ખ્વાજા હાફિઝ શિરાઝી (જ : હિ. સ. 726, શિરાઝ, ઈરાન; અ. હિ. સ. 791, શિરાઝ, ઈરાન) : પ્રસિદ્ધ ઈરાની કવિ. નામ શમ્સુદ્દીન. પિતાનું નામ બહાઉદ્દીન અથવા કમાલુદ્દીન.

ઈરાનના અતાબિકોના સમયમાં હાફિઝના પિતા અસ્ફહાનથી શિરાઝ આવીને વસ્યા હતા અને વેપાર કરતા હતા. બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થતાં હાફિઝને આજીવિકા માટે સતત ઝઝૂમવું પડ્યું હતું. તેમની પ્રકૃતિમાં જ્ઞાન-પ્રાપ્તિની ઉત્કટ ભાવના હતી તેથી શરૂઆતથી જ તેમણે જ્ઞાન-પ્રાપ્તિ તરફ પોતાનું લક્ષ્ય કેળવ્યું હતું. તે સમયના મહાન વિદ્વાનો ક્વામુદ્દીન અબ્દુલ્લાહ, શાહ નૂરુદ્દીન, શેખ ઝયનુદ્દીન અને અમ્માદ ફકીહ વગેરે પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. સાહિત્ય અને કવિતા ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ તેમણે સારી પેઠે પ્રાપ્ત કર્યું હતું. ધાર્મિક સાહિત્યમાં પણ તેમણે કલમ ચલાવી છે; પરંતુ સમયના પ્રવાહ સાથે તે અર્દશ્ય બની ગયું છે.

હાફિઝ સ્વભાવે નમ્ર, સંતોષી અને ઈશ્વરભક્ત હતા. શાંતિપ્રિયતા અને વતનપ્રેમ તેમના ખાસ ગુણો હતા. તેમને કુરાને શરીફ કંઠસ્થ હતું. તે પરથી તેમણે પોતાનું કવિનામ પણ ‘હાફિઝ’ રાખ્યું હતું. હાફિઝ સુન્ની સંપ્રદાયના હતા કે શિયા તે વિશે ઇતિહાસકારોમાં મતભેદ હતો. શેખ મહમૂદ અત્તારને તેમણે પોતાના મુર્શિદ (ધર્મગુરુ) માન્યા હતા. કેટલાક ઇતિહાસકારો હાફિઝને ખ્વાજા બહાઉદ્દીન નકશબંદીના મુરીદ (શિષ્ય) બતાવે છે.

હાફિઝ ઈરાનનું ગૌરવ હતા. તેમનાં કાવ્યો સુંદર, સુમધુર અને સંગીતમય છે જેથી બધા સ્તરના લોકોમાં તે લોકપ્રિય બન્યાં હતાં. તેમની ગઝલો વિશ્વપ્રસિદ્ધ છે અને સૂફી-સંતો અને ગાયકો સતત ગાઈને તેમાંથી આનંદ મેળવે છે. હાફિઝે પોતાની ગઝલો શરાબીઓ, ઈશ્વરભક્તો, ધર્મગુરુઓ, સૂફીઓ, મુલ્લાંઓ, બુદ્ધિશાળીઓ, પ્રેમીઓ, ગરીબ અને તવંગરો, બાદશાહો વગેરે સર્વ પ્રકારના લોકોને અનુલક્ષીને રચી છે. તેમની ગઝલોમાં દિવ્યપ્રેમ (ઇશ્કે હકીકી), તસવ્વુફ, બોધ અન શિખામણ તથા મઅરેફતની વાર્તાનું નિરૂપણ જોવા મળે છે.

હાફિઝને ઈશ્વરનાં ગૂઢ રહસ્યો અને સંસારના ભેદોના જ્ઞાતા માનવામાં આવે છે. તેથી તેમને ‘લિસાનુલ ગયબ’ અને ‘તરજુમાનુલ અસરાર’ કહેવામાં આવે છે. અમીર-ઉમરાવો, ધર્મવેત્તાઓ, ભવિષ્યવેત્તાઓ અને વિદ્વાનોએ તેમના ‘દીવાન’(ગઝલસંગ્રહ)માંથી ભવિષ્યના સંકેતો મેળવ્યાનાં ઘણાં ર્દષ્ટાંતો મળે છે.

અન્ય મહાન કવિઓ કરતાં હાફિઝનાં કાવ્યોની એક આગવી પ્રણાલી જોવા મળે છે. તેમણે સુગેય અને શિષ્ટ મધુર રસની ગઝલો આપી છે.

હાફિઝ હિ. સ. 791માં શિરાઝમાં મૃત્યુ પામ્યા હતા. શિરાઝ શહેરની બહાર ‘મુસલ્લા’ નામની જગાએ તેમને દફનાવવામાં આવ્યા હતા જે હવે ‘હાફિઝીયહ’ નામથી સુપ્રસિદ્ધ છે. સુલતાન બાબરના શિક્ષક મોહંમદ મોઅમ્માઈએ હાફિઝનો મકબરો બંધાવ્યો હતો. ‘હાફિઝીયહ’ની બાજુમાંથી જ સુપ્રસિદ્ધ રકનાબાદની નહેર વહે છે જે તેની સુંદરતામાં અનેરો વધારો કરે છે. ઈરાનીઓ માટે આ સ્થાન ઝિયારતગાહ ઉપરાંત એક સહેલગાહ સમાન બની ગયું છે.

હાફિઝની મૃત્યુની તારીખ નીચેની કાવ્યપંક્તિમાંથી નીકળે છે. ‘અબજદ’ની ગણતરી પ્રમાણે ‘ખાકે મુસલ્લા’નો સરવાળો 791 થાય છે જે હાફિઝની મૃત્યુની તારીખ દર્શાવે છે

ચૂં દર ખાકે મુસલ્લા યાફૂત મન્ઝિલ,

બિ જૂ તારીખશ અઝ ખાકે મુસલ્લા. (હિ. સ. 791)

નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી