ગોરીલો : માનવની જેમ અંગુષ્ઠધારી (primate) શ્રેણી, anthropoidea અધોશ્રેણી અને અધિકુળ Hominoideaનું એક સસ્તન પ્રાણી. ગોરીલાનો સમાવેશ Pangidae કુળમાં થાય છે. ગોરીલો એક સૌથી મોટું અંગુષ્ઠધારી સસ્તન પ્રાણી છે. તેની ઊંચાઈ 1.5 મી. જેટલી અને વજન 150થી 200 કિગ્રા. જેટલું હોય છે. નર કરતાં માદા ગોરીલા કદમાં સહેજ નાની હોય છે. ગોરીલાના શરીરનો બાંધો મજબૂત, ગળું ટૂંકું, બાહુ માંસલ અને પહોળા, જ્યારે આંખ અને કાન નાનાં હોય છે. ચહેરો, પંજા, પગનાં તળિયાં જેવા ભાગોને બાદ કરતાં આખા શરીર પર લાંબા અને બરછટ વાળ આવેલા હોય છે. હાથ લાંબા અને મજબૂત, પંજા નાની આંગળીવાળા હોય છે. ચાલવા માટે એ હાથ અને પગ બંનેનો ઉપયોગ કરે છે. તેને ઘણી વાર માત્ર પગ પર ટટ્ટાર ઊભો રહેલો જોઈ શકાય છે. ગોરીલો વૃક્ષ પર હિલચાલ કરવા ખાસ ટેવાયેલો હોતો નથી; પરંતુ નિદ્રા માટે તે ઝાડ પર અથવા તો તેની નીચે સૂવું પસંદ કરે છે. દિવાચર હોવાને કારણે તે દિવસ દરમિયાન અહીંતહીં ફરીને જીવન પસાર કરે છે. તે ભાગ્યે જ બે દિવસ સુધી એક જગ્યાએ રહે છે.

ગોરીલા સમૂહજીવન ગુજારે છે. સામાન્યપણે એક નર, એક અથવા બે માદા અને જુદી જુદી ઉંમરનાં બચ્ચાંના સમૂહમાં રહે છે. દરરોજ જુદાં જુદાં વૃક્ષોની નીચલી ડાળી પર માદા અને બચ્ચાં રાત પસાર કરે છે, જ્યારે નર ઝાડની નીચે સૂકાં પાંદડાં પર સૂતો હોય છે.

ગોરીલો

અન્ય ઉચ્ચતર અંગુષ્ઠધારી સસ્તનોના પ્રમાણમાં ગોરીલો સહેજ મંદ બુદ્ધિવાળું પ્રાણી ગણાય છે. ગોરીલો સ્વભાવે સહેજ શરમાળ હોય છે. તે શાકાહારી પ્રાણી છે અને શાકભાજી, ફળ તથા અન્ય વનસ્પતિ ખાઈને જીવે છે. સામાન્યપણે તે બીજાં પ્રાણીઓની હત્યા કરતો નથી; પરંતુ ક્વચિત્ અસામાન્ય સંજોગોમાં સ્વરક્ષણ માટે અન્ય પ્રાણીઓની હત્યા કરતો જોવા મળે. કોઈ પણ પ્રાણીનો સામનો કરવાનો પ્રસંગ આવ્યો હોય ત્યારે માદા ત્યાંથી ખસી જાય છે. નર સ્થિર બની આક્રમક પ્રાણી સામે નજર ફેરવે છે. સામા પ્રાણી પર એની અસર ન થાય તો પંજાની મૂઠ બનાવી પોતાની છાતી પર પ્રહાર કરે છે, ઘૂરકે છે અને ગર્જના કરે છે. પ્રાણી ત્યાંથી ખસી જાય તો તે તેનો પીછો કરી તેને મારી નાખે છે; પરંતુ સામેનું પ્રાણી હાલ્યા વગર ત્યાં જ ઊભું રહે તો ગોરીલો પોતે જ ત્યાંથી ખસી જાય છે.

માદા બચ્ચાને ગમે તે ઋતુમાં જન્મ આપતી હોય છે. 8થી 9 મહિના ગર્ભ ધારણ કર્યા બાદ સામાન્યપણે એક બચ્ચાને જન્મ આપે છે.

આફ્રિકા ગોરીલાનું નિવાસસ્થાન છે. તેની બે જાત છે : Gorilla gorilla અને G. beringeri. ગોરીલા ઉષ્ણકટિબંધ પ્રદેશમાં આવેલા પશ્ચિમ આફ્રિકાની કૉંગો નદીની ખીણપ્રદેશનું વતની છે, જ્યારે બેરિંગેરી સ્વાયત્ત કૉંગોથી યુગાન્ડા સુધી પ્રસરેલા ડુંગરાળ તેમજ તેની આસપાસના જળપ્રદેશવાળા વિસ્તારોમાં વસે છે.

મ. શિ. દૂબળે