ખાર્ટૂમ : આફ્રિકામાં ઇજિપ્તની દક્ષિણે આવેલા સુદાન રાજ્ય અને પ્રાંતનું પાટનગર. ભૌ. સ્થાન 15° 36´ ઉ. અ. અને 32° 32´ પૂ. રે. ખાર્ટૂમ કૅરોથી દક્ષિણે 1,600 કિમી.ના અંતરે આવેલું છે. નાઈલ નદીના પુલો દ્વારા તે ઉત્તર ખાર્ટૂમ અને ઑમડરમન શહેરો સાથે જોડાયેલું છે. 1821માં ઇજિપ્તના ખેદીવ મહમદઅલીની લશ્કરી છાવણી અહીં હતી. ગુલામોના વેપાર માટેનું તે કેન્દ્ર હતું. તે ભૂરી અને શ્વેત નાઈલના સંગમ ઉપર છે. ઉત્તર ખાર્ટૂમ ભૂરી નાઈલ ઉપર અને ઑમડરમન શ્વેત નાઈલ ઉપર છે. 1885માં મહદ્દી બળવાને કારણે શહેરનો નાશ થયો હતો અને મહદ્દીએ ઑમડરમનને રાજધાની બનાવેલ. 1898માં શહેર ફરી વસાવવામાં આવ્યું હતું.

નદીના જળમાર્ગ તથા રેલવે દ્વારા તે પૉર્ટ સુદાન, અલ્ ઑબૈદ, ઇજિપ્તના સરહદી શહેર લેક નાસે તથા આંતરિક વ્યાપારી મથકો સાથે જોડાયેલું છે. કપાસ ઉગાડતા પ્રદેશના મધ્ય ભાગમાં આવેલા મેઝીરા સાથે તેના વેપારી સંબંધો છે.

અહીં વરસાદ દોઢ માસમાં પડી જાય છે અને ઘાસ તથા છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. પાણીની સગવડ હોય ત્યાં કપાસ, જુવાર, કૉફી, બાજરી, તેલીબિયાં વગેરેનું વાવેતર થાય છે.

અહીં સુતરાઉ કાપડની મિલો, લાકડાં વહેરવાની તથા તેલની મિલો અને ખાદ્ય પદાર્થ તૈયાર કરવાનાં કારખાનાં છે. વળી કાચનાં વાસણો, છાપકામ, હળવા યંત્રો વગેરેના એકમો પણ વિકસ્યા છે.

ખાર્ટૂમની જૂની મસ્જિદ

પ્રાણીસંગ્રહાલય, મ્યુઝિયમ, રાજમહેલ, ગૉર્ડન મેમૉરિયલ કૉલેજ, મસ્જિદો, નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ, ખ્રિસ્તી દેવળો વગેરે જોવાલાયક છે. ખાર્ટૂમના ગવર્નર જ્યૉર્જ ગૉર્ડનની યાદમાં 1951માં ગૉર્ડન મેમૉરિયલ કૉલેજ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત 1955થી કૅરો યુનિવર્સિટીની શાખા પણ અહીં છે. ગૉર્ડન કૉલેજમાંથી ખાર્ટૂમ યુનિવર્સિટી ઊભી થઈ છે.

દક્ષિણ સુદાનમાં વસતા ખ્રિસ્તીઓ અને ઉત્તરના આરબવંશી સુદાનીઓ વચ્ચેના આંતરવિગ્રહને કારણે ખાર્ટૂમની સમૃદ્ધિમાં ઓટ આવી છે. ઉત્તર ખાર્ટૂમની વસ્તી 6,39,358 (2013) તથા ઓમડરમનની વસ્તી 28,05,396 (2024) છે.

શિવપ્રસાદ રાજગોર