ગૌડપાદાચાર્ય : આદ્ય શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્યના પણ ગુરુ અર્થાત્ શંકરાચાર્યના પરમ ગુરુ. તેમની પાસેથી શંકરાચાર્યે બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્તોનું જ્ઞાન મેળવ્યું હતું. માંડૂક્યકારિકાભાષ્ય પરની ટીકામાં આનંદગિરિ જણાવે છે કે ગૌડપાદ નર-નારાયણના પવિત્ર ધામ બદરિકાશ્રમમાં રહીને ધ્યાન ધરતા હતા તેથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે તેમને ઉપનિષદોનું રહસ્યાત્મક જ્ઞાન આપ્યું. શક્ય છે કે તેઓ બદરિકાશ્રમમાં રહ્યા હોય અને ત્યાં તેમને પરમ તત્વનું જ્ઞાન સ્ફુર્યું હોય, જે તેમણે આગમશાસ્ત્ર કે માંડૂક્યકારિકા કે ગૌડપાદકારિકામાં જગત સમક્ષ મૂક્યું.
બીજી કેટલીક કૃતિઓ ગૌડપાદની મનાય છે, પણ તેમને વિશે વિદ્વાનોને શંકા છે : સાંખ્યકારિકાભાષ્ય, ઉત્તરગીતાવૃત્તિ, નૃસિંહોત્તર-તાપનીયોપનિષદભાષ્ય, અનુગીતાભાષ્ય. આ ઉપરાંત સુભગોદય-સ્તુતિ, શ્રીવિદ્યારત્નસૂત્ર, દુર્ગાસપ્તશતીભાષ્ય, જે તાંત્રિક રચનાઓ છે તે પણ ગૌડપાદની છે એમ મનાય છે. કેટલાક માને છે કે બે ગૌડપાદ હશે.
ગૌડપાદકારિકાની એક કારિકા (3.5) બૌદ્ધ ચિંતક ભાવવિવેકના ‘તર્કજ્વાલા’ નામના ગ્રંથમાં મળી આવે છે તેથી ગૌડપાદનો સમય ઈસવી સનની પાંચમી સદી હોવાનું વિદ્વાનો માને છે; જો કે શંકરાચાર્યના પરમ ગુરુ હોય તો આ સમયનિર્ણયનો તેની સાથે મેળ બેસતો નથી. હવે ઘણા વિદ્વાનો માનતા થયા છે કે શંકરાચાર્યનો જે સમય ઈ. સ. 788–820 સ્વીકારવામાં આવે છે તેને વિશે નવેસરથી વિચાર કરવો જોઈએ.
ગૌડપાદકારિકાના કર્તા ગૌડપાદ વિશે અનેક મત પ્રવર્તે છે. આ કારિકાઓનાં ચાર પ્રકરણ છે જેના કર્તા જુદા જુદા હશે પણ બધામાં ગૌડ પ્રદેશમાં પ્રચલિત મત પ્રતિપાદિત થયો છે માટે ‘ગૌદપાદકારિકા’ નામ પડ્યું અથવા ‘ગૌડપાદ’માં ‘પાદ’ માનવાચક છે અને ‘ગૌડ’ એ કર્તાનું નામ છે જે નામ તેમને સંન્યાસ લીધા પછી મૂળ ગૌડ પ્રદેશમાં વસતા કુળના હોવાને કારણે મળ્યું હોય અથવા લોકો તેમને એ નામે એ કારણે ઓળખતા હોય.
ગૌડપાદકારિકા કે માંડૂક્યકારિકાનાં ચાર પ્રકરણ આ પ્રમાણે છે : આગમપ્રકરણ, વૈતથ્યપ્રકરણ, અદ્વૈતપ્રકરણ અને અલાતશાન્તિ-પ્રકરણ.
આગમ પ્રકરણમાં માંડૂક્યોપનિષદના 12 ગદ્ય-મંત્રો અને તેમના મુદ્દાઓને સમાવતી અને ક્યારેક તેનો વિસ્તાર કરતી કે નવા મુદ્દા રજૂ કરતી 29 કારિકાઓ છે : 1–6 ગદ્ય-મંત્રો પછી 1–9 કારિકા, 7મા ગદ્યમંત્ર પછી 10–18 કારિકા, 8–11 ગદ્ય-મંત્રો પછી 19—23 કારિકા અને 12મા મંત્ર પછી 24–29 કારિકા. દરેક વખતે કારિકાઓની શરૂઆત अत्रैते श्लोका भवन्ति-થી કરી છે તેથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે; જેમ કે :
માત્ર 12 ગદ્ય-મંત્રોનું માંડૂક્યોપનિષદ છે કે 12 ગદ્ય-મંત્રો અને 29 કારિકાનું બનેલું માંડૂક્યોપનિષદ છે ? ગદ્યમંત્રો વધારે પ્રાચીન કે કારિકા ? એકની બીજાને આધારે રચના થઈ કે બંને સ્વતંત્ર હતાં અને જોડી દેવાયાં, વગેરે વગેરે. કેવલાદ્વૈત પરંપરા પ્રમાણે 12 ગદ્યમંત્રો તે માંડૂક્યોપનિષદ અને 29 કારિકાઓ તેની વ્યાખ્યા રૂપે છે; જ્યારે દ્વૈતવાદી વેદાંતી અને બીજા કેટલાક સમગ્ર પ્રકરણને શ્રુતિ માને છે.
આ પ્રકરણમાં ૐકારની ઉપાસનાનું પ્રતિપાદન છે. આત્માનું સ્વરૂપ અને તેનો બ્રહ્મથી અભેદ બતાવવા માટે, अ, उ, म् અને स् માત્રને પ્રતીક માની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય અવસ્થાઓનો ખ્યાલ આપ્યો છે. વચ્ચે સૃષ્ટિવિષયક જુદા જુદા મતોનો ઉલ્લેખ કર્યો છે.
વૈતથ્ય પ્રકરણની 38 કારિકાઓમાં જગતનું મિથ્યાત્વ, જાગ્રતાવસ્થા અને સ્વપ્નાવસ્થાના અનુભવોની સમાનતા બતાવીને સિદ્ધ કર્યું છે. અદ્વૈત પ્રકરણની 48 કારિકાઓમાં ઉપનિષદ વચનોનો આધાર લઈને તેમજ દલીલો રજૂ કરીને એક અદ્વિતીય ચિત્સ્વરૂપ પરમ તત્વ છે અને તેના સિવાય બીજું કશું નથી એમ પ્રતિપાદિત કર્યું છે.
અલાતશાન્તિપ્રકરણમાં 100 કારિકાઓ છે. તેના આરંભમાં જ द्विपदां वरम् અને અસ્પર્શયોગનો ઉપદેશ આપનારને નમસ્કાર કર્યા છે (આ પ્રકરણને સ્વતંત્ર કૃતિ માનવા માટે આ સારી દલીલ ગણાય છે). द्विपदां वरम् એ બુદ્ધ એમ કેટલાક માને છે, જ્યારે બીજા માને છે કે નારાયણને નમસ્કાર કર્યા છે.
આ પ્રકરણમાં તર્ક દ્વારા કાર્યકારણવાદનું ખંડન કર્યું છે અને અજાતિવાદની સ્થાપના કરી છે. અહીં અલાત(મશાલ)નું ઉદાહરણ આપ્યું છે. તેને ગોળ ફેરવવામાં આવે તો ચક્રાકાર ભાસે છે; સીધું કે વાંકુંચૂકું ફેરવવામાં આવે તો સીધી કે વક્ર લીટી ભાસે છે. વાસ્તવમાં કોઈ પણ સ્થિતિમાં એ ચક્રાકાર કે સીધી લીટી કે વાંકી લીટી છે જ નહિ, એ તો જે છે તે જ છે. માત્ર ઝડપથી ફેરવવામાં આવે છે તેથી બે સ્થિતિ વચ્ચેનું અંતર ધ્યાનમાં આવતું નથી. આ ચક્ર કે સીધી કે વક્ર લીટી અલાતમાંથી ઉત્પન્ન થયેલ નથી અને અલાતને ફરતું અટકાવી દેતાં તે દેખાતાં બંધ થાય છે ત્યારે ક્યાંય બહાર જતાં નથી કે અલાતમાં લીન થતાં નથી. ખરેખર તો એ હતાં જ નહિ તેથી ક્યાંય જવાનો કે લીન થવાનો પ્રશ્ન જ નથી. તેવું વિજ્ઞાનના સ્પંદનથી ભાસતા બાહ્ય-આન્તરભાવોનું છે – જે વિજ્ઞાનથી અલગ છે જ નહિ, અને વિજ્ઞાન સ્પંદન કરતું અટકી જાય, મન અમન બની જાય ત્યારે ભાસતા બાહ્ય-આન્તરભાવો રહેતા નથી.
આ પ્રકરણમાં કેટલાક શબ્દ (‘ધર્મ’, ‘સંવૃતિ’ વગેરે) એવા પ્રયોજ્યા છે જે બૌદ્ધ ગ્રંથોમાં વપરાતા હોય અથવા તેમની છાયાવાળા છે. વળી અહીં દલીલો પર પણ શૂન્યવાદ અને વિજ્ઞાનવાદનો પ્રભાવ જણાય છે એમાં શંકા નથી. પણ તેથી કેટલાક માને છે તેમ ગૌડપાદ બૌદ્ધ જ હતા એમ માની લેવું યોગ્ય નથી. ગૌડપાદના અદ્વૈતવિચારનાં મૂળ તો શ્રૌત પરંપરામાં જ છે અને ક્રમે ક્રમે વિજ્ઞાનથી બાહ્ય જે કંઈ ભાસે તે મિથ્યા છે તે પ્રતિપાદિત કરવા માટેની પરિભાષા વિકસતી ગઈ તેમાં ગૌડપાદના સમયમાં હજુ બૌદ્ધ દર્શનના શબ્દો પ્રયોજવા પડ્યા, જે પણ શંકરાચાર્યના સમયથી લગભગ બંધ થયું. એટલું જ કહી શકાય કે ઉપનિષદોના અદ્વૈતવિચાર સાથે સંગત અને યુક્તિયુક્ત લાગ્યું તે ગૌડપાદે ખુલ્લા મનથી સ્વીકાર્યું અને ઔપનિષદ અદ્વૈતવિચારના પરિવેશમાં તેને સમાવી લીધું. આ રીતે જ કોઈ પણ કાળ કે દેશમાં વિચાર-વિકાસ શક્ય બનતો હોય છે.
એસ્થર સોલોમન