ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ (1948 : 1932માં આ ગ્રંથ તેમણે અધૂરો છોડ્યો હતો જે પાછળથી પ્રકાશન પામ્યો હતો.), ‘મારો જેલનો અનુભવ’ (1921), સર્વોદય (1922), યરવડાના અનુભવ (1925), નીતિનાશને માર્ગે (1927), અનાસક્તિયોગ (1930), ગોસેવા (1934), ખરી કેળવણી (1938), કેળવણીનો કોયડો (1938) વગેરે તેમનું સાહિત્યમાં અનન્ય પ્રદાન ગણી શકાય. તેમનું સમગ્ર લખાણ ‘કલેક્ટેડ વકર્સ ઑવ્ મહાત્મા ગાંધી’ (1958–1994) નામથી અંગ્રેજી કુલ 100 (90 મૂળ ગ્રંથો અને 7 પુરવણી-ગ્રંથો) અને 3 ગ્રંથો અન્ય માહિતી ગ્રંથોમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. ગુજરાતી લખાણો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ગ્રંથમાળા શીર્ષકથી 81 ગ્રંથોમાં પ્રકાશન પામ્યાં છે. ગુજરાતીમાં 1992 સુધીમાં પ્રગટ થયેલા અક્ષરદેહનાં વૉલ્યુમોમાં 1945 સુધીના ગાંધીજીનાં લખાણો આવરી લેવાયાં છે. અન્ય ગ્રંથોનું પ્રકાશન હજુ બાકી રહે છે. આ જ શ્રેણી હિંદીમાં ‘સંપૂર્ણ ગાંધી વાઙ્મય’ (1958) શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવી છે. જેના 1982 સુધીમાં 75 ગ્રંથો પ્રકાશિત થયા છે.
30 એપ્રિલ 1933ના રોજ ‘હરિજનબંધુ’માં ગાંધીજીએ ‘અભ્યાસી પ્રત્યે’ એ મથાળે પ્રકાશિત કરેલી નોંધ અત્યંત રસપ્રદ છે. તેમાં તેમણે જણાવ્યું છે કે ‘મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું…… મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.’
જાન્યુઆરી 2007માં નવી દિલ્હી ખાતે ‘શાંતિ, અહિંસા એવમ્ સશક્તીકરણ : 21મી સદીમાં ગાંધીદર્શન’ વિષય પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન સત્યાગ્રહ શતાબ્દીના અવસર નિમિત્તે યોજવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સંમેલનની ઉદ્ઘોષણા રૂપે ગાંધીજયંતીની 2 ઑક્ટોબરની તારીખને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. યુનોના તમામ સભ્ય દેશોએ આ પ્રસ્તાવને માન્ય રાખતાં 2007થી ગાંધીજયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે વિધિવત્ માન્યતા સાંપડી. આમ ગાંધીજીના નિધન પશ્ચાત્ ગાંધીદર્શન વિશ્વના વ્યાપક વિચારફલક પર માન્યતા પ્રાપ્ત કરીને વિકસતું રહ્યું છે. વિશ્વનો કોઈ પણ દેશ ગાંધીદર્શનથી પ્રભાવિત ન થયો હોય તેમ બન્યું નથી. નાનાથી મોટા, ગરીબથી સમૃદ્ધ અને અવિકસિતથી વિકસિત – એમ લગભગ તમામ દેશોએ ગાંધીની સ્મારક ટપાલ ટિકિટો પ્રકાશિત કરીને તેમના દર્શનને નિજી ઢબે સ્વીકૃતિ આપી છે. ગ્રેટ બ્રિટન, અમેરિકા, રશિયા અને ફ્રાંસ જેવી મહાસત્તાઓથી માંડીને ચિલી, માલ્ટા, કોંગો, માલી, ગયાના, નિકારાગુઆ જેવા નાના દેશો પણ ગાંધીદર્શનની સ્મારક ટપાલ ટિકિટો પ્રકાશિત કરવાની તક ચૂક્યા નથી. એ જ રીતે વિવિધ દેશોનાં અગ્રણી શહેરોએ ગાંધીજીની પૂરા કદની કે અર્ધ પ્રતિમાઓ જાહેર સ્થળોએ મૂકીને પોતાની રીતે સ્મૃતિ રૂપે પ્રજા સમક્ષ તેમને રજૂ કર્યા છે. ‘ગાંધી’ ચલચિત્ર આવા જ પ્રયાસનો પરિપાક હતો, જેને ઑસ્કાર ઍવૉર્ડ દ્વારા સન્માનિત કરાયું હતું.
અમદાવાદ ખાતેની ‘ગૂજરાત વિદ્યાપીઠ’થી આરંભીને વિશ્વ ફલક પર વિવિધ વિદેશી યુનિવર્સિટીઓએ ગાંધીદર્શનના અભ્યાસક્રમોને સ્થાન આપ્યું છે. નોબેલ પારિતોષિક સમિતિએ ગાંધીજીને શાંતિ પારિતોષિક એનાયત ન કરવા બદલ જાહેરમાં ખેદ વ્યક્ત કર્યો હતો.
માર્ટિન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલા પૂર્વે ગાંધીજીનાં લખાણો અને અહિંસાની વિચારધારાના પ્રભાવ હેઠળ અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર વિવિધ દેશોના અગ્રણીઓએ અજમાવ્યું હતું. ગાંધીજીને એક વિરલ વિભૂતિ માની તેમના આદર્શોને ભારે નિષ્ઠાપૂર્વક જીવનમાં ઉતારનારી આ પ્રતિભાવંત વ્યક્તિઓને તેમના દેશની પ્રજાએ ગાંધી મૂલ્યોની નિસબતને સમર્થન પૂરું પાડનાર ગાંધી-સમકક્ષ ગણી પ્રમાણ્યા છે. તેમાંના કેટલાક પ્રત્યક્ષ રીતે ગાંધીજીના અંતેવાસી હતા તો કેટલાક પરોક્ષ રીતે. ગાંધીપ્રેરણા આ સૌના પ્રયાસોનું ચાલકબળ રહી. સત્ય, અહિંસા, સેવા, સાદગી અને રચનાત્મક કાર્યોના ગાંધી-દીધા આદર્શોને વાસ્તવિક જીવનમાં તેમણે નિજી રીતે પ્રયોજ્યા છે. સાત દેશો અને ચાર ખંડની વિવિધ વ્યક્તિઓને આ યાદીમાં સામેલ કરી શકાય. ઇટાલીના દાનીલો દોલ્ચી, જાપાનના ટોયાહિકો કાગાવા, ફ્રાંસના લાન્ઝા ડેલ વાસ્તો યાને શાંતિદાસ, શ્રીલંકાના આરિયરત્ન, દક્ષિણ આફ્રિકાના આલ્બર્ટ લુથુલી, અમેરિકાના માર્ટિન લ્યૂથર કિંગ તથા સરહદના ગાંધી તરીકે ખ્યાતનામ બનેલા ખાન અબ્દુલ ગફારખાનનો તેમજ દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા વગેરેનો આ યાદીમાં સમાવેશ કરી શકાય. આ સૌ નેતાઓ ‘દેશ દેશના ગાંધી’ (1984) તરીકે તેમના દેશમાં અનોખું સ્થાન ધરાવે છે. આ સંદર્ભમાં નોંધપાત્ર ઘટના એ છે કે કોસ્ટારિકા દેશે યુનિવર્સિટી ઑવ્ પીસની સ્થાપના કરી છે અને યુનિવર્સિટીના વડા રેક્ટર મરેસ્કા વિશ્વભરમાં શાંતિદૂત તરીકે જાણીતા છે. કોસ્ટારિકા વિશ્વનો એવો દેશ છે, જેણે લશ્કરને વિખેરી નાંખ્યું છે.
ગાંધીજીનું જીવનચરિત્ર ‘સત્યના પ્રયોગો’ તેમના જીવનની 1921–22 સુધીની ઘટનાઓને જ આવરે છે. ગાંધીના સંપૂર્ણ જીવનચરિત્રની ખોટ ગુજરાતી સાહિત્યમાં વર્તાતી હતી. આ કાર્ય ગાંધીજન નારાયણ દેસાઈએ પરિપૂર્ણ કર્યું, ‘મારું જીવન એ જ મારી વાણી’ (2003) સ્વરૂપે સંપૂર્ણ ગાંધીચરિત્ર તેમણે ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યું. ચાર ગ્રંથોની શ્રેણી દ્વારા તેમણે ગાંધીજીનું અભ્યાસનિષ્ઠ અને અણમોલ જીવનચરિત્ર આપ્યું છે.
છેક શૈશવથી નારાયણ દેસાઈને ગાંધીજીનો ખોળો ખૂંદવાનો વિશેષાધિકાર સહજતાથી પ્રાપ્ત થયો હતો. ગાંધીવિચારથી ઘડાઈને તેમણે વિધિવત્ શિક્ષણને તિલાંજલિ આપી અનુભવોની જંગમ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું તેમજ જીવનભર ગાંધીપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. તન-મનથી ગાંધીને સેવતા આ ગાંધીજીને 2002 પછીથી આંતરમનની અદમ્ય પ્રેરણાથી પ્રેરાઈને ‘ગાંધીકથા’નું આયોજન કરી ગાંધીવિચારોને લોકભોગ્ય બનાવવાની કોશિશ કરી છે. સપ્ટેમ્બર 2008 સુધીમાં ભારતમાં આવી કુલ 61 ગાંધીકથાઓ કર્યા બાદ વિદેશોમાં પણ સપ્ટેમ્બર 2008થી તે યોજાઈ છે.
ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’માં જણાવ્યું છે કે ‘મારે દુનિયાને નવું કશું જ શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.’ આમ ‘ગાંધી’ માત્ર એક શબ્દ – એક વ્યક્તિ ન રહેતાં વિશેષ અને અનોખી પહેચાનનો પ્રતિનિધિ શબ્દ છે. આ અર્થમાં ભારતના ગાંધી વિશ્વના ગાંધી બની ગયા છે.
રક્ષા મ. વ્યાસ