ગૌડ, રામદાસ (જ. 1881 જૌનપુર, અ. 1937 બનારસ) : મૂળ રસાયણશાસ્ત્રી અને હિંદીને માધ્યમ બનાવી વૈજ્ઞાનિક વિષયો પર  લખનારા પ્રસિદ્ધ તજજ્ઞ. અભ્યાસ બનારસ અને અલાહાબાદમાં થયો અને 1903માં મ્યોર સેંટ્રલ કૉલેજ, અલાહાબાદમાં બી.એ. થયા. ત્યારબાદ અનેક શિક્ષણસંસ્થાઓમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી, પરંતુ અસહકાર આંદોલન ફેલાતાં એમણે વિશ્વવિદ્યાલયની નોકરી છોડી દીધી. ત્યાર પછી ‘રસ’ અને ‘રઘુપતિ’ના ઉપનામથી હિંદીમાં લખવાનું શરૂ કર્યું. સ્ત્રી-શિક્ષણના હિમાયતી હોવાથી પ્રયાગથી પ્રકાશિત થતી પત્રિકા – ‘ગૃહલક્ષ્મી’માં સ્ત્રીઓને માર્ગદર્શક એવા લેખો લખવા માંડ્યા. એમના પ્રયત્નોથી પ્રયાગમાં ‘વિજ્ઞાન પરિષદ’ સ્થપાઈ અને એના ઉપક્રમે ‘વિજ્ઞાન’ નામની પત્રિકા માટે સામગ્રી એકઠી કરવા ભારે પરિશ્રમ કર્યો. એમાં વિજ્ઞાનની લગભગ દરેક શાખાને સ્પર્શતા લેખો છપાયા. વિજ્ઞાન ઉપરાંત સંસ્કૃતમાં પણ ગૌડજીને ભારે રસ હતો. તેમણે લખેલો ‘હિંદુત્વ’ નામનો ગ્રંથ (1938) હિંદુ ધર્મ અને દર્શનના જ્ઞાનકોશ સમાન ગણાય છે. એમણે ‘વૈજ્ઞાનિક અદ્વૈતવાદ’ નામે પુસ્તક લખેલું જે 1920માં પ્રગટ થયેલું છે. ‘રામચરિતમાનસ’ના પાઠ-સંશોધનની એમણે વિશિષ્ટ કામગીરી પણ બજાવી છે. એમનો આ સમીક્ષિત પાઠ પ્રમાણભૂત મનાયો છે.

પ્રવીણચંદ્ર પરીખ