ખારવેલ : (ઈ. પૂ. પહેલી સદી) કલિંગ(ઓરિસા)નો પ્રસિદ્ધ પ્રાચીન રાજવી. એ ચેદિ વંશનો ત્રીજો રાજા હતો. એ સોળમા વર્ષે યુવરાજ અને ચોવીસમા વર્ષે મહારાજપદે આવ્યો હતો. ખારવેલે કલિંગ નગરીનો અનેક રીતે ર્જીણોદ્ધાર કર્યો. એણે પશ્ચિમમાં કૃષ્ણા નદી સુધી વિજયકૂચ કરી, જૂની નહેરને રાજધાની સુધી લંબાવી, મગધના પાટનગર રાજગૃહને તારાજ કર્યું. રાજધાનીમાં મહાવિજય-પ્રાસાદ કરાવ્યો, ઉત્તર ભારત પર પુન: આક્રમણ કરી કલિંગની જિનની પ્રતિમા પાછી મેળવી. દક્ષિણ ભારત પર પુન: આક્રમણ કરી પાંડ્ય રાજાનો પરાભવ કર્યો. તેરમા વર્ષે કુમારીપર્વત (ઉદયગિરિ) ઉપર જૈન સાધુઓ માટે ગુહાશ્રય કરાવ્યો. આ મહાવિજયી રાજવી સર્વ સંપ્રદાયો પ્રત્યે સદભાવ ધરાવતો હતો. તે માહિતી ઉદયગિરિ(જિ. પુરી)ની હાથી-ગુફામાં કોતરેલા શિલાલેખમાં આપેલી છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી