ખાફીખાન : સત્તર અને અઢારમી સદી દરમિયાન થઈ ગયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ મહમ્મદ હાશિમઅલી ખાફીખાન. તેઓ ખાફીના ટૂંકા અને હુલામણા નામથી વધારે જાણીતા હતા. ખોરાસાનમાંના ખોફ નામના પ્રદેશના મૂળ વતની હોવાના કારણે આ નામ પડ્યું હોવાનો સંભવ છે. તેઓ ઔરંગઝેબના સમકાલીન હતા અને તેમના પછી ગાદીએ આવેલ ફરૂખશિયર તથા મહમ્મદશાહના શાસન દરમિયાન પણ તેમણે રાજ્યની સેવા કરી હતી.

તેમના પિતા ખ્વાજા મીર ઔરંગઝેબના ભાઈ મુરાદબક્ષની પાસે નોકરી કરતા હતા. તેઓ પોતે પણ ઇતિહાસકાર હતા. આ કારણે ખાફીખાને પણ ઇતિહાસલેખનમાં રસ લીધો હતો. મુરાદબક્ષની નોકરી છોડી ઔરંગઝેબના સૈન્ય તથા દરબારમાં ખાફીખાને સુંદર કામગીરી બજાવી હતી. ફરૂખશિયરના શાસન દરમિયાન નિઝામ ઉલ્ મુલ્કે તેમને દીવાન બનાવ્યા હતા. ઔરંગઝેબના શાસન દરમિયાન તેમણે તેમના ઇતિહાસગ્રંથ ગુપ્ત રાખ્યા હતા. મહમ્મદશાહની કારકિર્દી દરમિયાન તેમણે ફારસી ભાષામાં લખેલા ‘મન્ત ખબુલ ઉલ લુબાબ મુહમદ શાફી’ ગ્રંથથી તેમને ઇતિહાસકાર તરીકે ખ્યાતિ મળી હતી. આ ગ્રંથમાં બાબરે હિંદ ઉપર 1519માં ચડાઈ કરી ત્યારથી મહમદશાહના શાસનનાં ચૌદ વરસ સુધીનો ઇતિહાસ છે. તેમની લેખનશૈલી સચોટ અને સબળ છે. ગ્રંથનો ઉત્તરાર્ધ પૂર્વાર્ધ કરતાં વધારે વિશ્વસનીય છે. તેમાં ઔરંગઝેબની કારકિર્દીનું સંપૂર્ણ વર્ણન છે. શિવાજીના ગુણોની પ્રશંસા કરનાર તેઓ એકમાત્ર મુસ્લિમ ઇતિહાસકાર છે.

શિવપ્રસાદ રાજગોર