ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ (જ. 9 માર્ચ 1758, ટીફેનબ્રોન, બાડેન; અ. 22 ઑગસ્ટ 1828, પેરિસ) : શરીરરચના અને દેહધર્મવિદ્યા (anatomy and physiology)ના જર્મન નિષ્ણાત. ખોપરીના વિશિષ્ટ આકાર પરથી મગજમાં આવેલાં જુદાં જુદાં ક્ષેત્રોનાં કાર્યો માટે કારણદર્શક સંબંધ સૂચવવામાં તે અગ્રેસર હતા. આ વિષયને લગતું વિજ્ઞાન મસ્તકવિજ્ઞાન (phrenology) તરીકે ઓળખાય છે. ગૉલની માન્યતા મુજબ ખોપરીની સપાટીના નિરીક્ષણ પરથી મગજના જુદા જુદા વિસ્તારોનાં કાર્યો વિશે ચોક્કસ ખ્યાલ મેળવી શકાય છે. પોતાના વિચારોના સમર્થનમાં વિયેનામાં ગૉલે મસ્તિષ્ક દર્શન (ranioscopy) પર કેટલાંક લોકભોગ્ય પ્રવચનો કર્યાં હતાં; પરંતુ તેનાથી ધર્મોપદેશકો ખિજાયા હતા. પરિણામે ઑસ્ટ્રિયાની સરકારે એમની પ્રવૃત્તિ પર મનાઈ હુકમ લાદ્યો હતો. છેવટે ગૉલને દેશત્યાગ કરવાની ફરજ પડી હતી.
મગજમાં બે પ્રકારનાં દ્રવ્યો હોય છે : ભૂખરું દ્રવ્ય (grey matter) અને શ્વેતદ્રવ્ય (white matter), તેવું નિરીક્ષણ સૌપ્રથમ ગૉલે કર્યું હતું.
ફ્રેન્ચ શલ્યચિકિત્સક (surgeon) પાઉલ બ્રાસે મગજમાં વિશિષ્ટ સ્થાને આવેલ વાચાકેન્દ્ર (speech-centre)ની શોધ કરી. આ શોધ ગૉલના મગજનાં કેન્દ્રોની સ્થાનિક ગોઠવણ વિશેના કથનનું સમર્થન કરે છે; પરંતુ ખોપરીની સપાટીની જાડાઈ એકસરખી નહિ હોવાથી, યોગ્ય પુરાવાના અભાવે ગૉલે પ્રતિપ્રાદિત કરેલું મસ્તિષ્કવિજ્ઞાન અસ્વીકાર્ય નીવડ્યું.
મ. શિ. દૂબળે