પ્રહલાદનદેવ (ઈ. સ. 1163થી 1219) : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુ પ્રદેશના પરમાર વંશના રાજા યશોધવલનો પુત્ર તથા રાજા ધારાવર્ષનો અનુજ. તેની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. તેના વડીલ બંધુ ધારાવર્ષ પિતાના અવસાન બાદ રાજા બન્યા, ત્યારે પ્રહલાદન અનુજ હોવાથી યુવરાજ બન્યો. ધારાવર્ષની હયાતીમાં તેનું નિધન થવાથી તે કદી રાજા બની શક્યો નહિ. તેથી તે ‘યુવરાજ પ્રહલાદનદેવ’ તરીકે ઓળખાય છે. રાજા કુમારપાળના અવસાન બાદ મેવાડના ગુહિલ સામંતસિંહે પોતાની સત્તા વિસ્તારવા માંડી અને અજયપાળ સાથે તેને યુદ્ધ થયું. આ યુદ્ધમાં પ્રહલાદને અજયપાળનું રક્ષણ કર્યું. એણે આબુની દક્ષિણે પ્રહલાદનપુર (હાલનું પાલણપુર, જિ. બનાસકાંઠા) નામે નગર વસાવ્યું.

પ્રહલાદનદેવ કવિ અને સાહિત્યકાર હતા. વિદ્વાન અને કવિ તરીકે તેમણે ‘પાર્થપરાક્રમ’ નામનું વ્યાયોગ પ્રકારનું નાટ્ય રચ્યું હતું. તેમાં મહાભારતના વિરાટ પર્વમાંથી કૌરવો દ્વારા બળપૂર્વક લઈ જવામાં આવતી, વિરાટ રાજાની ગાયોને અર્જુને એકલા હાથે પાછી વાળવાનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. કાંચનાચાર્યે રચેલા ‘ધનંજયવિજય’ વ્યાયોગ(એકાંકી નાટક)માં પણ આ જ પ્રસંગ વર્ણવ્યો છે. પ્રહલાદનદેવની રચના મધુર અને પ્રવાહી છે. ‘પાર્થપરાક્રમ’ વ્યાયોગના કેટલાક શ્ર્લોકો ‘સદુક્તિકર્ણામૃત’ નામના સુભાષિતસંગ્રહમાં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે, તે કવિ તરીકેની તેમની સિદ્ધિ દર્શાવે છે.

ગુર્જરેશ્વરપુરોહિત મહાકવિ સોમેશ્વરે તેમના ‘કીર્તિકૌમુદી’ નામના જાણીતા મહાકાવ્યમાં પ્રહલાદનદેવની ઘણી પ્રશંસા કરી છે, કારણ કે સોમેશ્વરના પિતા કુમાર પ્રહલાદનદેવના શિષ્ય હતા. કવિ સોમેશ્વરે એમને સરસ્વતીપુત્ર કહ્યા છે. એ ષડ્દર્શનના આધારસ્તંભ અને સકલ-કલાકોવિદ હતા. વસ્તુપાળ અને તેજપાળના સાહિત્યિક વર્તુળમાં પ્રહલાદનદેવ કળાઓ અને ષડ્દર્શનના જ્ઞાની, કવિ તથા શૂરવીર રાજકુમાર હોવાથી અનોખી છાપ ઊભી કરે છે.

सोमसौभाग्यकाव्य(પંદરમી સદીનો અંત)માં પ્રહલાદનદેવનાં સ્થાપત્યકીય કાર્યો માટે પ્રશંસા કરવામાં આવી છે. ઈ.સ. 1183(વિ.સં. 1240)ના અજારી લેખમાં ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના રાજ્યકાળ દરમિયાન પ્રહલાદનકુમારની પત્નીએ અર્હત જોગદેવને ભૂમિદાન આપ્યાનો નિર્દેશ છે.

ભારતી શેલત

પ્ર. ઉ. શાસ્ત્રી