ક્રુજર રાષ્ટ્રીય ઉદ્યાન (Kruger National Park) : દક્ષિણ આફ્રિકામાં આવેલો, દુનિયાનો મોટામાં મોટો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 24° 00’ દ. અ. અને 31° 40’ પૂ. રે.. ઈશાન ટ્રાન્સવાલમાં આવેલા આ ઉદ્યાનની દક્ષિણે ક્રોકોડાઇલ નદી, ઉત્તરે લિમ્પોપો અને લુહુ નદીઓ, પૂર્વ તરફ મોઝામ્બિક દેશની સીમા તથા લિબોમ્બો પર્વતો આવેલા છે. તેની પશ્ચિમે ટ્રાન્સવાલનો બાકીનો ભાગ આવેલો છે. આ ઉદ્યાનની લંબાઈ આશરે 350 કિમી અને પહોળાઈ આશરે 60 કિમી. જેટલી છે. એ રીતે તેનો સમગ્ર વિસ્તાર 19,455 ચોકિમી. જેટલો થાય છે.

દુનિયાભરના પ્રવાસીઓ માટે આ ઉદ્યાન આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં દર વર્ષે પ્રવાસીઓની અવરજવર રહે છે. ઉદ્યાનને સામનો કરવી પડતી મુખ્ય સમસ્યાઓમાં દુકાળની પરિસ્થિતિ તથા વન્ય પ્રાણીઓને ઓછાં કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી તેમની હત્યાનો કે અનધિકૃત શિકારનો સમાવેશ થાય છે.

આ ઉદ્યાનમાં વિવિધ જાતનાં પ્રાણીઓ વસે છે. તેમાં પક્ષીઓની આશરે 517 જાતિઓ જેમાં 253 કાયમી વસવાટ કરનારાં છે. 117 જેટલાં યાયાવર પક્ષીઓ છે, જ્યારે 147 ભટકતાં પક્ષીઓ છે. મુખ્ય પક્ષીઓમાં ગરુડ, કોરી બસ્ટાર્ડ, હોર્નબીલ, ઘુવડ છે. 150 સસ્તન જાતિઓ જેમાં મુખ્યત્વે આફ્રિકન જંગલી કૂતરા 120, ચિત્તા 120, દીપડા 1000, સિંહ 1700, જરખ 5300, હાથી 1400, જિરાફ 10,000, હિપોપૉટેમસ 3000, ઇમ્પાલા 1,80,000, જંગલી ભેંસ 3700 ઝિબ્રા 40,000, હરણ, સાબર વગેરે જોવા મળે છે. મગરની સંખ્યા 4,500 છે. ગેંડાનું પ્રમાણ ઘટી ગયું છે. જળાશયોમાં 50 મત્સ્યજાતિઓ જેમાં શાર્ક મુખ્ય છે. 50 પ્રકારના દેડકાં અને 40 જાતના સાપ પણ જોવા મળે છે. (2011)

અંદાજે 7,000 હાથીઓનું વતન ગણાતો દુનિયાનો મોટામાં મોટો રાષ્ટ્રીય ઉદ્યાન – ક્રુજર રાષ્ટ્રીય ઉદ્યાન

આ ઉદ્યાનનું નામ, દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક(ટ્રાન્સવાલ)ના છેલ્લા પ્રમુખના પૉલસ ક્રુજર નામ પરથી અપાયેલું છે. 1884માં તેમણે સૂચન કરેલું કે ભાવિ પેઢીઓના મનમાં કુદરતની પરંપરાનો ખ્યાલ જળવાઈ રહે તે માટે આ વિસ્તારને અલગ પાડવો જોઈએ. તેમના આ સૂચનથી 1898માં સાબી અભયારણ્યની સ્થાપના કરવામાં આવી. તેમાંથી છેવટે 1926માં ક્રુજર રાષ્ટ્રીય ઉદ્યાન વિકસાવવામાં આવ્યું. આ ઉદ્યાનને જહેમત કરી આગળ લાવવામાં અને તેનું સંવર્ધન કરવામાં કર્નલ જેમ્સ સ્ટીવન્સન હૅમિલ્ટનનો ઘણો મોટો ફાળો હોવાથી તેમને આ ઉદ્યાનના પિતા ગણવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા