ગંજમ (Ganjam) : ઓડિસા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 19° 45’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 8,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કંધમાલ (ફૂલબની) અને નયાગઢ જિલ્લા, પૂર્વ તરફ નયાગઢ અને ખુરદા જિલ્લા, દક્ષિણ તરફ આંધ્રપ્રદેશનો શ્રીકાકુલમ્ જિલ્લો, અગ્નિકોણ તરફ બંગાળનો ઉપસાગર, પશ્ચિમે ગજપતિ અને કંધમાલ (ફૂલબની) જિલ્લા આવેલા છે. જિલ્લામથક છત્રપુર જિલ્લાના અગ્નિકોણમાં બંગાળના ઉપસાગરને કાંઠે આવેલું છે.

ગંજમ

જિલ્લાના ભૂપૃષ્ઠને બે વિભાગોમાં વહેંચી શકાય : (i) પૂર્વમાં કિનારાનું મેદાન અને (ii) પશ્ચિમે પૂર્વઘાટના પર્વતોની મેજઆકાર ભૂમિ. મેદાની વિભાગ પૂર્વઘાટ અને બંગાળના ઉપસાગર વચ્ચે આવેલો છે અને કાંપની ફળદ્રૂપ જમીનો ધરાવે છે. પશ્ચિમ તરફનો પહાડી પ્રદેશ 609 મીટરથી વધુ ઊંચો નથી. મધ્યભાગમાં કપાસની કાળી જમીનો આવેલી છે. પૂર્વ છેડે આવેલા ચિલ્કા સરોવરનો પશ્ચિમ તરફનો ભૂમિભાગ પણ કાળી જમીનોથી બનેલો છે.

જિલ્લાની મુખ્ય નદીઓમાં ઋષિકુલ્યા, મહેન્દ્રતનયા, બડાનદી, વંશધારા, બહુદા, બાઘવા, હડાભાંગી, ઘોદાહડા અને ધાનેઈનો સમાવેશ થાય છે; આ પૈકી ઋષિકુલ્યા આ જિલ્લાની સૌથી મોટી નદી છે. ઘોદાહડા તેની સહાયક નદી છે.

જિલ્લાની આબોહવા સમધાત છે. સરેરાશ તાપમાન 27° સે. રહે છે. કિનારાના ભાગોમાં ઉનાળા અને શિયાળાના તાપમાનમાં ઝાઝો ફરક રહેતો નથી. નૈર્ઋત્યના અને ઈશાની મોસમી પવનો અનુક્રમે ઉનાળા અને શિયાળામાં કુલ 1,000થી 2,000 મિમી. જેટલો વરસાદ આપે છે.

પૂર્વઘાટના પહાડી પ્રદેશમાં જે થોડાં જંગલો છે તેમાં સાગ, સાલ અને વાંસ ઊગે છે. સાલનાં લાકડાં રેલવેનાં સ્લીપર બનાવવાના ઉપયોગમાં લેવાય છે.

ખેતી–પશુપાલન : જિલ્લાનો મેદાની વિસ્તાર તેમજ મધ્યનો વિભાગ ખેતીના ઉપયોગમાં લેવાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, રાગી, મગ, તલ, મગફળી, કળથી, શેરડી અને મરચાંનો સમાવેશ થાય છે. કિનારા નજીક નાળિયેરી અને ફળાઉ વૃક્ષો જોવા મળે છે. અગાઉનાં વર્ષોમાં ખેતીપાકો માટે સિંચાઈનો આધાર વરસાદ પર તથા ઋષિકુલ્યાનાં પાણી પર રહેતો હતો. હવે અહીં ઋષિકુલ્યા, હિરધારાવતી, ધાનેઈ, બહુદા અને જયમંગલા જેવી મુખ્ય/મધ્યમ સિંચાઈ યોજનાઓ અમલમાં આવી છે. જુદા જુદા વિસ્તારોમાં કૂવાઓ દ્વારા ભૂગર્ભજળનો પણ ઉપયોગ થાય છે.

જિલ્લાને 100 કિમી. જેટલો દરિયાકિનારો મળ્યો હોવાથી તથા ચિલ્કા સરોવર, તળાવો અને જળાશયો આવેલાં હોવાથી માછલીઓ મેળવાય છે. જિલ્લાને સ્થળાકૃતિ, આબોહવા અને જમીનોની વિવિધતા ઉપલબ્ધ હોવાથી બંગાળની ખાડીના કંઠાર વિભાગથી પૂર્વઘાટની મહેન્દ્રગિરિ ટેકરી સુધીના વિસ્તારમાં આંબા અને ખાટાં ફળોની બાગાયતી ખેતી થાય છે. ખાટાં ફળોમાં નારંગી અને લીંબુ તથા નાળિયેરીના પાક લેવાય છે.

આ જિલ્લામાં દુધાળાં ઢોર, ઘેટાં-બકરાં, ડુક્કર, મરઘાં-બતકાંનો ઉછેર કરવામાં આવે છે. જિલ્લાના દૂધ સહકારી સંઘ દ્વારા અહીં રોજનું 1,000–2,000 લિટર જેટલું દૂધનું ઉત્પાદન અને વેચાણ થાય છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલય, પ્રયોગશાળા, પશુસંવર્ધન-મથક જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે.

ઉદ્યોગો–વેપાર : આ જિલ્લામાંથી કેટલાંક અગત્યનાં ખનિજોનું ઉત્પાદન લેવામાં આવે છે. ચૂનાખડકો, માટી, કચરણ દ્રવ્યો, મૅંગેનીઝ, શંખજીરું અને ચૂનેદાર શંખલાના કવચ મળે છે. કંઠાર પટમાંથી મોનેઝાઇટ, ઇલ્મેનાઇટ, ઝિર્કોન અને ગાર્નેટથી બનેલી કાળી રેતી મેળવાય છે. મોનેઝાઇટ અને ઇલ્મેનાઇટ રેતીનું ઉત્પાદન ઓરિસા સૅન્ડઝ પ્રોજેક્ટ ઑવ્ ઇન્ડિયન રેર અર્થ લિ.ને હસ્તક છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથેસાથે આ જિલ્લામાં પણ મોટા, મધ્યમ અને નાના પાયાના ઉદ્યોગો વિકસાવાયા છે. રસાયણોના ઉત્પાદન માટે છત્રપુર ખાતે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઓરિસા લિ.ના સહયોગમાં જયશ્રી કેમિકલ લિ. કાર્યરત છે. આ ઉપરાંત અહીં સ્પિનિંગ મિલ, ખાંડનું કારખાનું, બ્લીચિંગ પાઉડર, કાર્બન ડાયૉક્સાઇડ, ટાઇટેનિયમ ડાયૉક્સાઇડ, ઍલ્યુમિનિયમ ઍલાય, ક્રાફ્ટ પેપર ઍન્ડ સ્ટ્રૉ બૉર્ડ જેવા એકમો પણ કાર્યરત છે. કુટિર ઉદ્યોગ ક્ષેત્રે હાથસાળના એકમો આવેલા છે.

જિલ્લામાં પરિવહન અને બૅંકોની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી માછલીઓ, બાંધકામ સામગ્રી, ઑટોમોબાઇલ સામગ્રી, ઉપભોક્તા ચીજવસ્તુઓનું ઉત્પાદન લઈ તેની નિકાસ કરવામાં આવે છે. અહીંની રિજિયોનલ કૉ-ઑપરેટિવ માર્કેટિંગ સોસાયટી અનાજ, ઉપભોક્તા ચીજવસ્તુઓ, ખાતરો, જંતુનાશકો વગેરેનું વાજબી ભાવે વેચાણ કરે છે. જિલ્લાનાં નગરો ખાતે વેપારી મથકો વિકસાવાયાં છે. ગ્રામીણ વિસ્તારોમાં અઠવાડિક-પખવાડિક હાટ દ્વારા લોકોની જરૂરિયાતો પૂરી પડાય છે.

જિલ્લામાં ખાંડ, ઍલ્યુમિનિયમ અને પિત્તળની ચીજવસ્તુઓ, શિંગડાંમાંથી બનાવેલ ચીજો, હાથસાળ અને ખાદીનું કાપડ, લાકડાનું રાચરચીલું, લોખંડનો માલસામાન, દોરડાં, કૉસ્ટિક સોડા, માછલીઓના પૅક ડબ્બા વગેરેનું ઉત્પાદન લેવાય છે. અહીંથી જિલ્લાની પેદાશો, મીઠું, માછલીઓ, નાગરવેલનાં પાન, આમલી જેવી વસ્તુઓની નિકાસ થાય છે; જ્યારે શેરડી, ચોખા, કાપડ, સોનું, કેરોસીન, ઘઉં, શાકભાજી અને ખાતરો આયાત કરવામાં આવે છે.

પરિવહન : રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનામાં અહીંની પરિવહન વ્યવસ્થા સારી છે. અહીં જિલ્લામાંથી પસાર થતા બ્રૉડ ગેજ રેલમાર્ગ (હાવરા-ચેન્નાઈ) અને નૅરો ગેજ રેલમાર્ગની લંબાઈ અનુક્રમે 79 કિમી. અને 45 કિમી. જેટલી છે. આ જિલ્લો કૉલકાતા–ચેન્નાઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલો છે, બ્રહ્મપુર અને છત્રપુર તે પરનાં મથકો છે. જિલ્લામાં રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો, ગ્રામીણ માર્ગો પણ આવેલા છે. રાજ્ય પરિવહનની બસો જિલ્લા અંતર્ગત તેમજ જિલ્લા બહારનાં શહેરોમાં અવરજવર કરે છે.

પ્રવાસન : જિલ્લામાં આવેલાં પ્રવાસી મથકોમાં ચિલ્કા સરોવર, કંઠારપ્રદેશનું ગોપાલપુર વિહારધામ, તપ્તપાનીનો ગંધકયુક્ત ઝરો, નારાયણી (દુર્ગા) મંદિર, નિર્મલઝર ખાતેનું વિષ્ણુમંદિર, તરતારિણી ટેકરી પરનું તરતારિણીનું મંદિર અને મહેન્દ્રગિરિ (1,500 મીટર ઊંચાઈ) પર્વતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભુવનેશ્વરથી 225 કિમી. અંતરે આવેલા અહીંના જોગડા ખાતે ગ્રૅનાઇટ પાષાણ પર અશોકનો શિલાલેખ છે તથા જોગડા ખાતે આવેલા ખંડિયેર થઈ ગયેલા કિલ્લામાં પાંચ પાંડવોની મૂર્તિઓ ધરાવતું ગુપ્તેશ્વરનું મંદિર પણ છે. વર્ષના જુદા જુદા તહેવારો ટાણે મેળા ભરાય છે તથા ઉત્સવો યોજાય છે.

વસ્તી–લોકો : 2022 મુજબ, આ જિલ્લાની વસ્તી આશરે 22,11,059 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા એકસરખી છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85% અને 15% જેટલું છે. જિલ્લામાં મુખ્યત્વે ઉડિયા અને તેલુગુ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, બૌદ્ધ, શીખ અને જૈનોની વસ્તી ઓછી છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 45 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું પ્રમાણ છેલ્લે વધ્યું છે. અહીં 32 જેટલી કૉલેજો છે. ઉત્તરના જંગલવાળા ભાગમાં ખોંડ લોકો અને દક્ષિણમાં સાવરા જાતિના લોકો વસે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને  ઉપવિભાગો, તાલુકા,  સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 18 શહેરો અને 3,171 જેટલાં ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ઋષિકુલ્યા નદી પર જોગડા ખાતે જોવા મળતો અશોકનો પાષાણ શિલાલેખ ખાતરી કરાવે છે કે આ પ્રદેશ પ્રાચીન કલિંગનો એક ભાગ હતો, જે ઈ. સ. પૂ. 261માં થયેલા ભીષણ યુદ્ધ બાદ અશોકને હસ્તક ગયો હતો; ચોથી સદીના મધ્યકાળ સુધી તે ગુપ્તવંશના શાસન હેઠળ રહેલો. દસમી સદીના અરસામાં અહીં ભાનજા વંશ સત્તા પર હતો. ત્યારબાદ ગંગ વંશના રાજવીઓ તથા ગજપતિ રાજવીઓના હાથમાં ગયેલો. 1740માં મરાઠાઓએ પોતાની સત્તા અહીં સુધી વિસ્તારેલી. તે પછીથી ફ્રેન્ચો આવેલા; પરંતુ અંગ્રેજોએ તેમને હરાવેલા અને ગંજમનો પ્રદેશ કબજે કરેલો. અહીં ફ્રેન્ચ અને અંગ્રેજોની કોઠીઓ આવેલી છે. 1794માં કલેક્ટરનો વહીવટ મુકાયો; 1839માં અહીં ગવર્નરનો એજન્ટ મુકાયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અહીં બ્રિટિશ હકૂમત સ્થપાઈ ચૂકી હતી. 1936માં આ પ્રદેશને મદ્રાસ પ્રાંતમાંથી ખેસવીને ઓરિસા પ્રાંતમાં મૂક્યો તથા ખોંડમલ ઉપવિભાગને ગંજમ જિલ્લામાં ભેળવ્યો. 1-1-48ના રોજ દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું. ગંજમ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. 1992–93માં ગંજમ જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી ગજપતિ જિલ્લો અલગ કર્યો છે.

ગંજમ 1815 સુધી જિલ્લાનું મુખ્ય શહેર અને બંદર હતું. ઋષિકુલ્યા નદીનું મુખ કાંપથી પુરાઈ જતાં બંદર તરીકે ગંજમ નકામું બન્યું હતું. વળી અહીં અવારનવાર ફેલાતા કૉલેરાના રોગચાળાને કારણે વેપાર અને વસ્તી ઘટી ગયાં હતાં; તેથી છત્રપુરને જિલ્લાના મુખ્ય શહેર તરીકે સ્થાન મળ્યું છે. અહીંનું બીજું અગત્યનું શહેર બ્રહ્મપુર છે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા