કાવ્યન્યાય (poetic justice) : સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત. તેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો અંગ્રેજ વિવેચક ટોમસ રાઇમરે. તેમનાં ‘ટ્રેજેડિઝ ઑવ્ ધ લાસ્ટ એજ કન્સિડર્ડ’(1678)માં કૃતિના અંતે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોના વિનાશની કલ્પના દર્શાવવા માટે અથવા તો વિવિધ પાત્રોના સુકૃત્ય કે દુષ્કૃત્યનો બદલો આપવાનું સૂચન આ શબ્દપ્રયોગ દ્વારા કર્યું હતું. રાઇમરની એ ધારણા હતી કે વાસ્તવિક દુનિયામાં ખરેખર ‘ધર્મીને ઘેર ધાડ ને દુર્જનને ઘીકેળાં’ જેવી ઘટનાઓ બનતી હોય છે. તે પ્રમાણે કાવ્યમાં બનવું ન જોઈએ. કાવ્ય તે કવિની સાર્વભૌમ સત્તાનું ક્ષેત્ર હોવાથી તેના પર ચાલતો વ્યવહાર કવિના શિષ્ટાચાર અને નીતિમત્તાના ઊંચા માપદંડ અનુસાર મૂલવવો જોઈએ. એ વાત ખરી કે આ સિદ્ધાંત કરુણ સંકટ(પીડા)ની શક્યતાનો સમૂળો છેદ ઉડાડે છે. જોકે કેટલાક સમર્થ લેખકોમાં છેક રાઇમરના સમયથી શરૂ કરીને આજ (2005) પર્યન્ત આ સિદ્ધાંતનું પાલન થયેલું જોવા મળે. છતાંય એવું બને કે કોઈ કૃતિમાં ક્યારેક નાયક કે પુરસ્કર્તા પાત્ર પોતાની કરુણન્યૂનતા(tragic-flaw)થી ઉપરવટ જઈ કાવ્યન્યાયથી વિપરીત પરિણામ ભોગવતો ભોગવતો ગૌરવ અને પ્રશંસાનો અધિકારી બને છે.
અન્યાયોથી મુક્ત કરનારી કોઈ દૈવી દયાશીલ શક્તિ વિશ્વનું સંચાલન કરે છે તે ખરું. પરંતુ આ પરિસ્થિતિનું ચિત્રણ કરવા જતાં સર્જક જીવનનું વાસ્તવિક દર્શન કરાવી શકતો નથી એ મુશ્કેલી છે.
અમુક કૃતિઓમાં થતા દુ:ખદ ઘટનાના નિરૂપણમાં પાત્ર પોતે પોતાનાં દુષ્કૃત્યનો ભોગ બનતો હોય છે. શેક્સપિયરની સુપ્રસિદ્ધ નાટ્યકૃતિ ‘હેમ્લેટ’માં લેયર્ટીસ હેમ્લેટને જાનથી મારી નાંખવા તલવારની ટોચ ઉપર કપટથી વિષ લગાવી દે છે, પરંતુ તે જ તલવારથી હેમ્લેટ લેયર્ટીસને મરણતોલ રીતે જખમી કરી બેસે છે. આ ઘટના વિધિના લેખ અચલ હોય છે તેવી પરંપરાગત કલ્પનાનું સમર્થન કરતી જણાય છે.
આમ દુષ્કૃત્યને યોગ્ય સજા થવી જોઈએ અને સત્કૃત્યને ન્યાયપુર:સર ફળ પ્રાપ્ત થવું જોઈએ એવું કાવ્યન્યાયના સિદ્ધાન્તમાં અભિપ્રેત છે. જોકે સત્તરમી સદીના અંત પછી કેટલીય કૃતિઓમાં અને ખાસ કરીને કોર્નેલ તથા એડિસન જેવા સર્જકોએ આ માન્યતાનો સમૂળગો છેદ ઉડાડી દીધો. છતાંય સાહિત્યની કૃતિમાં કાવ્યન્યાય હોવો ઘટે એવું સામાન્ય ભાવકનું મનોવલણ રહ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી