ગારુલક રાજ્ય : સૌરાષ્ટ્રમાં મૈત્રકોના આધિપત્ય નીચે શાસન કરતા રાજાઓનું રાજ્ય. ‘ગારુલક’ નામમાં ‘ગારુડક’ શબ્દ અભિપ્રેત લાગે છે. આ રાજાઓ પરમ ભાગવત હતા.

ગારુલક રાજાઓનાં બે દાનશાસન મળ્યાં છે : વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું અને સિંહાદિત્યનું ઈ. સ. 574નું. આ વંશનો પહેલો જ્ઞાત રાજા શૂર પહેલો મૈત્રક રાજવી ભટાર્ક(લગભગ ઈ. સ. 470-­480)નો સમકાલીન હતો. શૂર પહેલો અને એનો પુત્ર વરાહદાસ પહેલો ‘સેનાપતિ’ કહેવાતા. મહારાજ શૂર બીજો પ્રતાપી રાજા હતો. વરાહદાસ બીજાએ દ્વારકા જીતેલું ને એક બૌદ્ધ વિહારને ભૂમિદાન આપેલું. સિંહાદિત્યે એક બ્રાહ્મણને ભૂમિદાન કર્યું હતું. ગારુલક રાજ્યનું પાટનગર ફંકપ્રસ્રવણ હતું, જે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં આવેલું જણાય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી