ખોરાના, હરગોવિંદ (જ. 9 જાન્યુઆરી 1922, રાયપુર, પંજાબ – હાલ પાકિસ્તાનમાં; અ. 9 નવેમ્બર 2011 કોનકોર્ડ, મેસેચ્યુસેટસ, યુ. એસ.) : આણ્વિક જીવવિજ્ઞાન(molecular biology)ના ક્ષેત્રે સંશોધન બદલ 1968નું દેહધર્મવિદ્યા (physiology) – ઔષધવિજ્ઞાન (medicine) માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર અવિભાજિત ભારતમાં જન્મેલા અમેરિકન જીવરસાયણવિદ. તેમણે શરૂઆતનું શિક્ષણ મુલતાનની ડી.એ.વી. સ્કૂલમાં લીધું અને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે દાખલ થયા. 1943માં બી.એસસી.ની અને 1945માં એમ.એસસી.ની પદવી ઑનર્સ સાથે પ્રાપ્ત કરી. ત્યાર બાદ ભારત

હરગોવિંદ ખોરાના

સરકારની શિષ્યવૃત્તિ મળતાં ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑવ્ લિવરપૂલમાં પ્રવેશ મેળવ્યો અને 1948માં ડૉ. એ. રૉબટર્સનના માર્ગદર્શન હેઠળ રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. થોડો વખત તેમણે ભારત સરકારના પોસ્ટ-ડૉક્ટરલ ફેલો તરીકે ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ઝુરિક)માં સંશોધનકાર્ય કર્યું. 1948-49માં નોબેલવિજેતા પ્રો. વ્લાદીમિર પ્રેલોગ સાથે તેમણે કામ કર્યું. અહીં તેઓ પ્રો. પ્રેલોગના સંશોધનકાર્ય અને વિજ્ઞાન પ્રત્યેના અભિગમથી ખૂબ પ્રભાવિત થયા. 1949માં થોડો સમય ભારતમાં ગાળી નફીલ્ડ ફેલોશિપ પ્રાપ્ત થતાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નોબેલવિજેતા સર ઍલેકઝાન્ડર ટૉડના હાથ નીચે સંશોધન માટે ઇંગ્લૅન્ડ ગયા. 1952-59 દરમિયાન તેઓ વાનકુવર(કૅનેડા)ની યુનિવર્સિટી ઑવ્ બ્રિટિશ કોલમ્બિયામાં રસાયણશાસ્ત્રના અધ્યક્ષ તરીકે હતા. 1960માં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઑવ્ વિસ્કૉન્સિનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ અને ઇન્સ્ટિટયૂટ ઑવ્ રિસર્ચના પ્રાધ્યાપક નિમાયા હતા.

1952માં તેમણે મૂળ સ્વિસ એસ્થર એલિઝાબેથ સિબ્બર સાથે લગ્ન કર્યાં.

ડૉ. ખોરાનાએ જીવરસાયણશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન કર્યું છે. પ્રોટીન, પેપ્ટાઇડ, કોએન્ઝાઇમ-A, ન્યૂક્લિયોટાઇડ, પૉલિન્યૂક્લિયોટાઇડ અને ફૉસ્ફેટ એસ્ટર અણુઓનાં બંધારણ નક્કી કરવામાં તેઓ સફળ નીવડ્યા છે. વિશેષ કરીને ન્યૂક્લિઇક ઍસિડ શૃંખલાનું સંશ્લેષણ કરવામાં તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 1960ના દાયકામાં શરૂઆતનાં વર્ષોમાં તેમણે જેમની સંરચના જાણીતી હતી તેવા નાના ન્યૂક્લિઇક ઍસિડ અણુઓનું સંશ્લેષણ કર્યું. કોષમાં જેવી રીતે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તેવી રીતે તેમણે બનાવેલા ન્યૂક્લિઇક ઍસિડ યોગ્ય દ્રવ્યો સાથે સંયોજાઈને પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં કારણભૂત બન્યા. આ પ્રોટીનની ન્યૂક્લિઇક ઍસિડ સાથે સરખામણી કરતાં ન્યૂક્લિઇક ઍસિડનો કયો ભાગ પ્રોટીનના કયા ભાગ માટે સંકેત (કૂટ સંકેત, code) રૂપે વર્તતો હતો તે માલૂમ પડ્યું.

1968માં ડૉ. ખોરાનાને કોષ-કેન્દ્રના આનુવંશિક (genetic) ઘટકો પ્રોટીન સંશ્લેષણનું કેવી રીતે નિયમન કરે છે તે અંગેના સંશોધન તથા આનુવંશિક સંકેતના અર્થઘટન બદલ ડૉ. નિરેનબર્ગ અને ડૉ. હોલે સાથે સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 1976માં તેમણે સૌપ્રથમ કૃત્રિમ જનીનનું સંશ્લેષણ કર્યું અને પુનર્યોગજ ડી.એન.એ. ટૅક્નૉલૉજી(recombinant DNA technology)નો પાયો નાખ્યો. તેમણે બતાવ્યું કે આનુવંશિક સંકેત એ અનતિવ્યાપ્ત (non-overlapping) ત્રિક(triplet)નો બનેલો છે.

ડૉ. ખોરાનાને નોબેલ પારિતોષિક ઉપરાંત માર્ક પારિતોષિક (1958, કૅનેડા), પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૅનેડિયન પબ્લિક સર્વિસીસનો સુવર્ણચંદ્રક (1960), ગટિન્જન એકૅડેમી ઑવ્ સાયન્સીસનું હાઇમાન પારિતોષિક (1967) વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત સરકારે પણ તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ એનાયત કર્યો છે. હાલ (1993) તેઓ અમેરિકામાં સ્થાયી રહીને સંશોધન કરી રહ્યા છે.

મ. શિ. દૂબળે