ગઉડવહો (ગૌડવધ) (આઠમી સદી) : જાણીતું પ્રાકૃત મહાકાવ્ય. તે વાકપતિરાજે પોતાના આશ્રયદાતા કનોજના રાજા યશોવર્માની પ્રશંસા અર્થે આર્યા છંદમાં રચેલું. આ કાવ્ય તેમણે આઠમી સદીની શરૂઆતમાં રચ્યું છે એમ વિદ્વાનો માને છે. તે સર્ગોને બદલે કુલકોમાં વહેંચાયેલું છે. (એક વિગતનું વર્ણન કરતાં પાંચથી પંદર પદ્યોનો સમૂહ તે કુલક.) તેમાં કુલ 1209 પંક્તિઓ છે.
કાવ્યના મંગલાચરણમાં બ્રહ્મા, હરિ, નૃસિંહ, મહાવરાહ, વામન, કૃષ્ણ, શિવ, ગણપતિ વગેરે દેવોની સ્તુતિ છે. તે પછી કવિઓની પ્રશંસા કરવામાં આવી છે. ત્યાર બાદ કવિએ પ્રાકૃત ભાષાને બધી ભાષાઓના મૂળ તરીકે દર્શાવીને, તેની પ્રશંસા કરી છે.
પ્રસ્તાવના પછી કાવ્યના નાયક યશોવર્માનાં ગુણગાન આવે છે. મહાપ્રલય પછી સૃષ્ટિમાં યશોવર્મા રાજા એકલો ઊગરી ગયો એવું નિરૂપણ કરી, તેને હરિના અવતાર તરીકે વર્ણવ્યો છે. વર્ષાઋતુની સમાપ્તિ બાદ રાજા યશોવર્માની વિજયયાત્રાનું પ્રસ્થાન શરૂ થાય છે. તે નિમિત્તે શરદ અને હેમંત ઋતુનું વર્ણન આવે છે.
રાજા યશોવર્મા, પોતાના સૈન્ય સાથે શોણ નદી પર પહોંચીને વિંધ્ય પર્વત તરફ જાય છે. ત્યાં વિંધ્યવાસિની દેવીની સ્તુતિ કરે છે. અહીં એવો નિર્દેશ આવે છે કે મગધ(ગૌડ)નો રાજા યશોવર્માના ભયથી નાસી ગયો. ત્યાર બાદ ગ્રીષ્મ અને વર્ષાઋતુનું વર્ણન આવે છે.
તે પછી યશોવર્માના સૈન્ય અને ગૌડ રાજાના સહાયક રાજાઓ વચ્ચેનું ભયંકર યુદ્ધ વર્ણવાયું છે. યશોવર્માએ એ રાજાઓને હરાવ્યા અને ગૌડ રાજાનો પીછો કરી તેનો વધ કર્યો એવો નિર્દેશ મળે છે.
ગૌડ રાજાનો વધ કર્યા પછી યશોવર્મા બંગદેશ તરફ ગયો અને ત્યાંના રાજાને પરાજિત કર્યો. પછી દક્ષિણ હિંદમાં જઈને તેણે પારસીક રાજાને તેમજ કોંકણના રાજાને હરાવ્યા. ત્યાંથી યશોવર્મા નર્મદાતટે પહોંચ્યો. પછી મરુપ્રદેશ જઈને તે શ્રીકંઠ પ્રદેશમાં ગયો અને ત્યાંથી કુરુક્ષેત્ર અને અયોધ્યા વગેરે ઉત્તરનાં સ્થળોએ ગયો અને મહેન્દ્ર પર્વતપ્રદેશના રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવી.
આ વિજયયાત્રા પૂરી કરીને યશોવર્મા સહાયક રાજાઓ અને સૈન્ય સાથે કનોજ પાછો આવ્યો. તેના સહાયક રાજાઓ અને સૈનિકો તેમના ઘેર પાછા ફર્યા ત્યારે સ્વજનો સાથેનું તેમનું મિલન વર્ણવાયું છે. ત્યાર બાદ યશોવર્માની તેની રાણીઓ સાથેની જલક્રીડાનું વર્ણન અપાયું છે.
આ કાવ્યના અંતભાગમાં કવિ વાકપતિરાજે પોતાનો અંગત વૃત્તાંત આપ્યો છે. રાજસભાના પંડિતોની વિનંતીથી, પોતે યશોવર્માનાં પરાક્રમો અને ગુણોની કીર્તિ ગાવા માટે આ મહાકાવ્ય રચ્યું એમ કહ્યું છે.
યશોવર્માએ કરેલા ગૌડના રાજાના વધ ઉપરથી આ કાવ્યને શીર્ષક અપાયું છે, પણ તે પ્રસંગનો કાવ્યમાં ઓછો અને અછડતો નિર્દેશ આવે છે; એ ઉપરથી કેટલાક વિદ્વાનો માને છે કે આ કાવ્ય અધૂરું છે, કારણ કે ગૌડવધનો મુખ્ય પ્રસંગ વ્યવસ્થિત રીતે વર્ણવવાનો તો બાકી જ રહ્યો છે.
આ કાવ્યનો વિષય ઐતિહાસિક છે, પણ પ્રમાણભૂત ઐતિહાસિક માહિતી આમાં ઘણી ઓછી મળે છે. ભારતનાં એ વખતનાં જુદાં જુદાં રાજ્યોની માહિતી મળે છે. આ કાવ્યમાં યશોવર્માની વિજયયાત્રા એ મુખ્ય વિષય છે, તેથી કાવ્યનો મુખ્ય રસ વીર છે, પણ પ્રસંગે પ્રસંગે કવિએ બાકીના આઠ રસોનું (શાંત રસસહિત) કુશળતાપૂર્વક નિરૂપણ કર્યું છે. વાકપતિરાજે નાયક યશોવર્માનું આલેખન શૂરવીર રાજા તરીકે કર્યું છે, પણ એનાં ગુણગાન કરતાં તે ઘણી વાર અતિશયોક્તિ કરી બેસે છે.
આ મહાકાવ્યમાં ઋતુઓ, સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનાં વર્ણનો મળે છે, પણ તે પરંપરાગત ઢબનાં નથી. વાક્પતિરાજ પૌરાણિક પ્રસંગને લગતાં વર્ણનોને પોતાની મૌલિક કલ્પનાથી આલેખે છે. બાકી ગ્રામપ્રદેશનું અને કુદરતી ર્દશ્યોનું વાસ્તવિક નિરૂપણ કરી તેને પોતાની આગવી રીતે ઉપસાવે છે.
મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા આ કાવ્યની ભાષા ઘડાયેલી અને અર્થગાંભીર્યવાળી છે. આ કવિ શ્લેષ અલંકાર ભાગ્યે જ પ્રયોજે છે. અલંકારોમાં ઉપમા અને ઉત્પ્રેક્ષા વધારે પ્રયોજે છે. લાંબા સમાસો માટે એમનો પક્ષપાત છે, પણ તે એમના જમાનામાં મહાકવિ માટે જરૂરી લક્ષણ ગણાતું હતું.
ઈ. સ.ની આઠમી સદીના ભારતના જુદા જુદા પ્રદેશોનું સળંગ દર્શન કરાવવા માટે આ કૃતિ પ્રાકૃત સાહિત્યમાં જાણીતી છે.
નીલાંજના શાહ