ખોરાસાન : ઈરાનના ઈશાન ખૂણે આવેલો મોટામાં મોટો પ્રાંત. તેની ઉત્તરે તુર્કમેનિસ્તાન, પૂર્વ તરફ અફઘાનિસ્તાન, વાયવ્યે ઈરાનનો માઝાંડરાન પ્રાંત, પશ્ચિમ અને વાયવ્ય ખૂણે સેમનાન પ્રાંત, પશ્ચિમ દિશાએ ઇસ્ફહાન અને યઝદ પ્રાંતો, દક્ષિણ દિશાએ કેરમાન શાહ પ્રાંત છે. સીસ્તાનને અડકીને આવેલ બલૂચિસ્તાન દક્ષિણ-અગ્નિ ખૂણે આવેલ છે. પ્રાચીન સમયમાં ખોરાસાન ‘ઊગતા સૂર્યના દેશ’ તરીકે ઓળખાતો હતો. ખોરાસાનનો મૂળ પ્રદેશ વિશાળ હતો. તે પૈકી કેટલોક વિસ્તાર રશિયા અને અફઘાનિસ્તાનને તાબે છે. ખોરાસાનનું ક્ષેત્રફળ 3,13,337 ચોકિમી. છે. તેની વસ્તી આશરે 71,67,000 (2023) છે. આ પ્રાંતને ઉત્તર ખોરાસાન અને રઝવી ખોરાસાન જેવા બે વિભાગોમાં વહેંચેલો છે.
તેના ઉત્તર ભાગમાં બે સમાંતર ગિરિમાળાઓ છે. તે પૈકી એલ્બુર્ઝ ગિરિમાળાનો પૂર્વ તરફનો લાંબો છેડો છે; જ્યારે કૉપે દાગ બીજી ગિરિમાળા છે. આ પર્વતો અગ્નિકૃત, જળકૃત અને વિકૃત ખડકોના બનેલા છે. તેનાં શિખરો પૈકી કૂહ-ઇ-હજાર મસ્જેદ 3,146 મી. અને કૂહ-ઇ-બીનાલુડ 3,211 મી. ઊંચાં છે. દશ્ત-ઇ-કવીરના ક્ષારયુક્ત મોટા રણમાં ફોડાયુક્ત (ઉપર જમીનનું પડ અને નીચે પાણી તે ફોડું) કળણો છે. ઘણા વિસ્તારમાં રેતના ઢૂવા આવેલા છે. ઉત્તર બાજુના વિસ્તારમાં ગીચ વસ્તીવાળા મોટા રણદ્વીપો જ્યારે દક્ષિણ બાજુએ છૂટાછવાયા નાના રણદ્વીપો છે.
સમુદ્રથી દૂર હોઈને ખોરાસાનની આબોહવા વિષમ છે. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. ખોરાસાનના ઉત્તર અને વાયવ્ય ભાગમાં ઘાસ અને એડલર, ઓક, જૂનિપર, હૉર્નબિલ તથા કાંટાળાં વૃક્ષો માટે પૂરતો વરસાદ પડે છે. અત્રક, કાલ-ઇ-મુરેહ, રૂહ-ઇ-શૂર અને કાશક્ રૂડ તેની કાયમી નદીઓ છે, પણ નીચાણના ભાગમાં નદીઓનું પાણી ખારું હોય છે.
લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. રણદ્વીપોમાં ફળો, અનાજ, તમાકુ, તેલ આપતા છોડો તથા શેતૂરનાં વૃક્ષો છે. પશુપાલન મહત્વનો વ્યવસાય છે. ઢોર, ઘેટાં, બકરાં, ઊંટ વગેરેના ટોળા સાથે એક રણદ્વીપથી બીજા રણદ્વીપ સુધી ઘાસચારો અને પાણીની સગવડ પ્રમાણે લોકો ફરતા રહે છે. ઊન, ઘેટાનાં ચામડાં, બકરાંના વાળ વગેરેની નિકાસ થાય છે. લોકો સ્થાનિક વપરાશ માટે મરઘાં ઉછેરે છે, ટકર્વોઇઝ (turquoise), મીઠું, લોખંડ, તાંબું, સીસું, જસત, ક્રોમિયમ, મૅગ્નેસાઇટ અને કોલસા વગેરે ખનિજો અહીંથી ખોદી કાઢવામાં આવે છે.
સિમેન્ટ, પ્રક્રિયા કરેલ ખાદ્ય ચીજો, રૂ, કાંતેલું ઊન, ખાંડ, દવા, પ્રાણીઓનો ચારો અને કાપડનાં કારખાનાં અહીં આવેલાં છે. ઝવેરાત, ધાબળા, ગાલીચા, રૂંવાંવાળાં કપડાં, ઢીંગલીઓ, કાચની વસ્તુઓ અને હાથસાળ કાપડ વગેરેના ગૃહઉદ્યોગો વિકસ્યા છે.
મુખ્ય શહેર મેશેદ તહેરાન સાથે જોડાયેલું છે. વાયવ્ય વિસ્તારમાં તુર્કમાન બોજનુર્દ અને કુચાન આસપાસ કુર્દો, તૈમૂરી અને જમશેદી પૂર્વ વિસ્તારમાં; નૈર્ઋત્યમાં હૈદરી અને અગ્નિખૂણાના વિસ્તારમાં બલૂચીઓ વસે છે. કુહેસ્તાનમાં સ્થાયી વસ્તી છે અને તે ઈરાની કુળની છે. બેરબેરી લોકો મંગોલવંશી છે. આ સિવાય થોડા આરબ, યહૂદી, જિપ્સી વગેરે પણ છે. કેટલાક ભટકતું જીવન ગાળે છે. તે તુર્કી, ફારસી અને કુર્દિશ ભાષા બોલે છે.
ઈ. સ. પૂ. 559-330 દરમિયાન ખોરાસાન અચેમેનીડ સામ્રાજ્યનો અને ઈ. સ. 224-651 દરમિયાન સાસાનીડ સામ્રાજ્યનો ભાગ હતો. હાલનો ખોરાસાન પ્રાંત પ્રાચીન પાર્થિયા જેટલો વિસ્તાર ધરાવે છે. 651-652માં આરબોએ આ પ્રદેશ જીતી મુસ્લિમ ધર્મ ફેલાવ્યો હતો. સુલતાન સેલજુક તોઘ્રીલ બેગે ઈ. સ. 1038માં આ પ્રદેશ જીતી લીધો. ત્યાં સુધી ખોરાસાન સ્વતંત્ર રાજ્ય હતું. ઈ.સ. 1220માં મંગોલ સમ્રાટ ચંગીઝખાન આ પ્રદેશ ઉપર ફરી વળ્યો હતો. 1383માં તૈમૂરે ચડાઈ કરી હતી. 1722-1730 દરમિયાન ખોરાસાન અફઘાન શાસન નીચે હતું. ખોરાસાનમાં જન્મેલ નાદિરશાહે અફઘાનોને પરાસ્ત કરીને હાંકી કાઢતા હતા. તેના સામ્રાજ્યની રાજધાની મેશેદ હતી. ‘શાહનામા’ના પ્રખ્યાત કવિ ફિરદોસી તથા કવિ ઉમર ખય્યામ ખોરાસાનમાં જન્મ્યા હતા. 1978માં અહીં ભારે ધરતીકંપથી 25,000 માણસોએ જાન ગુમાવ્યા હતા.
શિવપ્રસાદ રાજગોર