કાલયવન : પુરાણકથા અનુસાર એક યવનાધિપતિએ યાદવોના પરાજય માટે ગર્ગમુનિ પાસે ઉત્પન્ન કરાવેલો પુત્ર. તે ઘણો પ્રતાપી અને યાદવોથી જિતાય નહિ એવો હતો. જરાસંધની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી હતી. શ્રીકૃષ્ણને લાગ્યું કે મથુરાવાસીઓ એને હરાવી શકશે નહિ, ત્યારે તેમણે એક યુક્તિ કરી. યુદ્ધમાંથી પોતે નાસી જવાનો દેખાવ કરીને દોડવા લાગ્યા. કાલયવન સમજ્યો કે મારાથી ગભરાઈને તે નાસે છે એટલે શસ્ત્રસહિત એમની પાછળ દોડ્યો. દોડતાં દોડતાં પર્વતની જે ગુફામાં માન્ધાતાનો પુત્ર રાજા મુચકુંદ ઊંઘતો હતો ત્યાં જઈ, પોતાનું ઉત્તરીય મુચકુંદને ઓઢાડ્યું અને પોતે અંધકારમાં છુપાઈ ગયા. કાલયવને ગુફામાં જઈ, કૃષ્ણનું વસ્ત્ર ઓઢીને સૂતેલા મુચકુંદને કૃષ્ણ માની લઈ, તેમને લાત મારીને જગાડ્યા. મુચકુંદે જાગીને કાલયવનને ક્રોધ ભરેલી ર્દષ્ટિથી જોયો. તેમના કોપાગ્નિથી કાલયવન તત્કાળ બળીને ભસ્મ થઈ ગયો.

જયકુમાર ર. શુક્લ