ગંજ મઆની : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બહાદુરશાહના શાસનકાળ વખતે કવિ-લેખક મુતીઈએ લખેલ ઇતિહાસગ્રંથ.

1530માં હજયાત્રા કરી મુતીઈ એડનના કિનારે આવેલ મોખા બંદરથી જહાજ દ્વારા ગુજરાત આવવા નીકળ્યા અને 1531માં સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરે ઊતર્યા. આ વખતે બહાદુરશાહે ત્યાં પડાવ નાખી લશ્કરી જમાવટ કરી હતી. મુતીઈ પણ બહાદુરશાહ સાથે જોડાયા. બહાદુરશાહનાં હેત અને મહેર પામવા તેમણે ગંજ મઆની લખવાનું શરૂ કર્યું. મુતીઈ એક સારા કવિ હતા અને તેમણે બહાદુરશાહની પ્રશંસા કરવા જ તેનાં પરાક્રમો અને યુગની ગાથા કાવ્યમાં ગૂંથી છે. તેમની આ રચના મસનવી કાવ્યપ્રકારનો સુંદર નમૂનો છે.

ગંજ મઆનીની એક સુંદર હસ્તપ્રત કોલકાતાની રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં સુરક્ષિત છે. મુતીઈની આ રચના ઇતિહાસ કરતાં એક સુંદર કવિતા તરીકે વધારે ધ્યાન ખેંચે છે, તેમ છતાં મુતીઈએ આ કાવ્ય ઇતિહાસમાં મધ્યયુગીન ગુજરાતની બે નોંધપાત્ર હકીકતોને પ્રેરક રીતે ગ્રંથસ્થ કરી છે. એક તો, બહાદુરશાહનો માળવાનરેશ ઉપરનો વિજય અને માળવાનું ગુજરાત સાથે જોડાણ; અને બીજું, વલંદાઓની દીવ ઉપર ચડાઈ અને બાહોશ ગુજરાતી-તુર્કી સેનાના જબરદસ્ત મુકાબલાનું રોમાંચક વર્ણન. આ બંને બાબતો મુતીઈનું ઐતિહાસિક વિગત-નોંધની બાબતમાં મહત્વનું પ્રદાન ગણાશે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા