ખાર્કોવ : યુક્રેનમાં આવેલું વહીવટી કેન્દ્ર અને મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન 50° 00´ ઉ. અ. અને 36° 15´ પૂ. રે. જિલ્લાનું ક્ષેત્રફળ 31,000 ચોકિમી. છે. તેની ઉત્તરે સુમી અને બેલગોરોડ જિલ્લા, પૂર્વ તરફ લુગાવ્સ્ક જિલ્લો, દક્ષિણે ડોનેટ્સ્ક અને નેપ્રોપેટ્રોવસ્ક અને પશ્ચિમે પોલ્ટાવા જિલ્લો છે. આ પ્રદેશ સપાટ ઘાસના મેદાનની ખંડસ્થ આબોહવા ધરાવે છે. અહીં ઉનાળો અને શિયાળો બંને આકરા હોય છે. ઉનાળામાં 300 મિમી. ખેતીલાયક વરસાદ પડે છે. અહીં ઘઉં, જવ, મકાઈ, બીટ, શણ, બટાકા વગેરેનો વિપુલ પાક થાય છે. ડોનેટ્સની કોલસાની ખાણો અને ક્રિવૉઇરોગની લોખંડની ખાણોને કારણે ખાર્કોવ સહિત પૂર્વ યુક્રેન ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રણી ગણાય છે. ઉપરાંત, જળવિદ્યુત માટે ધોધવાળી નદીઓ ઉપયોગી છે. લોકો ખોરાક, ચામડું અને ઊન માટે ડુક્કર, ઢોર, ઘેટાં, મરઘાં વગેરે ઉછેરે છે.
યુક્રેનનું બીજા નંબરનું શહેર ખાર્કોવ, લોપાન અને ઉડી નદીઓના સંગમ ઉપર આવેલું મહત્ત્વનું ઔદ્યોગિક, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. મૉસ્કોથી ખાર્કોવનું 640 કિમી. અંતર છે. મૉસ્કો અને પિટ્સબર્ગ પછી તે પરિવહનનું મહત્વનું કેન્દ્ર છે અને આઠ રેલમાર્ગોનું જંક્શન છે. ખાર્કોવથી એક રાષ્ટ્રીય ધોરી માર્ગ, ઉત્તરમાં મૉસ્કો, પશ્ચિમે કીવ, અગ્નિખૂણે કૉકેસસ અને દક્ષિણે ઝાપો રોઝ અને ક્રિમિયા જાય છે. 1975માં અહીં એક ભૂગર્ભમાર્ગ (subway) બંધાયો છે. ખાર્કોવ મોટું વિમાની મથક પણ ધરાવે છે. 2022માં તેની વસ્તી 14,33,886 હતી.
1656માં તે તાર્તર હુમલાખોરો સામેનું અગ્રિમ લશ્કરી થાણું હતું, પણ તેની દક્ષિણે આવેલો પ્રદેશ જીતી લેવાતાં તેની અગત્ય ઘટી હતી. તેના વિકાસનો ખરેખરો પ્રારંભ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન થયો હતો. ઇજનેરી ઉદ્યોગોના વિકાસ સાથે અહીં ટ્રૅક્ટર, વીજળીનાં ભારે સાધનો, ટર્બાઇન રેલવે-એન્જિન, ખાણ માટેનાં યંત્રો, થર્મલ સ્ટેશન માટેનાં યંત્રો, સાઇકલ, પગરખાં, કાપડ, સિગારેટ, રંગ, રસાયણ, મદ્ય વગેરેનાં અનેક કારખાનાં સ્થપાયાં.
ખાર્કોવ અગત્યનું શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં એ. એમ. ગૉર્કી યુનિવર્સિટી 1805માં સ્થપાઈ હતી. ઍપ્લાઇડ કેમિસ્ટ્રીની સંસ્થા, પૉલિટેકનિક, ટૅક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ, ખેતીવાડી, ઇજનેરી, મેડિકલ અને વેટરનરી કૉલેજો, ઇજનેરો માટેની તાલીમશાળા જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનસંસ્થાઓ અને પ્રયોગશાળાઓ, બૉટનિકલ બાગ, ફિલહાર્મોનિક સભાખંડ, ઑપેરા અને બૅલે માટેનાં થિયેટરો, નાટકશાળાઓ, પ્લૅનેટોરિયમ, ઐતિહાસિક અને કલાવિષયક સંગ્રહસ્થાનો, પૅલેસ ઑવ્ ઇન્ડસ્ટ્રી, અઢારમી સદીમાં બરોક (શોભનમંડિત) શૈલીમાં બંધાયેલું દેવળ, સત્તરમી સદીનું પોક્રૉવ્સ્કી દેવળ, ઓગણીસમી સદીનું પેટ્રિયાર્કલ દેવળ, 1812માં નેપોલિયન પહેલા ઉપર મેળવેલ વિજયના પ્રતીકરૂપ બેલ ટાવર વગેરે અનેક જોવાલાયક સ્થળો છે.
1917ની રશિયન રાજક્રાન્તિ બાદ 1934 સુધી તે યુક્રેનનું પાટનગર હતું. 1917થી 1920 દરમિયાન અને બીજા વિશ્વયુદ્ધ (1942થી 45) દરમિયાન તેને ભારે નુકસાન થયું હતું. આજે તે નવા સ્વરૂપે વિશાળ રસ્તા, ઊંચા વિશાળ મહાલયો, અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક કારખાનાંથી ધમધમતું મહાનગર બની ગયું છે. હવે તે ચાર્કોવ નામથી ઓળખાય છે પણ યુક્રેનિયન ભાષામાં તેને ખાર્કોવ કહે છે.
શિવપ્રસાદ રાજગોર