ગારિયાધાર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું શહેર. તાલુકાનો વિસ્તાર 284.8 કિમી. છે. તાલુકામાં ગારિયાધાર શહેર અને 51 ગામો આવેલાં છે. ગારિયાધાર શહેરની 2022ની વસ્તીગણતરી પ્રમાણે 40,000 વસ્તી છે. આ શહેર 21o 30’ ઉ. અ. અને 71o 30’ પૂ. રે. ઉપર પાલિતાણાથી પશ્ચિમે 27 કિમી. અને જિલ્લામથક ભાવનગરથી 81 કિમી. દૂર છે. તાલુકાની વસ્તી આશરે 2,00,000 (2022) છે.
ગારિયાધાર હીરાઉદ્યોગનું કેન્દ્ર છે. વીસ વરસથી આ ઉદ્યોગનો ક્રમશ: વિકાસ થયો છે. આજે હીરા ઘસવાનાં 300 જેટલાં કારખાનાં દસેક હજાર લોકોને રોજી આપે છે. તેનો લાભ ગારિયાધાર અને નજીકનાં ગામોને મળે છે. અહીં હીરાનું બજાર પણ છે. આ વિસ્તારમાં મગફળી અને તલનો મુખ્ય પાક હોવાથી અહીં એક તેલમિલ છે. અગાઉ કપાસનો પાક વિશેષ હતો ત્યારે કપાસ લોઢવાનું જિન પણ હતું. ગારિયાધાર તાલુકાનાં એકાવન ગામો માટે તે મુખ્ય બજાર છે.
આ શહેરમાં બાલમંદિરો, કુમારશાળા અને કન્યાશાળા, ખાનગી પ્રાથમિક શાળાઓ, મિશ્ર ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉદ્યોગ મંદિર, બાલવાડી, પુસ્તકાલય, વ્યાયામશાળા અને ઓપન ઍર થિયેટર છે. આમ આ શહેર શૈક્ષણિક કેન્દ્ર છે. ઉચ્ચતર માધ્યમિક શાળાનો શૈક્ષણિક સ્તર ઊંચો હોવાથી નજીકનાં ગામોના વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે.
તળાવને કાંઠે રાજાશાહીના જમાનામાં મૃત્યુ પામેલા વીર પુરુષોની ખાંભીઓ છે, જે ગોહિલો અને કાઠીઓ વચ્ચેના ખૂનખાર જંગોનો ઇતિહાસ કહી જાય છે. હીરમા માતાનો ઓરડો, રાજકૂવો, સતીમાતા, વ્યાસ અને ખુમાણોની ખાંભીઓ, વાલમરામપીરનું સમાધિસ્થાન અને આશ્રમ, રામજીમંદિર, સ્વામિનારાયણ મંદિર તથા અન્ય મંદિરો, હવેલી, જૂનો કિલ્લો, હૈદરકૂવો, વાલાવાવ વગેરે પ્રાચીન ઇતિહાસની સાક્ષી પૂરે છે. નગર પંચાયતે પ્રગતિશીલ નેતૃત્વ પૂરું પાડી ડામરના પાકા રસ્તા, શૌચાલય, દવાખાનાં વગેરેની સુવિધા ઊભી કરી છે.
ગારિયાધારનો ‘આઇને અકબરી’ અને ‘મિરાતે અહમદી’માં સોરઠ સરકારના પરગણા તરીકે ઉલ્લેખ છે. ગોહિલોએ તે જીતી લીધું તે પહેલાં તે ગુજરાતના સુલતાન અને મુઘલ સત્તા નીચે હતું. પ્રાચીન સમયમાં ગારિયાધાર ધારપર કે ધારગઢ તરીકે ઓળખાતું હતું. શત્રુંજય ગિરિમાળાના સામીપ્યને લીધે ‘ગિરિના આધાર’વાળું ગામ હોવાથી ગારિયાધાર નામ પડ્યું એમ કેટલાક જણાવે છે. બીજા મંતવ્ય પ્રમાણે જૂનાગઢના રા’ ગારિયાએ આ શહેર વસાવ્યું હોવાથી તે ગારિયાધાર કહેવાયું હતું. સેજકજી ગોહિલ(1260)ના પુત્ર શાહજીને જૂનાગઢના રા’ ખેંગારે માંડવી ચોવીસીની જાગીર આપી હતી. માંડવીથી ગાદી બદલીને મુસલમાન થાણદારને હરાવીને ગારિયાધારને રાજધાની બનાવી હતી. નોંઘણજી બીજાના સમયમાં ખેરડીના લોમા ખુમાણે ગોહિલો પાસેથી ગારિયાધાર જીતી લીધું હતું, પણ શિહોરના ઠાકોર અખેરાજજીની મદદથી તેણે તે ફરી જીતી લીધું હતું. ઠાકોર ઊનડજીના વખતમાં તેણે શિહોર ઉપર હુમલો કર્યો હોવાથી ઠાકોર વખતસિંહજીએ ગારિયાધાર પ્રદેશ ખેદાનમેદાન કર્યો હતો.
ગારિયાધાર પ્રખર ગાંધીવાદી કાર્યકર શંભુપ્રસાદ ત્રિવેદીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.
શિવપ્રસાદ રાજગોર