ખામા, સેરેત્સે (જ. 1 જુલાઈ 1921, સિરોઈ; અ. 13 જુલાઈ 1980, ગાબ્રોર્ની) : દક્ષિણ આફ્રિકાના ભૂમિ-અંતર્ગત (દરિયાકાંઠા વિનાના) બોત્સ્વાના(જૂના બેચુઆના લૅન્ડ)ના વડા. ખામાએ આ દરિદ્ર પ્રદેશમાં સ્થિરતા લાવીને જ નહિ પરંતુ વિકાસની કેડી કંડારીને અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહત્વની ત્સ્વાના (બામાન્ગ્વાટો) ટોળીના વંશગત વડા હોવાને નાતે ખામા પ્રત્યે પરંપરાગત વફાદારી હોય છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદવાદી શ્વેત પ્રજાને તેઓ અનેક રીતે અને ખાસ કરીને તેમણે શ્વેત સ્ત્રી સાથે લગ્ન કર્યાં હોવાથી, ખૂંચતા હતા. આ પ્રદેશમાં શ્વેત પ્રજાના આધિપત્યના વિસ્તાર સામે તેઓ ઝઝૂમતા રહ્યા. પ્રથમ આ પ્રજાએ રંગભેદવાદી દ. આફ્રિકા સામે બ્રિટનનું સંરક્ષણ સ્વીકારેલું; પરંતુ પછી ખામાના પિતાને દેશનિકાલ કરી બ્રિટને બોત્સ્વાનાનો વહીવટ કબજે લીધો અને જેની સામે આ પ્રજાએ રક્ષણ માગેલું તે દક્ષિણ આફ્રિકામાં જ તેને સામેલ કરવાની યોજના હાથ ધરી. આ સામે જોરદાર વિરોધ અને રજૂઆત થતાં આ યોજના ખોરંભે મુકાઈ (અલબત્ત, રેલવે માટે થોડી જમીન કાઢી આપવામાં આવી.). છેવટે 1966માં તેને સ્વાધીનતા અપાઈ.

સેરેત્સે ટોળીના વડા બને તે સામે બ્રિટનને વાંધો હતો, પરંતુ ટોળી તેમને જ ચાલુ રાખવા માગતી હતી. છેવટે ટોળીમાં ત્રીજું સ્થાન ધરાવતા ક્ગામાનેને આફ્રિકન ઑથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા(1956), જે સેરેત્સેની સાથે રહીને જ કામગીરી બજાવતા. 1960માં બેકુઆના પીપલ્સ પક્ષની સ્થાપના કરવામાં આવી અને પ્રજાએ સેરેત્સેને ટેકો આપ્યો.

સર સેરેત્સે ખામા

ઇંગ્લૅન્ડમાં કાયદાનો અભ્યાસ કરી આવેલા સેરેત્સે આધુનિક વિચારોથી પ્રભાવિત થયેલા હતા. આ લગભગ વેરાન તેમજ વ્યવહાર માટે દ. આફ્રિકા ઉપર નિર્ભર, અને દ. આફ્રિકાના આક્રમક વલણને કારણે સચિંત તેમજ નામિબિયા અને દ. આફ્રિકાનાં મુક્તિ-આંદોલનોને કારણે ઊકળતા ચરુ જેવા પરિવેશમાં પ્રમુખ સેરેત્સેએ સ્વાધીનતા પછી કુનેહ અને વ્યવહારવાદી અભિગમથી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એકપક્ષપ્રથા હોવા છતાં લોકાભિમુખ નીતિ દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. સદભાગ્યે, હીરાની ખાણો મળી આવતાં આર્થિક સ્થિતિ સુધરી પણ દુષ્કાળોએ કપરી કસોટી કરાવી. ખુલ્લા બજારની વિકાસલક્ષી નીતિ તથા સૈન્ય પાછળ લઘુતમ ખર્ચ દ્વારા તેમણે સમૃદ્ધિ પ્રજા સુધી પહોંચે તેવી ફિકર રાખી. સમય જતાં તેમણે આફ્રિકન રાષ્ટ્રો સાથે નાતો વધાર્યો. સ્થિર, રંગભેદવિહીન અને વિકાસલક્ષી અર્થકારણ દ્વારા આ વિસ્તારમાં તેમણે એક સ્વાવલંબી રાષ્ટ્રનો વિશિષ્ટ નમૂનો રજૂ કર્યો.

જયંતી પટેલ