કાવ્ય (સંસ્કૃત) : કવિનું કર્મ, કવિના રચનાવ્યાપાર ફલિત રૂપનું તે કાવ્ય. કાવ્યશાસ્ત્રીઓએ ‘કાવ્ય’ને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે : 1. કવિવ્યાપારની ર્દષ્ટિએ અને 2. લક્ષણનિર્દેશની ર્દષ્ટિએ. રાજશેખર, વિદ્યાધર, અભિનવગુપ્ત, મમ્મટ આદિ આલંકારિકો સ્પષ્ટપણે ‘કવિનો રચનાવ્યાપાર તે કાવ્ય’ એમ કહે છે. રાજશેખર કહે છે, ‘કવિ શબ્દ कवृ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે અને કાવ્ય તેના કર્મનું રૂપ છે.’ મમ્મટ અનુસાર કાવ્ય એટલે ‘લોકોત્તર વર્ણન નિપુણ કવિનું કર્મ.’ એટલે કે કવિની ભાષિક અભિવ્યક્તિ જે તેના અલૌકિક વર્ણનકૌશલને લીધે બ્રહ્માનંદસહોદર આનંદ આપે છે તે કાવ્ય છે. અભિનવગુપ્ત, વિદ્યાધર આદિએ પણ આમ જ કહ્યું છે. પાશ્ચાત્ય વિવેચકોમાંના કેટલાકે પણ આ મતલબની વ્યાખ્યા આપી છે.

પરન્તુ આમ વિચારતાં ‘કાવ્ય રચે તે કવિ’ અને ‘કવિ રચે તે કાવ્ય’ એવો અન્યોન્યાશ્રય થવા સંભવ છે. તેથી પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ (આલંકારિકોએ) કાવ્યનું લક્ષણ નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો; પણ ‘કાવ્ય’ પરિભાષાના નિશ્ચિત ચોકઠામાં બંધાઈ શકતું નથી. તેથી આલંકારિકોએ આપેલાં લક્ષણ વ્યાવર્તક કે શુદ્ધ પરિભાષાનાં નથી. માત્ર તેની લાક્ષણિકતાઓ કે વિશિષ્ટ તત્વોનાં દ્યોતક બની રહ્યાં છે. ભામહ અનુસાર शब्दार्थौ सहितौ काव्यम् – શબ્દ અને અર્થ બંનેની વિશેષતાઓ જેમાં એકસાથે પ્રગટ થાય તેવું તેમનું સહિતત્વ તે કાવ્ય. અન્ય શાસ્ત્રોમાં અર્થ વધારે મહત્વનો હોય છે. અન્ય કેટલીક કલાઓમાં પણ અર્થની અભિવ્યક્તિ માટે શબ્દેતર માધ્યમ સ્વીકારાયું છે. ચિત્રકલામાં રંગ અને રેખા દ્વારા અર્થાભિવ્યક્તિ થાય છે; સંગીત સૂર અને લય દ્વારા માણી શકાય છે; તેમ શબ્દ દ્વારા રમણીય અર્થનું પ્રકટીકરણ જેમાં હોય તે કાવ્ય. છતાં માત્ર ‘शब्दार्थो’ એમ કહેવાથી કાવ્યનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ થતું નથી, કેમ કે આ લક્ષણ બધીય ભાષિક અભિવ્યક્તિઓમાં અતિવ્યાપ્ત થાય. એટલે આલંકારિકોએ ‘शब्दार्थौ’ પદને વિશદ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ મોટે ભાગે તે બધાં લક્ષણો શબ્દ અને અર્થનાં વિશેષણો માત્ર બની રહે છે, જેમ કે મમ્મટે કહ્યું, ‘‘અદોષ, સગુણ અને પ્રાય: સાલંકાર શબ્દાર્થ તે કાવ્ય.’’ આનંદવર્ધને કહ્યું, ‘સહૃદયોનાં હૃદયને આહલાદિત કરનાર શબ્દાર્થસહકારિતા તે કાવ્ય.’ હેમચંદ્રાચાર્યે પણ ‘અદોષ, સગુણ, સાલંકાર શબ્દાર્થો તે કાવ્ય’ એમ કહ્યું.

આમ શબ્દ અને અર્થનાં વિશેષણો પ્રયોજી કાવ્યનું સ્વરૂપ નિર્ધારિત કરવાના પ્રયત્ન થયા, એથી માત્ર કાવ્યના બાહ્ય સ્વરૂપનો થોડોક ખ્યાલ આવ્યો, પણ તેનું અન્તર્ભૂત તત્વ વ્યક્ત ન થયું. ભારતીય કાવ્યશાસ્ત્રમાં ‘કાવ્યનો આત્મા’ શોધવાની પ્રવૃત્તિ ઘણા સમય પહેલાં શરૂ થઈ હતી. દંડીએ સ્પષ્ટ કહ્યું કે ‘शरीरं तावदिष्टार्थव्यवच्छिन्ना पदावली’ – ઇષ્ટ અર્થને પ્રગટ કરનાર પદાવલી એ તો માત્ર કાવ્યશરીર જ છે. આનંદવર્ધને પણ કહ્યું, ‘शब्दार्थशरीरं तावत् काव्यम्’ – શબ્દ અને અર્થ કાવ્યનું શરીર માત્ર છે. કાવ્યનો આત્મા તે બંનેથી પર કે ઉપર છે. આ તત્વની શોધને પરિણામે ભારતીય કાવ્યશાસ્ત્રમાં અનેક સંપ્રદાયોનો ઉદભવ થયો. આવા છ સંપ્રદાયો જાણીતા છે : રસ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય. આમાંનો રસસંપ્રદાય સૌથી પ્રાચીન અને પ્રધાન કહી શકાય એવો સંપ્રદાય છે. રસ કાવ્યનું જીવાતુભૂત તત્વ છે એમ તો સ્વીકારાયું છે, પણ એને ઓછુંવત્તું મહત્વ આપી કાવ્યનાં અન્ય તત્વોને પ્રાધાન્ય આપવાના પ્રયત્નો થયા તેથી રસની ગૌણ તત્વ તરીકે ગણના થઈ. રસને કાવ્યમાં અધ્યાહૃત ગણવા છતાં તેના પર જોઈએ તેટલો ભાર મુકાયો નહિ. શબ્દ અને અર્થ રસાભિવ્યક્તિનાં સાધનો છે. વિભાવ, અનુભાવ અને સંચારી ભાવોનાં નિરૂપણ દ્વારા સ્થાયીભાવની જાગૃતિ થતાં રસનિષ્પત્તિ થાય છે. આવું રસાત્મક વાક્ય તે કાવ્ય. રતિ આદિ આઠ સ્થાયી ભાવો ઉપરથી આઠ રસ નિષ્પન્ન થાય છે. કાલિદાસે ‘અષ્ટરસાશ્રય’ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. પછીના સમયમાં નવમા શાન્ત રસનો પણ સ્વીકાર થયો. અલંકાર ચમત્કૃતિજનક હોઈ કાવ્યમાં અલંકાર જ પ્રધાન છે એવો અલંકારવાદીઓનો આગ્રહ હતો. જયદેવે તો ત્યાં સુધી કહ્યું કે અલંકારરહિત શબ્દાર્થ પણ જો કાવ્ય કહેવાતા હોય તો ઉષ્મારહિત રાખ અગ્નિ ગણાવી જોઈએ ! અલંકારતત્વવાદીઓએ અલંકાર શબ્દને બે અર્થમાં પ્રયોજ્યો છે : 1. અલંકાર એટલે કાવ્યનું સમગ્ર સૌન્દર્ય અને 2. અલંકાર એટલે કાવ્યસૌન્દર્ય નિર્માણ કરનાર ઉપકરણ. પ્રથમ અર્થ સ્વીકારતાં તો કોઈ વિવાદ રહેતો નથી, પણ સૌન્દર્યના ઉપકરણને કાવ્યાત્મા કહેતાં જ મતભેદ ઊભો થાય છે. વામન જેવા આલંકારિકોએ ‘રીતિ’ને કાવ્યનો આત્મા ગણ્યો. રીતિ એટલે વિશિષ્ટ પ્રકારની પદરચના અને રચનાવૈશિષ્ટ્ય એટલે કાવ્યગુણોનો સન્નિવેશ. આમ તેણે ગુણોને પ્રાધાન્ય આપ્યું તેથી કેટલાકો રીતિસંપ્રદાયને ગુણસંપ્રદાય પણ કહે છે. મમ્મટે ‘અવયવસંસ્થાનવિશેષ’ તરીકે સ્વીકારી રીતિને ગૌણતત્વમાં સમાવી. વૈદર્ભી, ગૌડી, પાંચાલી વગેરે દેશવિશેષપરક નામો આ સંપ્રદાયમાં હતાં, પણ પરવર્તી આચાર્યોએ તેમાંથી પ્રાદેશિકતાનો અર્થ તજી વિશિષ્ટ તત્વને પ્રધાન ગણ્યું. વૈદર્ભી શૈલી, એ રીતે, ‘સુકુમાર માર્ગ’ અને ગૌડી શૈલી ‘વિચિત્ર માર્ગ’ એવાં નામોથી ઓળખાઈ. ધ્વનિને સર્વપ્રથમ આનંદવર્ધને કાવ્યાત્મા તરીકે સ્વીકાર્યો. વૈયાકરણોના સ્ફોટસિદ્ધાંતમાંથી પ્રેરણા લઈ એમણે ધ્વનિનું પ્રસ્થાપન કર્યું. ગુણ, અલંકાર, રીતિ આદિથી ભિન્ન એવો એક વ્યંગ્યાર્થવિશેષ કવિની વાણીમાં હોય છે તે ધ્વનિ. વાચ્ય અને લક્ષ્ય એ બે જ અર્થોના પુરસ્કર્તા આલંકારિકોએ ધ્વનિનો વિરોધ પણ કર્યો છે અને મમ્મટ જેવા સમર્થ પુરસ્કર્તા દ્વારા એનું ર્દઢ સ્થાપન પણ થયું છે. કેટલાકો ધ્વનિને રસસંપ્રદાયનું વિસ્તરણમાત્ર માને છે, કેમ કે કાવ્યમાં રસની અભિવ્યક્તિ સીધેસીધી થતી નથી, પણ તે ધ્વનિત થાય છે. શબ્દમાંથી, અર્થમાંથી, પદબંધમાંથી કે સમસ્ત પ્રબંધમાંથી સ્ફુરતો સીધા અર્થથી વિશિષ્ટ એવો વ્યંગ્ય ધ્વનિ હૃદયને આહલાદિત કરે છે.

આમ કાવ્યના આત્મા તરીકે ધ્વનિ સ્વાભાવિકપણે સ્વીકારાયો છે. કુન્તક જેવા આલંકારિકોએ વક્રોક્તિને કાવ્યનો આત્મા ગણ્યો છે. ‘શબ્દોની ચાતુર્યપૂર્ણ ભંગિ’ તે વક્રોક્તિ. આ રીતે આ સંપ્રદાય રીતિ-સંપ્રદાયનો વિસ્તાર છે એમ લાગ્યા વિના રહેતું નથી. અન્ય આચાર્યોએ વક્રોક્તિને કાવ્યચમત્કૃતિજનક તત્ત્વ ગણ્યું છે ખરું, પણ કુન્તકની જેમ એને કાવ્યનું જીવાતુભૂત તત્વ ગણ્યું નથી. ક્ષેમેન્દ્રે ઔચિત્યને કાવ્યજીવિત કહ્યું. દેશ, કાલ, પ્રસંગ, રસ, શબ્દ અને અર્થનો પ્રયોગ વગેરેનો ઔચિત્યપૂર્ણ સન્નિવેશ જ કાવ્યનું મૂળભૂત તત્વ છે એમ ક્ષેમેન્દ્રે કહ્યું. ઔચિત્યનો પુરસ્કાર તો આલંકારિકોએ કર્યો જ છે, પણ એ જ કાવ્યનો આત્મા છે એમ ગણવું વધારે પડતું છે એમ ઘણાનો મત છે. કંઠમાં મેખલા પહેરવામાં ઔચિત્ય નથી, તેમજ નિતંબ પર કંઠહાર શોભતો નથી એ ખરું, પણ કંઠે હાર કે નિતંબે મેખલા એટલામાત્રથી ચારુતા સમગ્રપણે વ્યક્ત થતી નથી. વસ્તુત: ઔચિત્ય એ સમગ્ર માનવવ્યવહારનું અપરિહાર્ય તત્વ છે. એને સંપ્રદાયમાં બાંધવું ઉચિત નથી. આચાર્ય ભરતથી માંડી પંડિતરાજ જગન્નાથ સુધીના લગભગ બે હજાર વર્ષના ગાળામાં 40-45 જેટલા પ્રમુખ આચાર્યોએ, આમ, કાવ્યતત્વ અંગેની ગંભીર વિચારણાઓ કરી છે. છતાં જાણે કશુંક શેષ રહી ગયું છે. તેથી જ જાણે જગન્નાથે ‘રમણીય અર્થનો પ્રતિપાદક શબ્દ તે કાવ્ય’ એમ કહી સર્વ કાવ્યવૈચિત્ર્યોને સમાવી લેનાર ‘રમણીય’ શબ્દનો પ્રયોગ કર્યો. ‘રસ’ને પણ શૃંગાર વગેરેનાં ચોકઠાંમાંથી બહાર લાવી ‘સહૃદયના હૃદયને સ્પર્શ કરનાર તત્વ’ તરીકે સ્વીકારવાનો ઉપક્રમ પાછળના સાહિત્યવિવેચનમાં જોવા મળે છે. એ રીતે રસ માત્ર આઠ કે નવ જ નહિ, પણ ભાવકવિશેષે અને દેશકાલવિશેષે અનેક છે એ વસ્તુસ્થિતિનો સ્વીકાર થયો છે. આ સર્વનો મિલિતાર્થ જોતાં ભાષા તથા ભાવને સમાવી લેતા શબ્દ અને અર્થની રમણીયતાવાળી વાક્યરચના કાવ્ય કહેવાય. પાશ્ચાત્ય વિચારનો સમન્વય કરતાં પણ એમ કહી શકાય કે કલ્પના અને અનુભૂતિ દ્વારા ગૃહીત સત્યની રમણીય શબ્દાર્થમાં અભિવ્યક્તિ તે કાવ્ય.

રસાનુભૂતિની રીતિને અનુસરી, ભારતીય પરંપરાએ કાવ્યને ર્દશ્ય અને શ્રાવ્ય એમ બે પ્રકારોમાં વિભક્ત કર્યું છે. દર્શન દ્વારા માણી શકાય તેવાં રૂપકો ર્દશ્ય કાવ્ય છે. જે વ્યક્તિની ભૂમિકા ભજવવાની હોય તેનાં રૂપ, ભાવ અને ભાષાનું આરોપણ અભિનેતા પર થાય છે, તેથી તે કાવ્યપ્રયોગ રૂપક કહેવાયો છે. શ્રાવ્ય પ્રકારમાં શ્રવણ રસાનુભૂતિનું મુખ્ય ઉપકરણ છે તેથી તે શ્રાવ્ય કહેવાયું. ર્દશ્ય કાવ્યમાં નાટ્યપ્રકારો, ગાન સાથેનું નૃત્ય અને નૃત્ત એ સર્વનો સમાવેશ થાય છે. નૃત્ય અને નૃત્ત અંગેનાં સ્વતંત્ર શાસ્ત્રો છે. કાવ્યશાસ્ત્રમાં મુખ્યત્વે રૂપક પ્રકારની ચર્ચા છે. કેટલાક નાટ્યપ્રકારોમાં નૃત્યનૃત્ત પણ અંગીભૂત છે. વસ્તુ, નાયકનાયિકા અને રસની ર્દષ્ટિએ રૂપકના દસ પ્રકારો ગણાયા છે : નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવકાર, વીથિ, અંક કે ઉત્સૃષ્ટિકાંક અને ઇહામૃગ. રૂપકો ખાનગી કે જાહેર નાટ્યગૃહોમાં અથવા મોટા લોકમેળા વખતે ઊભા કરેલા રંગમંચ પર કે મેદાનમાં ભજવાતાં. કેટલાંક ઉપરૂપકો જે લોકનાટ્ય પ્રકારનાં છે તે ખુલ્લી રંગભૂમિ પર ભજવાતાં. વસ્તુની ર્દષ્ટિએ રૂપકોમાં નાટક અને ઉપરૂપકોમાં નાટિકા, ત્રોટક વગેરેમાં રાજા, દેવ કે અર્ધદેવને લગતાં વસ્તુ રહેતાં. પ્રકરણ, પ્રકરણી વગેરેમાં ભદ્ર સમાજના લોકોનું વસ્તુવૃત્ત રહેતું. મોટાભાગનાં ઉપરૂપકો અને ભાણ, પ્રહસન જેવાં રૂપકો જનસામાન્યમાંથી લીધેલા વસ્તુવૃત્તવાળાં અને લોકનાટ્ય પ્રકારનાં હતાં. રૂપકો અને ઉપરૂપકોમાંના ઘણા પ્રકારો સાંપ્રત સમયમાં ઊતરી આવ્યા છે. ઉપરૂપકોમાં નાટિકા, ત્રોટક, ગોષ્ઠિ, સટ્ટક, નાટ્યરાસક, પ્રસ્થાન, ઉલ્લાપ્ય, કાવ્ય, પ્રેંખણ, રાસક, સંલ્લાપક, શ્રીગદિત, શિલ્પક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણી, હલ્લીસક, ભાણિકા તેમજ શારદાતનયના મતે પારિજાતલતા, કલ્પવલ્લી, ડોમ્બિકા વગેરે પ્રકારો હતા અને તેમાંના કેટલાકની કૃતિઓ પણ ઉપલબ્ધ છે. નાટક, પ્રકરણ, ભાણ, વ્યાયોગ જેવા રૂપકપ્રકારોનાં ઘણાં ઉદાહરણો પ્રાપ્ત છે. નાટિકા, ત્રોટક, નાટ્યરાસક, રાસક જેવાં ઉપરૂપકોનાં પણ ઉદાહરણો મળે છે. સંસ્કૃતમાં ભાસનાં નવોપલબ્ધ તેર રૂપકો પ્રસિદ્ધ છે. ટી. ગણપતિ શાસ્ત્રીએ તેમનો ઉદ્ધાર કર્યો તે પૂર્વે ‘સ્વપ્નવાસવદત્તનાટક’નું નામ માત્ર સુભાષિતોમાં સચવાયેલું હતું. કવિપુત્ર સૌમિલ, રામિલ વગેરેનાં નામ કાલિદાસે માનપુર:સર ગણાવ્યાં, પણ તેમનું કોઈ રૂપક હાલ ઉપલબ્ધ નથી. અશ્વઘોષનાં રૂપકોમાં ‘શારીપુત્રપ્રકરણ’નો નાનકડો અંશમાત્ર ઉપલબ્ધ છે. શૂદ્રકનું ‘મૃચ્છકટિકમ્’ પ્રકરણ તેના વિશિષ્ટ વસ્તુ અને પાત્રવૈવિધ્યને લીધે ઘણું સરસ રૂપક છે. કાલિદાસની નાટ્યકૃતિઓમાં ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ સંસ્કૃત સાહિત્યમાંનાં ઉત્તમ નાટકોમાંનું એક ગણાયું છે. ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’, વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’, નારાયણ ભટ્ટનું ‘વેણીસંહાર’ વગેરે પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ છે. શ્રીહર્ષની ‘રત્નાવલી’ ને ‘પ્રિયદર્શિકા’ નાટિકાઓ અને ‘નાગાનન્દ’ નાટક જાણીતાં છે. સંસ્કૃતમાં રૂપક સાહિત્ય ઠીક ઠીક ખેડાયું છે.

શ્રાવ્ય કાવ્ય ગદ્ય, પદ્ય અને મિશ્ર કે ચમ્પૂ એમ ત્રણ પ્રકારનું છે. પદ્યમાં આર્ષકાવ્ય, મહાકાવ્ય, ખંડકાવ્ય, મુક્તક, સ્તોત્ર જેવા અનેક પ્રકાર ઉપલબ્ધ છે. કાલિદાસનાં ‘રઘુવંશ’ અને ‘કુમારસંભવ’ મહાકાવ્યો સંસ્કૃતનાં પંચમહાકાવ્યોમાં ગણાયેલાં સુપ્રસિદ્ધ મહાકાવ્યો છે. વીસમી શતાબ્દીમાં ઉપલબ્ધ થયેલું અશ્વઘોષનું ‘બુદ્ધચરિત’ અને ‘સૌન્દરનન્દ’ પણ ઉલ્લેખનીય મહાકાવ્યો છે. ભારવિ કવિનું ‘કિરાતાર્જુનીય’, માઘનું ‘શિશુપાલવધ’ અને શ્રીહર્ષનું ‘નૈષધીયચરિત’ એ અન્ય પ્રસિદ્ધ મહાકાવ્યો છે. બીજાં પણ કેટલાંક પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ કાવ્યો છે. ગુજરાતમાં સોલંકી કાળમાં હેમચંદ્રાચાર્યનું ‘કુમારપાલચરિત’ અને સોમેશ્વરદેવનું ‘કીર્તિકૌમુદી’ ઉચ્ચ કોટિનાં કાવ્યો છે. ખંડકાવ્યોમાં કાલિદાસનું ‘મેઘદૂત’ શ્રેષ્ઠ નમૂનો છે. એના અનુકરણ રૂપે અનેક સંદેશકાવ્યો રચાયાં છે. મુક્તક એ ઘણા પ્રાચીન કાળથી ખેડાયેલો કાવ્યપ્રકાર છે. વેદમંત્રોમાં ગાથા શબ્દનો ઉલ્લેખ છે. ઐતરેય બ્રાહ્મણના ‘શુન:શેપ આખ્યાન’માં મુક્તક પ્રકારની કેટલીક ગાથાઓ છે. પાણિનિ પછીના કાળમાં આ પ્રકાર ખૂબ ખેડાયો છે. એક જ કવિનાં મુક્તકોનો સંગ્રહ કે અનેકોનાં સુભાષિત-મુક્તકોના અનેક મુક્તકસંગ્રહો મળે છે. સ્તોત્ર એ પ્રાચીનતમ કાવ્યપ્રકાર છે. ચારેય વેદોની સંહિતાઓમાં આવાં સ્તોત્રો સંગ્રહાયાં છે. વેદમાં તે સૂક્ત નામે ઓળખાય છે. સૂક્ત, સૂક્તિ જેવા શબ્દો ઉપરથી સુભાષિત શબ્દ આવ્યો હશે. જોકે બંનેનાં વર્ણ્યવસ્તુ કંઈક ભિન્ન હોય છે. રામાયણને આર્ષકાવ્ય કહ્યું છે એ ઔપચારિક છે.

ગદ્યકાવ્યના પ્રસિદ્ધ પ્રકારો કથા અને આખ્યાયિકા એ બે છે. કથા ઉત્પાદ્ય વૃત્તાન્તવાળી હોય અને આખ્યાયિકા ઘટિત વૃત્તાન્તવાળી હોય. કાદમ્બરી કથા અને હર્ષચરિત આખ્યાયિકા કહેવાય છે. ગદ્યમાં ચારુતા અને વર્ણનશૈલીની વિવિધતાની બાબતમાં બાણકવિની ‘કાદમ્બરી’ અને ‘હર્ષચરિત’ આદર્શરૂપ રચનાઓ છે. આ પૂર્વે યજુર્વેદના ગદ્યમાં, ઐતરેય આદિ બ્રાહ્મણોમાંનાં આખ્યાનોમાં, મહાભારતનાં થોડાંક ગદ્યાત્મક આખ્યાનોમાં, ભાગવતના કેટલાક ગદ્યાંશોમાં કાવ્યતત્વવાળું ગદ્ય હતું. પંચતંત્રાદિમાં સુભાષિતમિશ્ર કથાપ્રવાહની એક જુદી જ વિશેષતા છે. ગદ્યપદ્યમિશ્ર ચંપૂ એ ઉત્પાદ્ય કે ઘટિત વસ્તુ પર રચાયેલ ગદ્યપદ્યના ઉચિત મિશ્રણવાળો કાવ્યપ્રકાર છે. આ પ્રકારમાં કવિ સ્વચ્છન્દે ગદ્ય-પદ્યમાં વિહાર કરે છે. ત્રિવિક્રમ ભટ્ટનું ‘નલચમ્પૂ’, સોમદેવનું ‘યશસ્તિલકચમ્પૂ’ અને અન્ય ‘રામાયણચમ્પૂ’, ‘ભારતચમ્પૂ’, ‘વિશ્વગુણાદર્શચમ્પૂ’ વગેરે ઘણાં પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ ચમ્પૂકાવ્યો છે. ચમ્પૂમાં ગદ્યશૈલીની વિવિધતાઓ, શ્લેષાત્મક ચમત્કૃતિઓ, વર્ણનો વગેરે પ્રચુર માત્રામાં મળે છે.

ગદ્યાત્મક શાસ્ત્રીય વિષયવર્ણનો, ભાષ્યો વગેરે કાવ્યના ક્ષેત્રમાં ભલે ન આવતાં હોય, પણ શૈલીની ર્દષ્ટિએ એમાં સરસતા અવશ્ય મળે છે. આયુર્વેદ, જ્યોતિષ અને અન્યાન્ય શાસ્ત્રોમાં કેટલીક કૃતિઓનું ગદ્ય ઉચ્ચ કોટિનું કાવ્ય પણ છે.

સાંપ્રત સમયમાં પણ ગદ્ય, પદ્ય, નાટ્ય વગેરેમાં ઉચ્ચ કોટિની રચનાઓ થતી રહી છે. સૉનેટ, હાઇકુ જેવા અન્યદેશીય કાવ્યપ્રકારોમાં રચનાઓ થયેલી છે. થોડાંક મહાકાવ્યો પણ છે. ભગવદાચાર્યજીનું ‘ભારતપારિજાતમ્’ ગાંધી અને તેમની સ્વાતંત્ર્યલડતની પ્રવૃત્તિનું નિરૂપણ કરતું રસાત્મક મહાકાવ્ય છે.

ગિરીશ ઈ. ઠાકર