ગ્રાન્ટ, યુલિસીઝ (જ. 27 એપ્રિલ 1822, પ્લેઝન્ટ પૉઇન્ટ, ઓહાયો; અ. 23 જુલાઈ 1885, માઉન્ટ મૅક્રીગૉર [Mckregor] ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અમેરિકાના પ્રસિદ્ધ સેનાપતિ અને યુ.એસ.ના અઢારમા પ્રમુખ (1868–1876).
પિતા જેસે ગ્રાન્ટ ચામડાં કમાવવાનો વ્યવસાય કરતા હતા. માતા હાના સિમ્પસન મહેનતુ, પવિત્ર અને સાહસિક સ્ત્રી હતી. યુલિસીઝને પિતાના ધંધામાં રસ ન હતો, પણ તેણે ઘોડા કેળવવાની થોડી કુશળતા પ્રાપ્ત કરી હતી.
1839–1843 સુધી તેમણે વેસ્ટ પૉઇન્ટની લશ્કરી શાળામાં તાલીમ લીધી. મેક્સિકો સાથેના યુદ્ધમાં ચોથી પાયદળ ટુકડીના સેકંડ લેફ્ટનન્ટ તરીકે જોડાઈને તેમણે પ્રશસ્ય કામગીરી કરી. સેન્ટ લુઇના વસવાટ દરમિયાન જુલિયા બોગ્ઝ ડેન્ટ સાથે લગ્ન કર્યાં. ત્યારબાદ દારૂના ભારે વ્યસનને કારણે તેમને નોકરી છોડી દેવી પડી.
અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન ઇલિનૉઇ રેજિમેન્ટના કર્નલ તરીકે તે લશ્કરમાં જોડાયા અને નમ્ર, ગંભીર, વિશ્વાસુ પણ ર્દઢ મનોબળવાળા અને હિંમતવાળા અધિકારી તરીકે તેમણે નામના મેળવી. તેમના લશ્કરી વિજય જોઈને પ્રમુખ અબ્રાહમ લિંકને તેમની નેતૃત્વની શક્તિ પિછાની તેમને સમગ્ર સમવાયી લશ્કરમાં પ્રથમ લેફટનન્ટ-જનરલ અને 1864માં સરસેનાપતિ તરીકે નીમ્યા. 1864ના મે માસમાં જનરલ લી સામેની કામગીરી સંભાળી. 1865ના રોજ જનરલ લીને શરણાગતિ સ્વીકારવા ફરજ પાડી. આમ, યુ.એસ.ના ભાગલા પડતા અટકી ગયા.
1868માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે ડેમોક્રૅટિક પક્ષના ઉમેદવારને હાર આપી તેઓ યુ.એસ.ના અઢારમા પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે દક્ષિણનાં રાજ્યો તરફ ઉદાર વર્તાવ દાખવી યુદ્ધગ્રસ્ત દેશને બેઠો કર્યો. તેમણે રંગભેદમાં માનતા ક્લુક્સ ક્લેન મંડળની પ્રવૃત્તિને દાબી દીધી. 1872માં વેપારી અને બૅંકિંગ વ્યવસાયીઓના ટેકાથી ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્રીજી વખત પ્રમુખ માટે ઉમેદવારી કરી પણ તે નિષ્ફળ ગયા. પરદેશ સાથેના સંબંધોમાં તેમણે તેના કુશળ સેક્રેટરી ઑવ્ સ્ટેટ્સના સહકારથી સારી સફળતા મેળવી હતી. બે વરસ યુરોપમાં યાત્રા કર્યા બાદ ઉદ્યોગ-ધંધામાં પડ્યા પણ નિષ્ફળ ગયા ને દેવામાં ડૂબી ગયા. તેમણે તેમનાં સંસ્મરણો બે ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યાં છે. તેમનું મૃત્યુ ગળાના કૅન્સરથી થયું હતું. તેમની ભવ્ય કબર ન્યૂયૉર્ક શહેરમાં નદીકિનારે છે.
શિવપ્રસાદ રાજગોર