ગોરિંગ, હરમન વિલ્હેમ (જ. 12 જાન્યુઆરી 1893, રોઝેનહેમ, બવેરિયા; અ. 15 ઑક્ટોબર 1946, ન્યૂરેમ્બર્ગ, જર્મની) : નાઝી જર્મનીના અગ્રણી નેતા, ટોચના લશ્કરી અધિકારી તથા હવાઈ દળ ‘લુફ્તવાફ’ અને ‘ગેસ્ટાપો’(છૂપી પોલીસ)ના સ્થાપક. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં જર્મનીના લશ્કરી નેતા રહ્યા તથા 1922માં નાઝી પક્ષમાં દાખલ થયા અને એસ.એ.(Storm troopers)નું સેનાપતિપદ સંભાળ્યું. 1923માં મ્યૂનિકના વિદ્રોહ(putsch)માં ભાગ લીધો અને ઘવાયા. 1923–27 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં દેશવટો ભોગવ્યો. 1928માં સંસદમાં નાઝી પક્ષના 12માંથી એક સભ્ય તરીકે જોડાયા અને 1932માં સંસદના પ્રમુખ બન્યા. 1933માં હિટલર સત્તા પર આવતાં તેની સરકારમાં હવાઈ દળ તથા આંતરિક બાબતોના મંત્રીપદે નિમાયા. નાઝી જર્મનીમાં છૂપી પોલીસની રચના એ તેમનું સૌથી મહત્વનું કાર્ય હતું. તેમણે નજરકેદીઓ માટે ઠેર ઠેર શિબિરો ઊભી કરી. 1934માં નાઝીઓના રાજકીય શુદ્ધીકરણ (purge) દરમિયાન પોતાના હરીફ સાથીઓને મોટી સંખ્યામાં મોતને ઘાટ ઉતાર્યા. 1935માં જર્મનીના હવાઈદળ ‘લુફ્તવાફ’ના સેનાપતિ બન્યા અને યુદ્ધના અર્થકારણનું આયોજન કર્યું. નાઝી જર્મનીના લશ્કરમાં ફિલ્ડમાર્શલનો હોદ્દો મેળવ્યા પછી તેઓ 1939માં હિટલરના ઉત્તરાધિકારી જાહેર થયા.
1941 પછી તેમની પ્રતિષ્ઠા અને વર્ચસ્માં ઓટ આવી. 1944માં તેમને નાઝી પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા. 1945માં હિટલર વિરોધી કાવતરું કરી સત્તા ઝૂંટવી લેવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ નીવડતાં તેમની ધરપકડ કરી મૃત્યુદંડની સજા ફરમાવી પરંતુ તે નાસી છૂટ્યા હતા. યુદ્ધની સમાપ્તિ પછી તેમની સામે ન્યૂરેમ્બર્ગ ખાતે ખાસ ન્યાયાલયમાં મિત્રરાષ્ટ્રો વતી કામ ચલાવવામાં આવ્યું અને 1946માં તેમને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી, જે અમલી બને તે પહેલાં ઝેર પીને તેમણે આપઘાત કર્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે