ખારી (1) : સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા જિલ્લામાં વહેતી તથા સાબરમતીને મળતી ગુજરાતની એક નદી. તે સિંચાઈની ર્દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તે હિંમતનગરથી 16 કિમી. દૂર કેશવપુરા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 160 કિમી. છે.

સમતળ પ્રદેશમાંથી વહેતી નદીના ઉપરના કાંઠે માટીનો બંધ હતો. ખારી નદીમાંથી નાની નહેરો અને કાંસ કાઢેલાં છે. આમ ખારી અમદાવાદ જિલ્લામાં નદી જેવી અને ખેડા જિલ્લામાં નહેર જેવી છે.  આ નદીમાં કાંઠે આવેલા ઔદ્યોગિક એકમોમાંથી દૂષિત પાણી ઠલવાતું હોવાથી નદીના જળમાં પ્રદૂષણ વધી ગયું છે.

1850માં રૂ. 66,000ના ખર્ચે (ખારી ઉપર) પાકો બંધ બંધાયો છે અને પાણીના નિયમન માટે દરવાજા (sluice gates) મૂકવામાં આવ્યા છે. 1874માં નવી વ્યવસ્થા થઈ અને ખારીનું પાણી અમદાવાદ જિલ્લાને મળે તે માટે હાથમતી નહેર બાંધવામાં આવી. 1878માં રાયપુર ગામ પાસે ખારી નદીમાં આશરે 60 મી.નો બંધ બાંધી તેને ‘ખારીકટ’ નામ આપ્યું. 1880-82માં પ્રાંતિજની બોખમાં પાણી ભરી ખારીકટનાં ગામોને સિંચાઈનો લાભ આપ્યો.

ખારી (2) : બીજી એ જ (ખારી) નામની નદી પાટણ જિલ્લામાં આવી છે. તે પાટણ તાલુકાના બેપાદર ગામ પાસેથી નીકળે છે અને ચેખલા, ખારા અને સુખણ નદીઓ તેને મળે છે. તે હારીજ તાલુકાના દુનાવાડા અને માસા પાસે વહે છે અને બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સુંદરોસણ ગામ પાસે બનાસને મળે છે. તેની લંબાઈ 19 કિમી. છે.

ખારી (3) : કચ્છમાં પણ ખારી નામની નદી છે. ભુજ તાલુકાના લકીના ડુંગરમાંથી શરૂ થતી આ નદી ભુજ શહેર પાસેથી વહીને સુમરાસર પાસે બન્નીમાં પાણી ઠાલવે છે. તેની લંબાઈ 27 કિમી. છે અને તેના ઉપર રુદ્રમાતાનો બંધ આવેલો છે, જેમાંથી ખેતી માટે પાણી અપાય છે.

ખારી (4) : કચ્છમાં માતાના મઢના ડુંગરોમાંથી ખારી નદી વડસર પાસે મીઠી નદીને મળે છે. તેની લંબાઈ 15 કિમી. છે.

શિવપ્રસાદ રાજગોર