ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી

January, 2010

ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી (જ. 7 મે 1599, સરહિંદ; અ. 17 ઑગસ્ટ 1668, સરહિંદ) : ભારતમાં ખ્યાતિ પામેલ સૂફી સિલસિલામાંના એક સુપ્રસિદ્ધ સૂફી વિદ્વાન. તેઓ મુજદ્દદ અલ્ફસાની શેખ અહમદ સરહિન્દીના પુત્ર હતા.

14 વર્ષની ઉંમરે જરૂરી શિક્ષણ મેળવીને તેઓ અધ્યાત્મ તરફ વળ્યા. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઊંડી ભક્તિભાવનાના કારણે તેઓ કેટલીક આધ્યાત્મિક સિદ્ધિઓ આત્મસાત્ કરી શક્યા. આ જોઈને તેમના પિતાએ તેમનામાં ભાવિ ‘કુતુબ’નાં દર્શન કર્યાં. મોહંમદ માસૂમ પ્રત્યે તેમનો ધાર્મિક આદર ખૂબ વધ્યો. તેઓ પિતા હજરત મુજદ્દદની ઇચ્છાથી તેમના અનુયાયી અને ‘મુજદ્દદી નકશબંદી’ સિલસિલાના ‘કય્યૂમ’ નિમાયા.

મુઘલશાસન દરમિયાન અકબરની કેટલીક ધાર્મિક નીતિરીતિના પરિણામે ઇસ્લામી ધર્મચિંતન અને ક્રિયાકાંડમાં જે દંભ અને છૂટછાટ પ્રવેશ પામ્યાં તેની સામે મુજદ્દદ અલ્ફસાની અને તેમના દીકરા મોહંમદ માસૂમે ધર્મનિષ્ઠ વાતાવરણ ઊભું કરવા માટે ભારે જહેમત લીધી. પ્રભુપ્રેમ અને ઈશ્વરભક્તિમાં મગ્ન રહેતા લોકોને તેઓ પયગંબરસાહેબની પ્રણાલીઓને ચુસ્તપણે વળગી રહેવા આગ્રહ કરતા. તે માનતા કે સૂફીઓએ પણ ‘તરીહત’ને ‘શરીઅત’થી જુદી પાડવી જોઈએ નહિ. કુરાને શરીફ અને પયગંબરસાહેબની ‘સુન્નત’ની કોઈ પણ સંજોગોમાં ઉચ્ચ દરજ્જાના સૂફી કે અદના મુસલમાનથી ઉપેક્ષા કે અવગણના થઈ શકે નહિ.

ખ્વાજા મોહંમદ માસૂમ શાહજહાંની જાહોજલાલી અને વૈભવથી સહેજે આકર્ષાયા વિના સાદું અને પવિત્ર જીવન જીવ્યા હતા. જીવનમાં ધાર્મિક મૂલ્યોને ઉતારવાના આદર્શ પૈગામ આપતાં આપતાં અવસાન પામ્યા.

ફારસી ભાષામાં લખેલા તેમના પત્રો કે ‘મકતૂબાત’ જે ગ્રંથસ્થ થઈને પ્રસિદ્ધ થયા તે અધ્યાત્મદર્શન વિશેનો કીમતી વારસો મનાય છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા