ગંઠવા કૃમિ : પાકોનાં મૂળમાં થતા કૃમિ. મૂળમાં પ્રવેશ કર્યા પછી તેમાં તેની વૃદ્ધિ થાય છે. કૃમિ અને વનસ્પતિ કોષો વચ્ચે ઘર્ષણ થતાં આવા આક્રમણનો ભોગ બનેલા કોષોની વિશેષ વૃદ્ધિ થાય છે, જેને રાક્ષસી કોષ તરીકે ઓળખવામાં આવે છે. ગંઠવા કૃમિનો રોગ મુખ્યત્વે Meloidogyne પ્રજાતિના પરોપજીવી કૃમિઓથી થાય છે. તે લગભગ દરેક શાકભાજી પાકમાં દર વર્ષે ધરુવાડિયામાં અને ઊભા પાકોમાં વિશેષ નુકસાન કરે છે. Meloidogyneની ખૂબ જ નુકસાન કરતી કૃમિની પ્રજાતિ, જેવી કે M. inframeta, M. javanica અને M. arenaria રીંગણ, ટમેટી, બટાટા, મરચી, ભીંડા, મગફળી, ગાજર, મૂળા અને વેલાવાળાં શાકભાજીમાં ખૂબ જ નુકસાન કરે છે. કૃમિઓ મૂળમાં જખમ અને છિદ્ર કરતા હોવાથી અન્ય સૂક્ષ્મ પરોપજીવીનો પ્રવેશ સહેલો થવાથી ઘણા પાકોમાં મિશ્ર આક્રમણ જોવા મળે છે.

કૃમિનું આક્રમણ શરૂઆતમાં સહેલાઈથી જાણી શકાતું નથી; પરંતુ આવા આક્રમિત છોડ પીળા થઈ તેની વૃદ્ધિ અટકી જાય છે, પાન નમી પડે છે. કેટલાક પાકોમાં પાણીની અછત હોય એવાં લક્ષણો જોવા મળે છે. ધરુ કે છોડનું એકદમ મૃત્યુ થાય છે. છોડને ઉપાડી તપાસતાં તેનું મુખ્ય મૂળ અને તેની સાથેનાં મૂળ ઉપર કૃમિની ગોળ કે લંબગોળ ગાંઠો જોવા મળે છે.

નિયંત્રણ : શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થતું હોવાથી નિયંત્રણ માટે રાસાયણિક દવા અને પ્રતિકારક જાતોનું ખૂબ જ સંશોધન થયેલું છે.

કૃમિનાશક ડી.ડી., ડી.બીસીપી., ફોરેટ અને કાર્બાફ્યુરાન નિયંત્રણ કરે છે તેમ છતાં ખર્ચાળ હોવાથી તેનો વધુ ઉપયોગ થતો નથી. લીમડાનો ખોળ, અખાદ્ય તેલનો ખોળ અને લાકડાનો વહેર 25 ક્વિન્ટલ/હેક્ટર ઉપયોગ કરવાથી કૃમિથી થતું નુકસાન ઘટાડી શકાય છે. ઊંડી ખેડ અને યજમાન નીંદામણનો નાશ કરવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે. ડાંગરનો પાક અથવા રોગવાળી ક્યારીમાં પાણી ભરવાથી કૃમિનું પ્રમાણ ઘટાડી શકાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ