ગારંબીચા બાપુ (1952) : મરાઠી નવલકથા. લેખક શ્રીપાદ નારાયણ પેંડસે. આ નવલકથા કોંકણના એક ગામ ગારંબીના એક તેજસ્વી, સ્વાભિમાની, સમાજની કુરૂઢિ સામે વિદ્રોહ કરનાર, પ્રગતિશીલ યુવકની કથા છે. દરિદ્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો બાપુ પિતા અને માસી સિવાય આખા ગામનાં તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે વિદ્રોહી સ્વભાવનો બને છે. એ કર્મઠ અને મહેનતુ યુવક હોટેલ ચલાવતા રાવજીનો કૃપાપાત્ર બને છે. રાવજીની પત્ની રાધા એની તરફ આકર્ષાય છે. રાવજીનું મૃત્યુ થતાં, એ જુદી ન્યાતની હોવા છતાં રાધા જોડે લગ્નગ્રંથિથી જોડાય છે. એણે સોપારીનો વેપાર કર્યો, તેમાં એ ખૂબ કમાયો, પણ એની મહત્વાકાંક્ષા ગામના સરપંચ બનવાની હતી; પરંતુ ગામના સરપંચ અણ્ણા ખોતેએ એની સામે મોરચો માંડ્યો. અણ્ણા ખોતેની માતા ગર્ભવતી હતી ત્યારે છળથી એના પિતાને પરણાવાયેલી એ વાત બાપુ જાણતો હતો, એ ખુલ્લી પડશે એવો ભય અણ્ણાને લાગતાં, એણે વિરોધ પાછો ખેંચી બાપુને સહકાર આપ્યો. પરિણામે બાપુની ઇચ્છા પૂરી થઈ. આ કથામાં કોંકણ પ્રદેશની પ્રકૃતિ, લોકો, ધર્મ, રીતરિવાજ, રહેણીકરણી, વર્ગસંઘર્ષ વગેરેનું યથાર્થ ચિત્રણ કથાનકને બાધક ન નીવડે એવી રીતે કર્યું છે. ભાષામાં પણ તે પ્રદેશની લોકબોલીના પ્રયોગ કર્યા છે; એટલું જ નહિ, પણ પાત્રોની જાતિ અનુસાર બોલી બદલાય છે. મરાઠી જાનપદી નવલકથાઓમાં એનું અગ્રિમ સ્થાન છે. આ નવલકથાનું નાટ્યરૂપાંતર પણ થયેલું છે. ગુજરાતીમાં તેનો અનુવાદ ગોપાલરાવ વિદ્વાંસે કરેલો છે. સાહિત્ય અકાદમી દ્વારા ભલામણ કરાયા પ્રમાણે યુનેસ્કો દ્વારા આ નવલકથા પૂર્વ-પશ્ચિમની પ્રતિનિધિ કૃતિઓમાં અનુવાદ માટે પસંદ કરવામાં આવી હતી. તે ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં અનૂદિત કરવામાં આવી છે. તેના પરથી મરાઠીમાં લોકપ્રિય નાટક રચાયું છે.

લલિતા મિરજકર