ગાંધી, રંભાબહેન મનમોહન (જ. 27 એપ્રિલ 1911, સરવાળ, તાલુકો ધંધૂકા; અ. 29 માર્ચ 1986) : ગુજરાતી નાટ્યકાર, ગીતલેખક, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક અને હાસ્યલેખક. 1926માં મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યાં. 1937માં અર્થશાસ્ત્ર અને માનસશાસ્ત્ર સાથે કર્વે યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. રાષ્ટ્રભાષામાં કોવિદ થયેલાં. અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદીનાં જ્ઞાતા.

1949થી 1953 ફિલ્મ સેન્સર બોર્ડનાં સભ્ય; 1950થી 1954 બૉમ્બે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીનાં કાઉન્સિલર સભ્ય, સામાજિક કાર્યકર. 1970થી 1977 સુધી જૈનસમાજ પત્રિકાનાં તંત્રી હતાં.

આકાશવાણી મુંબઈ સારુ 400 નાટકોનું લેખન કરેલું અને અભિનય પણ. ‘પ્રાયશ્ચિત્ત’ અને ‘મંથન’ અન્ય ભાષાઓમાં અનૂદિત છે.

એકાંકીસંગ્રહો : ‘કોઈને કહેશો નહિ’ (1951), ‘રોજની રામાયણ’ (1953), ‘ચકમક’ (1954), ‘પરણું તો એને જ’ (1957), ‘દેવ તેવી પૂજા’ (1958), ‘ભરતી અને ઓટ’ (1963); મુંબઈ અને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પુસ્તકોમાં ‘પ્રેક્ષકો માફ કરે’ (1961), ‘પ્રીત ન કરિયો કોઈ’ (1963), ‘રાજાને ગમી તે રાણી’ (1965) છે. ‘આંધી’ (1977); ‘જીવન નાટક’ (1982), અને ‘રૉંગ નંબર’ (1985) એકાંકીસંગ્રહો છે. ‘પ્રણયના રંગ’ (1952), ‘જીવન ઝંઝાવાત’ એમના (ત્રિઅંકી) નાટકો છે.

નવલિકાસંગ્રહોમાં ‘પીપળ પાન ખરંતાં’ (1973) અને ‘મઝધાર’ (1973) મૌલિક છે, જ્યારે ‘તિમિરે ટમકતા તારલા’ (1966), ‘પ્રીતની ન્યારી રીત’ (1978) અને ‘જય-પરાજય’ (1983) રૂપાંતરિત કૃતિઓના સંગ્રહો છે. ‘ઝાંઝવાંનાં જળ’ (1979) રૂપાંતરિત નવલકથા છે.

‘તીર અને તુક્કા’ (1959) કટાક્ષલેખોનો સંગ્રહ છે અને ‘સંસાર-સાગરને તીરેથી’ (1963) પત્રોનો સંગ્રહ છે. નિબંધિકાસંગ્રહોમાં ‘સબરસ’ (1969), ‘નવા યુગની નવી કથા’ (1975), ‘હરિને હસતા દીઠા’ (1978) અને ‘તમને કેટલાં થયાં ? 60, 70, 80 ?’ (1985).

રમૂજી ટુચકાઓ અને વિચારકણિકાઓના સંગ્રહોમાં ‘આનંદ ગુલાલ’ (1964) અને ‘આનંદ મંગળ’ (1973) છે. ‘બિંદુમાં સિંધુ’ (1972) એ કહેવતસંગ્રહ છે, જ્યારે ‘મારે ગીત મધુરાં ગાવાં છે’ (1975) એ ગીતસંગ્રહ છે.

પ્રેરક પ્રસંગોના બે સંગ્રહો છે : (1) ‘સત્સંગે સદવિચાર’ (1977) અને ‘સંતોનો સંગ કરીએ’ (1983). ‘લગ્નગીતો તથા લોકગીતોની ગૂંથણી’ એ સંપાદિત પુસ્તક 1951માં પ્રકાશિત કરેલું. ‘સંસારસાગરને તીરેથી’ તથા ‘ભરતી અને ઓટ’ને ભગિની નિવેદિતા પારિતોષિક મળેલું.

રમણિકભાઈ જાની