ગૉલશ્મિટ, વિક્ટર મોરિત્સ

February, 2011

ગૉલશ્મિટ, વિક્ટર મોરિત્સ (જ. 27 જાન્યુઆરી 1888, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 20 માર્ચ 1947, ઑસ્લો, નૉર્વે) : અકાર્બનિક સ્ફટિક-રસાયણશાસ્ત્ર અને આધુનિક ભૂરસાયણશાસ્ત્રનો પાયો નાખનાર નૉર્વેજિયન ખનિજશાસ્ત્રી અને ખડકવિદ. 1900માં કુટુંબ સાથે નૉર્વે ગયા. નૉર્વેની યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી વાલ્ડિમેર સી. બ્રોગરના વિદ્યાર્થી બન્યા. અભ્યાસકાળ પૂરો થતાં 1914માં મિનરૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને ડિરેક્ટર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો, તે અગાઉ 1911માં ‘કૉન્ટેક્ટ મેટામૉર્ફિઝમ ઇન ધ ક્રિસ્ટિયાનિયા રીજિયન’ પર અગ્રગણ્ય કામ કરેલું હોવાથી ખ્યાતિ મળી ચૂકેલી. તેમાં ખડકો પરની ઉષ્ણતાવિકૃતિના વિસ્તૃત અભ્યાસનો નિચોડ જોવા મળે છે; એટલું જ નહિ, તેમાં વિકૃત ખડકોના ખનિજવિષયક અને રાસાયણિક બંધારણના સહસંબંધને પ્રસ્થાપિત કરતા પાયાના સિદ્ધાંતો પણ વણી લીધેલા છે. 1921માં ‘ઇન્જેક્શન મેટામૉર્ફિઝમ ઇન ધ સ્ટેવેન્જર રીજિયન’ નામે તેમણે પ્રકાશિત કરેલો અભ્યાસ દાદ માગી લે એવો છે. તેમાં અસ્તિત્વ ધરાવતા પ્રાદેશિક ખડકનિક્ષેપોમાં મૅગ્માજન્ય અંતર્ભેદનોને કારણે ઉત્પન્ન થયેલી સંરચનાઓની માહિતી છે.

વિક્ટર મોરિત્સ ગૉલશ્મિટ

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કાચા માલની દુનિયાભરમાં પ્રર્વતેલી અછતને કારણે ગૉલશ્મિટ ભૂરસાયણશાસ્ત્રમાં સંશોધનો કરવા પ્રેરાયા અને વિશ્વયુદ્ધ બાદ તેમાં પ્રગતિ થઈ, જેમાંથી આધુનિક ભૂરસાયણશાસ્ત્રનાં પગરણ મંડાયાં. આ વિશદ અભ્યાસના પરિપાક રૂપે 1923–1938 દરમિયાન ‘ધ જિયૉકેમિકલ લૉઝ ઑવ્ ધ ડિસ્ટ્રિબ્યૂશન ઑવ્ ધી એલિમેન્ટ્સ’ નામે ગ્રંથ બહાર પડ્યો, જે આજે પણ અકાર્બનિક સ્ફટિક-રસાયણશાસ્ત્રના પાયારૂપ ગણાય છે. 1929માં તે જર્મનીની ગોટીન્જન યુનિવર્સિટીમાં જોડાયા; પરંતુ છ વર્ષ બાદ, જર્મનીમાં નાઝી સત્તાના ઉદય બાદ આ પદ છોડવાની ફરજ પડી અને નૉર્વે પાછા ફર્યા. નૉર્વેમાં તે પછી ભૂરસાયણશાસ્ત્ર, ખગોલલક્ષી ભૌતિકશાસ્ત્ર અને આણ્વિક ભૌતિકશાસ્ત્રના જ્ઞાનનો સમન્વય કરી તત્વોની વૈશ્વિક વિપુલતા પર સંશોધનકાર્ય કર્યું અને તેને આધારે વિવિધ આઇસોટૉપની સ્થિરતા અને બ્રહ્માંડમાં તેમની પ્રાપ્તિ સમજાવવાનો પ્રયાસ કર્યો.

આ ઉપરાંત ખનિજોનું બંધારણ સમજાવવા માટે તેમાં રહેલા અણુઓનું કદ મહત્વનો ભાગ ભજવે છે તે બતાવ્યું તેમજ ખનિજ-સ્ફટિકોની કઠિનતાનો આધાર તેમાં રહેલા નજીક નજીકનાં આયનો વચ્ચેના અંતર પર તથા તેમના અણુભારાંક પર રહેલો હોય છે તે પણ સમજાવ્યું.

નૉર્વે જર્મનોના હાથમાં આવ્યા બાદ તે વખતની સરકારે બે વાર તેમની ધરપકડ કરેલી. 1942ના ઉત્તરાર્ધમાં તેઓ સ્વીડન ભાગી ગયા અને પછી ગ્રેટબ્રિટન આવ્યા, જ્યાં શરૂઆતમાં ઍબર્ડીનની જમીન-સંશોધનાર્થે કામ કરતી મૅકૉલે ઇન્સ્ટિટ્યૂટમાં અને પછીથી રોધમસ્ટેડ એક્સ્પેરિમેન્ટલ મથકમાં સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ ઑસ્લો (નૉર્વે) ખાતે પાછા ફર્યા હતા.

ગિરીશભાઈ પંડ્યા