ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન.

January, 2010

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન. (જ. 18 ડિસેમ્બર 1892, જલંધર, પંજાબ; અ. 29 મે 1984) : ભારતના ઉચ્ચ કોટિના સિવિલ એન્જિનિયર. સિંચાઈ ઇજનેરીના તેઓ પ્રખર તજ્જ્ઞ હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલી. મહાવિદ્યાલયનો શરૂઆતનો અભ્યાસ તેમણે લાહોરના ડી.એ.વી. મહાવિદ્યાલયમાં તથા ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ રુરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાં કર્યો.

એ. (અયોધ્યાનાથ) એન. ખોસલા

તેમની ઇજનેર તરીકેની કારકિર્દી ઉજ્જ્વળ અને યશસ્વી હતી. 1953માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકેની સેવા આપી હતી.

સિંચાઈ યોજનાઓ સંબંધેની અનેક સમિતિઓમાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું. ભાખરા બંધ યોજના, બિયાસ, શબરીગિરિ, રામગંગા, યમુના નહેર યોજના જેવી વિવિધ સિંચાઈ યોજનાઓની સલાહકાર સમિતિઓમાં ખોસલાએ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. સિંચાઈ સંબંધીના અનેક ટૅકનિકલ પ્રશ્નો ઉકેલવામાં તેમનો ફાળો અમૂલ્ય રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સિંચાઈ અને નહેર કૉર્પોરેશનના તેઓ સંસ્થાપક હતા અને 1951-54ના સમયગાળામાં તે સંસ્થાના અધ્યક્ષપદે હતા. 1954-59ના સમયગાળામાં તેઓ ઇજનેરીના ક્ષેત્રે સંશોધન અને નૂતન અભિગમ માટે પ્રખ્યાત રુરકી યુનિવર્સિટી(ઉત્તર પ્રદેશ)ના કુલપતિપદે રહ્યા હતા.

1960-62 સુધી તે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના અધ્યક્ષ તથા 1959-62 સુધી ભારત સરકારના આયોજન-પંચના સભ્ય હતા. તે 1962-67ના સમયગાળામાં ઓરિસા રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હતા.

બંધો અંગે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. અનેક મૂલ્યવાન સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા હતા. જલપ્રવાહ અને કાંપથી બંધના પાયા ઉપર પરિણમતા ઊર્ધ્વદબાણ (uplift pressure) અંગે તેમણે વિશિષ્ટ સિદ્ધાંતો સ્થાપિત કરીને મહત્વનું યોગદાન કર્યું હતું.

ભારતની પંચવર્ષીય યોજના હેઠળ સિંચાઈ કાર્યક્રમોની સમીક્ષા કરવા નિમાયેલ તજ્જ્ઞ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. આ સમિતિની ભલામણો પછીથી ‘ખોસલા સમિતિની ભલામણો’ તરીકે ખૂબ જાણીતી થઈ હતી.

ઇજનેર તરીકેની તેમની યશસ્વી કામગીરી અને તેમના બહુમૂલ્ય પ્રદાનને અનુલક્ષીને રુરકી યુનિવર્સિટી, પંજાબ વિશ્વવિદ્યાલય તથા રેન્સેલિયર પૉલિટૅક્નિક (યુ.એસ.) દ્વારા તેમને ડૉક્ટરેટની માનાર્હ પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

1955માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માનિત કર્યા હતા. શાંતિસ્વરૂપ ભટનાગર પ્રાઇઝ 1974 અને 1977માં પદ્મવિભૂષણ એનાયત થયો હતો.

સૂર્યકાન્ત વૈષ્ણવ