ક્રુટ્ઝન, પૉલ (જ. 3 ડિસેમ્બર 1933, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 28 જાન્યુઆરી 2021, મેઇન્ઝ, જર્મની) : સમતાપમંડલીય (sratospheric) ઓઝોનના વિઘટન માટે નાઇટ્રોજન ઑક્સાઇડ સંયોજનો જવાબદાર હોવાનું નિદર્શન કરનાર અને 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ડચ રસાયણવિદ ક્રુટ્ઝને 1954માં ઍમ્સ્ટરડૅમમાંથી સિવિલ ઇજનેરીનો અભ્યાસ પૂરો કરી 1968માં મોસમવિજ્ઞાનમાં (meteorology) પીએચ.ડી. પદવી મેળવી. તેમણે સમતાપમંડલ (stratosphere) અને ક્ષોભમંડલ(troposphere)માં ઓઝોનનો પ્રકાશરાસાયણિક અભ્યાસ તથા ખૂબ ઊંચે ઊડતાં વિમાનો દ્વારા સમતાપમંડલના પ્રદૂષણ અંગે સંશોધન કરી 1973માં સ્ટૉકહોમ યુનિવર્સિટીમાંથી ડી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1974માં તેઓ કૉલોરેડો યુનિવર્સિટી (યુ.એસ.)માં જોડાયા અને 1987માં શિકાગો યુનિવર્સિટી તરફ પ્રયાણ કર્યું. 1992થી તેમણે સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ ઓશનૉગ્રાફી(કૅલિફૉર્નિયા યુનિવર્સિટી)માં ખંડસમયના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેમણે મૅક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર કેમિસ્ટ્રી, મેઇન્ઝ (જર્મની) ખાતે પણ કામ કર્યું છે.
1970માં ક્રુટ્ઝને શોધી કાઢ્યું કે મુખ્યત્વે જમીનમાંના જીવાણુઓ (bacteria) દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થતો અક્રિય (nonreactive) નાઇટ્રસ ઑક્સાઇડ (N2O) ઊંચે સમતાપમંડલમાં પહોંચે છે, જ્યાં સૂર્યની ઊર્જા તેને બે સક્રિય સંયોજનો – નાઇટ્રિક ઑક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડમાં ફેરવે છે. આ સંયોજનો થોડો સમય સક્રિય રહે છે ત્યારે તેઓ ઉદ્દીપકીય રીતે વાતાવરણમાંના ઓઝોન (O3) સાથે પ્રક્રિયા કરી તેનો અપચયન-વેગ પ્રવેગિત કરે છે અને તેનું આણ્વીય ઑક્સિજનમાં ખંડન કરે છે. તેમનું સંશોધનકાર્ય તે જ વર્ષે ‘ધ ક્વાર્ટર્લી જર્નલ ઑવ્ ધ રૉયલ મિટિયોરૉલૉજિકલ સોસાયટી’માં પ્રકાશિત થયેલું.
આ સમતાપમંડલીય ઓઝોન સ્તરનું સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી ઉપરના જીવન(Earth’s life)ને રક્ષણ આપવામાં મોટું પ્રદાન છે. 1970ના દાયકામાં જ શેરવૂડ રોલેન્ડ અને મેરિયો મોલિનાએ વાતાવરણને પ્રદૂષિત કરતા વાયુઓ અંગે અભ્યાસ કરી શોધ્યું હતું કે પ્રશીતકો (refrigerents) અને વાયુવિલય-નોદકો તરીકે વપરાતાં ક્લૉરોફ્લૉરોકાર્બન (CFC) સંયોજનો વાતાવરણમાં ઊંચે જાય છે અને ત્યાં 100 વર્ષ સુધી ટકી રહે છે. આ સંયોજનો પારજાંબલી કિરણોની અસર હેઠળ વિઘટન પામે છે અને તેમાંથી ઉદભવતા ક્લોરિન પરમાણુઓ પણ ઓઝોન વાયુનું વિઘટન કરે છે. આને લીધે ઓઝોન સ્તરમાં ગાબડાં પડે છે. પરિણામે પૃથ્વી ઉપર વધુ માત્રામાં પારજાંબલી કિરણો આવતાં અનેક રોગો ઉદભવી શકે છે. 1980ના દાયકાના મધ્યમાં આ સિદ્ધાંતોનો સ્વીકાર થયેલો.
ક્રુટ્ઝન, રૉલેન્ડ અને મોલિનાએ કરેલાં સંશોધનોને કારણે 1987માં યુનાઇટેડ નૅશન્સે ખરડો પસાર કર્યો હતો કે 1996 પછી CFCના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો.
ક્રુટ્ઝન યુરોપ અને યુ.એસ.ની એકૅડેમિક સોસાયટીઓમાં ચૂંટાયા છે. વળી અનેક આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડથી તેમનું સન્માન કરવામાં આવેલું છે.
ક્રુટ્ઝન સાથે મેરિયો મોલિના અને એફ. શેરવૂડ રૉલેન્ડને પણ ઓઝોનની ઉત્પત્તિ અને તેના વિઘટન અંગેનાં વાયુમંડલીય સંશોધનો બદલ 1995નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.
પ્રહલાદ બે. પટેલ