કાલમ્ (1969) : મલયાલમ સર્જક એમ. ટી. વાસુદેવન નાયરની 1970નો સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા. ‘કાલમ્’નો અર્થ થાય છે સમય. કથાનું વસ્તુ કેરળની સાંપ્રતકાલીન રાજકીય, સામાજિક પરિસ્થિતિ છે, જેમાં બધા વર્ગના લોકોમાં અસહ્ય મોંઘવારી, દેશપ્રેમની ઓટ, કુટુંબનાં બંધનોની શિથિલતા વગેરેને કારણે પ્રવર્તેલી હતાશાનું નિરૂપણ કરાયું છે. કથાનાયક મધ્યમ વર્ગનો છે. એણે ઉચ્ચ શિક્ષણ લીધું હોવા છતાં નોકરી મળતી નથી અને આખરે એ સમાજવિરોધી ટોળકીના ફંદામાં ફસાઈ જેલ ભેગો થાય છે. તેમાં સમાજની અવદશાનું તાર્દશ ચિત્રણ છે. કેરળમાં નક્સલવાદી આંદોલને કેવાં ઊંડાં મૂળ નાખ્યાં તેનું નિરૂપણ આ નવલકથામાં થયેલું છે.

અક્કવુર નારાયણન્