કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)

January, 2006

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)

સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે. 1962થી તેનો 37,555 ચોકિમી. વિસ્તાર ગેરકાયદેસર રીતે ચીનના કબજા નીચે છે. આ વિસ્તાર અકસાઈ ચીન અને લદ્દાખનો આંશિક વિસ્તાર છે. પાકિસ્તાને તેના કબજા નીચેના વિસ્તારમાંથી 5,180 ચોકિમી. વિસ્તાર ચીનને સોંપ્યો છે. ભારતના કુલ ક્ષેત્રફળનો 6.8% વિસ્તાર કાશ્મીરમાં આવેલો છે. ભારત સ્વતંત્ર થયા બાદ 1954થી 2019 સુધી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળ્યો હતો. 2019ના ઑગસ્ટ માસમાં ભારતની સંસદે ભારતના બંધારણમાં દર્શાવેલ 370ની કલમ રદ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરેલ છે. 2019ની 31મી ઑક્ટોબરથી આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોને ગવર્નર હસ્તક મૂકવામાં આવ્યા છે. વહીવટી સુગમતા ખાતર જમ્મુ અને કાશ્મીરને બે વિભાગમાં વિભાજિત કરવામા આવ્યા છે. જમ્મુના 11 અને કાશ્મીરના 11 જિલ્લાઓ એટલે કે કુલ 22 જુલ્લાઓમા વહેંચેલ છે. જ્યારે લદ્દાખને 2 જિલ્લામા વહેંચવામાં આવેલ છે.

કાશ્મીરનો નકશો નં. 1

કાશ્મીરની ઉત્તર-દક્ષિણ લંબાઈ 640 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 480 કિમી. છે. તેની પૂર્વ સીમાએ તિબેટ, ઉત્તરે સિક્યાંગ અને અફઘાનિસ્તાન, પશ્ચિમે પાકિસ્તાન અને દક્ષિણે ભારતનાં હિમાચલપ્રદેશ અને પંજાબ રાજ્યો આવેલાં છે. ઉત્તર તરફ રશિયાની સીમા સ્પર્શે છે.

‘રાજતરંગિણી’ અનુસાર પૂર્વકાળમાં અહીં ખાસા જાતિ રહેતી હતી, જે ઉપરથી ખાસમીર-કાશ્મીર નામ પડ્યું મનાય છે. વિષ્ણુનો મત્સ્ય-અવતાર અહીં થયેલો એવું એક મંતવ્ય છે. જાતકકથા પ્રમાણે કાશ્મીર એક સમયે ગંધારનો ભાગ હતું.

કુદરતી પ્રદેશો : કાશ્મીરનો 90 % વિસ્તાર પહાડી છે. માત્ર કાશ્મીરની ખીણનો અને દક્ષિણ જમ્મુનો પંજાબને અડીને આવેલો પશ્ચિમનો 10 % ભાગ જ સમતળ છે. કાશ્મીરના ત્રણ કુદરતી વિભાગો છે : (1) જમ્મુ ક્ષેત્રની બહારનો પહાડી તથા મધ્યવર્તી પર્વતશ્રેણીનો વિસ્તાર, (2) કાશ્મીરની ખીણ અને (3) લદ્દાખ, બાલ્ટિસ્તાન તથા ગિલગિટનો વેરાન અને પહાડી પ્રદેશ.

કાશ્મીરનો મોટો વિસ્તાર ચિનાબ, જેલમ અને સિંધુ ખીણનો બનેલો છે. કાશ્મીરનો 75 % વિસ્તાર સિંધુ ખીણમાં આવેલો છે. પંજાબને અડીને આવેલો જમ્મુનો ઉત્તર તરફનો ભાગ સમતળ છે. ચિનાબની ખીણમાં કિશ્તવાર તથા ભદ્રવાહનો ઉચ્ચપ્રદેશ તથા કંડી તરીકે ઓળખાતો નીચા ડુંગરોનો પ્રદેશ અને મેદાન આવેલાં છે. જમ્મુનો પશ્ચિમ તરફનો થોડો ભાગ રાવીની ખીણનો ભાગ છે. કાશ્મીરનો સમગ્ર વિસ્તાર ખીણો, પહાડી પ્રદેશ અને મેદાનોથી બનેલો છે. સિંધુની ખીણમાં ઝાસ્કર અને રૂપશુ સહિત લદ્દાખ, બાલ્ટિસ્તાન, અસ્તોર, ગિલગિટ વગેરે પ્રદેશોનો સમાવેશ થાય છે.

કારાકોરમ ગિરિમાળા અને હિમાલય-ઝાસ્કરની બે ગિરિમાળાઓ વચ્ચે કાશ્મીરની ખીણ આવેલી છે. તે 134 કિમી. લાંબી અને 32થી 40 કિમી. પહોળી છે. તેનો વિસ્તાર 15,120 કિમી. અને સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ 1,800 મી. છે. હિમાલયની પીરપંજાલ ગિરિમાળાની તળેટીમાં વર્તુળાકારે મેદાનો નિર્માણ પામેલાં છે. ચારે બાજુ હિમાચ્છાદિત શિખરો વચ્ચેથી જેલમ વહે છે. કાશ્મીર ખીણનો સમતળ વિસ્તાર ‘કારેવા’ તરીકે ઓળખાય છે. અહીં 600થી 1,200 મી. ઊંચા પર્વતો એકબીજાને સમાંતર આવેલા છે. તેની વચ્ચે ફળદ્રૂપ ખીણો છે. આ પહાડો જમ્મુને કાશ્મીરથી છૂટું પાડે છે. જમ્મુની પૂર્વમાં રાવી અને પશ્ચિમે જેલમ વહે છે. વચ્ચે આવેલી ચિનાબ નદી આગળ જતાં પાકિસ્તાનના મધ્યભાગમાં વહે છે.

હિમાલય અને ક્યુનલૂન ગિરિમાળા વચ્ચે લડાખ આવેલું છે. તેનું ક્ષેત્રફળ 97,782 ચોકિમી. છે. ઉપર જણાવેલા પર્વતો સાતથી આઠ હજાર મીટર ઊંચા છે. લદ્દાખ, બાલ્ટિસ્તાન અને ગિલગિટના પ્રદેશો પૈકી લદ્દાખ મુખ્યત્વે ભારતના અંકુશ નીચે છે. સિંધુ, સતલજ અને ચિનાબ લદ્દાખમાં થઈને વહે છે. બાલ્ટિસ્તાન અને ગિરગિટનો પ્રદેશ પાકિસ્તાન હસ્તક છે, જ્યારે લદ્દાખનો અકસાઈ ચીન તરીકે ઓળખાતો વિસ્તાર ચીનના કબજામાં ગયો છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ 3,251 મી.ની ઊંચાઈએ આવેલું છે. ઓગણીસમી સદીના અંત સુધી અફઘાન, તુર્કી, આરબ અને ઈરાની વેપારીઓ લેહ આવતા હતા. 1940 સુધી યારકંદ, કાશ્ગર, લ્હાસા, કાશ્મીરની ખીણ અને બાલ્ટિસ્તાનના માર્ગો લદ્દાખમાં થઈને જતા હતા. લેહથી ખારચુંગ જતો માર્ગ 5,000 મી.ની ઊંચાઈએ આવેલો છે.

પર્વતો અને ઘાટ : ઉત્તરમાં કારાકોરમની ઉત્તુંગ ગિરિમાળા ચીન અને રશિયાની દક્ષિણ સરહદે આવેલી છે. તેનું માઉન્ટ ગોડવિન ઑસ્ટીન (K2) શિખર 8,760 મી. ઊંચું છે. માઉન્ટ એવરેસ્ટ પછી તેનો ઊંચાઈમાં બીજો ક્રમ છે. પીરપંજાલ ગિરિમાળા કાશ્મીરને જમ્મુથી અલગ પાડે છે. તેની સમાંતર કાશ્મીરની ખીણ વાયવ્ય અને ઈશાન દિશાએ આવી છે. કાશ્મીરની ખીણની ઉત્તરે 525 કિમી. વિસ્તારવાળો બૃહદ્ હિમાલય, નંગા પર્વત, ઝાસ્કર અને લદ્દાખની ગિરિમાળાઓ લગભગ સમાંતર આવેલી છે. આ બધી પર્વતમાળાના વચ્ચેના ભાગમાં ખીણો છે. ભારતનું સૌથી વધુ ઉંચાઈ ધરાવતું શિખર કેતુ (K2) (8,611મી.) છે.  નંગા પર્વતનું સર્વોચ્ચ શિખર 7,980 મી. ઊંચું છે. ગિલગિટની પશ્ચિમે આવેલ હરમૂખ 5,750 મી. ઊંચું છે. આમ સમગ્ર પ્રદેશ ગિરિમાળાઓ અને ખીણોનો બનેલો છે. કોલોહાઈ, મોંગોલુગ્મા તેમજ અન્ય હિમનદીઓ આ પર્વતમાળામાંથી નીકળે છે. સૌથી મોટી હિમનદી ‘સિયાચીન ગ્લેશિયર’ જે 76 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. આ ‘સિયાચીન ગ્લેશિયર’નો વિસ્તાર વિશ્વનું સૌથી ઉંચાઈ એ આવેલું યુદ્ધક્ષેત્ર છે.

કાશ્મીરનો નકશો નં. 2

બનિહાલ ઘાટ પંજાબ અને જમ્મુને બોગદા દ્વારા જોડે છે. જોજીલા ઘાટ દ્વારા લદ્દાખ જવાય છે. જ્યારે સિક્યાંગ જવા કારાકોરમ ઘાટ ઉપયોગી છે. માલકન્દ ઘાટ દ્વારા અફઘાનિસ્તાન જવાય છે.

નદીઓ અને સરોવરો : જેલમ અથવા બિહત વૈદિક કાળમાં વિતસ્તા તરીકે ઓળખાતી હતી. ગ્રીક ઇતિહાસકારો તેને હાઇડસપેસ અને મુસલમાનો તેને વેથ કહે છે. આ નદી વેરીનાગથી નીકળી કાશ્મીર ખીણમાં થઈ બારામુલા સુધી 113 કિમી. વહે છે અને પછી પાકિસ્તાનમાં પ્રવેશે છે. તેના કિનારે શ્રીનગર અને અનંતનાગ આવેલાં છે. સિંધુ આશરે 5,300 મી.ની ઊંચાઈએ આવેલા માનસરોવરમાંથી નીકળી કાશ્મીરના આશરે 4,300 મી. ઊંચા પ્રદેશમાં પ્રવેશે છે. તેનો પ્રવાહ પહાડી પ્રદેશમાં વહે છે. બિયાસ, રાવી અને ચિનાબ નદીઓ સિંધુની માફક પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. જળવિદ્યુત તથા ખેતી માટે તેનો આંશિક ઉપયોગ થાય છે. અહીં વૂલર, દાલ, માનસબલ, કોંસરનાગ, ગંડરબાલ, શેષનાગ, ગંગાબલ, પેંગોંગ વગેરે સરોવરો આવેલાં છે. વૂલર 16×9 કિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તે મીઠા પાણીનું સરોવર છે. દાલ સરોવરમાં તરતા બગીચા છે અને તેમાં શાકભાજીનું વાવેતર થાય છે.

આબોહવા : અહીં સમુદ્રની સપાટીથી ઊંચાઈ પ્રમાણે આબોહવાનું વૈવિધ્ય જોવા મળે છે. જમ્મુ વિભાગમાં શિયાળામાં તાપમાન 7o સે.થી -23o સે. રહે છે, જ્યારે ઉનાળામાં વધુમાં વધુ તે 26o સે. થઈ જાય છે. કાશ્મીરી ખીણનું હવામાન ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશો જેવું સમશીતોષ્ણ હોય છે. શ્રીનગરની ઊંચાઈ 1,584 મી. છે તેથી જાન્યુઆરીમાં અહીં -07o સે. અને જુલાઈમાં સરાસરી તાપમાન 22.8o સે. રહે છે. વરસનો સરાસરી વરસાદ 653 મિમી. પડે છે. આ પૈકી 380 મિમી. જાન્યુઆરીમાં હિમ રૂપે પડે છે. જુલાઈ-ઑગસ્ટમાં તે 120 મિમી. પડે છે. લદ્દાખના ઉચ્ચ પ્રદેશનું હવામાન ભેજ વિનાનું અને વિષમ છે. લેહમાં ઉનાળામાં 85 મિમી વરસાદ પડે છે. દિવસે ભૂમિ તપે છે, પણ રાત્રે ખૂબ ઠંડી પડે છે. પવન સખત વાતા હોય છે. લેહનું શિયાળાનું તાપમાન -8.2o સે. અને જુલાઈનું તાપમાન 17o સે. રહે છે. અહીં ક્યારેક તાપમાન -28o સે. જેટલું નીચું થાય છે. જમ્મુમાં 1,166 મિમી. વરસાદ પડે છે. નૈર્ઋત્યના મોસમી પવનો જુલાઈથી સપ્ટેમ્બરમાં વરસાદ આપે છે. કાશ્મીરની ખીણમાં પીરપંજાલ તરફ નૈર્ઋત્યના મોસમી પવનો ભાગ્યે જ પહોંચતા હોવાથી અહીં ઉનાળામાં વરસાદ ઓછો પડે છે, પણ ઈરાની અખાત ઉપરથી વાતા ચક્રવાતી પવનો ડિસેમ્બરથી માર્ચ દરમિયાન વરસાદ લાવે છે. માર્ચથી મે દરમિયાન વસંત ઋતુમાં વધારે વરસાદ પડે છે. ઉનાળાના મહિના કોરા જાય છે. કાશ્મીરમાં ઑક્ટોબર માસમાં ખુશનુમા હવામાન હોય છે. પાંચ માસ હિમ રૂપે વરસાદ પડે છે. ઉત્તરના પહાડી વિસ્તારોમાં શિયાળો ખૂબ આકરો હોય છે. 4,700 મી.થી 5,000 મી.ની ઊંચાઈએ કાયમ બરફ રહે છે. જે ઓગળતાં ઉનાળામાં નદીઓમાં પૂર આવે છે.

જંગલો અને વનસ્પતિ : સમગ્ર કાશ્મીરનો ઘણોખરો પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોવાથી ત્યાંની વનસ્પતિ તે પ્રદેશ જેવી હોય છે. 1,550 મી. સુધીની ઊંચાઈવાળા વિસ્તારમાં સતત લીલાં રહેતાં ઓક, લોરેલ, ચેસ્ટનટ; 1,550થી 1,860 મી. સુધી દેવદાર, સ્પ્રુસ, સાલ અને પાઇન; 2,400થી 3,100 મી. ઊંચાઈવાળા પ્રદેશમાં પાઇન, પોપ્લર અને વીલો; 3,120 મી. સુધીની ઊંચાઈવાળા પ્રદેશમાં ઓક, સીડાર, સિલ્વરફર, પાઇન, ભૂરું પાઇન અને અખરોટનાં વૃક્ષો; 3,720 મી.થી વધારે ઊંચાઈવાળા હિમાચ્છાદિત પ્રદેશમાં દેવદાર, જ્યુનિફર, બર્ચ, પાઇન, ડેડ્રોન, ઓક અને વીલો જોવા મળે છે. ચીન અને ચીનારનાં વૃક્ષો સર્વત્ર જોવા મળે છે. હિમરેખાથી નીચેની ઊંચાઈએ ટૂંકું ઘાસ જોવા મળે છે. આ જંગલો દ્વારા ધૂપનો ગૂગળ, ટરપેન્ટાઇન, અંબાડી, ભૂજપત્ર તરીકે કામ આપતી બર્ચની છાલ, ઘાસ, કુમુદ, અરડૂસી, ધામણી વગેરે મળે છે. કાશ્મીરનું મધ વખણાય છે. રાજ્યના કુલ વિસ્તારના સોળ ટકા જેટલા 21,880 ચોકિમી. વિસ્તારમાં આ જંગલો છે. તે પૈકી 7,477 ચોકિમી.માં આવેલાં જંગલો ઇમારતી લાકડું આપે છે. બાકીનો જંગલવિસ્તાર રક્ષિત છે. લદ્દાખ સિવાયના કાશ્મીરના 51 % વિસ્તારમાં આ જંગલો આવેલાં છે. ઇમારતી અને પોચું લાકડું નદી વાટે વહેતું મૂકવામાં આવે છે.

લાખોની સંખ્યામાં પાલતુ પ્રાણીઓ અહીં ઊછરે છે. જંગલી પ્રાણીઓ પૈકી બકરાં, શિયાળ, લોંકડી, તિબેટી હરણ, સામાન્ય હરણ, કસ્તૂરીમૃગ, કાળું અને લાલ રીંછ, જંગલમાં અને બરફમાં રહેતા દીપડા વગેરે છે. કાશ્મીરી બકરાં પશ્મિના જાતનું ઊન આપે છે, જે ખૂબ મુલાયમ હોય છે અને શાલ બનાવવામાં વપરાય છે. ટેકરીઓ ઉપર શેતૂરનાં વૃક્ષો ઉપર રેશમના કીડા ઉછેરાય છે.

ખનિજો : કાશ્મીરના રિઆસી જિલ્લામાં એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો મળે છે. બાલ્ટિસ્તાનના નોન્ડુ વિસ્તારમાંથી તાંબું, અનંતનાગ અને રાજોરીમાંથી લોખંડની કાચી ધાતુ, લદ્દાખમાંથી બોરેક્સ, સિંધુના ઉપરવાસના પટમાંથી સોનાના કણો અને થોડાક વિસ્તારમાંથી બૉક્સાઇટ મળે છે. આ સિવાય જસત, સીસું, બેન્ટોનાઇટ, ચિરોડી, ચૂનાખડકો, રંગીન માટી, ક્રોમાઇટ, ગ્રૅફાઇટ, કૅડમિયમ, નીલમ વગેરે પણ મળે છે. પરંતુ  ચૂનાખડકો, નીલમ અને બોરેક્સ સિવાય અન્ય ખડકો/ખનિજોનું ખોદકામ કરાયું નથી.

ખેતી અને સિંચાઈ : ડાંગર, મકાઈ, જવ, ઘઉં, બાજરો, જુવાર અને ચણા મુખ્ય પાક છે. દ્રાક્ષ, અખરોટ, બદામ, નાસપતિ, સફરજન વગેરે ફળો પૈકી સફરજન અને અખરોટની તથા મશરૂમની નિકાસ થાય છે. નદીની ખીણોમાં ડાંગર, મકાઈ, ઘઉં, જવ વગેરેનું વાવેતર થાય છે. ટેકરીઓના ઢોળાવ પર વૉલનટ અને બદામનાં વૃક્ષો હોય છે. સરસવનો પાક તેલ માટે લેવાય છે. પમ્પપુર અને કિશ્તવારમાં કેસર થાય છે.

કથુઆ અને પ્રતાપ નહેરનું કામ પૂર્ણ થયું છે. તાવી ઉદ્વહન (લિફટ) સિંચાઈ દ્વારા કેટલીક જમીનને પાણી અપાયું છે.

ઉદ્યોગો : કાશ્મીરમાં સરકાર પરંપરાગત હસ્તકારીગરી તથા હાથસાળ વગેરે લઘુ ઉદ્યોગોના વિકાસને પ્રાધાન્ય આપે છે. દેશ અને દેશ બહાર ગાલીચા, ભરતકામવાળું કાપડ, કાગળના માવાની વસ્તુઓ, લાકડા ઉપરનું કોતરકામ, શાલ, ચાંદી અને તાંબાની બારીક કોતરકામવાળી વસ્તુઓ, ધાબળા વગેરે નિકાસ કરે છે. રેશમી કાપડ ઉપર ભરત ભરાઈને તેની નિકાસ થાય છે. હૅન્ડલૂમ કૉર્પોરેશન ગરમ ટ્વીડ, બ્લેઝર, શાલ, કનીશાલ, રેશમી સ્કાર્ફ વગેરે નિકાસ કરે છે. હાથસાળ, હસ્તકલા-કારીગરી તથા અન્ય ગૃહઉદ્યોગોમાં લાખો માણસો રોકાયેલા રહે છે. મોટા ઉદ્યોગોમાં એચ.એમ.ટી. ઘડિયાળ, ઇન્ડિયન ટેલિફોન, સ્કૂટર, વનસ્પતિજન્ય તેલ, રેઝિન પેન્સિલ, સુતરાઉ કાપડ તથા રમતગમતનાં સાધનોનાં કારખાનાં મુખ્ય છે. 2000ની સાલ સુધીમાં અહીંનાં મોટાભાગનાં ગામોને વીજળીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ વિસ્તારમા મેગ્નેસાઇટ, બોક્સાઇટ, ડોલોમાઇટ,માટી વગેરે ખનીજ રહેલી છે.

વાહનવ્યવહાર : નદીઓના જળમાર્ગનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થાય છે. પઠાણકોટ-તાવી-જમ્મુ-ઉધમપુરનો રેલમાર્ગ બનિહાલ બોગદા દ્વારા અને રસ્તા દ્વારા કાશ્મીરને ભારત સાથે જોડે છે. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 મુખ્ય છે. જમ્મુ-બારામુલ્લા રેલમાર્ગ કાર્યરત છે. આ માર્ગ પૂર્ણ થતા કાશ્મીરને નવો રેલમાર્ગ મળી શકશે. જમ્મુ ખાતે જમ્મુ એરપોર્ટ જ્યારે કાશ્મીર ખાતે શેખ-ઉલ-આલમ એરપોર્ટ આવેલ છે જેને આંતરરાષ્ટ્રીયનો દરજ્જો મળેલ છેે.

લોકો : જમ્મુ અને કાશ્મીરના ચીન અને પાકિસ્તાન હસ્તકના પ્રદેશને બાદ કરતાં 2011 મુજબ રાજ્યની વસ્તી 1,22,67,013 જેટલી છે.  રાજ્યભાષા ઉર્દૂ છે. જમ્મુ-કાશ્મીરમાં 55% કાશ્મીરી બોલનારાં વસે છે. રાજ્યમાં કુલ 6,718 ગામો છે. શ્રીનગર, જમ્મુ, અનંતનાગ, બારામુલા, ચીલાસ, લેહ, ગિલગિટ, ગિલગિટવ જીરાત, કથુઆ, મીરપુર, મુઝફરાબાદ, પુંચ, રાજોરી, સોપોરા, રિયાસી અને ઉધમપુર મોટાં શહેરો છે. શહેરી અને ગ્રામીણ વસ્તીમાં ઉર્દૂભાષી, હિંદીભાષી, પંજાબભાષી અને કાશ્મીરીભાષી છે. બૃહદ્ હિમાલય અને ઝાસ્કર ગિરિમાળાના પ્રદેશમાં ગુર્જર, ગાર્ડો વગેરે ભટકતી જાતિઓ વસે છે. કાશ્મીરી મુસ્લિમો મૂળ તુરાનિયન જાતિના આર્યો છે. લદ્દાખમાં મોંગોલ અને દાર્દ લોકો છે. તેઓ બૌદ્ધ અને ઇસ્લામ ધર્મ પાળે છે. જમ્મુમાં ડોગરા અને અન્ય રજપૂતોની વસ્તી વિશેષ છે. હિંદુઓમાં રજપૂતો ઉપરાંત બ્રાહ્મણ, ખત્રી વગેરે જ્ઞાતિઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 67.17% છે, જે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સાક્ષરતાનું પ્રમાણ અનુક્રમે 75 અને 56.43 ટકા છે. 80% લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. કેટલાંક વર્ષોથી પ્રવાસન ઉદ્યોગ પણ વિકસતો જાય છે.

શિક્ષણ અને સંસ્કૃતિ : રાજ્યમાં શ્રીનગર અને જમ્મુમાં બે યુનિવર્સિટીઓ છે. ખેતીવાડીની પણ અલાયદી યુનિવર્સિટી સ્થપાઈ છે. રાજ્યમાં તમામ સ્તરે શિક્ષણ મફત અપાય છે.

યુઆન શ્વાંગ અને ઇત્સિંગે કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમનાં પ્રવાસવર્ણનો મુજબ ત્યાં સર્વાસ્તિવાદી બૌદ્ધ સંપ્રદાયનો વિશેષ પ્રભાવ હતો. શૈવ સંપ્રદાયના નોંધપાત્ર ગ્રંથો વસ્તુમિત્ર, અભિનવગુપ્ત વગેરે વિદ્વાનોએ લખ્યા છે, જેમાં વેદાન્તના અદ્વૈત મતની અસર સ્પષ્ટ વર્તાય છે. ઉદભટ, વામન, આનંદવર્ધન, મુકુલવટેશ્વર, અભિનવગુપ્ત સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ વિદ્વાનો કાશ્મીરના છે. અભિનવગુપ્તની ‘ધ્વન્યાલોક’ ઉપરની ‘લોચન’ ટીકા ખૂબ જાણીતી છે. લલિતાદિત્ય અને અવંતિવર્મનના શાસન દરમિયાન અનેક મંદિરો બંધાયાં હતાં. એ પૈકી સૂર્યનું માર્તંડ મંદિર તેની ભવ્યતા અને શિલ્પ માટે ખૂબ જાણીતું છે.

પ્રવાસ અને યાત્રાધામો : ચશ્મેશાહી, શાલિમાર અને નિશાત બાગો, દાલ સરોવર, વુલર સરોવર, માનસબલ વગેરે જોવાલાયક સ્થળો છે. દાલ સરોવર ભારતનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર છે. શ્રીનગરમાં પર્યટકો ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ વગેરે સ્થળોની મુલાકાત લે છે. રાજ્યમાં શંકરાચાર્યની ટેકરી, વૈષ્ણોદેવી, પટનીટોપ, ખીરભવાની અને અમરનાથ હિંદુઓનાં મહત્વનાં તીર્થધામો છે. અમરનાથની ગુફા જે ભારતની સૌથી મોટી ગુફા છે. શ્રીનગરમાં હજરત બાલ મસ્જિદ મુસલમાનોનું ધાર્મિક સ્થાન છે.

દાલ સરોવર

ઇતિહાસ : કાશ્મીરમાં પથ્થરયુગનાં ઓજારો તખ્ત-એ-સુલેમાન, નારણનાગ અને બીજાં સ્થળોમાંથી મળે છે. બુઝાહોમના અવશેષો બ્રહ્મગિરિ અને મસ્કીની સંસ્કૃતિને મળતા અવશેષો છે. મહાભારત તથા વરાહમિહિરની બૃહદ્સંહિતા વગેરેમાં કાશ્મીરના ઉલ્લેખો છે. અહીં આર્યોના આગમન પૂર્વે નાગ, પિશાચ, યક્ષ વગેરે અનાર્ય જાતિના લોકોની વસ્તી હતી. આર્યોના આગમનનો તેમણે વિરોધ કર્યો હશે. ‘રાજતરંગિણી’ પ્રમાણે અહીં ગોનદીય અને પાંડવવંશીઓનું રાજ્ય હતું. ઈ. પૂ. 512ના સુમારે ઈરાની સમ્રાટ દરાયસ પહેલાનું શાસન હતું. ઈરાની શાસકોને હરાવીને ભારત આવેલા ઍલેક્ઝાન્ડરે અભિસાર(પુંચ-નૌશેરાનો શાસક)ની શરણાગતિ સ્વીકારી હતી. મૌર્યવંશીય અશોક તક્ષશિલાનો રાજ્યપાલ હતો ત્યારે તે કાશ્મીરના સંપર્કમાં આવ્યો હશે. અશોકે શ્રીનગરની સ્થાપના કરી હોવાનું તથા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રમણ મજ્જહન્તિકને મોકલ્યો હોવાનું કહેવાય છે. અશોકના પુત્ર જલૈકનું રાજ્ય કાશ્મીરથી કનોજ સુધી વિસ્તરેલું હતું. મૌર્યો પછી અહીં ઈ. પૂ. 150માં ઇન્ડોબેક્ટ્રિયન શાસન સ્થપાયું હતું. ઈસુની પહેલી શતાબ્દી દરમિયાન કાશ્મીર કનિષ્ક, હવિષ્ક અને જુષ્કના શાસન નીચે હતું. કનિષ્કે કનિષ્કપુર વસાવ્યાનું અને ત્રીજી બૌદ્ધ ધર્મસભા કાશ્મીરમાં બોલાવી હોવાનું મનાય છે. જુષ્કના અનુગામી બૌદ્ધ ધર્મવિરોધી અભિમન્યુએ હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર કર્યો હતો. તેણે અભિમન્યુપુર વસાવ્યું હતું. ઈ. સ. 528 આસપાસ હૂણ સરદાર મિહિરગુલે કાશ્મીર જીત્યું હતું પણ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સગા યુધિષ્ઠિરે તેને હાંકી કાઢ્યો અને પોતે પ્રતાપાદિત્ય નામ ધારણ કરી કાશ્મીરનો શાસક બન્યો. ઈ. સ. 580માં તેનું અનુગામી બનેલું શ્રીનગર ફરી વસાવ્યું હતું. પ્રવરસેન પછી કાશ્મીર ઉજ્જૈનનું ખંડિયું રાજ્ય બની ગયું હતું, પણ પ્રવરસેન બીજાએ ગુપ્તરાજા પ્રતાપશીલને હરાવી કાશ્મીરને સ્વતંત્રતા બક્ષી હતી. આ વંશનો છેલ્લો રાજા બાલાદિત્ય અપુત્ર હોવાથી તેનો જમાઈ દુર્લભસેન સાતમી સદીના પૂર્વાર્ધ દરમિયાન કાશ્મીરની ગાદીએ બેઠો. કર્કોટ વંશના આ રાજાએ તક્ષશિલા, હજારા, રાજોરી અને પુંચના રાજાઓને તેમની તાબેદારી સ્વીકારવા ફરજ પાડી હતી અને તિબેટથી નર્મદા સુધી તેણે ઉત્તર ભારત ઉપર રાજ્ય કર્યું હતું. તેના પુત્ર ચંદ્રાપીડે સિંધના આરબોનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. તેના અનુગામી લલિતાદિત્યે કનોજના યશોવર્મન, દક્ષિણમાં રાષ્ટ્રકૂટ રાજા તથા મગધ, ગૌડ દેશ અને કલિંગના રાજાઓનો પરાભવ કર્યો હતો. કર્ણાટકની રાણીએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું. ગુપ્તવંશ પછી થયેલા રાજાઓમાં તે સૌથી વધારે બળવાન રાજા થઈ ગયો. તેણે જેલમ ઉપર બંધ બાંધી નહેર કાઢી હતી અને અનેક મંદિરો બંધાવ્યાં હતાં. લલિતપુર વગેરે શહેરો વાસ્તુકલાના નમૂનારૂપ હતાં. તે વિદ્યાપ્રેમી હતો. તેણે 697થી 738 સુધી રાજ્ય કર્યું હતું; તેના વંશજો પાસેથી લલિતાદિત્યના ભાઈ જયાદિત્યે ગાદી પચાવી પાડી હતી. તેણે પ્રયાગ સુધી સવારી કરી અનેક રાજ્યો જીતી લીધાં હતાં. તેણે લલિતાદિત્યની માફક પંડિતોને ઉદારતાથી સહાય કરી હતી. ત્યારબાદ કર્કોટ વંશનો અંત આવ્યો.

શાલિમાર બાગ

ઈ. સ. 885માં થયેલા ઉત્પલવંશના અવંતિવર્માએ અવંતિપુર વસાવ્યું હતું. તેણે ‘ધ્વન્યાલોક’ના કર્તા આનંદવર્ધન વગેરે વિદ્વાનોને આશ્રય આપ્યો હતો. તેના અનુગામીઓ શંકરવર્મા, ગોપાલવર્મા અને યશસ્કર (938-948) હતા. આ વંશના છેલ્લા રાજાએ 981થી 1003 સુધી રાજ્ય કર્યું હતું.

ઈ. સ. 1015 અને 1021માં મહમદ ગઝનીએ કાશ્મીર ઉપર ચડાઈ કરી હતી પણ તેમાં તેને સફળતા મળી ન હતી. ત્યારબાદ હરિહરરાજ, અનંતદેવ, કલશ અને હર્ષે કાશ્મીર ઉપર રાજ્ય કર્યું. આંતરિક કલહને કારણે તેમની સત્તા નબળી પડી. બારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન તુર્ક સુલતાન દુલચુએ કાશ્મીર ઉપર ચઢાઈ કરી અને કાશ્મીરમાં વિનાશ વેર્યો. ત્યારબાદ તિબેટનો રિંચિન (1320-23) અને સ્વાતનો શાહમીર કાશ્મીરમાં આવ્યા અને સત્તા હસ્તગત કરી. રિંચિને સદ્રુદ્દીન નામ ધારણ કર્યું. તેણે રાજ્યમાં અનેક સુધારા કર્યા. રિંચિનના મૃત્યુ બાદ અનેક કાવાદાવા પછી શાહગીર શમ્સુદ્દીન નામ ધારણ કરી 1343માં ગાદીએ બેઠો. 1343થી 1554 સુધીમાં અનેક સુલતાનો થઈ ગયા. શમ્સુદ્દીનના વખતમાં ઇસ્લામની અસરની શરૂઆત થઈ. સૂફી સંત બુલબુલશાહે અનેકને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પ્રેર્યા હતા. સુલતાનોનું શાસન 1555 સુધી ચાલ્યું. સુલતાન સિકંદરના સમયમાં (1389-1413) તૈમુરે ભારત ઉપર ચડાઈ કરી હતી. સિકંદર વિદ્વાનોના આશ્રયદાતા હતા. તેમણે સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું હતું. 1420-1470 દરમિયાન ઝૈન ઉલ આબિદિન સુલતાને તેના પરાક્રમી અને સમાધાનપ્રિય સ્વભાવથી લોકોનાં મન જીતી લીધાં હતાં. તેની સરખામણી અકબર સાથે થાય છે. તેણે ફારસી ભાષા દાખલ કરી અને નાકાવેરો રદ કર્યો. તેણે વિદ્વાનોને ઉત્તેજન આપ્યું હતું. તેના વંશજ હૈદરખાન પાસેથી ચાક જાતિના ગાઝીખાને ગાદી પડાવી લીધી. 1532માં હૂમાયૂંના ભાઈ કામરાને કાશ્મીર ઉપર ચડાઈ કરી હતી પણ તેમાં તે નિષ્ફળ ગયો હતો. તક મળતાં અકબરે તે 1587માં જીતી લીધું અને કાશ્મીરની સ્વતંત્રતા નષ્ટ થઈ.

1752 સુધી મુઘલ શાસન ટક્યું; અકબર, જહાંગીર અને નૂરજહાં, શાહજહાં અને ઔરંગઝેબ ઉનાળામાં અવારનવાર કાશ્મીરની સહેલગાહે આવતાં હતાં. તેમના શાસન દરમિયાન ભવ્ય મહેલો અને નિશાત તથા શાલીમાર જેવા સુંદર બગીચા અસ્તિત્વમાં આવ્યા. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી અહીં અવ્યવસ્થા ફેલાઈ.

1752-1754 દરમિયાન અફઘાનિસ્તાનના અહમદશાહ અબ્દાલીએ કાશ્મીર ઉપર ચડાઈ કરી. તેનું શાસન 1869 સુધી (69 વર્ષ સુધી) ટક્યું. અફઘાનો જુલમી શાસક હતા. અફઘાનોના ત્રાસને લીધે જમ્મુના પંડિતોએ રણજિતસિંહની સહાય માગી; તેના લશ્કરે અફઘાનોને 1819માં સખત હાર આપી. 1819-1845 દરમિયાન રણજિતસિંહના બાર સૂબા થઈ ગયા. ગુલાબસિંહ રણજિતસિંહનો વિશ્વાસુ સેનાપતિ હતો. 1846માં રણજિતસિંહે જમ્મુની જાગીર ગુલાબસિંહને આપી અને તેને રાજાનો ઇલ્કાબ આપ્યો. તેણે 10થી 15 વરસ દરમિયાન કાશ્મીર, રાજોરી, પુંચ અને ગિલગિટ સિવાયના પ્રદેશો જીતી લીધા. લદ્દાખની જીત કરનાર તેનો સરદાર જોરાવરસિંહ હતો. સ્કાર્ડુને તેના રાજા અહમદશાહ પાસેથી 1840માં જીતી લેવામાં આવ્યું. જોરાવરસિંહના લશ્કરનો કેટલોક ભાગ નવેમ્બર 1841માં રૂપકુંડ પાસે સખત ઠંડીને કારણે નાશ પામ્યો હતો. 1843માં ગુલાબસિંહના ભાઈ સુચેતસિંહ અપુત્ર મૃત્યુ પામતાં તેની રાજનગરની જાગીર જમ્મુમાં ભેળવી દેવામાં આવી. પાછળથી ગુલાબસિંહનો ભત્રીજો જવાહીરસિંહ મૃત્યુ પામતાં પુંચ પણ જમ્મુ સાથે ભળી ગયું.

9 માર્ચ 1846ના રોજ અંગ્રેજો અને શીખ સરદારો સાથે સંધિ થતાં ગુલાબસિંહ હસ્તકના પ્રદેશ અને કાશ્મીર સહિત અન્ય પ્રદેશો અંગ્રેજોને હવાલે કરાયા. આ પ્રદેશની સરેરાશ વાર્ષિક આવક એક કરોડ રૂપિયા જેટલી હતી. ગુલાબસિંહે શીખ રાજ્ય સાથે સુલેહ કરાવી તેથી અને તેના અંગ્રેજો સાથેના મૈત્રીભર્યા વર્તન બદલ 16 માર્ચ 1846ના રોજ અંગ્રેજોએ શીખો પાસેથી મેળવેલ પ્રદેશ રૂ. 75 લાખ લઈ ગુલાબસિંહને કાયમ માટે હવાલે કર્યો. આમ કાશ્મીર, હુન્ઝા, મિત્રાલ, બાલ્ટિસ્તાન, લદ્દાખ, રાજોરી, પુંચ, જમ્મુ સહિતનો સમગ્ર પ્રદેશ, ગુલાબસિંહ હસ્તક આવ્યો. 1857માં ગુલાબસિંહે દિલ્હીના ઘેરામાં ભાગ લેવા તેના લશ્કરને મોકલ્યું હતું. તેના છેલ્લા વંશજ હરિસિંહે ઑગસ્ટ 1947માં ‘સ્ટૅન્ડ સ્ટિલ’ એટલે કે ‘જૈસે થે’ કરાર કરી ભારત સાથે જોડાવા તૈયારી કરી હતી પણ તે અંગે અંતિમ નિર્ણય લેવાય તે અગાઉ પાકિસ્તાન તરફી તાયફાવાળાઓએ 22 ઑક્ટોબર 1947ના રોજ આક્રમણ કરી થોડો પ્રદેશ જીતી લીધો હતો અને ભારત સાથેનું જોડાણ કાયમ થયું હતું.

કાશ્મીરનો રાજકીય ઇતિહાસ જોતાં એ ભારતનાં બીજાં રાજ્યોથી અલગ તરી આવે છે. ભારતના ભાગલા થયા તે સમયે એકંદરે આ રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 78 ટકા જેટલી હતી, જોકે જમ્મુમાં હિન્દુઓની વસ્તી હતી અને લદ્દાખમાં બૌદ્ધ ધર્મ પાળતા લોકોની બહુમતી રહી છે.

કાશ્મીર રાજ્ય પર અનેક જાતના શાસકોનું શાસન રહ્યું છે. લગભગ ચૌદમી સદીથી તેના શાસકો મુસલમાનો હતા. કાશ્મીર મુઘલ સામ્રાજ્યનું અંગ પણ હતું. 1819માં રણજિતસિંહે તેને અફઘાનો પાસેથી કબજે કર્યું હતું. રણજિતસિંહને જમ્મુના ડોગરા રાજાના એક વારસ ગુલાબસિંહે મદદ કરી હતી. રણજિતસિંહે ગુલાબસિંહને જમ્મુના રાજા તરીકે માન્યતા આપી હતી. ગુલાબસિંહે પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. 1846માં બ્રિટિશ રાજ્યકર્તાઓએ રણજિતસિંહના રાજ્યનો કબજો કર્યો હતો. ગુલાબસિંહે બ્રિટિશ શાસકોને અફઘાનો સામે કરેલી મદદને અને રશિયન ભયને લક્ષમાં રાખીને, બ્રિટિશ શાસકોએ કાશ્મીરનું વેચાણ રૂ. 75 લાખમાં ગુલાબસિંહને કર્યું. જોકે આ રાજ્યમાં બ્રિટિશ દખલગીરી તો ચાલુ જ રહી. ગુલાબસિંહે બ્રિટિશ સર્વોપરિતાનો પણ સ્વીકાર કર્યો હતો. 1925માં હરિસિંહ આ રાજ્યના શાસક બન્યા.

કાશ્મીરની વનશ્રી – એક ર્દશ્ય

આ રાજ્યની એક મુશ્કેલી શરૂઆતથી એ રહી કે અહીં રાજવી ડોગરા રજપૂત હતા. સૈન્ય ડોગરા અને કાંગરા રજપૂતોનું બનેલું હતું. સનંદી વહીવટકર્તાઓ કાશ્મીરના પંડિતો હતા, જ્યારે બહુમતી વસ્તી મુસલમાનોની હતી. તેઓ ખેતી કરતા હતા અને શિક્ષિત ન હતા. શિક્ષણનો વિસ્તાર થતાં એમનામાં રાજકીય જાગૃતિ આવી હતી. કાશ્મીરના જ એક નેતા શેખ અબ્દુલ્લાએ અલીગઢ વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ લીધું. 1930માં તેમણે ‘કાશ્મીર મુસ્લિમ પરિષદ’ની રચના કરી. તેમની લડતના હેતુઓ હતા : સામંતશાહી અને સંસ્થાનવાદનો અંત. આ બંને હેતુઓ માટે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ કામ કરતી હતી. આથી તેની સાથે સહકાર સાધીને જ કાશ્મીરની પ્રજાની લડત ચલાવવી જોઈએ; આ માટે કાશ્મીરમાં પણ લડતનો પાયો મુસલમાનોનો જ નહિ, પણ સામાન્ય હિંદુઓ સહિત સમગ્ર કાશ્મીરીઓનો બનેલો હોવો જોઈએ, એમ વિચારીને 1939માં મુસ્લિમ પરિષદને રાષ્ટ્રીય પરિષદનું નામ આપવામાં આવ્યું.

બીજી બાજુએ, ભારતમાં મુસ્લિમ લીગે 1940માં ‘અલગ પાકિસ્તાન’ની માગણી કરી હતી. મહંમદઅલી ઝીણાએ 1944માં કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે રાષ્ટ્રીય પરિષદને બદલે મુસ્લિમ પરિષદને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કર્યો અને મુસલમાનોને તેમાં જોડાવાની હાકલ કરી, જેને અબ્દુલ્લાએ રાજકીય વિકાસના પથ પર પીછેહઠ તરીકે ઓળખાવી. કાશ્મીરની કોમી સુમેળ ધરાવતી સૂફી સંસ્કૃતિ અને અબ્દુલ્લાના નેતૃત્વને કારણે ઝીણાને સફળતા ન મળી. મહારાજા દ્વારા કાશ્મીરની પ્રજાને અપાયેલા સુધારા (જેવા કે પ્રજાસભાની રચના, પ્રધાનમંડળમાં પ્રજાનો વિશ્વાસ ધરાવતા કેટલાક પ્રધાનોની નિમણૂક) પ્રજાને સંતોષ આપી શક્યા નહિ. રાજાશાહીને બદલે પ્રજાને સત્તાની સોંપણીની માગણી થઈ. આ સમયે ઝીણાના આશીર્વાદ પ્રાપ્ત કરનાર મુસ્લિમ પરિષદે રાજાને ટેકો આપ્યો.

ભારત સ્વતંત્ર બનતાં દેશી રાજ્યોના ભવિષ્યનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ‘બ્રિટિશ સાર્વભૌમત્વ’ને બદલે ‘ડોગરા સાર્વભૌમત્વ’ સ્વીકારવાની તૈયારી શેખ અબ્દુલ્લાની ન હતી.

કાશ્મીરના મહારાજા માટે જોડાણનો પ્રશ્ન ગૂંચવાડાભર્યો હતો. ‘સ્વતંત્ર કાશ્મીર’નો વિચાર રાજાને આકર્ષક લાગ્યો હતો, પરંતુ રાજાના ભારત અને પાકિસ્તાન સાથેના ભૌગોલિક જોડાણ અને આર્થિક સંબંધોને કારણે ભારત અને પાકિસ્તાનના મોટાભાગના નેતાઓને એ વિકલ્પ વ્યવહારુ લાગ્યો ન હતો. બ્રિટિશ, ભારતીય અને પાકિસ્તાનના નેતાઓના અર્થઘટન મુજબ કાશ્મીરને માટે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો જ વિકલ્પ હતો. પાકિસ્તાને તો કાશ્મીર પર દબાણ લાવી પાકિસ્તાન સાથે જોડાવા માટે આર્થિક નાકાબંધી શરૂ કરી હતી. મુસ્લિમ પરિષદ પણ રાજા પર દબાણ લાવી, કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા માટે પ્રયત્ન કરતી હતી. સામે પક્ષે એવો આક્ષેપ થતો હતો કે ભારત મહારાજા પર દબાણ લાવી કાશ્મીરને ભારત સાથે જોડાવાનો પ્રયત્ન કરતું હતું.

ઑક્ટોબર 1947માં પાકિસ્તાનના સરહદી વિસ્તારની ટોળીઓએ (તાયફાવાળાઓએ) કાશ્મીર પર આક્રમણ કર્યું. આ ટોળાંઓને પાકિસ્તાનની મદદ અને સલાહ બંને પ્રાપ્ત થયેલાં હતાં. કાશ્મીરના મુસલમાનો પર રાજાએ ગુજારેલા અત્યાચારના પરિણામે સહાનુભૂતિ અને રક્ષણ માટે આ આક્રમણ હતું એવું પાકિસ્તાનનું બહાનું હતું. આ સંજોગોમાં કાશ્મીરના શક્ય એટલા ભાગને બચાવવા ભારત સાથે જોડાણ કરવાનો જ એક માર્ગ હતો. પઠાણ શાસકો નીચે કાશ્મીરે સૌથી વધુ અત્યાચારો ભોગવ્યા હતા અને આ આક્રમણકારો એમના જ વારસો હતા. પાકિસ્તાન સાથે જોડાવું એટલે હિંસાને વશ થવા બરાબર હતું. એનું પરિણામ અનિશ્ચિત હતું. 26 ઑક્ટોબરના દિવસે મહારાજાએ જોડાણપત્ર પર સહી કરી, જેનો ભારત સરકારે 27 ઑક્ટોબરના દિવસે સ્વીકાર કર્યો. આ સંદર્ભમાં ભારત સરકારે તાત્કાલિક મદદ મોકલી. કાશ્મીરમાંથી આક્રમણ પાછું ખેંચાય તો ભારતે પોતાનું લશ્કર પાછું ખેંચી કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના આશ્રય હેઠળ જનમત લેવાની બાંયધરી આપી. 1947ના છેલ્લા દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં પાકિસ્તાનના ટેકા સાથેના આક્રમણ અંગે ફરિયાદ કરી, પરંતુ આ પ્રશ્ર્ને ભારતને નિરાશા સાંપડી. ઍંગ્લો-અમેરિકન જૂથની પાકિસ્તાન પ્રત્યેની તરફદારી, કાશ્મીરના પ્રશ્નને ભારત-પાકિસ્તાનના સમગ્ર સંબંધોના ભાગ રૂપે ગણવાનું ર્દષ્ટિબિંદુ, લોકમતના સંચાલન અંગેના ભારત અને પાકિસ્તાનનાં અલગ ર્દષ્ટિબિંદુઓ અને યુરોપમાં સ્થાપિત થઈ ચૂકેલ ઠંડું યુદ્ધ જેવાં પરિબળો કાશ્મીરનો પ્રશ્ન હલ થવાની આડે આવ્યાં. દરમિયાન 1948ના એપ્રિલ માસમાં પાકિસ્તાને પોતાનાં લશ્કરી દળો કાશ્મીરમાં મોકલ્યાં.

1948ના જૂન માસમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું એક વિશિષ્ટ પંચ કાર્ય કરતું થયું. આ પંચે ઠરાવો પસાર કર્યા. દરમિયાનમાં ભારતીય દળો કાશ્મીરની ખીણમાં આગળ વધ્યાં હતાં અને પાકિસ્તાનનાં લશ્કરી દળો હતાં  ત્યાં સુધી પહોંચી સ્વેચ્છાએ આગળ વધતાં અટકી ગયાં હતાં. ઉત્તર કાશ્મીરમાં પાકિસ્તાનનાં દળો ખૂબ આગળ જઈને લદ્દાખ સુધી પહોંચ્યાં હતાં. પુંચના વિસ્તારનો લશ્કરી ઘેરો ભારતીય લશ્કરે તોડ્યો હતો. ભારતની લશ્કરી સ્થિતિ ચડિયાતી બનતાં 1949ના જાન્યુઆરીમાં યુદ્ધવિરામ સ્વીકારવામાં આવ્યો.

ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં લોકમત અને સલામતી સમિતિના ઠરાવો પણ પ્રસ્તુત ન રહ્યા. બિનલશ્કરીકરણ અને લવાદીનાં સૂચનો પણ બંને પક્ષોને સ્વીકાર્ય ન હતાં. 1950માં સંયુક્ત રાષ્ટ્રસંઘે બિનલશ્કરીકરણની પ્રક્રિયાને મદદરૂપ થવા માટે એક વિશિષ્ટ પ્રતિનિધિ ડિક્સનની નિમણૂક કરી, પણ તેમને નિષ્ફળતા મળી. 1951માં યુનોના નવા પ્રતિનિધિ તરીકે ગ્રેહામ નિમાયા. 1958 સુધીમાં તેમણે છ અહેવાલો રજૂ કર્યા. છેવટે તેમણે દ્વિપક્ષી મંત્રણાઓની હિમાયત કરી. 1953ના ઑગસ્ટમાં નેહરુબોગરા વચ્ચે જનમતની બાબતમાં અમુક અંશે સમજૂતી થઈ. 1954માં અમેરિકા પાસેથી પાકિસ્તાને લશ્કરી મદદ લેતાં લોકમતની બાબતમાં પ્રગતિ ન થઈ. 1957માં સલામતી સમિતિના અધ્યક્ષ યારિંગ દ્વારા પણ સમજૂતી માટે પ્રયત્નો થયા. 1958માં યારિંગ મિશન પણ નિષ્ફળ ગયું.

1961માં નેહરુ-અયૂબ મુલાકાત પણ નિષ્ફળ ગઈ. ભારત દ્વારા યુદ્ધવિરામ રેખાને કાયમી રેખા બનાવવાનું સૂચન થયું, પરંતુ તે ન સ્વીકારાયું. બીજી બાજુએ પ્રમુખ જે. એફ. કેનેડી દ્વારા યુજીન બ્લેકને મધ્યસ્થી તરીકે નીમવાનું સૂચન ભારતે ન સ્વીકાર્યું. ભારતે કાશ્મીરના પ્રશ્નને વિવાદ (dispute) તરીકે સ્વીકાર્યો ન હતો તેમજ તેને અંગે ત્રીજા પક્ષની મધ્યસ્થી પણ સ્વીકારી ન હતી.

ભારત-ચીન યુદ્ધ પછી (અમુક અંશે અમેરિકન દબાણના કારણે) ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાઓ થઈ. કાશ્મીરનો પ્રશ્ન આમાં અગત્યનો ભાગ બન્યો. ભારત વધુમાં વધુ યુદ્ધવિરામ રેખાની બાબતમાં થોડી બાંધછોડ માટે તૈયાર હતું. ભારત-પાકિસ્તાનના પ્રશ્નોનો છેલ્લો ઉકેલ જવાહરલાલ નેહરુના મત મુજબ ભારત-પાકિસ્તાનનું સમૂહતંત્ર રચવાનો હતો, પરંતુ આ સૂચન આગળ વધારવામાં ભારતને બીક હતી કે પાકિસ્તાન એવી શંકા રાખશે કે ભારત તેને ગળી જવા માગે છે.

રઘુનાથ મંદિર, જમ્મુ

1964માં સલામતી સમિતિએ ફરી પાછી કાશ્મીરના પ્રશ્નની ચર્ચા કરી.

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ રેખાનો ભંગ થયો. 1966માં તાશ્કંદ ખાતે થયેલી સમજૂતી મુજબ આઝાદ કાશ્મીરમાં ભારતે કબજે કરેલા કેટલાક વિસ્તારો ખાલી કર્યા. સામે પાકિસ્તાને સ્વીકાર્યું કે યુનોના બંધારણ મુજબ તે બળનો ઉપયોગ કરીને પ્રશ્ન ઉકેલશે નહિ, પરંતુ પાકિસ્તાનના વિદેશપ્રધાન ભુટ્ટોએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની 51મી કલમ અનુસાર તેને વ્યક્તિગત કે સામૂહિક સ્વરક્ષણનો અધિકાર રહે છે જ. બંને પક્ષોએ સ્વીકાર્યું કે તે એકબીજાના ‘આંતરિક મામલા’માં દખલગીરી કરશે નહિ. પરંતુ પાકિસ્તાનીઓ કાશ્મીરને વિવાદગ્રસ્ત વિસ્તાર ગણતા હતા, ભારતનો આંતરિક વિસ્તાર નહિ. એકંદરે આ સમજૂતીથી ભારતને કંઈ લાભ થયો નહિ. એને બદલે ભારતના લશ્કરે ભોગ આપીને કબજે કરેલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વિસ્તારો ભારતને જતા કરવા પડ્યા.

તાશ્કંદ સમજૂતી પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અંગે મહત્વની મંત્રણાઓ થઈ ન હતી. જોકે સૈદ્ધાંતિક રીતે મંત્રણાઓનાં દ્વાર બંને પક્ષોએ ખુલ્લાં રાખ્યાં, પરંતુ મંત્રણાના પાયાઓ અંગે બંને વચ્ચે સંમતિ સધાઈ શકી નથી.

ભારત-પાકિસ્તાનના સંબંધોમાં કાશ્મીરનો પ્રશ્ન વણઊકલ્યો કોયડો રહ્યો છે. કોમ કે ધર્મની ભૂમિકા ઉપર રાષ્ટ્રનું નિર્માણ ન થઈ શકે તેમ ભારત શરૂઆતથી જ માને છે. ‘બે રાષ્ટ્રનો સિદ્ધાંત (two nation theory)’ ભારતને બિલકુલ સ્વીકાર્ય નથી. આમ બંને દેશોનો મૂળભૂત અભિગમ એકમેકની વિરુદ્ધનો રહ્યો છે. બીજી તરફ ભારતથી સાતગણું નાનું હોવા છતાં પાકિસ્તાન લશ્કરી ર્દષ્ટિએ સમાનતા હાંસલ કરવા તત્પર છે. 1971ના ભારત-પાક યુદ્ધ પછી પૂર્વ-પાકિસ્તાનની પાંખ (બાંગ્લાદેશ) કપાઈ ગયા બાદ આ શક્ય નથી.

બદલાતા સમયના પરિપ્રેક્ષ્યમાં ભારત-પાક સંબંધો ઉપખંડીય પરિમાણમાં જોવાય અને ગોઠવાય તો બંને દેશોને લાંબા ગાળાનો લાભ થવા સંભવ છે. પરસ્પર વિશ્વાસનો સેતુ ઊભો કરવાનું આ કાર્ય દુષ્કર છે, પરંતુ બંને માટે તે લાભદાયી છે. બંનેના લોકો ગરીબ, અશિક્ષિત અને પછાત છે. બંનેની પ્રજાનો વિકાસ તેમની વચ્ચેની શાંતિ ઉપર આધારિત છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના બાંગ્લાદેશ અંગેના યુદ્ધ પછી (1971) ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા ખાતે કરારો થયા (1972). બંનેએ શાંતિમય રીતે પ્રશ્નો ઉકેલવાનું નક્કી કર્યું. વળી પ્રશ્નોને બહુપક્ષી ધોરણે નહિ, પણ દ્વિ-પક્ષી વાટાઘાટો દ્વારા ઉકેલવાનું બંનેએ સ્વીકાર્યું. સૈદ્ધાંતિક રીતે ભારતને માટે આ વિજય હતો. કાશ્મીરનો પ્રશ્ન દ્વિપક્ષી મંત્રણાઓ દ્વારા ઝડપથી ઉકેલાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી બાજુએ પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધવિરામ રેખાને ઓળંગશે નહિ એવી છાપ આ કરાર દ્વારા ઊભી થઈ. તે સાથે ભારતના કાશ્મીર અને આઝાદ કાશ્મીર વચ્ચેની અંકુશ-રેખા જાણે કે કાનૂની આંતરરાષ્ટ્રીય સરહદ બની.

જનરલ ઝિયાના શાસન દરમિયાન પાકિસ્તાને પંજાબના શીખ પ્રશ્નને સળગતો રાખવાના અને કાશ્મીરમાં ફરી ભારતને માટે મુશ્કેલીઓ ઊભી કરવાના સફળ પ્રયત્નો કર્યા. 1988માં ઝિયાના મૃત્યુ પછી બેનઝીર ભુટ્ટોના સમયમાં અને નવાઝ શરીફના સમયમાં બાંગ્લા દેશના બનાવોનું વેર લેવા માટે પાકિસ્તાનની સરકાર કટિબદ્ધ છે એવી છાપ ભારત ઉપર પડી છે. પાકિસ્તાનમાં લોકશાહીની પુન:સ્થાપના છતાં પાકિસ્તાનના રાજકારણમાં તેમના પ્રમુખની ભૂમિકા અને તેના કરતાં પણ વધારે મહત્ત્વની સૈન્યની ભૂમિકાથી કાશ્મીરનો પ્રશ્ન ઉદ્દામ વલણ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનું એક સાધન બન્યો. આવાં પરિબળોને કારણે લોકશાહી પાકિસ્તાન પણ ભારતને અનુકૂળ કે જૈસે થેનું વલણ કાશ્મીરના સંદર્ભમાં અપનાવી શકતું નથી. આમ છતાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીમાં કાશ્મીર ઉપરાંત બીજાં પરિબળો પણ કારણભૂત છે.

કાશ્મીરકેન્દ્રરાજ્ય સંબંધો તથા બંધારણીય સ્થિતિ : કાશ્મીરના પ્રશ્નનું બીજું મહત્વનું પાસું તેના કેન્દ્ર સરકાર સાથેના સંબંધને લગતું છે. પ્રાદેશિક વિસ્તારની ર્દષ્ટિએ કાશ્મીર ભારતનાં બીજાં રાજ્યો જેવું જ એક રાજ્ય છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાની વહેંચણી અંગેની જે જોગવાઈઓ બીજાં રાજ્યોને બંધારણના અમલ પછી લાગુ પાડવામાં આવી તે કાશ્મીરને લાગુ પાડવામાં આવી નથી. બંધારણની કલમ ‘306-એ’ (જે પાછળથી બંધારણની કલમ ‘370’ બની) મુજબ તેનું સંચાલન થાય છે. બંધારણના ઘડતર સમયે આ મુજબ કેન્દ્ર સરકારને માત્ર ‘સંરક્ષણ, વિદેશનીતિ અને પરિવહન’ – એમ ત્રણ વિષયો પર જ કાનૂન ઘડવાની અને તેના અમલ તેમજ વહીવટની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ સિવાયના વિષયો અંગે કાનૂની અને વહીવટી સત્તા રાજ્યને સોંપવામાં આવી હતી. જોકે ભારતના બંધારણની બીજી જોગવાઈઓ રાષ્ટ્રપ્રમુખ પોતાને યોગ્ય લાગે તો ફેરફારો કે અપવાદો સાથે જમ્મુ અને કાશ્મીરને લાગુ પાડી શકે છે. જોકે તેમાં જમ્મુ અને કાશ્મીરની સરકારની સંમતિ આવશ્યક ગણાઈ છે. આનો ઉપયોગ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતના બંધારણની બીજી કલમો પણ લાગુ પાડવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરની વિશિષ્ટ પરિસ્થિતિ અને જોડાણના સંજોગો જોતાં કલમ 370 દાખલ કરવામાં આવી હતી, પરંતુ આ ‘વિશિષ્ટ’ જોગવાઈ, કામચલાઉ અને સંક્રમણકાલીન (transitional) હતી. આ જોગવાઈ લગભગ કાયમ જેવી થઈ જવાથી, વિવાદાસ્પદ બની છે. આ કલમ રદ કરવી કે ન કરવી એ પણ એક ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે.

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહને કલમ 370થી જમ્મુ અને કાશ્મીરના લોકોને લાભ થયો નથી, પરંતુ એ રાજ્યનાં સ્થાપિત હિતોને અને રાજકારણીઓને જ લાભ થયો છે એવો આક્ષેપ કરીને કલમ 370 દૂર કરવાની માગણી કરી હતી.

કલમ 370 હેઠળ શરૂઆતનાં વર્ષોમાં કેન્દ્ર સરકારને જે સત્તા હતી તે પાછળથી વધારવામાં આવી હતી. બંધારણની કલમ 356 અને 357 રાજ્યને લાગુ પાડવામાં આવી હતી. આ સિવાય વડી અદાલતની રચના તેમજ વ્યાપારી કૉર્પોરેશનના સંચાલનમાં નિયંત્રણ, ભાવનિયંત્રણ વગેરે સામાજિક કલ્યાણ અને સલામતીને લગતી બાબતોમાં પણ કેન્દ્ર સરકારની સત્તા લાગુ પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલતનું કૉમ્પ્ટ્રૉલર અને ઑડિટર જનરલનું તથા ચૂંટણી પંચનું કાર્યક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં લાગુ પાડવામાં આવ્યું હતું. 1966માં આ રાજ્યમાંથી લોકસભામાં સભ્યો નીમવાની પ્રથા રદ કરીને ચૂંટવાની પ્રથા દાખલ કરવામાં આવી. આ ઉપરાંત ભારતીય વહીવટી સેવા, પોલીસ સેવા વગેરેને લગતી જોગવાઈઓ પણ કાશ્મીર રાજ્યને લાગુ પાડવામાં આવી હતી. 1974માં ભારતનાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને શેખ અબ્દુલ્લા વચ્ચે થયેલા કરાર મુજબ ભારતના બંધારણની જે જોગવાઈઓ સુધારા અને ફેરફારો સાથે જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પાડવામાં આવી હતી તેમાં રાષ્ટ્રપતિ ગુણવત્તાને ધોરણે ફેરફાર કરી શકે પણ જે જોગવાઈઓ તેના મૂળ સ્વરૂપે લાગુ પાડવામાં આવી હતી, તેમાં ફેરફાર કરાશે નહિ એવું નક્કી કરાયું હતું. આ સમયના સંજોગોને લક્ષમાં રાખીને આ કરારને શેખ અબ્દુલ્લા દ્વારા કરાયેલા ‘વાસ્તવિકતા’ના સ્વીકાર તરીકે લેખી શકાય.

26 ઑક્ટોબર 1947ના રોજ કાશ્મીરનું ભારતમાં જોડાણ થયું ત્યારે ભારત સરકારે એવી ખાતરી ઉચ્ચારી હતી કે આ રાજ્યનું ભાવિ આ રાજ્યની બંધારણસભા દ્વારા નક્કી કરવામાં આવશે. 1951માં આ બંધારણસભાની રચના થઈ. નવેમ્બર 1951થી એક વચગાળાનું બંધારણ સ્વીકારવામાં આવ્યું. 20 નવેમ્બર 1956ના રોજ તેને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1957થી આ બંધારણ અમલમાં આવ્યું. બંધારણ ઘડાયા પછી આ બંધારણસભાનું વિસર્જન થયું. આમ, ભારતનાં બીજાં રાજ્યો માટે એક સામાન્ય (common) બંધારણ છે, જે ભારતના બંધારણના દસ્તાવેજમાં સમાવિષ્ટ છે – જ્યારે કાશ્મીર રાજ્યના સંચાલન માટે એક અલગ બંધારણ છે. આ બંધારણમાં 153 કલમો છે.

જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાએ ફેબ્રુઆરી 1954માં આ રાજ્યના ભારત સાથેના જોડાણને બહાલી આપી હતી.

જમ્મુ અને કાશ્મીરના બંધારણ મુજબ 15 ઑગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોના તાબા હેઠળ જે પ્રાંતો હતા એ તમામ પ્રાંતો રાજ્યના વિસ્તારો છે. આ પ્રાંતોમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ભાગોનો પણ સમાવેશ થાય છે.

બંધારણની કલમ 3 હેઠળ, ભારતની સંસદને રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાનો અથવા નામ બદલવાનો અધિકાર છે, પરંતુ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંબંધમાં આવા કોઈ ફેરફાર માટે રાજ્યની વિધાન-સભાની પરવાનગી વગર સંસદમાં કોઈ ખરડો રજૂ કરી શકાતો નથી.

આ રાજ્યનું બંધારણ અહીંના સ્થાયી નિવાસીઓને બેવડું નાગરિકત્વ આપે છે તથા રાજ્યના નાગરિકોને કેટલાક વિશેષ અધિકારો મળે છે, જેમ કે રાજ્ય સરકારની નોકરી, કાયમી મિલકતની માલિકીનો હક્ક. અહીંના લોકોને સંઘીય સેવામાં ભરતીની તક મળે છે, પરંતુ બીજા રાજ્યના નાગરિકોને આ રાજ્યની વહીવટી સેવામાં નોકરી મળી શકતી નથી. અહીંના નાગરિકો દેશના કોઈ પણ સંસદીય વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે, પરંતુ અન્ય રાજ્યની કોઈ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરના કોઈ વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે નહિ.

ભારતનું આ એકમાત્ર રાજ્ય છે જે મુસ્લિમ બહુમતી ધરાવે છે, પરંતુ આ રાજ્યના બંધારણના ઘડવૈયાઓએ તેને ‘ધર્મનિરપેક્ષ’ રાજ્ય તરીકે જાહેર કર્યું છે. ભારતના બંધારણમાં ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દ સુધારા 42 દ્વારા 1976માં ઉમેરવામાં આવ્યો હતો.

રાજ્યના સ્થાયી નિવાસીઓ માટે મૂળભૂત અધિકારોની વાત બંધારણમાં કરવામાં આવી નથી. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોની જોગવાઈઓ અહીં થોડા ફેરફારો સાથે લાગુ પાડવામાં આવી છે. અહીં કોઈ મૂળભૂત ફરજોની વાત કરવામાં આવી નથી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જેમ કાશ્મીરના બંધારણમાં કેટલાક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે.

1965માં જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં થયેલા સુધારા મુજબ પહેલાં ‘વડાપ્રધાન’ તરીકે ઓળખાતા પ્રધાનમંડળના અધ્યક્ષને ‘મુખ્યપ્રધાન’ અને રાજ્યના વડાને ‘સદરે રિયાસત’ને બદલે ‘રાજ્યપાલ’ તરીકે ઓળખવામાં આવે છે. બીજાં રાજ્યોની વિધાનસભાઓની મુદત પાંચ વર્ષની છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની મુદત છ વર્ષની છે.

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થયેલી સત્તાની વહેંચણીની બાબતમાં શરૂઆતમાં કેન્દ્રની સત્તા આ રાજ્યને માત્ર ત્રણ વિષયો પૂરતી જ લાગુ પડતી હતી. પાછળથી કેન્દ્રની સત્તા વધી છે. આમ છતાં, સંઘીય સૂચિમાં ક્રમાંક 8, 9, 34 જમ્મુ અને કાશ્મીરને લાગુ પાડવામાં આવી નથી. 1963 સુધી સંયુક્ત સૂચિ (concurrent list) ત્યાં લાગુ પાડવામાં આવી ન હતી. આજે પણ દેશની સંસદ, રાજ્યો માટેના વધુમાં વધુ 47 વિષયોમાંથી 17 વિષયો અંગે જ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતા કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત શેષ સત્તા (residual powers) બીજાં રાજ્યોની બાબતમાં કેન્દ્ર સરકાર પાસે છે, જ્યારે અહીં તે જમ્મુ અને કાશ્મીર રાજ્ય પાસે જ છે.

કટોકટીના સમયે અન્ય રાજ્યોમાં ‘રાષ્ટ્રપતિ શાસન’ લાગુ પડે છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ‘રાજ્યપાલનું શાસન’ લાગુ પડે છે. તે જ પ્રમાણે અંદાજપત્ર સંસદ નહિ, પણ રાજ્યપાલ જ તૈયાર કરે છે.

વિદેશી આક્રમણ કે આંતરિક વિદ્રોહની થતી ‘કટોકટીની જાહેરાત’ આ રાજ્યને આપોઆપ લાગુ પડતી નથી, પરંતુ રાજ્ય સરકારની સહમતી પછી જ લાગુ પડે છે.

આર્થિક કટોકટીની જાહેરાત અહીં લાગુ પાડી શકાતી નથી. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ કેન્દ્ર સરકાર સ્થગિત (suspend) કરી શકતી નથી.

બંધારણમાં સુધારા કરવાની વિધિ જણાવવામાં આવી છે, પરંતુ બંધારણીય સુધારાની ગતિવિધિ દર્શાવનાર અનુચ્છેદ 147માં ફેરફાર થઈ શકતો નથી.

અનુચ્છેદ 144માં રાજ્યને માટે એક અલગ ધ્વજની વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ આ બંધારણીય જોગવાઈઓને લક્ષમાં લેતાં બે વસ્તુઓ સ્પષ્ટ થાય છે. ભારતનાં બીજાં રાજ્યોની સરખામણીમાં જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય ઘણી વધુ સત્તા ધરાવે છે. વળી, જમ્મુ અને કાશ્મીરનું અલગ બંધારણ અને તેની જોગવાઈઓ સ્પષ્ટ કરે છે કે આ બંધારણના ઘડવૈયાઓ જમ્મુ અને કાશ્મીરનું અલગ વ્યક્તિત્વ જાળવી રાખવા પહેલેથી આગ્રહી રહ્યા હતા.

કાશ્મીરના પ્રશ્નને વણસાવવામાં કાશ્મીર સાથેના સંબંધોનું સંચાલન જે રીતે ભારતની કેન્દ્ર સરકારે કર્યું છે તે પણ ટીકાને પાત્ર બન્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ રાજ્યના સંચાલનમાં નીચે મુજબની ક્ષતિઓ ગણાવી શકાય :

(1) કેન્દ્ર સરકાર દ્વારા પોતાના હિતને લક્ષમાં રાખીને રાજ્ય સરકારનું વારંવાર કરાયેલું પરિવર્તન. શેખ અબ્દુલ્લા આને પરિણામે વખતોવખત કેદ પકડાયા અને મુક્ત કરાયા. બીજા મુખ્યમંત્રીઓને અજમાવ્યા પછી એમના વગર નહિ જ ચાલે એવી ગણતરી કરતાં એમને સત્તા પર પુન: સ્થાપવામાં આવ્યા. બક્ષી ગુલામ મહંમદ, ફારૂક અબ્દુલ્લા અને જી. એમ. શાહ પણ આ નીતિના ભોગ બન્યા. આનો અર્થ એ નથી કે આ દરેક પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલું વલણ અયોગ્ય હતું, પરંતુ કાશ્મીરની પ્રજાના મન પર આથી એવી છાપ પડી કે કેન્દ્ર સરકાર કાશ્મીરની સરકારને, પ્રજાને નહિ, પરંતુ પોતાને જવાબદાર બનાવવા માગે છે.

(2) 1977ની ચૂંટણીને બાદ કરતાં લાંબા સમય સુધી કાશ્મીરની વિધાનસભામાં પણ મુક્ત ચૂંટણી થઈ નથી. આથી ચૂંટણીમાં જે ઉમેદવારોનો પરાજય થયો તેમાંના કેટલાક જમ્મુ અને કાશ્મીર મુક્તિ મોરચાના નેતાઓ બન્યા. ટૂંકમાં લોકશાહી પ્રક્રિયાને તક ન મળતાં ત્રાસવાદી પ્રવૃત્તિનાં મૂળ નખાયાં.

(3) કૉંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય પરિષદને કૉંગ્રેસ પક્ષનું અંગ બનાવવાની કોશિશ પણ કાશ્મીરના લોકો અને નેતાઓને ગમી ન હતી.

(4) અબ્દુલ્લા કુટુંબ કે જમ્મુ અને કાશ્મીરના નેતાઓમાં જ આસ્થા રાખીને, કેન્દ્ર દ્વારા જમ્મુ અને કાશ્મીરને અપાતી મદદ પ્રજા સુધી પહોંચે તેવી શ્રદ્ધા જન્માવવામાં નિષ્ફળતા.

(5) એક મત અનુસાર કલમ 370 ચાલુ રાખીને કેન્દ્રે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી ભાવનાને વિકસવા દીધી છે, તો બીજા મત મુજબ કેન્દ્ર સરકારે કલમ 370ની ભાવનાનો અનાદર કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યના સંદર્ભમાં એક બીજો મુદ્દો કાશ્મીરની સરકાર અને જમ્મુ તેમજ લદ્દાખના વિસ્તાર સાથે ન્યાયી સંબંધો સ્થાપવાનો છે. આ બંને વિસ્તારોએ પણ સ્વાયત્તતાનો અભાવ હોવાનો અને શ્રીનગરનું તેમના તરફનું વર્તન ઓરમાયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બંને વિસ્તારોમાં પણ આથી હિંસાએ દેખા દીધી છે. આ વિસ્તારોને અન્યાય થયો હોવાની વાત ત્યાંની સરકારે નીમેલા પંચોએ પણ કરી હતી.

જોકે તે પછી ભારત સરકારની બદલાયેલી નીતિની નોંધ લેવી જોઈએ. ઑક્ટોબર, 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર અને ડિસેમ્બર, 2001માં ભારતીય સંસદ પરના આતંકવાદી હુમલાઓ છતાં કાશ્મીર અંગે કેન્દ્ર સરકારે નવી રણનીતિ અમલમાં મૂકવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા. તેમાં વડાપ્રધાન વાજપેયી, ગૃહમંત્રી અડવાણી અને રક્ષામંત્રી ફર્નાન્ડીઝ એપ્રિલ, 2002માં કાશ્મીરની મુલાકાતે ગયા. સ્વતંત્રતા બાદ કદાચ પહેલી જ વાર ટોચના ત્રણ ત્રણ નેતા આ વિસ્તારની મુલાકાતે ગયા. ત્યાંથી જનતા માટે સામાજિક-આર્થિક સુધારાઓનો સંપુટ રજૂ કરવામાં આવ્યો. આતંકવાદ પાછળનું મહત્વનું કારણ યુવાનોમાં પ્રવર્તતી બેરોજગારી હતી તેવા નિષ્કર્ષ સાથે તે દૂર કરવાનાં કારણો વિચારાયાં. ભારત-પાકિસ્તાન વચ્ચેના અવરોધોને બાજુ પર મૂકી મંત્રણાઓનો પ્રારંભ કરવા માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં આવી. આમ સામાજિક-આર્થિક સુધારા, બેરોજગારીમાં ઘટાડો અને મંત્રણાઓની તૈયારી દ્વારા કેન્દ્ર સરકારની નવી બદલાયેલી અને વિધેયાત્મક બનેલી રણનીતિ આ દિશાનો શુભસંકેત છે. પાકિસ્તાનમાં યોજાયેલી ‘સાર્ક’ પરિષદમાં ભારતના વડાપ્રધાનની હાજરી, સપ્ટેમ્બર-ઑક્ટોબર, 2002માં યોજાયેલી નિષ્પક્ષ ચૂંટણીઓ, લાહોર બસયાત્રા અને સમઝોતા એક્સપ્રેસનો આરંભ આ વિધેયાત્મક દિશામાં સરકારે ભરેલાં પગલાંનો ખ્યાલ આપે છે.

2004ની 14મી સામાન્ય ચૂંટણીને પરિણામે રચાયેલી મનમોહન સિંહની સરકારે પણ આ દિશાના પ્રયાસોનું સમર્થન કર્યું. એથી ભારત સરકાર લોકશાહીવાદી, તટસ્થ અને શાંતિપ્રિય માર્ગે કામ કરી રહી હોવાની છાપ મજબૂત બની. કૉંગ્રેસ અને અન્ય પક્ષોનો સહકાર ધરાવતા યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સનો વિજય થતાં વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા વિવિધ ક્ષેત્રે નવી શરૂઆત કરવામાં આવી. બંને દેશો વચ્ચે અટકી ગયેલી ક્રિકેટ મૅચ 2004માં ફરી શરૂ થઈ. તે સમયે પાકિસ્તાનના પ્રમુખ મુશર્રફ ક્રિકેટ મૅચ જોવા ભારત આવેલા. ત્યારે ભારત અને પાકિસ્તાનની સરકારે ‘કૉમન ડેક્લેરેશન’ ઘડ્યું જે અનુસાર વાટાઘાટોથી પ્રશ્ન ઉકેલવા અને  કાશ્મીરની પ્રજાને વિશ્વાસમાં લેવા બંને દેશોના નેતાઓ સંમત થયા હતા. વર્ષો પછી હુર્રિયતના નેતાઓને મંત્રણા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા. આમ 1999 પછીનાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત-પાક સંબંધો સુધર્યા છે. કાશ્મીરમાં અનેક તકલીફો છતાં કંઈક સંતોષ પેદા થયો છે. સૌથી અગત્યની બાબત એ છે કે બંને દેશોની સરકારો વચ્ચે લડાયકતાનો માહોલ બદલાયો છે. મંત્રણા અને વાટાઘાટો કરતા રહીને આ સમસ્યાનો હલ શોધવાની દિશામાં ચક્રો ગતિમાન રહે છે.

આંતરરાષ્ટ્રીય સંદર્ભ : ભારતના આંતરિક કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં આજે કોઈ સૌથી વધુ મૂંઝવતો, સંવેદનશીલ અને જૂનો પ્રશ્ન હોય તો તે કાશ્મીરનો છે. પ્રશ્નના સ્વરૂપ અનુસાર ઉકેલનો પણ વિચાર કરવો પડે. જો એને માત્ર રાષ્ટ્રીય એકીકરણનો અને બિનસાંપ્રદાયિકતાની કસોટીનો પ્રશ્ન ગણીએ તો એ ભારતીય સરકાર અને પ્રજા માટેનો પ્રશ્ન બની જાય છે. બીજી બાજુએ, કાશ્મીરમાં પાકિસ્તાનનો રસ પહેલેથી જ છે. ભારત સાથેના દરેક સંઘર્ષમાં થયેલી લશ્કરી હિલચાલોમાં પાકિસ્તાનની વ્યૂહરચના સૌપ્રથમ કાશ્મીરનો કબજો મેળવવાની જ રહી છે. આથી આ પ્રશ્ન જો હલ થાય તો ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો સુધરવાની શક્યતા ઊભી થાય છે. કાશ્મીરનો પ્રશ્ન આ સિવાય પણ આંતરરાષ્ટ્રીય છે. કાશ્મીરના પ્રશ્નમાં ટેકો મેળવવાની ઇચ્છાએ પાકિસ્તાન-અમેરિકાનું જોડાણ થયું હતું.

પાકિસ્તાને વિવિધ રાજ્યોનો ટેકો મેળવવા વ્યક્તિગત રીતે કે ઇસ્લામિક દેશોની પરિષદમાં પ્રયત્ન કર્યો છે. આ ઇચ્છાને કારણે જ આ વિસ્તારમાં ઠંડા યુદ્ધના પ્રવેશ માટે અમુક પ્રમાણમાં કાશ્મીર એક દ્વાર બની ગયું હતું. આની સામે ભારત-રૂસ જોડાણ(રાજકીય)નો પાયો પણ કંઈક અંશે કાશ્મીરના પ્રશ્નમાં રહેલો છે. સોવિયેત સંઘના વિસર્જન પછી રશિયન સમવાયતંત્રનો ટેકો કાશ્મીરના પ્રશ્ને ભારતને મળશે કે નહિ એ ભારતીય રાજ્યકર્તાઓને રશિયાના બનાવોને કારણે સૌથી વધુ ચિંતા કરાવનારો વિષય બન્યો છે. આની સામે ઠંડા યુદ્ધના અંતને કારણે અમેરિકાનો ટેકો પાકિસ્તાનને કેટલા પ્રમાણમાં અને કેવા સ્વરૂપે મળશે એને અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે.

કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ એ એક શુભ શરૂઆત હતી. આ જોડાણની સામે 1950ના દાયકાની શરૂઆતમાં પડકાર ઊભો થયો હતો. જવાહરલાલ નેહરુના જ સમયમાં થયેલી શેખ અબ્દુલ્લાની ધરપકડ આના પ્રતીકરૂપ હતી. આ આંતરિક પ્રશ્નનું પ્રાદેશિકીકરણ અને આંતરરાષ્ટ્રીયકરણ હવે થઈ ગયું હતું.

ભારત સાથેના કાશ્મીરના એકીકરણનો પ્રશ્ન એ કાશ્મીરના કેટલાક નેતાઓ દ્વારા છૂટીછવાઈ રીતે સંજોગો અનુસાર અને પોતાના હિત અનુસાર ઊભો કરાયો છે. જોકે ભારતમાં આ જોડાણની અફરતા અંગે અપવાદ રૂપે જ શંકા વ્યક્ત કરાઈ છે. આની સામે કાશ્મીરમાં જોડાણની અફરતાને ટેકો આપતાં ભાષણો પણ પક્ષીય ધોરણે કરાયાં છે.

1950 અને 1960ના દાયકામાં કાશ્મીરના પ્રશ્ને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વિગ્રહની ખૂબ તનાવભરી સ્થિતિ નજરે પડે છે. બાંગ્લાદેશના સર્જન અને સિમલા કરાર પછી કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચે શીતયુદ્ધનો પ્રશ્ન બની ગયો હતો. પરંતુ 1970ના દાયકામાં આ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ન બનતાં પ્રાદેશિક બન્યો. પાકિસ્તાને પણ આ પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પણ કદાચ એ માટે અનુકૂળ ન હતી.

1980ના દાયકાના બીજા ભાગમાં આ પ્રશ્ન ભારતને માટે ગંભીર બન્યો. પાકિસ્તાનની દખલગીરી પણ આ સમયે ખૂબ વધી હતી. આ ગાળામાં પણ પાકિસ્તાને પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ તેને સફળતા મળી નહિ. ઠંડા યુદ્ધના અંત પછીની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કદાય એને માટે અનુકૂળ ન હતી.

આતંકવાદ વકરવા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા આતંકવાદને દૂર કરવા કાશ્મીર પર પરોક્ષ પ્રભુત્વ ઇચ્છે છે અને ચીન પણ કાશ્મીર પર પ્રભુત્વ ઇચ્છે છે; કારણ કે પૂર્વ ગોળાર્ધમાં ચીનનું સૌથી પ્રબળ પ્રતિસ્પર્ધી ભારત જ છે. તેથી ચીન ઊંડી ચાલ ચાલી રહ્યું છે. આ બંને દેશોએ તે માટે પાકિસ્તાનને ‘માધ્યમ’ બનાવ્યું છે. અત્યાર સુધી કાશ્મીર મુદ્દે ભારતને સોવિયેત સંઘનો સંપૂર્ણ સાથ-સહકાર મળ્યો હતો, તે એટલે સુધી કે જરૂર ઊભી થઈ ત્યારે સોવિયેત સંઘે આ માટે ‘વીટો’ની સત્તાનો પણ ઉપયોગ કરીને ભારતને મદદ કરી હતી.

પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ ચીન અને અમેરિકા  બંનેનો લાભ ઉઠાવી રહ્યા છે. અમેરિકા-પાકિસ્તાન વચ્ચે મીઠા સંબંધો છતાં તે પાકિસ્તાનથી ચેતીને ચાલવા માંગે છે. પાકિસ્તાન ચીન તરફ કંઈક ઝૂકી રહ્યું છે તેની પ્રતીતિ અમેરિકાને છે જ. આમ કાશ્મીર પ્રશ્ને અમેરિકા, ચીન અને પાકિસ્તાન તો બીજી તરફ ભારત  એમ શતરંજની ચાલ ખેલાઈ રહી છે.

આ સંજોગોમાં કાશ્મીરના પ્રશ્નને ઉકેલવા માટે કે તેમાં ‘જૈસે થે’ની પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય નહિ, પણ રાષ્ટ્રીય કે પ્રાદેશિક ઉકેલો જ લક્ષમાં લેવા પડશે. શું ભારતની રાજકીય પ્રથા આ ઉકેલ લાવવા માટે સક્ષમ છે ? શું ભારતના રાજકીય પક્ષો આ માટે પક્ષીય નહિ પણ રાષ્ટ્રીય હિતને લક્ષમાં રાખીને કામ કરશે ? ભારતની પ્રજાને કાશ્મીરમાં રસ કેટલો છે ? કાશ્મીરના પ્રશ્ને ભારત જો પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા તૈયાર થાય તો તે સરકારને ટેકો આપશે ? આ સામે જો ભારતની સરકાર પાકિસ્તાન સાથે કડકને બદલે નરમ વલણ અખત્યાર કરે તો જરૂરી પરિવર્તનશીલતા ભારતની પ્રજા દર્શાવશે ? ભારતની કેન્દ્ર સરકારે કાશ્મીરનો પ્રશ્ન આંતરિક ર્દષ્ટિએ કઈ રીતે ઉકેલવો ? ભારતના બંધારણની કલમ 370 રદ કરવી જોઈએ કે એ કલમ સ્વીકારાયા પછી કેન્દ્ર સરકારે, કાશ્મીર રાજ્યના સંદર્ભમાં પોતાની જે સત્તા વધારી છે તેને મર્યાદિત કરવી જોઈએ ? અલગતાવાદીઓ જો વાટાઘાટો માટે તૈયાર થાય તો સરકારે તે માટે તૈયારી બતાવવી કે નહિ ? આ બધા પ્રશ્નો અંગે ભારત સરકારે પ્રજાના વિચારો જાણીને વલણ નક્કી કરવાનું રહે છે. રાજકીય પક્ષોની સર્વસંમતિ આવકારદાયક છે. પરંતુ રાજકીય પક્ષોનાં વલણો પણ પ્રજાનાં વલણોની અપેક્ષાએ ઘડાતાં હોય છે. વળી રાજકીય પક્ષોની સર્વસંમતિ એ પ્રજાની સર્વસંમતિ ગણાય કે કેમ એ પણ પ્રશ્ન છે.

આ સાથે કાશ્મીરના પ્રશ્નના ઉકેલ માટે પાકિસ્તાનની સરકાર પાસે પણ દૂરંદેશિતાની અપેક્ષા છે. પાકિસ્તાનની સરકારોના કાશ્મીર પ્રત્યેના અભિગમનાં અંતિમ કારણો ગમે તે હોય, પરંતુ ભારત સાથે વિગ્રહ કર્યા વગર, તેને આર્થિક અને રાજકીય નુકસાન કરીને, તનાવને સતત જીવંત રાખવાની તેની વ્યૂહરચનાનું અંતિમ પરિણામ શું ? આ માટે તેની તૈયારી છે ? બંને દેશો અણુશસ્ત્રો ધરાવે છે ત્યારે કાશ્મીરનો પ્રશ્ન જીવંત રાખવાની સાથે ભારતથી બચવા આ દિશામાં જવું તેને માટે અનિવાર્ય બની જશે. આમ છતાં, અણુશસ્ત્રો કેટલે અંશે પાકિસ્તાન જેવા દેશને હરીફના આક્રમણથી બચાવી શકશે એ પણ પ્રશ્ન છે. જો યુદ્ધ થાય અને પાકિસ્તાન અણુશસ્ત્રોનો ઉપયોગ ન કરી શકે તો બાંગ્લાદેશ જેવા બનાવોનું પુનરાવર્તન થવાનો સંભવ ગણાય. નવોદિત રાષ્ટ્ર-રાજ્યો માટે એકીકરણના પ્રશ્ર્નો તો છે જ. હરીફના એકીકરણના પ્રશ્નોને ઉપસાવવાથી પોતાને માટે પડકાર ઊભા નહિ થાય એવું કોણ કહી શકે ? ચોક્કસ પ્રકારનાં મૂલ્યોનું વિશ્વભરમાં જતન કરાવવાની જવાબદારી માટે મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય શક્તિ જરૂરી છે. વિશ્વ-રાજકારણમાં આથી જ કોઈ પણ રાજ્ય એકધારી રીતે લાંબા સમય સુધી આ જવાબદારી અદા કરી શકતું નથી. કાશ્મીરનો પ્રશ્ન આથી જ પાકિસ્તાનની રાજકીય પ્રથા, લશ્કરી તંત્ર અને રાજકીય પક્ષો માટે પણ પડકાર સમાન છે.

ભારતીય જનતાપક્ષ તરફથી હાથ ધરાયેલી એકતા યાત્રા અને 26 જાન્યુઆરી 1992ના પ્રજાસત્તાક દિને શ્રીનગરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના કાર્યક્રમના જવાબ રૂપે જે. કે. એલ. એફ.(Jammu-Kashmir Liberation Front)ના પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીરમાંથી ભારતના કાશ્મીરમાં કૂચ કરવાના પ્રયત્નની (ફેબ્રુઆરી 11, 1992 અને માર્ચ 30, 1992) નિષ્ફળતા પણ અગત્યનો બનાવ છે. કાશ્મીરના પ્રશ્ને પણ અત્યારે પાકિસ્તાન, ભારત સાથે સીધો, તીવ્ર અને ખર્ચાળ સંઘર્ષ કરવાનું ટાળવા માગે છે; પરંતુ વધુ અગત્યની વાત એ છે કે જે રીતે પાકિસ્તાને જે. કે. એલ. એફ.નું દમન કર્યું છે તેનાથી પાકિસ્તાન સામે રોષ ઉત્પન્ન થયો છે. આ બનાવથી (પાકિસ્તાનના) આઝાદ કાશ્મીરમાં સ્વતંત્રતાની લડતનો પ્રારંભ થયો છે અને કાશ્મીરની પરિસ્થિતિમાં એક ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. કાશ્મીરનો પ્રશ્ન માત્ર ભારત અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યને સ્પર્શતો નથી, માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો નથી, પરંતુ ભારત, પાકિસ્તાન અને કાશ્મીરની (બંને ભાગની) સમગ્ર પ્રજા વચ્ચેનો પ્રશ્ન બન્યો છે.

ઝડપથી પલટાતી પરિસ્થિતિના સંદર્ભમાં યુનોના નવા મહામંત્રી બુટ્રોસ ઘાલીએ જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાન બંનેની સંમતિ સિવાય કાશ્મીરનો પ્રશ્ન યુનો હાથમાં નહિ લઈ શકે. સલામતી સમિતિના જૂના ઠરાવો હવે અપ્રસ્તુત બની ગયા છે તે સાથે આ પ્રશ્ન વાજબી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી (સિમલા કરાર – 1972) બની ગયો છે એમ ઘાલીએ સ્વીકાર્યું છે.

બીજી તરફ પાકિસ્તાનની સીધી કે આડકતરી સહાય સાથે કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી ત્રાસની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અભિપ્રાય વધુ ને વધુ ર્દઢતાપૂર્વક આકાર લઈ રહ્યો છે. ઇંગ્લૅંડ અને યુરોપીય સંઘ આ વિશે ભારતને સહાયરૂપ બન્યા છે. ઇસ્લામના ધાર્મિક ઝનૂનવાદના ફેલાવા સામે પણ આંતરરાષ્ટ્રીય વલણો કેળવાતાં જાય છે.

જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટે (JKLF) ‘શુદ્ધ સ્વાતંત્ર્ય માટેની લડત’ (pure freedom struggle) તરીકે જમ્મુ-કાશ્મીરમાં લડતનાં મંડાણ કર્યાં હતાં. એ પૂર્વે પણ કાશ્મીરમાં આ અંગેના વેરવિખેર પ્રયાસો થતા હતા, પરંતુ 1990ના દાયકામાં આ પ્રયાસો બે દિશામાં વકર્યા. એક તરફ ‘જેહાદ’ (ધાર્મિક યુદ્ધ) તરીકે લડાયકતા વકરી, જેમાં પાકિસ્તાનમાં સ્થપાયેલી મદરેસાઓ સ્વયંસેવકોની ભરતી કરી તેને ધર્મયુદ્ધ માટે ઉશ્કેરતા; તો બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંનાં આતંકવાદી જૂથો આતંકવાદને પ્રોત્સાહન પૂરું પાડી, જમ્મુ-કાશ્મીર માર્ગે ઘૂસણખોરી કરી નિર્દોષ નાગરિકો-મુસ્લિમો અને અન્યધર્મીઓ-ની કતલ કરી આતંકનો માહોલ ઊભો કરી જનતાને ત્રસ્ત કરતા. આ અંગેના જવાબદાર અધિકારીઓ માને છે કે લડાયક જૂથામાંના 60 ટકા વિદેશીઓ અને બાકીના સ્થાનિક લોકો છે. આ લડાયક જૂથો – હિજબુલ મુઝાહીદ્દિન, જમાતે ઇસ્લામી, લશ્કરે તોઇબા વગેરે – તેમની વ્યૂહરચના બદલતા રહે છે. ક્યારેક વિદેશી પ્રવાસીઓને બાનમાં લઈને, લશ્કરી નિવાસી-છાવણી પર હુમલા કરીને, ફિદાયીન (આત્મઘાતી) ટુકડીઓ મોકલીને – એમ વિવિધ તરીકાઓથી તેઓ પ્રજાને ભયભીત અને આતંકિત કરે છે. ઑલ પાર્ટીઝ હુર્રિયત કૉન્ફરન્સ જેવાં સંગઠનો કાશ્મીરને ‘વિવાદાસ્પદ વિસ્તાર’ જાહેર કરી બળતામાં ઘી હોમે છે. કાશ્મીરના પ્રશ્ને આ જૂથો પોતે જ સ્થાપિત હિતો બની ગયાં છે અને કાશ્મીરના નામે જૂથવાદી હિતોની જમાવટ કરવાની ભરપૂર કોશિશ કરે છે. આમ કાશ્મીરી આતંકવાદ જૂથવાદી હિતોની જમાવટમાં રૂપાંતરિત થયો છે.

ઠંડા યુદ્ધની વિદાય પછી અશાંતિ અને અસ્થિરતા ઊભી કરતાં પરિબળોને જાકારો અપાઈ રહ્યો છે. કાશ્મીરનો પ્રશ્ન પણ આ પરિપ્રેક્ષ્યમાં મુલવાઈ રહ્યો છે.

ફ્રેન્ડ્ઝ ઑવ્ કાશ્મીર માટે લંડનની માર્કેટિંગ કંપની મોરી ઇન્ટરનેશનલ ગ્રૂપ ઑવ્ કંપનીઝે 20થી 28 એપ્રિલ, 2002માં એક રસપ્રદ સર્વેક્ષણ કાશ્મીર ખાતે કરેલું. તેમાં 850 લોકોને સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયા હતા. તેમાંનાં કેટલાંક રસપ્રદ તારણો મુજબ 61 ટકા લોકો માને છે કે પાકપ્રેરિત આતંકવાદ અને ઘૂસણખોરીને કારણે જમ્મુ અને કાશ્મીર રાજ્યની સ્થિતિ બદતર થવા પામી છે. કાશ્મીરી પંડિતો પુન: સ્થાયી થઈ વેપાર-રોજગારમાં જોડાવાથી વાતાવરણ સુમેળભર્યું થવાનો મત 70 ટકા લોકોએ આપ્યો. સપ્ટેમ્બર-ઑક્ટોબર, 2002ની વિધાનસભાની ચૂંટણી બાદ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પુન: રાબેતા મુજબની થઈ જશે એવો મત લોકોએ વ્યક્ત કર્યો હતો. લોકોના મતે શાંતિની પુન:સ્થાપનાનો એકમાત્ર માર્ગ ચૂંટણીનો હતો. કાશ્મીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારત અને પાકિસ્તાને યુદ્ધ ન કરવું જોઈએ એવો મત 63 ટકા લોકોનો હતો.

બંને દેશો વચ્ચે આવનજાવન વધી છે. સરહદો પર આવાગમનના માર્ગો વિધિવત્ ખોલાયા છે. બંને દેશો વચ્ચે વાસ્તવિક સ્થિતિ એ છે કે પ્રજાઓ પરસ્પરની નજીક છે અને દિલની સચ્ચાઈ અને ઊંડાણથી તેઓ શાંતિ અને અમનનો માહોલ ધરાવે છે, પરંતુ રાજકીય ક્ષેત્રે બંને સરકારો વચ્ચે મહત્વના પ્રશ્નો અંગે સમજૂતી સ્થાપવાની પ્રક્રિયા તેના આરંભબિંદુના તબક્કામાં છે.

જમ્મુ-કાશ્મીરની 2005ની પ્રવર્તમાન સરકારના વડા અને ભારતના પૂર્વ ગૃહમંત્રી સૈયદ મુફતી મહંમદે કાશ્મીરની સ્થાનિક પ્રજા પ્રત્યે ‘ઘા રૂઝવવાની’ (healing touch) નીતિ સ્વીકારી છે, જેને ભારત સરકારનું પૂરું સમર્થન પ્રાપ્ત થયેલું છે.

ભારતના સંરક્ષણની ર્દષ્ટિએ કાશ્મીરનું વ્યૂહાત્મક મહત્વ : ઑક્ટોબર 1947માં પઠાણ તાયફાઓએ નવનિર્મિત પાકિસ્તાનની સક્રિય ઉશ્કેરણી અને લશ્કરી સહાય દ્વારા કાશ્મીર પર આક્રમણ કર્યું તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પ્રથમ યુદ્ધનું કારણ બન્યું હતું. 1 જાન્યુઆરી 1949થી અમલમાં આવેલ યુદ્ધવિરામને લીધે આ યુદ્ધનો અંત આવ્યો, પરંતુ તેને લીધે જમ્મુ અને કાશ્મીર રાજ્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું અને તેનો નોંધપાત્ર વિસ્તાર (78,114 ચોકિમી.) પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ જતો રહ્યો. 1962માં કાશ્મીરના લદ્દાખ પ્રદેશનો અમુક ભાગ (37,555 ચોકિમી.) ચીને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યો તથા પાકિસ્તાને 5,180 ચોકિમી. જેટલો કાશ્મીરનો વિસ્તાર ચીનને ગેરકાયદેસર રીતે સોંપ્યો.

પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળના પ્રદેશોની વસ્તી બાદ કરીએ તો જમ્મુ અને કાશ્મીર રાજ્યની કુલ વસ્તી 1,00,69,917 (2000) જેટલી અંદાજવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર રાજ્યની ઉત્તરમાં ચીની તુર્કસ્તાન, પૂર્વમાં તિબેટ, દક્ષિણમાં હિમાચલ પ્રદેશ, પંજાબ અને પાકિસ્તાનનો અમુક ભાગ તથા પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલાં છે.

1965 અને 1971ના પાકિસ્તાન સાથેનાં યુદ્ધોને લીધે 1 જાન્યુઆરી 1949ના રોજ અમલમાં આવેલ મૂળ યુદ્ધવિરામ રેખાનું પુન: રેખાંકન (realignment) થયું છે, કારણ કે 1971ના યુદ્ધમાં બંને દેશોએ કબજે કરેલ પ્રદેશો આ યુદ્ધના અંત પછી વાસ્તવિક અંકુશરેખા (line of actual control) બની ગયા છે (જુઓ નકશો ક્રમાંક 1). ભારત અને પાકિસ્તાનના હાલ કબજા હેઠળના પ્રદેશોની સરહદ દક્ષિણ તરફ કારાકોરમ ઘાટના 120 કિમી. પરના બિંદુના પશ્ચિમ તરફથી પસાર થાય છે અને હુંઝાનગર, આસ્ટોર તથા મુઝફ્ફરાબાદને સ્પર્શીને પાકિસ્તાનના જેલમ જિલ્લાની ઉત્તરે ભારત-પાકિસ્તાન સરહદને મળે છે.

ભૌગોલિક, ભાષાકીય તથા સાંસ્કૃતિક ર્દષ્ટિએ જમ્મુ અને કાશ્મીર રાજ્યને છ પૃથક્ વિભાગોમાં વહેંચી શકાય અને તે દરેક વિભાગના વ્યૂહાત્મક મહત્વની અહીં ચર્ચા કરવામાં આવી છે.

જમ્મુ વિસ્તાર : પંજાબ અને હિમાચલ પ્રદેશના આ સીમાવર્તી પ્રદેશમાં મુખ્યત્વે જમ્મુ, કથુઆ, ઉધમપુર, ડોડા, ભાદરવાર અને કિશ્તવારનો સમાવેશ થાય છે. પૂર્વમાં તે રાવી નદી સુધી, પશ્ચિમે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ રેખા સુધી, દક્ષિણે સુચેતગઢથી ઉત્તરે પીરપંજાલ પર્વતશ્રેણીમાંની બનિહાલ ખીણ સુધી પ્રસરેલો છે. કુલ વિસ્તાર આશરે 19,308 કિમી. છે. પંજાબને સ્પર્શતા એક નાનકડા અને સાંકડા પટાને બાદ કરતાં તે સમગ્ર વિસ્તાર ડુંગરાળ છે. તેની બરાબર વચ્ચેથી ચિનાબ નદી વહે છે તથા અખનૂર રણક્ષેત્ર(sector)ના છાંબ જૈરિયાં પાસેથી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. રાવી અને ચિનાબ જેવી પ્રચંડ નદીઓ વચ્ચે આકાર પામેલો મુખ્યત્વે ડોગરા વસ્તી ધરાવતો આ ભૌગોલિક ખંડ ભારતના પંજાબના ગુરદાસપુર અને હોશિયારપુર જિલ્લાઓ સુધી, હિમાચલ પ્રદેશના ચમ્બા અને મંડી જિલ્લાઓ સુધી તથા પાકિસ્તાનના પંજાબ-જાફરાવાલ-શકરગઢ વિસ્તાર સહિતના સિયાલકોટ જિલ્લા સુધી પ્રસરેલો છે.

ભારતની ર્દષ્ટિએ જમ્મુ વિસ્તારનું મહત્વ વિશેષ છે. ભારત અને કાશ્મીરની ખીણ વચ્ચે તે એકમાત્ર કડી છે. પઠાણકોટ, જમ્મુ-નૌશેરા-પુંચને ચિનાબ નદી પરના અખનૂર પુલ સાથે જોડતો રસ્તો આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય સરહદથી જમ્મુ માત્ર 26 કિમી. અને સિયાલકોટ માત્ર 7 કિમી. છે. અખનૂર પાસે ચિનાબ નદીના બરાબર ઉત્તરેથી આ પ્રદેશમાંની પર્વતમાળાઓ શરૂ થાય છે. રાવી નદી પરનું માધોપુર જળશીર્ષતંત્ર (head works) આ પ્રદેશનો ભાગ ગણાય છે. વિશેષમાં, ભારતને કાશ્મીર ખીણ સાથે જોડતો પઠાણકોટ, જમ્મુ, ઉધમપુર, શ્રીનગર માર્ગ આ પ્રદેશમાંથી પસાર થાય છે. જમ્મુ, સમ્બા, કથુઆ પાસેનો આ મહત્વનો માર્ગ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને કથુઆ અને જમ્મુની સમગ્ર લંબાઈ દરમિયાન લગભગ સમાંતર છે, એટલું જ નહિ પરંતુ કેટલાક સ્થળે તો તે પઠાણકોટની સીમથી બહુ જ થોડા કિમી. અંતરે છે. ચિનાબ અને રાવી નદીઓ વચ્ચેનો આ મેદાની પ્રદેશ ભારતના કબજામાંથી જો જતો રહે તો ભારત અને કાશ્મીર વચ્ચેની આ એકમાત્ર કડી ભાંગી જાય, પંજાબની સંરક્ષણહરોળ નબળી પડે અને તે એક વાર હાથમાંથી જતી રહે તો પાછી મેળવવા માટેનું યુદ્ધ લાંબું અને ખર્ચાળ નીવડે, કારણ કે ઉત્તર-પશ્ચિમ તરફની પર્વતશ્રેણીઓ મોટા પાયા પરની લશ્કરી હિલચાલ માટે પ્રતિરોધક છે. ઉપરાંત, દક્ષિણ-પૂર્વ તરફ શત્રુપક્ષનું લશ્કર રાવી નદીના તટવર્તી પ્રદેશમાં તેની પોતાની સંરક્ષણવ્યવસ્થા ઊભી કરી શકે.

ભારતની ર્દષ્ટિએ વિચારીએ તો રાવી અને ચિનાબ નદીઓના પ્રદેશમાંથી પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની જરૂર પડે ત્યારે તેની કાર્યવાહીને બંને બાજુથી નૈસર્ગિક રક્ષણ અને ટેકો મળે તો પાકિસ્તાનના સિયાલકોટ તથા મરાલા જળશીર્ષતંત્ર માટે ગંભીર જોખમ ઊભું થાય, પઠાણકોટ-જમ્મુ માર્ગને ભારત પક્ષે વધુ લશ્કરી દુર્ભેદ્યતા (depth) આપી શકાય તથા શકરગઢ તરફની શત્રુપક્ષની સંરક્ષણહરોળ નકામી બનાવી શકાય. એટલા માટે જ પાકિસ્તાન સાથેનાં 1965 અને 1971નાં બંને યુદ્ધો દરમિયાન આ વિસ્તાર ભયંકર યુદ્ધનું ક્ષેત્ર બન્યો હતો.

લદ્દાખનો વિસ્તાર : કાશ્મીરની ખીણની ઈશાન દિશામાં તથા જમ્મુની ઉત્તરે લદ્દાખનો વિશાળ પઠાર આવેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 54,706 ચોકિમી. છે. હિમાચલ પ્રદેશની સમીપના આ વિસ્તારમાં જમ્મુના કિશ્તવાર પ્રદેશમાંથી પણ પ્રવેશી શકાય છે. મહારાજા ગુલાબસિંહના સૂબા જોરાવરસિંહે 1834 તથા 1840 દરમિયાન લદ્દાખ પર વિજય મેળવવા માટે આ જ માર્ગનો ઉપયોગ કર્યો હતો.

આ પ્રદેશનું મુખ્ય નગર લેહ છે. તે દરિયાની સપાટીથી 3,353 મીટર કરતાં પણ વધુ ઊંચાઈ પર છે. તે વિશ્વનાં સૌથી વધુ ઊંચાઈએ આવેલાં નગરોમાંનું એક છે. હિમાલયની પર્વતશૃંખલાઓ લદ્દાખને કાશ્મીર ખીણથી વિખૂટી પાડે છે, પરંતુ તે પર્વતશૃંખલાઓને અડીને તૈયાર કરવામાં આવેલો અને સતત સારી સ્થિતિમાં રાખવામાં આવતો જાહેર માર્ગ લદ્દાખને શ્રીનગર સાથે જોડે છે. આ રસ્તો જાણીતા જોજિલા ઘાટમાંથી પસાર થાય છે. 1947-48ની લશ્કરી અથડામણો દરમિયાન આ જ સ્થળે 4,268 મી. જેટલી ઊંચાઈ પર ભારતીય સેનાએ ટ્રકોનો ઉપયોગ કરી યુદ્ધકલામાં એક નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. હિમાલય પર્વતમાળાના એક છેડાથી બીજા છેડા સુધી એક નવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ હિમાચલ પ્રદેશને લદ્દાખ સાથે જોડે છે તથા મંડી-ઉપશી-લેહને પણ સાંકળી લે છે. અલબત્ત, ચંડીગઢથી લેહ સુધીનો હિમાલયની પર્વતમાળાને આંબતો વિમાનમાર્ગનો પ્રવાસ માત્ર 50 મિનિટનો છે.

વ્યાપારી મથક તરીકેનું લેહનું પ્રાચીન મહત્વ ઘટ્યું હોવા છતાં મધ્ય એશિયા સાથે સંબંધ ચાલુ રાખવા માટે તે એક અગત્યની કડી હોવાથી સંરક્ષણની ર્દષ્ટિએ તેના વ્યૂહાત્મક દરજ્જામાં સહેજ પણ ઘટાડો થયેલો નથી.

1947-48ની લશ્કરી અથડામણો દરમિયાન પાકિસ્તાની લશ્કર લદ્દાખના અમુક ભાગ પર ફરી વળ્યું હતું. અસ્કરડુ તથા કાર્ગિલ પર કબજો કર્યા પછી તેણે લેહ તરફ કૂચ આરંભી હતી, પરંતુ દરિયાની સપાટીથી આશરે સાડાત્રણ હજાર મીટરની ઊંચાઈ પરની લેહની કામચલાઉ હવાઈપટ્ટી પર ઊતરવાની ભારતીય લશ્કરની શકવર્તી કાર્યવાહી અને સાથોસાથ શિયાળામાં તેણે હાથ ધરેલ આક્રમક કારવાઈને પરિણામે જોજિલા ઘાટ પરના યુદ્ધમાં ભારતીય સેનાએ મેળવેલા વિજયને લીધે લેહ તથા લડાખનો બાકીનો વિસ્તાર પાકિસ્તાનના કબજામાં જતો અટકાવવામાં આવ્યો હતો.

લદ્દાખ તથા તેનો સૌથી વધારે મહત્વનો લેહ વિસ્તાર દક્ષિણે હિમાલય પર્વતમાળાને લીધે કાશ્મીર ખીણથી તથા ઉત્તરે કારાકોરમ પર્વતશૃંખલાને લીધે અકસાઈ ચીનથી વિખૂટો પડે છે અને તે આ બંનેની વચ્ચે આવેલો છે.

અકસાઈ ચીન વિસ્તાર એક ફાચર છે, જે અગ્નિદિશામાં તથા પૂર્વમાં ચીન હસ્તકના તિબેટને અને ઉત્તર તથા વાયવ્ય ખૂણે ચીનના સિક્યાંગ પ્રાંતને વિભાજિત કરે છે. અકસાઈ ચીન વિસ્તાર પર ચીને બળજબરીથી કબજો કર્યા પછી ત્યાં તેણે બે રસ્તાઓ બનાવ્યા છે (નકશો નં. 2 જુઓ). આ રસ્તા દ્વારા તિબેટને સિક્યાંગ સાથે જોડવામાં આવ્યું છે, જેથી રશિયા અને સિક્યાંગ વચ્ચેની સરહદો પર ગોઠવાયેલા સૈનિકો માટે પુરવઠો પહોંચાડી શકાય. આ રીતે અકસાઈ ચીન વિસ્તાર ઘણું વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.

લેહ પર કબજો મેળવવા માટે સિંધુ નદીની ખીણમાંના ડમચોક, કુમડોક, ઉપશી, લેહ અને/અથવા ચુશૂલ તરફથી અસરકારક લશ્કરી અભિયાન હાથ ધરી શકાય તેમ છે, કારણ કે આ ખીણો તેમની દક્ષિણે આવેલી ઝાસ્કર પર્વતમાળા  તથા ઉત્તરે આવેલા લદ્દાખ વિસ્તારની વચ્ચે આવેલું વિશ્વનું ઊંચામાં ઊંચું રણ ગણાય છે. હિમાચલ પ્રદેશના મનાલીથી તૈયાર કરવામાં આવેલો એક નવો માર્ગ આ વિસ્તારને હિમાચલ પર્વતમાળા પરના રોહતાંગ ઘાટની બાજુથી તથા ઝાસ્કર પર્વતમાળા પરના તાંગલાંગ ઘાટની બાજુથી ઉપશી દ્વારા જોડે છે. લેહનું પતન થાય તો ગિલગિટ તથા કાશ્મીર ખીણોના રક્ષણની બાબત ભયમાં મુકાય.

બાલ્ટિસ્તાન વિસ્તાર : કાશ્મીરની ઉત્તરે તથા લદ્દાખની પૂર્વે આ પ્રદેશ આવેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 14,000 ચોકિમી. છે. અસ્કર્ડુ તેનું મુખ્ય નગર છે. લેહની જેમ તે સિંધુ નદીના તટ પર આવેલું છે. પ્રાકૃતિક ર્દષ્ટિએ શક્તિશાળી ગણાય તેવો એક દુર્ગ ત્યાં આવેલો છે. ગિલગિટથી અસ્કર્ડુ તથા અસ્કર્ડુકાર્ગિલલેહ વચ્ચે મોટર દ્વારા પ્રવાસ કરી શકાય તેવા રસ્તા છે. તાજેતરમાં ત્યાં એક વિમાની મથક બનાવવામાં આવ્યું છે. 1947-48થી આ વિસ્તાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે.

ગિલગિટ વિસ્તાર : આશરે 16,000 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ પ્રદેશમાં હુંઝા, નાગાર, ચિલાસ, પુનિયાલ, ઇશ્કુમાન, કૂહ અને ઘિઝાર જેવાં માંડલિક રાજ્યોનો સમાવેશ થાય છે. સમગ્ર વસ્તી આગાખાનના શિયા મુસલમાન અનુયાયીઓની છે. એક જમાનામાં બ્રિટન, ચીન તથા રશિયાનાં સામ્રાજ્યો ત્યાં ભેગાં થયાં હતાં તથા તેની સરહદો અફઘાનિસ્તાનને પણ મળતી હતી. મધ્ય એશિયા તરફ અને ગિલગિટ તથા બાલ્ટિસ્તાનની પડખે રશિયા તથા ચીનના સામ્યવાદીઓનું વિસ્તરણ થતાં આ પ્રદેશનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધ્યું છે.

હિમાલયની જે પર્વતશૃંખલાઓ લદ્દાખ અને બાલ્ટિસ્તાનને કાશ્મીરથી જુદાં પાડે છે તે જ પર્વતશૃંખલાઓ કાશ્મીર અને ગિલગિટને એકબીજાથી જુદાં પાડે છે. દરિયાની સપાટીથી આશરે 3,898 મીટરની ઊંચાઈ પરનો બુર્ઝિલા ઘાટ ગિલગિટ અને કાશ્મીર વચ્ચે સીધી અને ટૂંકામાં ટૂંકી કડી છે, છતાં પાકિસ્તાનમાંથી કિશ્વાર મારફત ગિલગિટમાં સહેલાઈથી પ્રવેશ કરી શકાય છે. ખૂબ પર્વતાળ એવા આ વિસ્તારમાં જ ગિલગિટની ખીણ પણ આવેલી છે, જેનો લશ્કરી ર્દષ્ટિએ તથા હવાઈ મથક તરીકે વ્યૂહાત્મક ઉપયોગ કરી શકાય છે. 1947-48થી બુર્ઝિલા ઘાટ સાથેનો ગિલગિટનો સમગ્ર વિસ્તાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. પાકિસ્તાને આ વિસ્તારનો લશ્કરી મથક તરીકે વિકાસ કર્યો છે. પાકિસ્તાન અને ચીન જે માર્ગ દ્વારા એકબીજા સાથે સંબંધ રાખી શકે છે, તે માર્ગ પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. તેને લીધે વ્યૂહાત્મક ર્દષ્ટિએ આ વિસ્તાર ઘણું મહત્વ ધરાવે છે.

મીરપુરપુંચમુઝફ્ફરાબાદ વિસ્તાર : આશરે 1554 ચોકિમી.નું ચોમા.નું ક્ષેત્રફળ ધરાવતો જેલમ નદીનો આ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર રાજ્યના પશ્ચિમ તરફની સરહદનો વિસ્તાર હોવાથી દેશના સંરક્ષણની ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. અહીં કાશ્મીર રાજ્યનો ડુંગરાળ પ્રદેશ પૂરો થાય છે તથા પાકિસ્તાનનો મેદાની પ્રદેશ અહીંથી જ શરૂ થાય છે. જેલમ અને કૃષ્ણગંગા નદીના સંગમ પર વસેલું મુઝફ્ફરાબાદ નગર તેમજ પુંચ અને મીરપુર નગરો વ્યૂહાત્મક ર્દષ્ટિએ મહત્વનાં છે કારણ કે ત્યાંથી ઘણા મહત્વના માર્ગો પસાર થાય છે. દા.ત., રાવલપિંડી-અબોટાબાદ-મુઝફ્ફરાબાદ માર્ગ, કૂપવારા- સોપુર-શ્રીનગર માર્ગ, ઇસ્લામાબાદ-મુઝફ્ફરાબાદ-રાવલકોટ- કહૂટા માર્ગ, પુંચ-કોટલી-મીરપુર માર્ગ વગેરે. જેલમ નદીની પડખેથી પસાર થતો તથા રાજ્યની પશ્ચિમ તરફની સરહદને સમાંતર એવો જમ્મુ-નૌશેરા-રાજોરી-મેંઢર-પુંચ માર્ગ ભારત માટે જીવાદોરીરૂપ છે. જેલમ, કૃષ્ણગંગા તથા પુંચ નદીઓના પ્રદેશની ખીણોમાં લશ્કરી કાર્યવાહી માટે અનુકૂળ પ્રદેશો છે. માંગલા ખાતેની જેલમ નદીના ઉપરવાસની નહેર તથા માંગલા બંધ આ જ વિસ્તારમાં મીરપુર પાસે આવેલાં છે. સામાન્ય નિરીક્ષણ પરથી પણ જણાય છે કે આ વિસ્તાર પંજાબના પશ્ચિમ તરફના પ્રદેશ પર તથા વાયવ્ય સરહદી પ્રાંત પર પ્રભુત્વ ધરાવે છે તથા જેલમ નદીની એકથી બીજી બાજુ સુધીની કાશ્મીરની ખીણને પાકિસ્તાનથી રક્ષણ પૂરું પાડે છે.

કાશ્મીરની ખીણનો વિસ્તાર : વિવિધ પ્રકારના પ્રદેશોથી ઘેરાયેલો, હિમાલયની પર્વતમાળા દ્વારા અન્ય વિસ્તારોથી વિખૂટો પડેલો તથા રાજ્યના મધ્યભાગમાં આવેલો આ પ્રદેશ ‘નંદનવન’ તથા ‘એશિયાનું રમતનું મેદાન’ તરીકે ખ્યાતિ ધરાવે છે. કશ્યપ ઋષિના મૂળ વતનરૂપ આ સૌંદર્યધામમાં જેલમ નદીની ખીણ ઉપરાંત અન્ય ઘણી નાનીમોટી ખીણો આવેલી છે. તેમાં જેલમની ઉપનદીઓ લિડર તથા સિંધની ખીણોનો પણ સમાવેશ થાય છે. રાજ્યના અન્ય વિસ્તારો અને મહત્વનાં નગરો સાથેની વાહનવ્યવહારની સુગમ વ્યવસ્થાને લીધે આ વિસ્તાર સંરક્ષણર્દષ્ટિએ મહત્વનો છે. લશ્કરી કાર્યવાહીથી આજુબાજુના અન્ય કોઈ પણ વિસ્તાર પર કબજો કરવો હોય તો તે માટે જરૂરી ગણાતી પ્રાકૃતિક તથા વ્યૂહાત્મક અનુકૂળતાઓ આ ખીણો પૂરી પાડે છે તેવી જ રીતે આ પ્રદેશ ગુમાવવાથી જમ્મુ વિસ્તાર બાદ કરતાં કદાચ રાજ્યના બાકીના વિસ્તારોની સંરક્ષણ-વ્યવસ્થા માટે મોટું જોખમ ઊભું થવા સંભવ છે.

આમ સંરક્ષણની વ્યૂહાત્મક ગોઠવણો અને વ્યવસ્થાતંત્રની ર્દષ્ટિએ જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારત માટે અત્યંત મહત્વનું છે, કારણ કે તેની સરહદો અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને ચીન એ ત્રણે દેશોના સીમાડાને સ્પર્શે છે અને તેમાંના બે દેશો(પાકિસ્તાન અને ચીન)ના ભારત સાથે મૈત્રીભર્યા કહી શકાય તેવા સંબંધો હાલ નથી. ઉપરાંત જૂનું સોવિયેત સંઘ ભારતના સીમાડાઓથી બહુ દૂર નથી અને 1992માં ત્યાં જે રાજકીય ફેરફારો થયા છે તેના પરિપ્રેક્ષ્યમાં ભારતને સજાગ રહેવાની જરૂર છે. ભારતનાં બે સંવેદનશીલ રાજ્યો પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદો પણ જમ્મુ અને કાશ્મીર રાજ્યની સરહદોને મળે છે, જેને લીધે સંરક્ષણની વ્યૂહરચનાની ર્દષ્ટિએ આ સમગ્ર વિસ્તાર પરસ્પરાવલંબી છે.

રાજ્યના દક્ષિણ તરફના પ્રદેશો પર આક્રમણ કરવાના હેતુથી કોઈ વિદેશી સત્તા કાવતરું ઘડે અથવા હિલચાલ કરે તો તેને અવરોધક બની શકે તેવી પાંચ વિશાળ પર્વતમાળાઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં છે : આધિલ, કારાકોરમ, લદ્દાખ, હિમાલય અને પીરપંજાલ, રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદો પર 17 જેટલા ઘાટ છે તથા રાજ્યના વિસ્તારની પાંચ નદીઓ દ્વારા પ્રાકૃતિક ર્દષ્ટિએ વિભક્ત થયેલા પાંચ વિશાળ પેટાવિભાગ છે, જેમાં મોટા પાયા પર લશ્કરી ગોઠવણો થઈ શકે તેમ છે. આ નદીઓમાં શ્યોક, નુબ્રા, સિંધુ, જેલમ તથા ચિનાબનો સમાવેશ થાય છે.

આમ સમગ્ર વાયવ્ય ભારત પરના કોઈ પણ બાહ્ય આક્રમણને ખાળવા માટે જમ્મુ અને કાશ્મીર રાજ્ય કુદરતી અવરોધો સાથેનું મહત્વનું નિયંત્રણકેન્દ્ર છે. તેથી આ રાજ્યને લશ્કરી વ્યવસ્થાની ર્દષ્ટિએ સતત તૈયાર રાખવાથી ભારત પરના કોઈ પણ આક્રમણનો જડબાતોડ જવાબ આપી શકાય તેમ છે. (જુઓ : આઝાદ કાશ્મીર, ગુ. વિ. ગ્રંથ 1)

શિવપ્રસાદ રાજગોર

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ

પી. સી. ચતુર્વેદી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી